Thursday, September 3, 2020

શું જ્યોતીષશાસ્રનો આધાર વૈજ્ઞાનીક અભીગમ છે?

જ્યોતીષશાસ્રનો આધાર ખરેખર વૈજ્ઞાનીક અભીગમ છે? હોય તો કેવી રીતે? જયોતીષશાસ્ર અને ખગોળશાસ્ર બંને એક છે કે જુદા?  ખરેખર બંને વચ્ચે શું તફાવત છે?

ચાલો! પહેલું આપણે સરળ ભાષામાં સમજી લઇએ કે જ્યોતીષશાસ્ર ખરેખર કેવું શાસ્ર છે? જ્યોતીષશાસ્રનો આધાર છે કે તે ' માનવીના જન્મનો સાચો સમય, તે સમયે અવકાશમાં ગ્રહો, નક્ષત્રો ને રાશીની ભૌગોલીક (અવકાશી) સ્થીતી નક્કી કરીને તેનું ભવિષ્ય જણાવે છે.  વધુમાં આ માટે જ્યોતીષ શાસ્રની દલીલ છે કે આ બધા અવકાશી પદાર્થોના પોતાના ચુંબકીય પરીબળોની અસરો સીધી માનવીના ભવીષ્યનું વર્તન નક્કી કરે છે. એકવાર માનવી તરીકે જે રાશી, નક્ષત્ર ને ગ્રહમાં જન્મ લીધો અને તે બધાને આધારે તેની કુંડળી બની ગઇ બસ પછી ખલાસ! તમારૂ, મારૂ ને પૃથ્વીપરના સાત અબજ માણસોનું ભાવી જીવીએ ત્યાં સુધી અફર રીતે નક્કી થઇ ગયું. " લખ્યા વીધીના લેખ ક્યારેય મિથ્યા ન થાય."

હવે સૌ પ્રથમ કયા કયા ગ્રહો જયોતીષ પ્રમાણે આપણું ભવીષ્ય નક્કી કરે છે તે જોઇએ . કુલ નવ ગ્રહો છે જે બધાને પોતાની ચુંબકીય અસર અથવા ગુરૂત્વાકર્ષણની અસર  (gravitational effects)થી પૃથ્વીપરના પામર જીવનું (!) ભાવી નકકી કરવામાં રસ છે. આ નવગ્રહોમાં સુર્ય, ચંદ્ર, રાહુ, કેતુ, બુધ, શુક્ર, મંગળ, ગુરૂ ને શની છે.

હવે આપણે અહીંથી વૈજ્ઞાનીક અભીગમ કે પધ્ધતીને આધારે આપણું બેટીંગ શરૂ કરીશું. પણ તે પહેલાં થોડી નેટ પ્રેકટીસ પણ કરી લઇએ.  સાલુ, સુર્ય તો ગ્રહ જ નથી. તે એક, લાખો નહી પણ આકાશગંગામાં આવેલા કરોડો તારામાંનો એક સ્વયંપ્રકાશીત તારો છે. વધારામાં ચાંદામામા પણ ગ્રહ નથી. તે તો પૃથ્વીના દક્ષીણ પેસીફીક મહાસાગરમાંથી જે તે સમયે નીકળી ગયેલો એક પદાર્થ છે જે ગ્રહ તરીકે નહી પણ પૃથ્વીના ઉપગ્રહ તરીકે એક અવકાશી પદાર્થ છે. તે સ્વયંપ્રકાશીત પણ નથી. બધાજ ગ્રહો અને તેમના તમામ ઉપગ્રહો પરપ્રકાશીત છે. સુર્યની માફક તે બધામાંથી ક્યારેય કોઇ પ્રકાશ નીકળતો જ નથી. સુર્યના પરાવર્તીત થયેલાં કિરણો તેમના પર પડવાથી તે ચમકે છે. અવકાશમાં રાહુ–કેતુ જેવા કોઇ જ અવકાશી પદાર્થો જ અસ્તીત્વમાં નથી. તેથીરાહુ –કેતુ જયોતીષ શાસ્રીઓના ફળદ્ર્પ મનની પેદાશ સીવાય કંઇ નથી. જેનું અસ્તીત્વ જ નહોય તેવા કાલ્પનીક પદાર્થો પણ માનવીનું ભાવી નક્કી કરવામાં કેવી રીતે ભાગીદાર બની શકે તે હકીકતને કોણ કોને સમજાવશે!

૨૦મી સદીમાં ખગોળવીજ્ઞાનીઓએ પોતાના પાવરફુલ દુરબીનોથી ( આપણા ગામના જયોતીષીઓ આકાશ કે અવકાશમાં જોવાને બદલે તેના ગ્રાહકનું ભવીષ્ય તેના પંચાગ કે ટીપ્પણમાં જુએ છે) શોધી કાઢયું કે પેલા પૃથ્વી સહીત છ ગ્રહો ( બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શની) ઉપરાંત સુર્યમંડળમાં શનીના ગ્રહ પછી યુરેનસ,નેપચ્યુન અને પ્લુટો નામના ત્રણ ગ્રહો પણ અસ્તીત્વ ધરાવે છે.સુર્યમંડળના બધા ગ્રહો પૃથ્વીથી કરોડો માઇલ દુર છે. આપણી પૃથ્વીથી સુર્ય આશરે નવ કરોડ અને ત્રીસલાખ માઇલ દુર છે. જ્યારે પૃથ્વીથી પ્લુટો આશરે ૪અબજ અને૬૭ કરોડ માઇલ દુર છે.

૨૧મી સદીમાં ૨૦૦૨માં ક્એઆર (Quaoar), ૨૦૦૩માં સેદ્નના Sedna અને ૨૦૦૫માં એક્ષેના Xena ગ્રહો નવા શોધાયા છે. તેમાં છેલ્લો ગ્રહ એક્ષેના પ્લુટો કરતાં ૩૦ ટકા મોટો છે. સુર્યમંડળમાં હવે ગ્રહોની સંખ્યા પૃથ્વી સાથે આજે ૧૨ની છે. આવતી કાલે વધે પણ ખરી કારણ કે નાસા અને અન્ય સંસ્થાઓ પાસે ઘણા શક્તીશાળી દુરબીનો અવકાશમાં સંશોધન માટે છે.

 આપણા દેશમાં બાળકના જન્મનો સમય બીલકુલ ૧૦૦ ટકા પરફેક્ટ નોંધવો તે એક મોટી સીધ્ધી નર્સ, ડૉક્ટર, મા– બાપ માટે ગણાય. ' પણ જે લખાયું તે વંચાણુ' તેને સાચુ ગણીને આગળ ચર્ચા કરીએ. સર્વમાન્ય સમયના માપદંડનું નાનામાં નાનું એકમ તો તે સેંકડ છે. કઇ સેંકડે બાળક જન્મયું તે કોણ નક્કી કરે ! તેમાં શંકા કુશંકા કરવાને બદલે આપણે આગળ વધતા જઇએ. ભારતની વસ્તી નો દર જોતાં પ્રતી સેંકડે આઠ બાળકો જન્મે છે. જ્યોતીષ શાસ્ર પ્રમાણે શું આ આઠેય બાળકોનું ભાવી તો એક સરખું જ હોવું જોઇએ ને? તે પ્રમાણે દેશમાં એક સરખા આઠ ગાંધીજી, નહેરૂ કે મોદી તો બનવા જોઇએ ને!

ભારત સીવાય પશ્રીમના દેશોમાં જ્યોતીષ શાસ્રને ખાસ કરીને ભૌતીકશાસ્ર, ખગોળવિજ્ઞાનીઓ અને અવકાશી વીજ્ઞાનીઓએ તેના પાયાને જ ડગમગાવી નાંખ્યો છે. તે બધાની દલીલ છે કે સુર્યમંડળના આ બધા ગ્રહો પૃથ્વીની માફક ભૌતીક પદાર્થ સિવાય કશું નથી. તેમનામાંથી એવી કોઇ ચુંબકીય કે ગુરૂત્વાકર્ષણનું  કોઇ બળ (ફોર્સ) પેદા થતો નથી કે જેનાથી કરોડો માઇલ દુર પૃથ્વી નામના ગ્રહ પર વસતા કેટલાક માણસોનું ભાવી જન્મની સાથે જ પોતાની અસરથી નક્કી કરી નાંખે. ઇસ્લામ અને ખ્રીસ્તી ધર્મના લોકો પોતાનું ભાવી જ્યોતીષ દ્ર્રારા પુર્વ નીર્મીત ( પ્રીડીટરમીન કે પ્રીડેસ્ટઇન) થઇ ગયું છે તેને સ્વીકારતા નથી. તેમના કોઇ બાળકોની જન્મ કુંડળી હજુ સુધી જોવા મલતી નથી. આપણી માનવજાતને વૈજ્ઞાનીક સત્યો અને સંશોધનવાળું ખગોળશાસ્ર કોઇ સંસ્કૃતીએ આપ્યું હોય તો તે આરબ સંસ્કૃતી દેન છે.

હવે વૈજ્ઞાનીક પધ્ધતીને  આધારે આપણે જ્યોતીષ શાસ્રના તારણોને તપાસીશું.

Principle of Falsification- આ સીધ્ધાંત મુજબ વૈજ્ઞાનીક પધ્ધતી પ્રથમતો વિશ્વભરમાં એકસરખી હોય છે. બીજુ તેના પ્રયોગ માટે સ્થળનો કોઇ બાધ હોતો નથી. તેં મારા તમારા મોટર ગરાજથી માંડીને, પ્રયોગશાળા અને  સમુદ્રની ઉંડાઇમાં કે પછી 'પેલી ગોડ પાર્ટીકલ શોધનાર હેડ્રોન કોલીડેર ( Cern's Large Hadron Collider) પ્રયોગશાળામાં તેનો પ્રયોગ થઇ શકે. પ્રયોગમાં જો ધારેલી થીયેરીમાં એક પણ પરીણામ ખોટું આવે તો તે થીયરી આધારીત સત્યોને  જુઠા ગણીને છોડી દેવામાં આવે છે. વૈજ્ઞાનીક પધ્ધતીમાં નીરિક્ષણ, તર્ક અને પ્રયોગ ત્રણેય પરીબળો હોય છે. તેમાં માનવીય લાગણી કે  અંગત હીતને અથવા દૈવી કે ચમત્કારીક અનુભવના દાવાને સૌ પ્રથમ જ ફગાવી દેવામાં આવે છે.

આ પ્રમાણે અમેરીકાના કેલીફોર્નીયા રાજ્યમાં ડાર્લસન પ્રયોગ તરીકે જાણીતા થયેલી ઘટનામાં૧૦૦ જન્મકુંડળી ભેગી કરીને યુરોપ અને અમેરીકાના ૨૮ જ્યોતીષશાસ્રીઓને બોલાવવામાં આવ્યા. વૈજ્ઞાનીક પધ્ધતીને આધારે તારણો કાઢવામાં આવ્યા તો તે બધાના તારણો ખોટા તર્ક તથા હલકા તારણો પર આધારીત હતા. જે બધા તારણોને સને ૧૯૮૫ના ' નેચર' નામના માસીકમાં પ્રકાશીત કરવામાં આવેલા હતા.કાર્લ પોપર ( ૧૯૦૨– ૧૯૯૪)નામના તત્વચીંતકે જણાવ્યું છે કે  જ્યોતીષશાસ્રનો ખ્યાલ અને આધાર પ્રયોગમુલક (એમ્પેરીકલ) નથી. અમેરીકાના 'હ્યુમેનીસ્ટ' નામના માસીકના તંત્રી પ્રો. પોલ કુત્સે સને ૧૯૭૫ના સદર માસીક્ના સપ્ટેમ્બર– ઓકટોબરનો અંક ખાસ જ્યોતીષ સામેના વૈજ્ઞાનીક વાંધાઓ પર તૈયાર કર્યો. તેને વીશ્વના ૧૮૬ ભૌતીક અને ખગોળ વૈજ્ઞાનીકોએ ટેકો આપ્યો હતો.  સ્ટીફન હોકીંગ નામના ખગોળવીજ્ઞાનીએ  પોતાના જ્યોતીષશાસ્ર અંગેના નીરિક્ષણમાં જણાવેલું છે કે " ગ્રહોની ગતી માનવીય વર્તણુકને કેવી રીતે અસર કરે છે તે સાબીત કરવામાં જ્યોતીષશાસ્ર નીષ્ફળ ગયું છે."

આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યોતીષને વિજ્ઞાનનો દરજ્જો આપીને  વિશ્વવીધ્યાલયોમાં તેનો અભ્યાસક્રમ શીખવાડવાનો શરૂ કર્યો છે. ગુજરાતની ભાજપ સરકારે ભુવાઓનું તેમના તરફથી બહુમાન કરીને તેમની પધ્ધતીને સ્વીકૃતી આપી દીધી છે તેવી અમને માહીતી છે.


--