Wednesday, March 27, 2024

તારીખ 31મી માર્ચ ના રોજ “અવાજ “

તારીખ 31મી માર્ચ ના રોજ "અવાજ " સંસ્થા ના સાનિધ્યમાં અમદાવાદ મુકામે યુવા શિબિરનું આયોજન .રસ ધરાવતા મિત્રોને આમંત્રણ. સદર શિબિરનું આયોજન ગુજ મુંબઈ રેશનાલિસ્ટ એસો , બ.કાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર અને અવાજ સંસ્થા ત્રણેય ના  સંયુક્ત ઉપક્રમે રાખેલ છે. શિબિર નો સમય- રવિવારે -સવારના 10-00 થી સાંજના 5-00 સધી. સ્થળ - "અવાજ " ભુદરપુરા શ્રેયસ રેલવે ક્રોસિંગ -અમદાવાદ.

 નામ નોંધણી માટે સંપર્ક-94266 63821, 99744 42081. 

 શિબિર  માટેના મારાં સૂચનો -

 અવાજ, ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસો.અને  બ.કાં જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના તમામ હોદ્દેદારો,આયોજકો, અને   મુખ્ય  મહેમાનો, યશવંતભાઈ  મહેતા, પ્રકાશભાઈ શાહ, રામનાથ ગોયેન્કા એવોર્ડ વિજેતા ભાઈ તેજસ વૈદ અને આમંત્રિત સાથીઓ ,

આજની આપણી મીટીંગનો હેતુ પ્રકાશિત પત્રિકા માં " ચર્ચાના ચયન" માંથી ભાવિ કાર્યક્ર્મોનો એજન્ડા નક્કી કરવાનો છે. મારુ અંગત મંતવ્ય  છે કે જેમ દર્દીના રોગનું નિદાન ડોક્ટર, દર્દીના શરીરના રોગના વર્તમાન ચિન્હો અને ભૂતકાળની કેસ વિગત જોઈને નક્કી કરે છે. તેવી જ રીતે ગુજરાત અને  દેશનો ધાર્મિક ભૂતકાળનો  સાંસ્કૃતિક વારસો અને તેમાંથી પેદા થયેલી વર્તમાન ઉગ્ર હિન્દુત્વવાદી સામાજિક,રાજકીય અને ધાર્મિક ધૃવિકર્ણવાળી એકહથ્થુ રાજકીય સત્તા છે. રેશનાલિસ્ટ ચળવળના સભ્યો તરીકે આપણે  હિન્દુ વિચારપદ્ધતિ( હિન્દુ રિલિજિયસ મોડ ઓફ થોટ)એ જે હિન્દુ વર્ણ -વ્યવસ્થા આધારિત સમાજ પેદા કર્યો છે તેના લોકશાહી મૂલ્યો વિરોધી પરિણામો તે  આપણા દેશના રોગના ચિન્હો છે. તે આપણો વારસો બની ગયો છે. મિલ્કત બની ગયો છે. તેને બચાવવા હિન્દૂ સમાજના હિત ધરાવતા તમામ પરિબળો અખૂટ સાધન સંપત્તિ સાથે સંગઠિત થઈ ગયા છે. પણ મજબૂરીથી સ્વીકારવું  પડશે કે તે ભૂતકાળનો વારસો છે.માટે તે મૃતપાય થઇ ગયેલ છે. તેથી તે સજીવન થઈ શકે તેમ નથી. મરણ પામેલ  શરીરનો નિયમ છે કે જેટલું વધારે  તેને રાખી મુકવામાં આવે તેટલું  વધારે ગંધાય ,ચેપ ફેલાવે અને જીવતા સગાવ્હાલાના જાન પણ જોખમમાં  મૂકે!   

વિશ્વના તમામ ભૌગોલિક પ્રદેશોમાં એક સમયે લગભગ આવીજ માનવ સંસ્કૃતિ વિકસી હતી. જેને કૃષિ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.સદર સંસ્કૃતિને ટકાવી રાખવા,વિકસાવવા અને નૈતિક રીતે યોગ્ય ઠેરવવા જે સમાજ, ધાર્મિક,રાજકીય,આર્થિક અને કાયદાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તે સમૂહ કેન્દ્રી હતી. વ્યક્તિ કેન્દ્રી ન હતી. વ્યક્તિના ભોગે સમષ્ટિનું કલ્યાણ તેનું ચાલક બળ હતું.

પંદરમી સદીથી શરૂ થયેલા નવજાગૃતિના ( રેનેશાં) યુગે જ્ઞાન-વિજ્ઞાનની શોધોની મદદથી  "આધુનિક યુગ" 'માનવ કેન્દ્રી' યુગનો પાયો બનાવ્યો છે.  10000 વર્ષથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિએ પેદા કરેલ તમામ સંસ્થાઓ,તેના ટેકામાં અસ્તિત્વમાં આવેલ તમામ વિચારસરણીની અપ્રસ્તુતાઓ ખુલ્લી કરી દીધી. તે બધાની  બિનઉપયોગીયતાઓ સાબિત કરી દીધી છે. જૂના ઈશ્વર કેન્દ્રી સમાજ વ્યવસ્થાને બદલે માનવ કેન્દ્રી  સમાજ વ્યવસ્થાના ચાલક બળો  તેણે શોધી કાઢયાં .માપદંડો (Measuring Rods) શોધી કાઢ્યા. તે સ્વતંત્રતા(Freedom),તર્કવિવેકશક્તિ( Rationality)અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા( Secular Morality) છે. આ ત્રણ માનવમૂલ્યો છે.તેથી  તે જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં સદર મૂલ્યો તેની તમામ દુન્યવી સમસ્યાઓ ઉકેલવાના "ધ્રુવતારકો- માર્ગદર્શકો -દીવાદાંડી બની ગયા છે. આ  બધા મૂલ્યો વૈશ્વિક છે. તમામ રાષ્ટ્રીય અને સંકુચિત વિચારસરણીઓ અને વર્તનોથી પર છે.

     સર આઇઝેક ન્યુટને  શોધેલા કુદરતના  સંચાલનના ભૌતિક નીયમો (The universe is law governed) અને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમોએ માનવીને " ઈશ્વર અને તેના દલાલો "ના સકંજામાંથી કાયમ માટે  મુક્ત બનાવી દીધો છે. શું આ હકીકત ખરેખર સાચી  છે? શા માટે હું હિન્દૂ, મુસ્લિમ કે ઈસાઈ નથી ? ક્યાં કારણોસર હું રાષ્ટ્રવાદી નથી અને ખાસ કરીને હિન્દૂ રાષ્ટ્રવાદી તો નથી જ?મુખ્ય ત્રણ ધર્મોમાં ઈરેશનાલિટીનો અભ્યાસ કરવો જોઈએ તેવું તમને રેશનલી અનુભવ કરાયું છે ખરું? તે બધું સમજવા માટે ઉપલબ્ધ સાધનો છે? ગાંધીવાદ,સામ્યવાદ અને સંસદીય લોકશાહી વિચારસરણી માનવ કેન્દ્રી કેમ નથી? આ બધી વિચારસરણીઓ માનવી માટે છે કે માનવી તેમના ધ્યેયો સિદ્ધ કરવાના માત્રનું  સાધન છે?

મારી ઉપર મુજબની રજૂઆતને આધારે અત્રે હાજર રહેલ સૌ  રેશનાલિસ્ટ સાથીઓને પોતાનું નિજી જીવન " માનવ મૂલ્યો " આધારિત સુસજ્જ બનાવવા અને  તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિઓ  "સર આઇઝેક પહેલાંના " ( Pre-Newtonian Society) ભારતીય સમાજ સામે સંઘર્ષ કરી  માનવમૂલ્યો કેન્દ્રી સમાજવ્યવસ્થા બનાવવા માટે નીચે મુજબના વિષયો પર જ્ઞાન આધારિત બૌદ્ધિક સજ્જતા -નિપુણતા મેળવવી કે કેળવવી અનિવાર્ય છે.

  1. ચાર્લ્સ ડાર્વિનનો  ઉત્ક્રાંતિવાદ કેવી રીતે સાબિત કરે છે કે વિશ્વ પરના માનવ સહિત તમામ સજીવોનું ઉત્કારતીવાદના સિદ્ધાંતોનું પરિણામ છે.ઈશ્વરી સર્જન નથી.

  2.   માનવીનો જીજીવિષા  ટકાવી રાખવાનો સંઘર્ષ માનવીય સ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે.

  3. સર આઇઝેક ન્યુટને કાયમ માટે સાબિત કરી દીધું છે કે  સમગ્ર બ્રહ્યમાંડ જ ભૌતિક( Physical Reality not illusion)વાસ્તવિકતા છે. માયા નથી. માનવી તેનો એક ભાગ છે. માટે તે પણ એક ભૌતિક એકમ છે. શરીરમાં નથી આત્મા કે વિશ્વમાં પરમાત્મા. સમજાવશો  કઈ રીતે? બ્રહ્યમાંડ નિયમબધ્ધ હોય (ઈશ્વર સંચાલિત ન હોય) અને માનવી તેનો એક ભાગ હોય તો તેનું સંચાલન પણ નિયમબધ્ધ છે?

  4. કુદરતી નિયમબધ્ધતાએ માનવીને કેવી રીતે રેશનલ બનાવ્યો? જ્ઞાનનો આધાર ઇન્દ્રિયજન્ય અનુભવ અને તેના મગજમાં જ્ઞાનબોધ કે સમજશક્તિ દ્વારા સંકલન કરી નિર્ણય( cognition) કરવાની પ્રક્રિયા છે. 

  5.  માનવીય નૈતિકતા એટલે શું?  ધાર્મિક નૈતિકતા અને માનવીય નૈતિકતા બંને  વચ્ચેનો  તફાવત સમજાવો. ઈશ્વર, ધર્મ, ભય ,બીક,રાજ્યસત્તાનો ભય સિવાય માનવી નૈતિક વ્યવહાર કે વર્તન કરી શકે? ભય કે દંડ પ્રેરિત નૈતિક વર્તનને આપણે નૈતિક વર્તન કહી શકીશું ખરા?

  6. ચમત્કારોના પર્દાફાર્શ એ રેશનાલીઝમ બિલકુલ નથી. કેમ? કેવી રીતે? રેશનાલીઝમ ધર્મ અને ઈશ્વરના આધાર સિવાય માનવી પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે વિકસાવી શકે, માટે તે સત્ય શોધવાનો વિકલ્પ છે. તે માટેનું એક સાધન છે.ચમત્કારોના પર્દાફાર્શ ક્યારેય આપણો ધેયય  ન હોઈ શકે. રેશનલપઘ્ધતિ  માનવ પ્રયત્નો અને અન્ય માનવીઓના સહકારથી  માનવ સુખાકારી માટેની નિરંતર ચાલતી સત્યશોધક પ્રવૃત્તિ છે. ઈશ્વર અને તેના ધર્મોમાં શ્રદ્ધા માનવીને તે બધાનો પરોપજીવી બનાવે છે. રેશનલ વિચાર પદ્ધતિ માનવીને બૌદ્ધિક રીતે સ્વાવલંબી ( Self reliance) બનાવવાની વૈશ્વિક પદ્ધતિ છે.   

  7. આ બધા પાયાના વિષયો છે.તેમાં પ્રાપ્ત કરેલી સજજ્તા આપણને કુટુંબ,સમાજ,ધર્મ, રાજ્ય-રાષ્ટ્ર વિ.ની સમસ્ટ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.

  8. આપણી સંસ્થાઓ તરફથી રાજ્યના જિલ્લા કેન્દ્રોમાં  તેના કેન્દ્રો બનાવી, અભ્યાસ શિબિરોનું આયોજન કરીને માનવવાદી નેતૃત્વ  તૈયાર કરવું પડશે.તે માટેની માનવ અને ભૌતિક સાધન સંપત્તિનું સર્જન અને આયોજન સમયબદ્ધ રીતે કરવું પડશે. મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા તે માટેના સહકારની છે. હું ખુબ જ ટૂંક સમયમાં  ઇન્ડિયા આવું છું .   

  9. આજના કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા છે . તા. 31- 03-24.   

               



--