અમારા સાથી કિરણભાઈ અપના અડ્ડાવાળાએ "રેશનાલીઝમ" પર ખુબ જ સરસ ચર્ચા શરૂ કરી છે. અન્ય સાથીદારોએ પોતાના પ્રત્યાઘાતો પણ આપ્યા છે.કિરણભાઇ સહિત ભાગ લીધેલા મિત્રોના વિચારોને ટૂંકમાં મેં મૂળસ્વરૂપમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે .
(1)કિરણભાઈ -(અ )રેશનાલીસ્ટ હોય એ હ્યુમેનીસ્ટ (માનવવાદી) હોય જ એવું જરૂરી નથી. રેશનાલીટી કંઈ સાચી સામાજિક નિસ્બત ગેરંટી પણ નથી. એટલે રેશનાલીસ્ટ હોય છતાં એ વ્યક્તિ જાતીવાદી, પુરુષવાદી, મુડીવાદી અને મહાસ્વાર્થી તકવાદી હોઈ જ શકે. કારણ કે રેશનાલીટી માત્ર એક વૈચારિક અભિગમ છે, કોઈ મૂલ્યનિષ્ઠ વિચારધારા નથી.(બ) વાસ્તવીકતા પારખ્યા પછી તેના અર્થઘટન કે તેનો ઉપયોગ શું કરવો, તેને કઈ રીતે રજુ કરવી એનો આધાર તો એ વ્યક્તિ ની વેલ્યુ-સીસ્ટમ એટલે કે વિચાર ધારાકીય મૂલ્યનિષ્ઠા શું છે તેના પર જ હોય છે.
(2) પી જ્યંતભાઈ- પણ કિરણભાઈ રેશનાલિઝમને માનવમૂલ્યથી અલગ ગણે છે.
(3)જાગુ પટેલ - ધાર્મિક લોકો અસહિષ્ણુ હોય છે. વધારામાં તમામ ધર્મો માનવીને પોતાના હિત માટેનું સાધન ગણીને ઉપયોગ કરતા આવ્યા છે.
(4)એ કુમાર- વ્યક્તિગત રીતે રેશનલ વ્યક્તિ પોતાના સમાજમાં ચાલી રહેલા સામાજિક અન્યાય સામેના સંઘર્ષનો ભલે અગ્રેસર( Vanguard)ન બને (દા.ત અન્યાયી અને અસમાન વર્ણવ્યવસ્થા) પણ કમસે કમ તેનો વાસ્તવિક અને વૈચારિક ટેકેદાર તો અચૂક હોવો જોઈએ !
(5) આર.પરમાર- પાખંડ ની જનેતા જ ધર્મ છે.ધર્મ પોતે જ એક પાખંડ(પૃથ્વી પરનું)મહા જુઠ્ઠાણું છે.
(6) કિરણભાઈ અને સ્વામી બોધ જાવેદની ચર્ચા ઘણી લાંબી છે. પણ તેના શક્ય તેટલા મુદ્દા મેં લીધા છે.
પ્રિય હમસફર સાથી કિરણભાઈ, મને આ ચર્ચામાં જે રચનાત્મક ઉમેરો કરવા યોગ્ય લાગે છે તે બને એટલું ટૂંકમાં રજૂ કરું છું.
રેશનાલીઝમ શું છે ? શું તે કોઈ એક વિચારસરણી છે ? મારા મત મુજબ તે વિચારસરણી નથી. પરંતુ તે માનવવાદી વિચારસરણીના ત્રણ મૂલ્યો (સ્વતંત્રતા-Freedom, તર્ક વિવેકશક્તિ-Rationality or Reason,અને ધર્મનિરપેક્ષ નૈતિકતા(Secular Morality)માંથી એક પાયાનું માનવ મૂલ્ય છે.અથવા રેશનાલીઝમ ,તે માનવવાદી વિચારસરણીનો એક ભાગ છે, અગત્યનો આધાર સ્તંભ છે. તે પૂર્ણ વિચારસરણી ન કહેવાય.
નાસ્તિકતા,નિરીશ્વરવાદ,કે ઈશ્વરના અસ્તિત્વ નો ઇન્કાર તે માનવીય તર્ક વિવેકશક્તિ(કારણની સર્વોપરિતા-Supremacy of reason)એ શોધી કાઢેલું ફક્ત એક દુન્યવી સત્યથી વધારે કંઈ નથી,પરિણામ છે.માનવી, તેને તેના જેવા બીજાઓના સહકારથી બનાવેલો સમાજ અને તમામ વૈશ્વિક સર્જન(કુદરતી સાધન સંપત્તિ ની મદદથી)માનવશ્રમ નું પરિણામ છે.તેમાં કશું ક્યારેય ઈશ્વરી, દૈવી કે ચમત્કારી હતું નહીં, છે નહીં, અને હશે પણ નહીં. માનવવાદી વિચારસરણી ઈશ્વર વાદી વિચારસરણીનો વિકલ્પ છે .
ધર્મનિરપેક્ષ માનવવાદી(Secular Humanism) વિચારસરણી પોતાના એક અગત્યના માનવ મૂલ્ય તર્ક વિવેક શક્તિનો(Rationality)સાધન તરીકે ઉપયોગ કરીને ધર્મ વિહીન, ધર્મવિચાર પધ્ધતિનો (Religious mode of thought)સંપૂર્ણં વિકલ્પ પૂરો પડે છે.આ વિચારસરણી માનવ કેન્દ્રિત છે. સદર વિચારસરણીમાં દરેક માનવસર્જિત સંસ્થા જેવી કે કુટુંબ,કોઈપણ સામાજિક,રાજકીય અને આર્થિક વી.પ્રવૃત્તિનો માપદંડ વ્યક્તિગત માનવીનું ભૌતિક કે દુન્યવી કલ્યાણ સિવાય બીજું ક્યારેય હોઈ શકે નહીં.ભૌતિકવાદી સુખ (તર્ક વિવેકાધારીત કે નિયંત્રિત કાર્ય)એટલે ભોગવાદ બિલકુલ નહીં.
સદર માનવીય સંઘર્ષમાં "રેશનાલીઝમ" એક સાધન તરીકે કેવી રીતે ઉપયોગ થાય તે પણ સમજી લઈએ. સૌ પ્રથમ આપણે બધા એક સજીવ એકમ તરીકે જીવીએ છીએ. દુનિયાના તમામ સજીવ એકમોથી આપણોં સજીવ તરીકે જીવન ટકાવી રાખવાનો સંઘર્ષ સહેજ કે લેશ માત્ર જુદો નથી જ. આ સંઘર્ષ મૃત્યુ પછી ના કાલ્પનિક જીવન પ્રાપ્ત કરવા માટેનો નથી.
માનવી સિવાય તમામ સજીવો બને તેટલું કુદરતી પરિબળો સાથે અનુકૂળ સાધીને પોતાનું ભૌતિક જીવન ટકાવી રાખવા સંઘર્ષ કરે છે. માનવીનો સંઘર્ષ જૈવિક અને બૌધ્ધિક બન્ને છે.રેશનાલિઝમની મદદથી સૌ પ્રથમ કુદરત કે પ્રકૃતિના નિયમો સમજીને માનવી જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ તેને ભૌતિક અને માનવ સર્જિત સામાજિક વાતાવરણના જકડી રાખતા પરિબળોના સકંજામાંથી મુક્ત થવામાં ઉત્તરોત્તર રેશનાલીઝમ મદદ કરે છે. સદર પરિબળોમાંથી મુક્તિ એટલે સ્વતંત્રતા માટેની ઝંખના( માનવીય સ્તર પર)અને તે માટે જ્ઞાન શોધવું એટલે સત્ય શોધવું !
તર્કવિવેકશક્તિ એટલે સત્ય શોધવું -માનવી માટે સારું શું કે ખોટું શું તે શોધવું કે નક્કી કરવું! માનવીનો અન્ય માનવી સાથેનો નૈતિક વ્યવહાર-સહકાર પણ પોતાની જીજીવિષા ટકાવી રાખવાની ક્ર્મશ વિકસેલી રૅશનાલિટીનું પરિણામ છે. તેને આપણે પ્રબુદ્ધ સ્વાર્થ(Enlightened Self Interest) તરીકે ઓળખીશું. "માનવી જેટલો રેશનલ એટલો વધારે નૈતિક." કારણ કે તેને ખબર છે કે તેથી જ તે કુદરતી પરિબળો અને સામાજિક માનવહિત વિરોધી પરિબળો સામે ટકી શકશે!
માનવ એક સજીવ તરીકે અગાઉ સમજ્યા તે પ્રમાણે ઈશ્વરી સર્જન નથી. પણ કુદરતનો એક ભાગ છે.(The man is part of nature) હવે કુદરત નિયમબધ્ધ છે. માનવીની માફક તે પણ ઈશ્વરી સર્જન નથી. માટે માનવીનું જીવન પણ નિયમબધ્ધ છે. જેમ કુદરતી સંચાલનના નિયમો માનવીની રૅશનાલિટીની મદદથી સમજવા બિલકુલ સંભવ છે તેવી જ રીતે માનવીના શરીર અને માનસિક સંચાલન નિયમો પણ રૅશનાલિટીથી સમજવા શક્ય જ નહીં પણ સરળ પણ છે.
રૅશનાલિટી એટલે ફક્ત ઇન્દ્રિયજન્ય અનુભવ-પાંચયે ઇન્દ્રિયો દ્વારા મગજને મળેલ સંદેશા જ નહીં.(not only Sense- perception)પણ ઇન્દ્રિયજન્ય અનુભવને માનવ મગજકે હ્યુમન બ્રેઈનની મદદથી તર્કવિવેકનો ઉપયોગ કરીને તારણ (સત્ય)શોધવું કે નક્કી કરવું.દા:ત અગ્નિથી દઝાવાય અને બરફ ઠંડો લાગે! માનવ મનના આ નિર્ણયને સદ્વિવેક ( consciousness)તરીકે ઓળખવામાં આવે છે. ફક્ત માનવ ઉત્ક્રાંતિમાંજ નહિ પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિની ઉત્ક્રાંતિમાં જે સજીવો કુદરતી પરિબળોના નિયમોને સમજીને પોતાના સદ્વિવેક ના આધારે નિર્ણય કરી શક્યા તે જ જૈવિક સંઘર્ષ માં ટકી રહ્યા બાકીની હજારો જાતિ - પ્રજાતિઓ નાશ પામી.અન્ય સજીવોની સરખામણીમાં માનવી એકજ એવું સજીવ સદર જૈવિક સંઘર્ષમાં કુદરતી પરિબળોના નિયમોને સમજીને ફક્ત પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ થયું છે એટલું જ નહીં બલ્કે પોતાને અનુકૂળ કુદરતી પરિબળો અને તેના નિયમોમાં ફેરફાર કરી શક્યો. જે માનવ બુધ્ધિ તર્કવિવેક પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે તેને જ સ્વતંત્રતા પ્રાપ્ત થી શકે છે.
બે ક્રાંતિકારી તારણો -
(ક) મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે.કોઈ કુટુંબ, જ્ઞાતિ, જાતિ,વંશ,સમાજ,ધર્મ,રાજ્ય, રાષ્ટ્ર કે તેના નેતા નહીં. (પ્રોટાગોરસ ગ્રીક તત્વજ્ઞાની)
(ખ)મનુષ્ય જ મનુષ્ય જાતિનું મૂળ છે.માનવીના મૂલ્યો, તેના વ્યવહારો અને નૈતિકતા ક્યારેય ઈશ્વરદત્ત કે ધાર્મિક ન હોઈ શકે! (કાર્લ માર્ક્સ)
—------------------------------------------------------