Sunday, April 20, 2025

લેખ માળા ભાગ–૨– આર એસ એસની વિચારધારા શું છે?

લેખ માળા ભાગ–૨–  આર એસ એસની વિચારધારા શું છે?

બીજેપી અથવા ભારતીય જનતા પાર્ટીએ આરએસએસનું સર્જન છે. બીજેપી આરએસએસની રાજકીય પાંખ છે. તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ, હિન્દ મજદુર સભા, કિસાન સંઘ, એવા નામી અનામી ૪૦ ઉપરાંત સંગઠનો દેશ પરદેશમાં ખુલ્લા કે પ્રછન્ન સ્વરુપે કાર્યરત હોય છે. દરેક સંગઠનોનો એજન્ડા આર એસ એસ દ્રારા પુર્વનિર્ણત હોય છે. વળી દરેક સંગઠનને પોતાની આગવી કોઇ વિચારસરણી, પ્રવૃત્તી હોતી નથી. કોઇપણ સંગઠનને કે તેના સભ્યને ક્યારેય પોતાની માતૃસંસ્થા(આરએસએસ) સાથેનો નાભી–નાડનો સંબંધ તોડવાનો કોઇ અધિકાર નથી. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા જ્યારે માતૃસંસ્થા કરતાં પોતાનું કદ મોટુ કરવાના નશામાં પડી જાય છે ત્યારે તેનું કદ કેવી રીતે વેતરીને સરખું કરી દેવું તેની કાબેલીયાત માતૃસંસ્થાએ ૧૯૨૫થી ૨૦૨૫સુધીના એકસો વર્ષની ઘણી ચઢ–ઉતર પછી સરસ રીતે હસ્તગત કરી લીધી છે.

દા.ત બીજેપી પક્ષના વર્તમાન પ્રમુખ જે.પી.નડ્ડાએ સને ૨૦૨૪ની લોકસભાની ચુંટણીના છેલ્લા બે તબક્કા બાકી હતા ત્યારે એક જાહેર નિવેદન કર્યું હતું." બીજેપી પોતાની રીતે ચુંટણી લડવા (આરએસએસ) ની મદદ સિવાય પુરી સક્ષમ છે. પરિણામ અબકી બાર ૪૦૦ પાર ને બદલે ૨૪૦ પર વાવટો સમેટી ગયો.

આરએસએસ ને બદલે સંઘ શબ્દ હવે પછીની ચર્ચામાં વાપરવામાં આવ્યો છે. સંઘ જાણે હિન્દુઓનું પારિવારિક સંગઠન છે. જેમ પરિવારમાં પુજાપાઠ થાય છે તેમ સંઘમાં પણ પોતાના કોઇપણ કાર્યક્રમમાં શરુઆત અને અંતમાં નક્કી કરેલ પુજાપાઠ થાય છે. પણ તેથી સંઘ ધાર્મિક સંસ્થા નથી. સંઘમાં લાઠી, કબડ્ડી, અનેક દેશી રમતો શાખામાં રમાડવામાં આવે છે. પણ તેથી તે કોઇ અખાડીયન પેદા કરવાની સંસ્થા નથી. દરેક શાખામાં સ્વયંસેવકને બંસરી, બ્યુગલ, ઢોલ વિ કેવી રીતે વગાડવું વિ. ની.તાલીમ આપવામાં આવે છે. પણ તેનો અર્થ એ નથી કે સંઘ કોઇ સંગીત એકેડેમી છે. પરંતુ શાખામાં નાની ઉંમરમાં ભરતી કરેલ છોકરાઓને (છોકરીઓને સંઘનુ સભ્યપદ વર્જય છે.)લલચાવીને પછી કાયમ માટે એક સુઆયોજીત ફંદામાં ફસાવવા માટેનો વિશાળ નીતિનો એક ભાગ હોય છે. સંઘની વિચારસરણી પ્રમાણે હિન્દુ સ્રીના બે કાર્યો નક્કી કરેલ છે. એક ઘર સંભાળવું અને દેશને માટે બાળકો પેદા કરવાનું.! રાષ્ટ્રપ્રેમી કોઇપણ કુટુંબના વડીલો અને બાળકો સંઘની આ ચાલમાં સહેલાઇથી ફસાઇ જાય છે. શાખામાં મોટાભાગના બાળકો મધ્યમ ને ગરીબ મધ્યમ વર્ગના હોય છે. પણ હિન્દુ વર્ણાશ્રમની ચોથાવર્ણના હોતા નથી. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના બેનર નીચે પુરેપુરી બ્રાહ્મણવાદી દક્ષિણપંથી સંસ્થા છે. " જુની મદિરા મગર બોતલ નઇ' દેખાડો આધુનિક અને વિચારસરણી અને વર્તન સદીઓ જુના. વર્ણવ્યવસ્થા આધારીત બ્રાહ્મણવાદી વર્ચસ્વ. સંપુર્ણ પણે વ્યક્તિગત અને સામાજીક આધુનીક પરિવર્તન વિરોધી. ભુતકાળના પાખંડને ભજનારાઅને પુજનારા.

ભારત હિન્દુ રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક લોકશાહી દેશ નહી. સંઘનું સ્વપ્ન ભારતને "અખંડ ભારત" બનાવવાનું છે. જેની સરહદો શ્રીલંકાને સમાવી બર્મા અને પશ્ચીમમાં અફઘાનિસ્તાન સુધી પહોંચે છે. ત્રીજું ભારત ક્યારે વીશ્વગુરુ હતું તે કોને ખબર પણ અમારે વીશ્વગુરુ બનવાનુ  છે. સંઘની વિચારધારામાં હિન્દુ– મુસ્લીમ નફરત અંતર્ગત છે. તેની વીચારધારામાં દુન્યવી સમસ્યાઓનું કોઇ સ્થાન જેવી કે ગરીબાઇ, ભુખમરો,આરોગ્ય, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, વૈજ્ઞાનિક સંશોધનો વિ ના ઉકેલ માટેનું હોઇ શકે જ નહી.ઔધ્યોગિકરણ સર્જિત તમામ આધુનિક વ્યકતિગત કુટુંબ પ્રથા, શહેરીકરણ, સ્રી સ્વતંત્ર્તા,સમાનતા,વર્ણવ્યવસ્થાની નાબુદી, તમામ સામાજીક–લોકશાહી સામાજીક એકમોની માનવકેન્દ્રી ભાગીદારી ફક્ત અમાન્ય જ નહી, પણ તેના પાયામાંથી નિર્મુલન માટે હિંસાનો સાધન તરીકે ઉપયોગ ને આવકાર્ય છે.બંધારણ મુજબનું કાયદાનું શાસન નહી. પણ મનુસ્મૃતિ સંચાલિત ન્યાયિક વ્યવસ્થા. ટુંકમાં અમારી હિન્દુ સંસ્કૃતિ અને વિચારધારાની કોઇ વ્યાખ્યા હોય તો તેને "બ્રાહ્મણ સંસ્કૃતિ અથવા વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ તરીકે ઓળખવી.

(૧) અમે લોકશાહી પ્રથાના મુળભુત સિધ્ધાંત રાજ્ય અને ધર્મના કોઇપણ પ્રકારના વિયોજનમાં (Separation)માનતા નથી. રાજ્યસત્તા અને ધર્મ સત્તાની એકરુપતા હિન્દુ રાષ્ટ્રનો અવિભાજ્ય અંગ જ છે અને હશે

(૨) દેશની તમામ લઘુમતીઓએ પોતાની વફાદારી દેશ પ્રત્યે છે તે વાણી,વિચાર અને વર્તનથી સાબિત કરવું પડશે.

(૩) બ્રીટીશ શિક્ષણશાસ્રી લોર્ડ મેકોલથી શરુ કરેલ અંગ્રેજી શિક્ષણ પ્રથા બિલકુલ ના જોઇએ. એ તો દેશની સંસ્થાનવાદી ઓળખ છે.( Colonial Mentality).

(૪) ધર્મનિરપેક્ષતા અથવા સેક્યુલારિઝમ એ માનવ મુલ્ય છે જ નહી. તે વિભાવના હિન્દુરાષ્ટ્રના ખ્યાલ થી તદ્દન વિરોધાભાસી છે.એક માન્યમાં બે એકબીજાથી તદ્દન વિરોધાભાસી તલવારો ક્યારેય સમાય જ નહી.

(૫) ભારત દેશના બંધારણ સર્જીત એક સમવાયીતંત્ર દેશ છે જેમાં આશરે ૨૮ સ્વાયત્ત રાજય અને બીજા કેન્દ્રસંચાલીત પ્રદેશોનો બનેલો દેશ છે. સંધ તેને મજબુત કેન્દ્ર વાળો સર્વસત્તાધીશ રાષ્ટ્ર ક્યારેય બની શકે નહી માટે તેને સમવાયી રાજ્ય વ્યવસ્થા જ અમાન્ય છે.વિકેન્દ્ર્ત સત્તાવાળી રાજ્ય વ્યવસ્થા તો લાંબેગાળે દેશને રાજકીય રીતે જ વિકેન્દ્ર્તઅને છિન્નભિન્ન કરી નાંખશે! દેશનું સંવિધાન તો પશ્ચીમી દેશોના બંધરણોમાંથી તૈયાર કરેલું છે. તેમાં હિન્દુત્વના કોઇ મુલ્યો આમેજ નથી. માટે સંઘને માન્ય નથી. અમારો સામાજિક કરાર તો મનુસ્મૃતિ આધારીત જ હશે.

(૬) સંઘની વિચારસરણીને આધારે તેના ત્રણ ઘોષિત દુશ્મનો છે. એક મુસલમાન, બે ઇસાઇ અને ત્રણ સામ્યવાદી. બીજું ખુબજ અગત્યની આરએસએસની સંસ્થા તરીકે વિશેષતા– " દરેક ફાસીવાદી સંગઠનમાં બુધ્ધી કે દિમાગ તેના નેતા પાસે હોય છે. અને તેના સ્વયસેવકઓ પાસે શરીર જ હોય છે. તેથી સંઘ ખુબજ મહત્વ બૌધ્ધીકવર્ગ ને આપે છે જેમાં સ્વયંસેવકોની બુધ્ધીનાશ કરવા મટે વર્ગ ચલાવવામાં આવે છે.

ઉપર મુજબની સંઘની વિચારસરણીને છેલ્લા એકસો વર્ષમાં અને ખાસ કરીને સને ૨૦૦૧ થી ૨૦૨૫ની સાલ સુધીમાં  કેન્દ્ર અને કેટલાક રાજયોમાં રાજકીય સત્તા હસ્તગત થયા પછી અમલ મુકતાં દેશના શું હાલ–બેહાલ થયા છે તે હવે પછીના અંકમાં...


--