Thursday, August 21, 2025

આજ નો લેખ ચાર્વાકના વિચારોને સમર્પિત–ભાગ–૧.


ચાર્વાક, નિત્શે અને કાર્લ માર્કસના નિરઇશ્વરવાદી અને ભૌતીકવાદી વિચારો.

આજ નો લેખ ચાર્વાકના વિચારોને સમર્પિત–ભાગ–૧.

ત્રણેય દાર્શનીકોએ પોતાની રીતે માનવીય જીવનનું અંતિમ ધ્યેય શું હોઇ શકે તેની ચર્ચા અત્રે કરેલ છે. દરેકનો જીવન કાળ જુદો જુદો હતો. તેમ છતાં ત્રણેયના તારણો ભૌતિકવાદી અને વાસ્તવિક સુખવાદી ટુંકમાં ઐહીક સ્પષ્ટ હતા.ત્રણેય દાર્શનીકોએ જે તે સમાજમાં ચીલાચાલુ પરંપરાઓ,તપાસ્યા વિનાની માન્યતાઓ સામે પોતાના સંશોધન મુજબ સત્યના ખ્યાલને સમજાવવા કોશીષ કરી. તેમના વિચાર પ્રમાણે સત્યની ખોજ સાહસીક, ગહન અને વર્તમાન વ્યવસ્થા સામે વિદ્રોહ તરીકે રજુ કરી. ત્રણેય દાર્શનીકોના આ નીજી પ્રયત્નોએ જે તે યુગમાં ચીલાચાલુ માન્યતાઓ સામે માનવ સહજ શંકાઓ પેદા કરી. બને તેટલા ટુંકાણમાં ત્રણેય દાર્શનીકોના વિચારોને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે.    

ચાર્વાક–વૈદીક સમયમાં જાણે એક યુવાન જ્યાં વૈદીક તત્વજ્ઞાન પર સંવાદ ચાલતો હોય ત્યાં એકાએક ઉતરી આવે છે. મારી વાત તો સાંભળો! " સત્યની વિભાવના તો એ છે કે જેને તમે જોઇ શકો, ઇન્દ્રીયોથી અનુભવી શકો,જેને આધારે " હું અને તમે આનંદમય જીંદગી જીવી શકો!" સદર ખ્યાલ ચાર્વાક દર્શનનો પાયો છે.તે જમાનામાં ચાર્વાકે પોતાની દલીલો તથા તેના આધારીત પુરાવા એકત્ર કરીને તમામ વૈદીક દર્શનોની અપ્રસતુતા સાબિત કરી દીધી હતી. ચાર્વાક ઇશ્વરના અસ્તીત્વ પર શંકા ઉઠાવે છે. અને પોતાના તારણ ને જાહેર કરે છે કે " દુન્યવી સુખ જ જીંદગીનો આખરી મંત્ર છે." ચાર્વાકનું ચિંતન ફક્ત તર્ક, સાહસ અને સુખની ખોજની મથામણમાંથી સર્જન થયું હતું. ચાર્વાકની જીવન કથા રોચક, જ્ઞાનવર્ધક અને રહસ્યમય છે.

ચાર્વાકે વેદકાળમાં લોકો યજ્ઞ–હવનમાં પોતાની બચત અને સમય વેડફી દેતા હતા તે સમયે ચાર્વાકના વિચારોએ એક બોમ્બ ફોડયો. કેવો બોમ્બ ફોડયો– તેણે જાહેર કર્યું કે વેદ,કર્મકાંડ અને પરલોકનો ખ્યાલ એ બધી પુરોહિતોની ચાલબાજી છે. સાચું સત્ય તો તમારી આંખો કે નજર કે સામને જે દેખાય છે તે જ સત્ય છે.તે જમાનામાં આ બધા ચાર્વાકના વિચારો એટલા બધા ક્રાંતીકારી હતા કે, તે સાંભળીને સ્થાપિત હિતો હેરાન થઇ જતા હતા.અથવા તો આ બધું ચાર્વાકનું દર્શન એક પાગલપણ છે તેવું મનાવવા સખત પ્રયત્નો કરતા હતા.ચાર્વાકના આ બધા વિચારો આજે પણ સત્યને શોધવા માટે ગુરુ કે કોઇ ધર્મપુસ્તકની જરુર નથી.ફ્કત તમારે તમારી આંખો, કાન જેવી પાંચ ઇન્દ્રીયોનો ઉપયોગ કરીને દિમાગથી તર્કબધ્ધ રીતે વિચાર કરવાની જરુર છે.આ વિચારો આપણને નવા દ્ર્ષ્ટીકોણથી વિચારવા મજબુર કરે છે.

ચાર્વાક દર્શનનો પહેલો સિધ્ધાંત છે પ્રત્યક્ષવાદ. સત્ય એ છે જેને તમે જોઇ શકો છો. સ્પર્શ કરી શકો છો. તેનો આધાર ટુંકમાં ભૌતીક વાસ્તવિકતા તેનો પાયો ( Physical Reality) છે. સ્વર્ગ,નર્ક, ભુતપ્રેત, મૃત્યુ પછી જીવનનો ખ્યાલ વિ. તમામ માન્યતાઓનો ભૌતીક આધાર નહી હોવાથી, જેમ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રયોગ કરી સાબિત ન થાય તે બધું વ્યર્થ તેવો જ અભિગમ ચાર્વાકનો તે જમાનામાં હતો. જેનો પ્રત્યક્ષ પુરાવો ન મળે તે બધું અસત્ય કે ખોટું. ચાર્વાક ચિંતન આજે પણ આપણને બોધ આપે છે કે હું અને તમે આપણી ઇન્દ્રીયો પર વિશ્વાસ રાખીએ. સાંભળી– કથા કથિત વાતો પર નહી.

ચાર્વાક દર્શનનો બીજો અગત્યનો મુદ્દો છે "ભૌતીકવાદ".આ પૃથ્વી ચાર તત્વોની બનેલી છે. પૃથ્વી,પાણી,અગ્નિ અને વાયુ.પણ આત્મા,ઇશ્વર,પરલોક વિ. ને ચાર્વાક હવામાં ફેલાયેલી કપોળકલ્પિત વાતોથી વધારે મહત્વ આપતા ન હતા.માનવીય ચેતના એ પણ આ બધા તત્વોની મદદથી બનેલ મઝેદાર મિશ્રણ છે.જ્યારે આ દેહ, શરીર નાશ પામે છે તેની સાથે જ શરીરમાં રહેલી ચેતના પણ નાશ પામે છે.વર્તમાન ન્યુરોવિજ્ઞાન પણ સમજાવે છે કે માનવીય સોચ,ભાવના અને સ્વપ્ન બધા જ મસ્તિષ્કની રાસાયણીક પ્રક્રીયાનું પરિણામ છે.ચાર્વાકનો આ ભૌતીકવાદી દ્રષ્ટીકોણ, આપણને સવાલ કરવા મજબુર કરે છે કે જો આત્માનું અસ્તિત્વ નથી,પરલોક નથી, તો મારી વર્તમાન જીંદગીનો હેતુ શું આ જીવતી ક્ષણ કે પળથી વિશેષ કાંઇ નથી? સદર ચાર્વાકની વિચારસરણી મને અને તમને જીંદગી પુરી તરહ આનંદ,સુખ ને ચમનથી જીવન જીવવા પ્રેરણા આપે છે.

ચાર્વાક દર્શનનો ત્રીજો સિધ્ધાંત છે " નાસ્તિકતા". આ સિધ્ધાંત ઇશ્વરના અસ્તિત્વની મશ્કરી કરતાં કહે છે " ઇશ્વર એ કઇ બલાનું નામ છે." દુનિયાનું સંચાલન સ્વયં છે. તે કોઇ ઇશ્વર જેવા બાહ્ય પરિબળથી લેશમાત્ર સંચાલિત નથી. માટે ઇશ્વરની ખરેખર જરુર જ નથી. એટલું જ નહી પણ ઇશ્વરમાં શ્રધ્ધા નહી અંધશ્રધ્ધા તે પણ એક કપોળકલ્પિત છે.ચાર્વાકે પોતાનું આ તત્વજ્ઞાન તેવા સમયે ફેલાવવાનો પ્રયત્ન કરેલો જ્યારે દેશ અને દુનીયાની પ્રજાને અબાધિત વિશ્ચાસ (અબાધિત અંધશ્રધ્ધા હતી કે) હતો કે મનુષ્યના જીવનની દરેક ઘટના કે બનાવ તે ઇશ્વરી ઇચ્છાનું જ પરિણામ છે.ચાર્વાકે હિંમતથી કહી દિધું હતું કે સુખ,દુ:ખ,અતિવરસાદ,દુકાળ આ બધી ઘટનાઓ  ઇશ્વરી સંચાલનના પરિણામો બિલકુલ નથી.તે બધી ઘટનાઓ કુદરતી નિયમબધ્ધતાનું પરિણામ છે. આજના યુગમાં ખુબજ ઝડપથી ખાસ કરીને પશ્ચીમી વિશ્વના લોકો નાસ્તિકતા અને જ્ઞાનપ્રાપ્ત કરવાના સાધન તરીકે તર્ક આધારીત કારણની સર્વોપરિતામાં વિશ્વાસ ધરાવતા થતા જાય છે ત્યારે ચાર્વાકનો સદર વિચાર " નાસ્તિકતા" આપણને એક સવાલ પુછવા મજબુર કરે છે. શું ખરેખર ઇશ્વર ની જરુરત છે? શેના માટે? ખરેખર ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર આપણને માનવી તરીકે "આપણે જ આપણા ભાગ્યના સર્જનહાર છે તેવો દ્રઢ આત્મવિશ્વાસ પેદા કરે છે." ચાર્વાક માનવી ને કહે છે ભાઇ! તું જ તારો ભગવાન છું. તું જ તારો તારણહાર છું. તારી જિંદગી તું તારી ઇચ્છા મુજબ મોજમઝાથી પસાર કર.

ચાર્વાક દર્શનનો ચોથો સિધ્ધાંત છે " સુખવાદ". "જીવન જીવવવાનો ધ્યેય "સુખવાદ" છે. જીંદગી જીવવાનો હેતુ એક માત્ર સુખથી જીવન જીવવાનો છે. " અચ્છા ખાઓ, મસ્ત રહો, દુ:ખ સે દુર ભાગો." આ વાક્યનો અર્થ એવો ન સમજે કે ચાર્વાક જીવનમાં અનિયંત્રિત, અકરાંતીયુ ને બેલગામ ભોગવાદી જીવનની તરફેણ પોતાની વિચારસરણીમાં કરે છે. જીવનમાં એવા સુખની પસંદગી કરો કે જેમાંથી ભવિષ્યમાં દુ:ખ પેદા ન થાય.આ એક માત્ર જીંદગી આપણને સુખથી જીવવા મળી છે. સુખથી જીવવાનો પ્રયત્ન કરતાં તે આપણને સ્વતંત્રતા, મુક્તિ અને આઝાદી પ્રાપ્ત કરવાના માર્ગ તરફ જાગૃત કે અજાગૃત તરફ લઇ જાય છે. માનવીને જ્ઞાન આધારીત સુખ શોધવાનો માર્ગ તેને દૈવી અને દુન્યવી જે પરિબળો તેમાં આડે આવે છે, આડખીલી રુપ અવરોધ કરે છે તેમાંથી અન્ય માનવીઓનો સહકાર લઇને ક્રમશ આગળ વધતો જાય છે.

ચાર્વાકે વેદો અને કર્મકાંડોને ખુલ્લેઆમ પડકાર આપ્યો.ચાર્વાકની તર્કબધ્ધ દલીલ હતી કે આ હવન,તંત્ર, મંત્ર, વિ.તો પુરોહિતોની દુકાનદારી છે. તેમનો ધંધો છે. ફક્ત આજીવીકાના સાધન સિવાય બીજું કાંઇ નથી.કલ્પના કરો! એક પુરોહિત યજ્ઞ કરી રહ્યા છે.આ યજ્ઞ કરવાથી હવે તમારુ સ્વર્ગ જવાનું લાયસન્સ પાકું થઇ ગયું.બાજુમાં ઉભો રહેલો ચાર્વાક પેલા પુરોહિત ને પ્રથમ પુછશે કે ભાઇ! સ્વર્ગની ટીકીટ તો બતાવ! આજે આપણા દેશમાં વર્તમાન ધર્માંધ હિંદુત્વવાદી કેન્દ્ર અને રાજ્ય સરકારોની બોલબાલામાં અંધવિશ્વાસ ફેલાવનારા અને બાબાઓના ચક્કરમાં આશરે ૩૫૦૦ વર્ષ પછી ચાર્વાક શિખવાડે છે કે હૈ! મારા દેશબંધુઓ! તમે આટલું તો શીખો! જે માન્યતાઓ, તમામ જાતની શ્રધ્ધાઓ તર્કની કસોટી પર ખરી ન ઉતરે તેને કાયમ માટે ટાટા–બાય–બાય કરી દો! તર્ક આધારીત સત્યની ખુબી અને મઝા એ છે કે તે ધારણ કરનારને રાજ્યસત્તા અને ધાર્મીક અસત્યોના આધાર પર ટકી રહેલી ધર્મ સત્તા સામે સંઘર્ષ કરવાની હિંમત પુરી પાડે છે.ચાર્વાકનો સંશયવાદી દ્ર્ષ્ટીકોણ શીખવાડે છે કે પ્રથમવાર કાને જે સાંભળે તેના પર વિશ્વાસ ન કરશો. તે હકીકતને બરાબર તપાસો, તેના વિષે માહિતિ એકત્ર કરો. આજના સોસીઅલ મીડીયા અને ફેક ન્યુઝના જમાનામાં ચાર્વાક આપણને શીખવાડે છે કે આ બધા માધ્યમો દ્રારા જે માહીતિ મળે તેના વિષે શંકાશીલ બનીને પ્રશ્ન ઉઠાવો. ચાર્વાકનો ભૌતીકવાદ અને પ્રત્યક્ષવાદ આજના વૈજ્ઞાનીક તારણોનું જોડાણ સદીઓ પછી સીધા આધુનીક વીજ્ઞાન સાથે જોડે છે. સત્ય એ છે જે તમે ઇન્દ્રીય અનુભવોને આધારે પારખી શકો છો. ભારતીય ચાર્વાક દર્શન એ છે જે ચાર વેદ આધારીતે સત્યોને પુરાવા વિહિન આધારોને કારણે ફગાવી દે છે અને ઇશ્વરના અસ્તિત્વ પર શંકા ઉઠાવે છે.સુખને જીંદગી જીવવાના એક માત્ર પ્રેરક પરિબળ તરીકે સ્વીકારે છે.

 જર્મન વિચારક નિત્શેના વિચારો ભાગ–૨ હવે પછી.

--