ફેડ્રીક નિત્શે–1844-1900. German philosopher.
નિત્શે ઉવાચ– " ઇશ્વર મરી ગયો છે." God is dead" બોલો! તેના વગર જીવાશે! ભાગ–૨
નિત્શેએ સત્યની શોધને એક તુફાની કાવ્યાત્મક અને વ્યક્તિગત અનુભવની ખોજમાં રુપાંતર કરી દીધું. નિત્શેના તારણ પ્રમાણે સત્ય કોઇ સ્થિર, કાયમી,અને શાશ્વત સિધ્ધાંત નથી.પણ જીવંત, વ્યતિગત પસંદગીથી નક્કી કરેલ રહસ્યમય ઘટના છે.આ પ્રમાણે સત્યની શોધ માનવી તરીકે આપણી સમસ્યોના ઉકેલમાં સહાયરુપ બને છે.નીત્શેનું દર્શન ચાર્વાકની ભૌતીકવાદી સાદગી કે કાર્લ માર્કસની સામાજીક ક્રાંતિના ખ્યાલથી બિલકુલ અલગ છે.સ્વતંત્ર છે.જે માનવીના સ્વભાવની ઉંડાઇ,નબળાઇઓ અને વિધ્દ્વતાને ઉજાગર કરે છે.નિત્શે માટે સત્યની ખોજ એટલે જાણે, એક એકલો અટુલો માનવી તેની ખોજમાં નીકળી પડયો હોય અને સાથે સાથે પોતાની પરંપરાઓના બંધનો, નૈતિકતા અને ધર્મના બંધનો ફગાવી દઇને પોતાના માર્ગનો તદ્દન નવો જ રસ્તો બનાવીને સતત આગળ વધતો હોય.નિત્શેના વિચારોમાં આપણે સત્યની ખોજને રોચક, જ્ઞાનવર્ધક અને રહસ્યમય માપદંડોથી સમજવાનો પ્રયત્ન કરીશું.નિત્શેનું ચિંતન એક વર્તમાન સમાજ સામે વિદ્રોહની લાલબત્તી ધરતું ચિંતન હતું. તેનું ચિંતન પુરાપર્વથી ચાલુ આવતી માન્યતાઓના ખરાપણા સામે સવાલો પુછવાનું,જુના સત્યો કે માન્યતાઓ ખોટા બંધનો બની ગયા હોય તો ફગાવી દેવાની શીખ આપી હતી.પુરાપર્વથી ચાલુ રહેલી અસલામતીથી બહાર નીકળવાની વાત કરી છે.
નિત્શે માટે સત્યની શોધ કોઇ પુસ્તક કે વૈજ્ઞાનીક પ્રક્રીયા કે સંશોધનો પર આધારીત ન હતી.સત્ય એક ખતરનાક ચીજ છે.. કેમ? નિત્શેનું તારણ હતું કે સત્ય હંમેશાં જુઠઠાણાનો પર્દાફાશ કરે છે. જેને આપણે સદીઓથી સત્ય તરીકે સ્વીકારી લઇને તેને આધારે જીવન જીવ્યા છે.જુના પરંપરાગત સત્યો અને તેના આધારે અસ્તિત્વમાં આવેલ નૈતીક વ્યવહારો અને સંસ્કૃતિઓમાંથી મુક્ત થવું સરળ નથી.જુની જીવન વ્યવસ્થામાંથી બહાર નીકળવું તે આપણને તમામ રીતે તુફાનમાં ફંગોળી દેવા જેવી સ્થિતિ પેદા કરે છે. આ ઉપરાંત નવી હવા એવી નથી કે જેમાં રસ્તાઓ હાથવગા હોય! ઇચ્છો અને મલી જાય.તમારા સત્યોના સર્જક પણ તમારે જ બનવું પડે!અને તેના આધારે તમારા પગ પૃથ્વી પર બરાબર સ્થિર કરીને જ પગલાં માંડવા પડે.
નિત્શેના ચિંતનમાં સત્યની ખોજ એક સાહસિક વ્યક્તિગત અને રચનાત્મક પ્રક્રીયા છે.તેના વિચારો ચિંતનની ગહેરાઇ ઉપરાંત રોચક અને રહસ્યમય છે.તે આપણને પ્રશ્ન પુછવા,વિચારવા અને નવી રીતે જીવન જીવવાનો માર્ગ શીખવાડે છે.નિત્શેના ચિંતનનો નીચોડ." ઇશ્વર મરી ગયો છે." નિત્શેનું આ વાક્યમાં રહેલું સત્ય જ ચોંકાવનારુ છે. નિત્શેના આ વાક્યને ફક્ત ધર્મ સાથે સંબંધ નથી. ઇશ્વર પર આધારીત આપણી તમામ પરંપરાઓ, માન્યતાઓ,નૈતીકતાઓ વિગેરે સંપુર્ણ અર્થહીન થઇ ગઇ છે. આ તમામ માન્યતાઓ સદીઓથી સત્યનો આધાર હતી.પરંતુ આધુનિક યુગમાં વિજ્ઞાન અને તર્કે તે બધાને ખોખલા કે નિષ્પ્રાણ બનાવી દીધા. નિત્શે એક સરસ દાખલો આપીને પોતાની વાત રજુ કરે છે.
એક પુરાની બિલ્ડીંગની પાયાની ઇંટોને લુણો લાગ્યો છે.હવે આ ઇમારત તેના પાયામાં લુણો લાગેલ ઇંટો પર ઉભી રહી શકે તેમ નથી. ગમે ત્યારે આખી ઇમારત જમીનદોસ્ત થઇ જવાની શક્યતા ધરાવે છે. આ સ્થિતિ પેલા રહેનારમાં ભય,બીક અને અસલામતી પેદા કરનારી છે. સાથે સાથે તે બધાને વિચાર કરવાની તક પુરી પાડે છે કે ઇમારત પડે તે પહેલાં સલામત રીતે બહાર નીકળી જાવ અને તે જ સ્થળ પર નવી ઇમારત પણ બનાવી શકો. સત્યની ખોજને આધારે તમારે નિર્ણય કરવો છે કેમ? સત્યના શોધક જ તમે છો. પેલો ઇશ્વર તો ક્યારનો મરી ગયો છે. " તું તારા દિલનો દીવો બની શકે તેમ છે?" નહીં તો પછી અંધારામાં જીવવાનું પસંદ કર!
સત્ય કોઇ ફક્ત એકલું અટલું કે નિરપેક્ષ નથી.સત્ય ને હંમેશાં સંદર્ભ હોય છે. તે તેની સાથે એક યા બીજા સ્વરપે અન્ય સાથે જોડાયેલું સાપેક્ષ હોય છે."સત્ય કઇ રંગોમાંથી બનેલું મેઘધનુષ્ય છે." સત્યની ખોજમાં આપણે જુદા જુદા દ્રષ્ટિકોણથી તેનું મુલ્યાંકન કરવું પડશે. સત્યની નિરપેક્ષતા આપણને ગેરમાર્ગે દોરનારી પણ સાબિત થાય! સત્યનું મુલ્યાંકન કરવાના આપણા અભિગમને વધુ મજબુત અને રચનાત્મક બનાવવો પડશે.સત્યને કોઇ એક કેન્વાસ પર તૈયાર કરેલ ચિત્રને માફક જુદાજુદા ખુણેથી કે બાજુ થી જોવાની સર્વાંગી ટેવ પાડવી પડશે.નિત્શેનો સત્યની વિભાવનાનો પ્રેરણાદાયક ખ્યાલ કાંઇક આવો છે. " સત્યની ખોજનો કોઇ અંતિમ પડાવ હોય તો તે માનવી છે. જેણે પુરાણી પરંપરાઓ, નૈતીકતતાઓ અને ધર્મને ફગાવી દઇને તેણે પોતાનું જ સત્ય બનાવી દીધું.!તે કોઇ દૈવી પુરુષ કે સુપરમેન નથી પણ મારા તમારા જેવો કાળામાથાનો માનવી જ છે જેણે પોતાના તનમનથી રચનાત્મક સાહસ ખેડીને જીંદગી જિવવાનો એક તદ્દ્ન નવોજ અર્થ શોધી કાઢયો! નિત્શે કહે છે કે આપણા સત્યો,મુલ્યો વિ.નું સર્જન આપણે જ કરવું પડશે.માનવી પોતાના સ્વપ્રયત્નોથી, તેનામાં એવી તાકાતનું સર્જન કરાવે છે કે તે પોતાના ભાગ્યનો વિધાતા પોતે જ બને!.તેનાથી માનવીને નવા મુલ્યો આધારીત જીવન જીવવાની દરેક ઘડીએ અનંત પ્રેરણા મળ્યા જ કરે! નિત્શેનો દાવો હતો કે "ઇસાઇ ધર્મ સર્જીત નૈતીકતાએ ગુલામ નૈતીકતા છે." તેનું સર્જન નબળા લોકોનું સર્જન હતું. જે શક્તિશાળી લોકોને કાબુમાં રાખવા માંગતી હતી. ઇસાઇ ધર્મે સર્જેલા તમામ બંધનોને આપણે તોડવા પડશે.આપણે માસ્ટર નૈતીકતા( મોરાલીટી)નું સર્જન કરવું પડશે. જે માનવીનું સશક્તિકરણ કરે અને કરાવે.શું આપણી નૈતીકતા આપણને સ્વતંત્ર બનાવે છે કે ગુલામ?
નીત્શેનું દર્શન આજે પણ એટલું જ રચનાત્મક, રોમાંચક અને પ્રગતિશીલ છે. નિત્શેનો ઇશ્વર તો ક્યારનો મરી ગયેલો છે એ હકીકત આજે પણ એકસો ટકા સાચી લાગે છે. ઇશ્વરના મરી જવા પછી પેદા થયેલા ખાલીપણાને માનવીને મળેલી સોનેરી તક સમજીને તેનો બરાબર ઉપયોગ કરી લેવાની જરુર છે. સત્યની ખોજ હવે માનવીને અધિકારપુર્વક મળેલ તક છે.આજની નવી પેઢી તેની પોતાની સ્વઓળખ, નવા સ્વપ્ન, નવી સ્વતંત્રતાની શોધમાં છે. નિત્શેનો આખરી સંદેશો એ છે કે તમારી જુની પરંપરોને તોડો અને તમારી જીંદગીને તમારા સ્વપ્રયત્નોથી બનાવો. તમે તમારા સ્વપ્નના સર્જક બનો.તેના મત પ્રમાણે સત્યની શોધ મુડીવાદી સમાજના ઉપભોક્તાવાદી ગ્રાહક બનવા માટે બિલકુલ જરુરી નથી. નિત્શેના સત્યની વિભાવના સતત વિકાસ પામતી પણ ક્ષિતિજ વિહોણી છે. અસીમ અને અંતહીન છે. આજના યુગમાં જ્યારે હું અને તમે અર્થ(હેતુ),આઝાદી અને સ્વપરિચયની તલાશમાં છીએ ત્યારે નિત્શેનું દર્શન આપણને એક નવો માર્ગ સુચવે છે.
કાર્લ માર્કસ– ભાગ–૩ હવે પછી.