Monday, January 20, 2020

ચાલો, સીએએ, એનપીઆરઅને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

ચાલો, સીએએ, એનપીઆર અને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

(૧) સીએએ એટલે શું? સીટીઝન્સ એમેન્ડમેંટ્સ એકટ. નાગરીકતા સંશોધન સુધારેલો કાયદો.

(૨) એનપીઆર એટલે શું ? રાષ્ટ્રીય વસ્તી નોંધણી ( રજીસ્ટ્રેશન).

(૩) એનસીઆર એટલે શું ? રાષ્ટ્રીય નાગરીક નોંધણી( રજીસ્ટ્રેશન).

આ બધા કાયદાઓને સમજીએ તે પહેલાં ટુંકમાં તેના ઇતીહાસ તરફ નજર કરી લઇએ.

 ભારતના આસામ રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી આસામ વિધ્યાર્થી ગણ પરીષદ તરફથી ખુબજ મોટા પાયે વિધ્યાર્થી આંદોલન ચાલતું હતું. તેની માંગ હતી કે આસામ રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમા બંગલા દેશ સાથે જોડાયેલી છે. તેથી સરળતાથી આસામમાં સતત ઘણા બધા બંગલાદેશી નિર્વાસીતો ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી આવી જાય છે. આ ઉપરાંત આસામના ચા ના બગીચાઓમાં અને જંગલોમાંથી ઇમારતી લાકડાંના વેપારમાં મજુરોની જરૂરત હોવાથી નજીકના રાજ્યો પશ્ચિમબંગાળ, ઓરિસ્સા, અને બિહારમાંથી નાગરિકો– અકુશળ મજુરો ( અનસ્કીલ્ડ લેબરર્સ) તરીકે સતત બેરોકટોક રોજગારીની શોધમાં અવિરત પ્રવાહની માફક આવ્યા જ કરે છે. આવું મજુરોનું રોજગારી માટેનું સ્થળાંતર બ્રિટીશ હકુમતના દિવસોથી વ્યવસ્થિત આર્થિક પ્રવૃતિ તરીકે સ્વીકારીને ચલાવી લેવામાં આવ્યું હતું.

આ મજુરોના સ્થળાંતરથી આસામની વસ્તીમાં ' આસામ બાહિરે' નું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તે રાજ્યની સ્થાનીક મુલનિવાસી પ્રજા એક દિવસે લઘુમતીમાં આવી જશે. તેવી લાગણી પેદા થઇ અથવા કેળવવામાં આંદોલનકારો સફળ થયા. એટલું જ નહી પણ સ્થાનીકપ્રજાના, બધાના ધંધારોજગાર પણ જોખમમાં પુરેપરા મુકાઇ ગયા છે. રાજ્યની તમામ સ્થાનીક આર્થિક પ્રવૃતિનો કબજો ક્રમશ; બિનનિવાસી આસામીઓના હાથમાં લગભગ જતો રહ્યો છે.

આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર, દેશની સર્વૌચ્ચ અદાલત અને આસામની પ્રાદેશિક સરકાર, ત્રણેય કાયદેસર રીતે ભેગા મળીને એક સંમતિ કરાર(આસામ એકોર્ડ) કરવામાં આવ્યો હતો. જેમાં નવેસરથી આ સંમતિ કરારની તપાસના આધારે સને ૧૯૭૧ના વર્ષ પછી જે આસામમાં શરણાર્થીઓ(રેફ્યુજીસ–દેશના ગૃહમંત્રીની ભાષામાં ઘુસપેઠીયા અને સીએએના પ્રમાણપત્ર પછી ધાર્મીક શરણાર્થીઓ) સાબિત થાય તે બધાને ડીટેન્સન કેમ્પમાં, સૌ પ્રથમ પોતાના હાલના નીવાસસ્થાનેથી કાઢી મુકવા.

આ સંમતિ કરાર મજુબ આશરે ૧૬૦૦ કરોડના ખર્ચે આસામની ત્રણ કરોડની વસ્તીની સદર કારણસર જે તપાસ કરવામાં આવી. તે તપાસ આશરે સાડા ચાર વર્ષ ચાલી. તે તપાસના આધારે તેમાં આશરે ૧૯ લાખ લોકો પોતાની ભારતિય નાગરિકતા સાબિત કરવામાં અસમર્થ નીકળ્યા. કુલ ૧૯ લાખમાંથી આશરે ૧૫ લાખ હિંદુ ધર્મી અને ૪ લાખ મુસ્લીમ ધર્મી નીકળ્યા છે. બંગલાદેશના વિદેશ મંત્રીએ ભારત સરકારને લેખિત જણાવ્યું છે કે તમે અમને અમારા નાગરીકોની કાયદેસરની પ્રમાણિત યાદી મોકલી આપો. અમે તેમને પાછા કે પરત સ્વીકારવા તૈયાર છીએ.

આ તપાસ પછી સંસદ અને રાજ્ય સભામાં નાગરીક સંશોધન બીલને( સીએએ) બહુમતીથી પસાર કરીને કાયદો બનાવવામાં આવ્યો છે. તરતજ આ કાયદાની વિરોધમાં ફરી આસામમાં તેની સામે વિદ્રોહ અને અશાંતીની આગ એટલી બધી પ્રસરી ગઇ કે આસામની ભાજપ સરકારના મુખ્યમંત્રીને ગૌહત્તીના વિમાની મથકેથી સચિવાલય સુધી પહોંચવામાં કલાકો નીકળી ગયા. ત્યાંની પરિસ્થતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયોએ કાયદો અને વ્યવસ્થાની દ્ર્ષ્ટિ એટલી ગંભીર ગણી કે તેમની સુચના મુજબ વડા પ્રધાન મોદીને બે વાર આસામની પોતાની મુલાકતો રદ કરવી પડી છે.

હવે આપણે ઉપરની હકિકતોના આધારે નાગરિક સંશોધન કાનુન( C A A)નું મુલ્યાંકન કરીએ.

(૧) આસામની નાગરિકતાની તપાસના અહેવાલ મુજબ ૧૯ લાખ બિનભારતીયોમાંથી ૧૫ લાખની વસ્તી હિંદુ ધર્મી હોવાને કારણે તેમને સીએએ કાયદા મુજબ નાગરિકતા આપવાની ગોઠવણ થશે. કેવી રીતે? જોઇએ !

ઇન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮ મુજબ–(In 1998 the International Religious Freedom Act (IRFA) )નીચેની ચાર શરતોએ ધાર્મીક ઉત્પીડન ગણીને અન્યદેશના લોકોને ધાર્મીકશરણ માંગતા હોય તો આપી શકાય.

 

 (A)પરાકાષ્ઠાની શારિરીક અને માનસીક પીડા, અમાનવીય સતામણી. torture or cruel, inhuman, or degrading treatment or punishment;

(B) કોઇપણ જાતના કાયદાકીય પુરાવા અને આક્ષેપો સિવાય અટકાયત–prolonged detention without charges;

(C) ગેરકાયદેસર અપહરણ– ચોરીછુપીથી અટકાયત causing the disappearance of persons by the abduction or clandestine detention of those persons; or

(D)હડહડતી,નફ્ફટઅને નિર્લજ્જતાપુર્વક જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું ઉલ્લંઘન.  other flagrant denial of the right to life, liberty, or the security of persons.

આસામના પેલા ૧૫ લાખ બિનભારતિય નાગરિક હિંદુ ધર્મીઓએ સાબિતી આપવી પડે કે કઇ રીતે, ક્યારે ને કયા કારણોસર(પુરાવાઆપો) નવા નાગરિક સંશોધિત કાનુન પ્રમાણે તે બધાને ધાર્મિક રીતે અત્યાચાર  થયો હતો. જેને કારણે તે સને ૧૯૭૧ પહેલાં બંગલાદેશ છોડી ભારતમાં આવ્યા. પણ જો તેમાંથી ઘણા બધા બંગલાદેશ સિવાયના પણ ભારત દેશના જ નજીકના રાજ્યોના કાયદેસરના નાગરિકો હોય તો આ કાયદો તે બધાને કેવી રીતે મદદ કરશે? આસામની પ્રજા તો તેમને કોઇપણ રીતે આસામમાં રાખવા જ તૈયાર જ નથી.

ઉપરાંત પેલા ચાર લાખ મુસ્લીમ કહેવાતા બંગલા દેશીઓને કેવી રીતે આંતર– રાષ્ટ્રીય માનવ અધિકાર કાનુનનું ઉલ્લંઘન કરીને ક્યાં મોકલશો? આ બધા મુસ્લીમ હશે પણ તે બધા શું બંગલાદેશી જ છે તેની શું ખાતરી?

ભારત સરકારે આસામના ૧૫લાખ હિંદુ બિનનાગરિક(મુસ્લીમ સિવાય તમામ ધર્મી જેનો ઉલ્લેખ સીએએમાં કરેલો તે બધા જ ધર્મીઓ આવી જાય) સાબિત થયેલાઓને સીએએ મુજબ, એક સાદુ સોંગદનામું કરાવીને ભારતીય નાગરિક બનવવામાં આવશે.( તેજ રીતે દેશના તમામ રાજ્યોમાં સીએએ પ્રમાણે દરેક હિંદુધર્મી બિનનાગરીક સાબિત થયેલા માટે પણ લાગુ પાડવામાં આવશે.) આજ નિયમનો લાભ સીએએ પ્રમાણે મુસ્લીમ બિનનાગરીકને સદર કાયદા મુજબ ન મળે!

આસામમાં આ કસરત કરવાનો ખર્ચ ૩ કરોડની વસ્તી માટે આશરે ૧૬૦૦ કરોડ થયા. દેશના ૨૮ રાજ્યો અન્ય યુનીયન ટેરીટરી સાથે આશરે ૧૩૦ કરોડની વસ્તીની સીએએ પ્રમાણેનો તપાસ ખર્ચ રૂપિયા ૬૪૦૦૦ કરોડ અંદાજી ટાઇમ્સઓફ ઇંડીયાના કોલમનીસ્ટ રમેશ ઠાકરે પોતાના ૧૮મી જાન્યુઆરીના લેખમાં જણાવ્યો છે."

આજ દિવસના ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પત્રકાર ચેતન ભગત એક સમયના મોદી ભક્ત તે જ તારીખના તંત્રી પાનાનં ૧૪માં પોતાના લેખ "  કયા કારણોસર એનઆરસીને અભરાઇ કે છાજલીપર મુકી દેવો જોઇએ" ( WHY NRC MUST BE SHELVED )માં જણાવેછે કે તેનો અમલ ખુબજ ખર્ચાળ હશે; તેનું કદ કે વ્યાપ રાક્ષસી હશે; મારા મત મુજબ આ કાર્ય કરવાનો કોઇ હેતુ દેખાતો નથી; આ નાનું દેખાતું કાર્ય દેશને આંતરીક યુધ્ધ ( સીવીલ વોર)માં ઢસડી જવાની પુરી ક્ષમતા ધરાવે છે. પોતાના લેખના અંતમાં લખે છે કે વર્તમાન સરકારની નંબર એક પ્રાયોરીટી દેશને મંદીમાંથી બહાર કાઢવા સિવાય બીજી કોઇ ન હોઇ શકે. બાકી એન આર સી વી. ને હમણાં આરામ કરવા દો!

આઇ આઇ એમ અમદાવાદની માહિતી અનુસાર ગુજરાત અને દેશમાં આર્થીક મંદીની અસરો ક્રમશ વિકરાળ બનતી જાય છે. મંદીને કારણે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકોમાં જબ્બરજસ્ત સતત ઘટાડો થઇ રહ્યો છે. આપણા રાજ્યે સને ૨૦૧૯ના વર્ષમાં પોતાની વહીવટ નાણાંકીય જવાબદારી પુરી કરવા, વિકાસની વાત તો હમણાં રહેવાદો, સને૨૦૧૯માં પ્રતીમાસે આશરે ૩૦૦૦ કરોડનો સરેરાશ ઓવરડ્રાફ્ટ લીધો છે. પણ ઓકટોબર ૨૦૧૯માં ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધો છે. કેન્દ્ર સરકારને આશરે ૭૦૦૦૦ કરોડ રૂપિયા રાજ્યોને જીએસટીના ફાળા પેટે ચુકવવાના બાકી ઘણા મહીનાઓથી બાકી છે.

દેશમાં દસથી અગીયાર નોન બિજેપી રાજ્યોએ સીએએ વી. કાયદાનો અમલ કોઇપણ હિસાબે નહી કરવાની સખત જાહેરાતો કરી દીધી છે.

સીએએ, એન આર સી અને એનપીઆર સામે દેશવ્યાપી ચાલી રહેલા અહિંસક આંદોલનને મોદી સરકાર પોતાના કાયમી રાજકીય અસ્તીત્વના જોખમે જ નજર અંદાજ કરી શકશે!  


--