સવાણી સાહેબે નીચેના મથાળા પ્રમાણે રજુ કરેલ લેખના મારા પ્રતિભાવો.
મારે હિન્દુરાષ્ટ્ર નથી જોઇતું. હા, પણ તેનો અર્થ એ નથી કે હું ઇસ્લામીક રાષ્ટ્ર, ઇસાઇ રાષ્ટ્ર કે યુહુદી કે બોધ્ધ ધર્મ આધારીત રાષ્ટ્રની કંઠી કે ઝંડો લઇને તેનો ટેકેદાર બનવા માગુ છું. તે જ પ્રમાણે મારે સામ્યવાદ અને ફાસીવાદ જેવા સમુહવાદમાં માનવી તરીકે મારી જાતને સોંપી દેવી નથી.મારે સામંતશાહી(જમીનદારી પ્રથા), રાજાશાહી કે ધર્મશાહી, રાજકીય પક્ષશાહી, તેની નેતાશાહી કે પછી આર્થીક કોર્પોરેટ મુડીવાદી શાહીના પ્રભુત્વ નીચે પણ મારે મારી જીંદગી પસાર કરવી નથી.
કોઇપણ પ્રકારના માનવસર્જીત સમુહો પછી તે કુટુંબથી શરુ કરીને જ્ઞાતિ, જાતિ, વંશ,ધર્મ,વર્ણ,પ્રદેશ કે દેશના હોય તે તમામ સમુહોનું એક જ સ્થાપિત હિત હોય છે. તેનો સભ્ય માનવીને બનાવીને,તેની ચુંગાલમાંથી યેનકેન પ્રકારની વફાદારી પેદા કરી–કરાવીને બહાર નિકળવા ન દેવો. માનવીની સાચી મુક્તિ (Liberation) એકલ દોકલ સમુહમાંથી નહી પણ તમામ સમુહોમાંથી સમજપુર્વકની જ્ઞાન–વિવેક આધારીત ભૌતીક અને લાગણીપ્રધાન મુક્તિ અનિવાર્ય છે.
મારે તમામ સમુહોમાંથી મુક્તિ બે પ્રકારની જોઇએ છીએ. પણ પહેલી એક વાત મને કરી લેવા દો! મુક્તિ કે સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મને ભય બિલકુલ નથી. તે તો મને " મારી માતાની સાથેનો નાભી–નાળ દોરી જે ક્ષણે તોડી નાંખી હતી તે જ ક્ષણથી શરુ થયેલી મારો મુક્તિ સંઘર્ષ છે." જન્મસિધ્ધ અધિકાર છે. મારો આ જૈવીક, ભૌતીક, વાસ્તવિક સંઘર્ષ સદીઓથી મારા જેવા અન્ય માનવીઓના સહકારથી હું લડતો અને તેમાંથી વિજય મેળવતો ૨૧મીસદી સુધી આવી પહોંચ્યો છું. પેલા બદમાશ સામુહિક સત્તાધીશોની મારા માટે વર્ણ–કર્મ આધારીત પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક,પુર્વજન્મ, વર્તમાનજન્મ, પુનર્જન્મ, કયામત, સાલ્વેશન, વફાદારી, ભક્તિ, ત્યાગ, બલિદાન, શહીદી વિ.નામની બનાવેલી ચકચકીત જંજીરોને તોડતો(Freedom From) હું આવ્યો છું.
મારે ફક્ત અને ફક્ત માનવ કેન્દ્રી કલ્યાણવાળો સમાજ બનાવવો છે. માનવીના ભૌતીક,ઐહીક, દુન્યવી હિત સિવાય બીજો કોઇ ઉપદેશ, હિત મને માન્ય નથી. માનવ કેન્દ્રી હિત વાળો સમાજ કેવો હોય? માનવીની વ્યક્તિગત ધોરણે, તેનામાં જૈવીક ઉત્ક્રાંતિના સંઘર્ષમાંથી વિકસેલી જે નિપુણતાઓ, કલા–કુશળતાઓ, સંભવિત શક્તીઓ,અને તેનું જીવન ટકાવી રાખે અને વિકસાવે તેવી સત્ય શોધવાની વૃત્તીઓને વધુ વિકસાવવા માટે અને તેના વ્યક્તિગત સશક્તિકરણનું મોકળુ મેદાન મળે તેવી માનવસર્જીત સમાજ વ્યવસ્થા. આ અમારુ માનવવાદી તત્વજ્ઞાન છે.
તાજેતરમાં તા ૬માર્ચના રોજ બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર તરફથી ગુજરાતીમાં ખુબજ સરળ ભાષામાં માનવવાદી તત્વજ્ઞાનને સમજાવતું પુસ્તક અમારા સાથીદારો અશ્વિન કારીઆ (નિવૃત પ્રીન્સિપાલ લો કોલેજ, પાલનપુર) અને ગિરિશભાઇ સુંઢીયાના સહયોગથી પ્રકાશિત કરવામાં આવ્યું છે.
પુસ્તકનું નામ–રેડીકલ હ્યુમેનીઝમ (સ્વાતંત્રય અને લોકશાહીની ફિલોસોફી)– મુળ અંગ્રેજીમાં લેખક– જસ્ટીસ વી. એમ. તારકુડે, ગુજરાતીમાં અનુવાદક– પ્રો. દિનેશ શુક્લ.
સંપર્ક–ગીરિશભાઇ સુંઢીયા–94266 63821.