Tuesday, May 21, 2024

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।  ॥ २-४७ 

હિન્દુ ધર્મ પુસ્તક " ભગવદ્દ ગીતા" ના અધ્યાય  બે ના શ્લોક 47માં  તેનો ઉલ્લેખ  છે. આ શ્લોકનો સામાન્ય માનવીની સમજ માં અર્થ છે કે " હિન્દૂ વર્ણ-ધર્મ વ્યવસ્થામાં જન્મેલા માનવીએ તેના માથે આવેલી પડેલી ફરજ પ્રમાણે કામ કરવાનું છે  ફળની આશા રાખ્યા વિના. વર્ણ પ્રમાણે જન્મ નિર્મિત ફરજ પ્રમાણે "નિષ્કામ "કર્મ કરવાનું છે. વર્ણ -જન્મ પ્રમાણે કર્મ કરે તો સ્વધર્મ. પણ પોતાની કુશળતા પ્રમાણે અન્ય વર્ણમાં કામ કરવું તે અધર્મ.

 " Desire Less work" Physical Labour Yes but without wages or no wages."

શું ગીતામાં સદર શ્લોકનો ઉલ્લેખ શ્રી કૃષ્ણે ચાર વર્ણ -વ્યવસ્થા આધારિત હિન્દૂ સમાજમાં જન્મ પ્રમાણે કર્મ કરવા અનુરોધ કર્યો છે?

શું તે પ્રમાણે કર્મ કરવા નિર્માણ થયેલો છે? દરેક માનવીનું( સ્ત્રી -પુરુષ )ભાવિ પૂર્વનિર્ણિત છે? માનવીનો  વર્તમાન જન્મ તેના પૂર્વજન્મ ના કર્મોનું પરિણામ છે? પૂર્વજન્મ- વર્તમાન-જન્મ અને પુનર્જન્મ ના વિષચક્ર (  Vicious-circle)થી બનેલા સમાજને  कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।ની  થિયરીનો ટેકો છે?

શ્રમ કરીને વેતન કે બદલો મેળવવો કઈ રીતે અનૈતિક છે? શ્રમ અને મૂડી વચ્ચે તફાવત શું? મૂડી એ એકત્ર કરેલ શ્રમ નથી તો  બીજું શુ છે?

માનવ સમાજ માત્ર કામની વહેંચણી કે શ્રમ -વિભાજને આધારે જ પથ્થર અને શિકારયુગ થી શરુ કરીને કૃષિ યુગ અને ઔદ્યોગિક યુગ સુધી  આવી શક્યો છે.હવે તો શ્રમની ફક્ત વહેંચણી કે વિભાજન થયું નથી પણ શ્રમનું સંસ્થાનીકરણમાં રૂપાંતર થઈ ગયું છે.શ્રમનું સામાજિકરણ થઈ ગયું છે જયારે વેતન  આધારિત સંતોષ વ્યક્તિગત છે. વંચિતને કહેવાનું કે તું ફળની આશા રાખ્યા વિના કામ કર અને જે ગણ્યાગાંઠયા વંચિતોના સમુહોના શ્રમને લૂંટી જનારાને સમાજે વર્ણ -જન્મે ને આધારે સત્તાના તમામ સુકાનો નું સંચાલન કરવા દેવાનું ! એ કઈ ન્યાયી કે ધાર્મિક વ્યવસ્થા ?

ફળની આશા રાખ્યા વિના શ્રમ ના ખ્યાલને ધાર્મિક, સામાજિક,અને કાયદેસરની માન્યતા આપે તેને માનવીય શોષણ જ કહેવાય કે બીજું ?

ફળની આશા રાખ્યા વિના શ્રમ (Barter Economy અને વિનિમય માટે શ્રમ ( Exchange Economy) બે માં આપણે શું પસંદ કરીશું?

     ---

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।  ॥ २-४७ 

હિંદુ ધર્મશાસ્ત્રના અગત્યના પુસ્તક ભગવદ- ગીતામાં અધ્યાય બે અને શ્લોક 47માં આ વાક્યનો ઉલ્લેખ છે. કોઈ હિંદુ બાકાત નહીં હોય કે તેને આ વાક્યનો અર્થ ખબર નહીં હોય! ગીતામાં આવું તત્વજ્ઞાનથી ભરેલું વાક્ય તો શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનની વચ્ચે સલાહ તરીકે કહ્યું હતું. હે ! અર્જુન! કોઈપણ હિંદુએ હિંદુ તરીકે મોક્ષ મેળવવો હોય તો કોઈપણ ફળ, વળતર કે શ્રમના બદલામાં દુન્યવી કે ભૌતીક કોઈપણ નાણાંકીય અપેક્ષા વિના પોતાની વર્ણ -જન્મ પ્રમાણે પૂર્વનિર્મિત (Predetermined or Predestined) કર્મ(શ્રમ) જીવનભર કર્યા જ કરવાનું છે. 

       चातुर्वर्ण्य  मया सृष्टं ४-१३।  અધ્યાય -4 શ્લોક 13 શ્રી કૃષ્ણ અર્જુનને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે ચાર વર્ણ- બ્રાહ્મણ,ક્ષત્રિય ,વૈશ્ય અને શુદ્રનો જન્મદાતા કે સર્જક હું જ છું. મેં બ્રાહ્મણને મારા મુખમાંથી, ક્ષત્રીયને બાહુમાંથી,વૈશ્યને જાંઘમાંથી અને શુદ્રને પગમાંથી સર્જેન કરેલ છે. બીજી બાજુ ગીતામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દરેક હિન્દુનો તેનો વર્તમાન વર્ણમાં જન્મ તેના પૂર્વજન્મના કર્મો કે ફળનું પરિણામ છે. વર્ણ -જન્મ - મૃત્યુ -ફરી વર્ણમાં જન્મના ફેરાના  વિષચક્કર જે કાલ્પનિક 84 લાખ યોનિનું  બનેલું છે તેમાંથી કાયમી મુક્તિ. જેને ગીતામાં "મોક્ષ " જેવું  રૂપાળું નામ આપવામાં  આવ્યું છે. 

     તે પ્રાપ્ત કરવા દરેક હિંદુએ હિંદુ સમાજે વર્ણ આધારિત શ્રમ -વિભાજન કરેલ છે તે પ્રમાણે નિષ્કામ કર્મ પુરી નિષ્ઠા સાથે સ્થિતપ્રાજ્ઞતાથી કરવાનું છે. સમગ્ર ગીતાના મોટા ભાગના અધ્યાયો અને શ્લોકો વર્ણ-જન્મ નિર્મિત કર્મો કેવી રીતે નૈતિક છે, અને ફળની આશા સિવાય કરી શકાય તેના કોયડાના ઉકેલમાં રચવામાં આવ્યા છે. જે કોઈએ  ગીતાનું સર્જન કરેલ હોય તેને માટે નિષ્કામ કર્મના ખ્યાલ ને માનવીય તર્કવિવેક શક્તિને આધારે વ્યાજબી ઠેરવવો  અશક્ય છે તે સ્વીકારી લીધેલું  છે. કારણ કે સદર સર્જકે એક બાજુ એવી સ્વીકારી લીધેલું છે કે " માનવનું સર્જન કુદરતી પ્રકૃતિજન્ય છે." દરેકની  પ્રકૃતિ પ્રમાણે માનવી જન્મ સાથે સત્વ,રજસ અને તમસ જેવા ગુણો લઈને મૃત્યુ સુધી જીવે છે.

 सत्वं रजस्तम इति गुण -प्रकृति संभव | અધ્યાય -14- શ્લોક 5.આ શ્લોકને જો ગીતાનો સર્જક સત્ય તરીકે સ્વીકાર કરે તો માનવીનું સર્જન ઈશ્વરી કે શ્રી કૃષ્ણે કરેલું છે તેના બદલે એવું સાબિત થઈ જાય છે કે માનવી તો કુદરતી ઉત્ક્રાંતિનું સર્જન છે. તો પછી હિંદુધર્મનો ચારવર્ણ અને તેના ટેકામાં પૂર્વ પૂર્વજન્મ -વર્તમાન જન્મ અને પુનર્જન્મ વર્તુળ આકાર સમયચક્ર અને તેના આધારે અસ્તિત્વમાં આવેલ નૈતિક વ્યવહારોનો પિરામિડ ગંજીફાનાં પત્તાના મહેલની માફક કડડભુસ થઈ ને તૂટી પડે!

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः અધ્યાય-2-શ્લોક 23. ગીતાના સર્જકે હિંદુધર્મના ટેકામાં અસ્તિત્વમાં આવેલ શરીર અને આત્માની થિયેરીને સ્વબચાવમાં લાવી દીધી છે.આત્મા શું છે? તેના લક્ષણો કે ગુણોનું વર્ણન કરતાં ગીતાના સર્જક જણાવે છે કે " આત્મા ને અગ્નિ બાળી શકતો નથી,પાણીમાં તે ડૂબતો નથી,શસ્ત્રો તેને છેદી શકતા નથી,તે અમર છે, નાશવંત નથી. માનવ શરીર નાશવંત છે .માનવીનું મૃત્યુ થતાં આત્મા તેના દેહ કે ખોળિયામાંથી બહાર નીકળી જઈને બીજાના  દેહમાં પૂર્વજન્મ ના કર્મોને આધારે જે તે વર્ણમાં જન્મ લે છે. ભૌતિકતત્વોથી બનેલા શરીરમાં આત્મા જેવી સમજાવવામાં આવેલી અભૌતિક,અલૌકિક,અવિનાશી તત્વ કેવી રીતે રહી શકે? અને તે પણ જન્મ થી શરૂ કરીને મૃત્યુ પર્યંત? માનવ મગજ્માં જીવન દરમ્યાન ભેગી થયેલી યાદ ભૌતિક કે અલૌકિક ? યાદદાસ્તન ભૌતિક હોય તો શરીર સાથે તે પણ નાશવંત અને તે અલૌકિક હોય તો ભૌતિક શરીરમાં કેવી રીતે રહી શકે?  

यद्द चछालाभ संतुष्टो द्वन्दतीतो विमस्तर :અધ્યાય-४ શ્લોક-२२ સુખ,દુખ,રાગ દ્વેષ,ઈર્ષા રહિત સમભાવ રાખીને પોતાના જન્મ -વર્ણ પ્રમાણે ફળની આશા રાખ્યા સિવાય કર્મ કરવાનું. 

संशयात्मा विनश्यति - અધ્યાય-४- શ્લોક ४०. શ્રી કૃષ્ણ ઉપદેશ આપે છે (ખરેખર ગીતાના લેખક)મારા ઉપદેશોમાં જે શંકા સેવે છે તેવા સંશયી વ્યક્તિનો હું વિનાશ કરું છું .હિંદુઓએ ગીતાના મારા ઉપદેશોનું મૂલ્યાંકન તેમની તર્કવિવેકશક્તિ( rationality)અને સમજશક્તિ (Cognition)થી   ક્યારેય કરવાનું નથી. આવીજ (संशयात्मा विनश्यति) કુરાનની આયાતો અને બાયબલના ઉપદેશો વી, જે તે ધર્મગ્રંથોમાં પણ અઢળક છે. નહીં તો તેમની દુકાનો ક્યારનીય બંધ થઈ ગઈ હોય!

ગીતાના ઉપદેશ આધારિત અસ્તિત્વમાં આવેલ હિંદુ -વર્ણવ્યવસ્થાને ટકાવી રાખવા મનુસ્મૃતિ મુજબનું વર્ણ -વ્યવસ્થાનું શાસન આપણા દેશમાં સદીઓથી અમલમાં છે. મનુસ્મૃતિ પ્રમાણે વર્ણવ્યવસ્થામાં દરેકે વર્ણે પોતાની વર્ણના સભ્યો સાથે અંદર અંદર એકબીજા સાથે સામાજિક વ્યવહારો કેવી રીતે અમલમાં મુકવા અને તેના ઉલ્લઘન માટે શું શિક્ષા હોય તેના નિયમો બનાવ્યા છે. ઉપરાંત એકવર્ણના સભ્યોએ બીજી વર્ણના સભ્યો સાથે કેવો સામાજિક વ્યવહાર કરવો તેના પણ નિયમો અને ઉલલંઘનની સજાઓ નક્કી કરવામાં આવી છે. આમ મનુસ્મૃતિ ગીતાના ઉપદેશો જેવા કે " कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। "ને અમલમાં મુકવા માટેનું એક અમોઘ-શક્તિશાળી નૈતિક અને દંડનાત્મક હથિયાર સદીઓથી બની ગયું છે. દા.ત હિંદુ વર્ણની છેલ્લી અને ચોથી વર્ણ શુદ્વ(દલિત)પોતાના પૂર્વજન્મના કર્મોની શિક્ષા કે ફળો ભોગવવા ઉપલી વર્ણોની સુખાકારી માટે "વેઠ" ( ફળ કે વળતર,બદલાની આશા રાખ્યા વિના) કરે  તેમાં અનૈતિક કે અધાર્મિક શું? વર્ણ -જન્મ આધારિત ફરજ દલિત ફરજ ન બજાવે તો તેને મનુસ્મુતીના કાયદા પ્રમાણે શિક્ષા કરવામાં આવે તો તેમાં અનૈતિક કે અધાર્મિક શું? મનુસ્મૃતિ તો મનુ ભગવાન કે ઈશ્વર સર્જિત દંડ સંહિતા છે. તેના અમલ સામે વિદ્રોહ કે બળવો  કરવામાં આવે તે તો હિંદુધર્મ પર  કઠુરાઘાત જ ગણાય! મનુસ્મૃતિ પ્રમાણે દરેક વર્ણો સાથેનો વ્યવહાર "હિંદુરાષ્ટ્ર" ને અમલમાં મુકવાની પૂર્વશરત છે. હિંદુ રાષ્ટ્ર માં ચાર વર્ણ ના લોકો જ  રહી શકે! તેમાં સને 1950ની 26મી જાન્યુઆરીએ અસ્તિત્વમાં આવેલ બંધારણના  "આમુખ"ના " અમે ભારતના લોકો" અમાન્ય છે!                         


           



--