Monday, May 5, 2025

વાહિયાત વાતોથી આતંકવાદ ડામી શકાય નહીં !

27 એપ્રિલ 2025ના રોજ, 'સંવાદસભા'માં, 'માણસાઈનો દુ:શ્મન આતંકવાદ' વિષય પર ચર્ચા થઈ, તેનાં મુખ્ય મુદ્દાઓ :

બિપિન શ્રોફ : "કાશ્મીર એવું રાજ્ય હતું જ્યાં રાજા હિન્દુ હતા અને બહુમતી લોકો મુસ્લિમ હતા. 1936 થી 1947 સુધી કાશ્મીરમાં ધર્મ આધારિત ન હોય તેવું રાજ્ય સ્થાપવા 'નેશનલ કોન્ફરન્સે' રાજાશાહી સામે ચળવળ ચલાવી હતી. આઝાદી વેળાએ પાકિસ્તાનના સૈનિકોએ કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે રાજા હરિસિંહે ન છૂટકે પોતાના રાજ્યને ભારત સાથે છોડ્યું. પ્રજામત લેવાનો હતો. તટસ્થ પ્રજામત લેવાય તે માટે 1948માં UNO સમક્ષ નેહરુએ વાત મૂકી. પણ પ્રજામત લેવાયો નહીં. 1965માં યુદ્ધ થયું, તાશ્કંદ કરાર ત્યાં. લાઈન ઓફ કંટ્રોલ નક્કી થઈ. 1971માં યુદ્ધ થયું. 1980માં / 1999માં કારગિલમાં યુદ્ધ થયું. અટલ બિહારી બાજપાયીએ સમઝોતા એક્સપ્રેસ બસ સેવા શરૂ કરી. 2014 પછી હિન્દુત્વના જોરના કારણે કાશ્મીરમાં વધુ આતંકવાદી ઘટનાઓ બની. કાશ્મીરને કેન્દ્ર શાસિત બનાવ્યું. 9 લાખનું લશ્કર કાશ્મીરમાં છે, છતાં આતંકી હુમલા થાય છે. પુલવામાં / પહેલગામમાં સુરક્ષા ન હતી … આતંકવાદ ત્યારે થાય જ્યારે સતત અન્યાય થાય. આ સ્થિતિમાં આતંકવાદીઓને સફળતા મળે છે. આતંકવાદી માનસિકતાને ટેકો કોણ આપે છે? પોષણ કોણ આપે છે? સ્થાનિક વિદ્રોહીઓ આપે છે. પર્વતોમાં પશુ ચારતા કાશ્મીરીઓ આપણા લશ્કરને માહિતી આપતા હતા તેનો વિશ્વાસ આપણે ગુમાવ્યો. દેશના વડા પ્રધાન કપડાંથી માણસોને ઓળખવાની વાત કરે તે ઉચિત છે? પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાં બંધ પાળવામાં આવ્યો, દેશભરમાં મુસ્લિમોએ હુમલાને વખોડી નાંખ્યો તે સારી બાબત છે. લશ્કરના આધારે ક્યાં સુધી કાશ્મીરને સાચવી શકીશું? સરકાર કહે છે આતંકીઓની કમર તોડી નાખી છે પણ સત્ય જુદું છે : 2014માં 28 / 2015માં / 2016માં 14 / 2017માં 54 / 2018માં 86 / 2019માં 42 / 2020માં 33 / 2021માં 36 / 2022માં 30 / 2023માં 12 / 2024માં 31 / 2025માં 28 નાગરિકોની આતંકીઓએ હત્યા કરી છે. આતંકવાદને નાથવા માટે સ્થાનિક લોકોમાં આત્મવિશ્વાસ પ્રગટાવવો પડે, ભાગીદારી મેળવવી પડે. આત્મવિશ્વાસ ત્યારે જ પ્રગટે જ્યારે લોકોને લાગે કે ભારત મારો દેશ છે. ધૃણા / નફરત / ધિક્કાર એ આતંકવાદને પોષણ આપનાર પરિબળ છે."

ભૂપેન્દ્રસિંહ રાઓલ : "આતંકવાદ સદીઓથી ચાલે છે. રાજાઓ / બાદશાહો પણ આતંકવાદ કરતા હતા. ઓટોમન સામ્રાજ્યે સ્યુસાઇડલ બોમ્બર જેવા આતંકીઓ તૈયાર કર્યા હતા. આપણે ત્યાં નક્સલવાદ છે, ખાલિસ્તાની આતંકવાદ હતો. પાકિસ્તાન સમર્થિત કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો છે. 1971નું યુદ્ધ પાકિસ્તાન હાર્યું ત્યારથી તેણે સીધી લડાઈ બંધ કરી દીધી, કેમ કે સીધી લડાઈ જીતી શકાય તેમ નથી એટલે તેણે પ્રોક્સી વોર શરૂ કરી, ખાલિસ્તાનીઓને સપોર્ટ કર્યો, કાશ્મીરમાં આતંકીઓને હથિયાર વગેરે પૂરા પાડે છે. ઉત્ક્રાંતિના મનોવિજ્ઞાન મુજબ (1) માણસ સમૂહમાં રહેવા ઈન્વોલ્વ થયેલો છે. જેમ સમૂહ મોટો તેમ સર્વાઇવલના ચાન્સ વધી જાય. ધર્મ પણ એક સમૂહ છે. પોતાનો સમૂહ મોટો કરવા તે ભાવના હોય છે. કોઈપણ ભોગે સર્વાઈવ થવું. (2) તેને એક લીડર હોય. (3) માણસ સ્ટેટસ સીકિંગ એનિમલ છે. (4) સેક્સ્યુઅલ રીપ્રોડકશન. આતંકવાદ પણ આ ચાર મુદ્દાઓ આજુબાજુ ફરતો હોય છે. હરીફ જૂથોને દૂર કરવાથી સંસાધનોની એક્સેસ મળી જાય. આ માટે મોટા મોટા નરસંહાર થયા છે. હિટલરે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યાં. રવાન્ડામાં 6 દિવસમાં 8 લાખ લોકોની હત્યા થઈ હતી. ઓટોમન સામ્રાજ્યે 15 લાખ લોકોની હત્યા કરી હતી. કમ્બોડિયામાં 20 લાખ લોકોની હત્યા થઈ હતી. 11 સપ્ટેમ્બર 2001ના રોજ, અમેરિકામાં 3,000થી વધુ લોકોને મારી નાખ્યા હતા. આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે. ઉત્ક્રાંતિનું મનોવિજ્ઞાન બાળકોને ભણાવવું પડે. ધર્મ વગરની ધરા જોઈએ. ધર્મ ન જોઈએ. આતંકવાદ માણસાઈનો દુ:શ્મન છે."

રમેશ સવાણી : "નફરતનું ભવિષ્ય હંમેશાં ખરાબ જ હોય છે. આતંકવાદ મુખત્વે બે કારણોસર જોવા મળે છે. એક, ધર્મ આધારિત; જેમાં મૃત્યુ પછી હૂરો / પરીઓ મળે તેવી લાલચ હોય છે. ધર્મ આધારિત રાષ્ટ્રવાદ તેમાં આવી જાય. બીજું, વંચિતતાના કારણે, જેમ કે નક્સલવાદ. સમુદાયોને વિકાસમાં ભાગીદાર બનાવવા પડે. જો કે વંચિતતાનું મુખ્ય કારણ પણ ધર્મ જ હોય છે. 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' સૂત્રને વ્યવહારમાં મૂકે તો આતંકવાદ ખાળી શકાય. કથની અને કરણી વચ્ચે મોટો તફાવત હોય ત્યારે અસંતોષ વધે છે, જે આતંકવાદને આમંત્રણ આપે છે. 2001માં અમેરિકામાં 9/11નો આતંકી હુમલા સમયે અમેરિકામાં કોઈ જગ્યાએ મુસ્લિમો સામે હુમલા થયા ન હતા, મુસ્લિમોના વિસા કેન્સલ કર્યા ન હતા; અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધીને મારી નાખ્યો. અમેરિકાએ મુસ્લિમોને ટાર્ગેટ ન કર્યા, આતંકવાદીને ટાર્ગેટ કર્યો હતો. શું આપણે આવું કરી શકીશું? સરકારની નિષ્ફળતા છૂપાવવા ગોદી મીડિયા લોકોની આંખમાં ધૂળ નાખે છે; ગોદી મીડિયા જ આતંકવાદી છે ! પાણી બંધ કરી દેવાથી ટોઈલેટ ગયા પછી સફાઈ પણ નહીં કરી શકે, એવી વાહિયાત વાતો કરીને જ સંતોષ માનવાનો છે?"

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

--