Sunday, August 24, 2025

ધર્મ લોકો માટે એક અફીણ છે...કાર્લ માકર્સ ભાગ–૩.

 

ધર્મ લોકો માટે એક અફીણ છે....કાર્લ માર્ક્સ. ભાગ–૩.

(Religion is the opiate of the people. But the man makes the religion, religion does not make the man.) માણસ ધર્મ બનાવે છે, ધર્મ માણસને બનાવતો નથી. માણસ કોઈ અમૂર્ત અસ્તિત્વ નથી જે દુનિયાની બહાર પલાંઠીવાળીને બેસી રહ્યો હોય! માણસ પાસે માનવ વિશ્વ, રાજ્ય, સમાજ છે.ધર્મ એ તો પીડિત પ્રાણીનો નિસાસો છે, હૃદયહીન વિશ્વની ભાવના છે અને આત્માહીન પરિસ્થિતિઓનો આત્મા છે. તે લોકોનું અફીણ છે. માણસોના ભ્રામક સુખ તરીકે ધર્મનો નાબૂદ કરવો એ તેમના વાસ્તવિક સુખની માંગ છે ..... ધર્મ એકમાત્ર ભ્રામક સૂર્ય છે.જેની આસપાસ માણસ ફરે છે. જ્યાં સુધી તે સ્વભ્રમણના હેતુ અંગે વિચારશે નહી ત્યાંસુધી તે પેલા ભ્રામકસુર્યની પાછળ ફરતો રહેશે.સૌ. રાયા દુનેયેવ્સકાયા (Raya Dunayevskaya noted Marxist Scholar& former secretary to Leon Trotsky, is the author of Marxism and Freedom- Page no 43-44. નો ભાવાનુવાદ.

કાર્લ માર્ક્સ–

વૈશ્વીક કક્ષાએ, આધુનિક સમાજશાસ્ર,અર્થશાસ્ર,અને દર્શનશાસ્રના ક્રાંતિકારી વિચારક તરીકે તેમનું સ્થાન અદ્વિતિય અને અભેદ્ય છે. તેઓએ સત્યની ખોજનું એક ભૌતીકવાદી અને ઐતીહાસીક દ્રષ્ટિથી મુલ્યાંકન કરેલ છે. ચાર્વાકની માફક કાર્લ માકર્સનો સત્યની વિભાવનાના મુલ્યાકનમાં અભિગમ પ્રત્યક્ષવાદી અને ભૌતીકવાદી છે.પરંતુ તે પૃથ્થકરણમાં સામાજીક, આર્થીક અને રાજકીય ક્ષેત્રના પ્રવાહોનું સંપુર્ણ તાર્કીક પુર્વગ્રહ વિહીન મુલ્યાંકન છે. માર્ક્સના દર્શનને સરળ અર્થમાં સમજવા માટે એમ કહી શકાય કે તેના દર્શનનો આધાર ભૌતિકવાદી ઇતિહાસવાદ( Materialistic Interpretation of History)નું મુલ્યાંકન અને વૈજ્ઞાનીક સમાજવાદના રુપમાં ઓળખાય છે.

કાર્લ માકર્સના ખ્યાલ પ્રમાણે સત્યને તત્વજ્ઞાન કે દર્શનની ચાર દિવાલોની આસપાસ બંધિયાર રાખવાની જરુર નથી.તેનો ઉપયોગ સમાજના ભૌતીક અને સામાજીક ઢાંચા સાથે કરવાની જરુર છે.માકર્સે સત્યના અર્થઘટનને તે જમાનાના યુરોપની મુડીવાદી અર્થવ્યવસ્થાએ પેદા કરેલ આર્થીક અસમાનતા,શોષણ વિ.ના કારણો અને ઉપાયો તપાસવા ઉપયોગ શરુ કર્યો.

તેમણે સત્યની તપાસ મૃત્યુ પછીના જીવન, સ્વર્ગ કે એવા ધાર્મીક ખ્યાલ માટે શરુ કરી નહતી.આધ્યાત્મીક પણ નહતી.માનવ સમાજ અને ઇતિહાસની પ્રક્રીયાઓની ગતિશીલતાને સમજવાની હતી.માકર્સ કહે છે કે અત્યારસુધી વિશ્વના દાર્શનીકોએ આપણા વિશ્વને સમજવા જુદી જુદી વ્યાખ્યા કરી છે. મારુ કામ આ વિશ્વને કેવી રીતે માનવકલ્યાણ માટે બદલી શકાય, તેમાં ફેરફાર કેવી રીતે થઇ શકે તેના નિયમો શોધી કાઢવાનું છે. માકર્સના તારણમાં સત્યના વર્તમાન પ્રવાહોઓને સમજીને તેમાં ફેરફાર કેવી રીતે કરી શકાય તે પધ્ધતિ શોધવામાં છે.

    માકર્સનો આ પ્રયત્ન હેગેલના આદર્શવાદી દ્વંદ્વાત્મકની પધ્ધતિ પર આધારીત હતો. માકર્સે તેને વૈચારીક આદર્શવાદ ને બદલે ભૌતીકવાદી ઐતીહાસીક અર્થઘટન કરીને વ્યક્તિ અને સમાજના ફેરફાર માટેના પરિબળો શોધી કાઢયા.તેના ખ્યાલ પ્રમાણે સત્ય, ઉત્પાદનના સાધનો, માનવ શ્રમ,જમીન,માલિક– મજુરોના સંબંધો અને તેની આસપાસ અસ્તિત્વમાં આવેલ સામાજિક માળખાંના સંબંધોનું પરિણામ છે. ભૌતીકવાદી પરિબળોના હિતોની તરફેણમાં તમામ સામાજિક માળખાં જેવાં કે તમામ સામાજિક, ધાર્મીક,રાજકીય,ન્યાયીક સંસ્થઓ અને સંસ્કૃતિનું સર્જન કરવામાં આવેલું છે.( They are the super structures to perpetuate interests of those who own means of productions & exchanges) આમ માકર્સનું સત્ય કોઇ ધાર્મિક સત્યની માફક નિરપેક્ષ કે અપરિવર્તનશીલ સત્ય નથી. પણ ઉત્પાદનના સાધનોના માલિકોના હિતો ફેરફાર થતાં તે પ્રમાણે ફેરફાર કે ગતિશીલતા પ્રાપ્ત કરે છે.

માકર્સનું તારણ હતું કે માનવજાતનો ઇતિહાસ એ ઉત્પાદનના સાધનનોના વર્ગીય હિતો(Class conflicts)ના સંઘર્ષનું પરિણામ છે.ગુલામી યુગમાં માલિક અને ગુલામના સંબંધો માલિકના હિતો માટે,સામંતશાહી અને ગણોતીયાના યુગમાં સામંત કે જમીનદારના હિતમાં અને ઉધ્યોગ–કારખાનાં અને મજુરના મુડીવાદી યુગમાં નફો અને બજારના હિતમાં સમાજના તમામ માળખાનું સર્જન કરવામાં આવેલું છે. જે તે સમયમાં વિકસેલી ગુલામ પ્રથા, સામંતશાહી અને મુડીવાદી અર્થવ્યવસ્થાનું પરિણામ છે. આ બધા સમાજોનું સત્ય જે તે સમાજની ભૌતીક પરિસ્થિતિઓને ટકાવી રાખવા અને વિકસાવવા સર્જન પામેલું હતું. આમ માકર્સના સત્યનો ખ્યાલ ઇતિહાસની પરિસ્થિતિઓમાં થતા ફેરફારો પ્રમાણે ગતીશીલ હોય છે.(According to Karl Marx, History of the mankind is the history of class struggle) કાર્લ માકર્સના તારણ પ્રમાણે સમાજની તમામ સંસ્થાઓ જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે તે બધાના હિતોને ટકાવી રાખવામાં અને વિકસાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેમના પ્રમાણે વર્ગીય હિતોનાં સંઘર્ષનું અવિરત યુધ્ધ સમયાતિત છે.વર્ગવિહિન સમાજ(Classless Society)તે તેનો આખરી ઉપાય છે. દરેક ઐતીહાસીક સમાજ એવો ભ્રમ પેદા તેના બહુમતિ વંચીતો કે સર્વહારાઓમાં કરે છે કે જે તે વ્યવસ્થાનું સર્જન તેમના હિતો માટે જ છે. વાસ્તવિકતા એ હોય છે કે વંચિતોના ગુજારા માટે તેમનો શ્રમ ખરેખર આઠ કલાકમાંથી બે કલાક પણ ભાગ્યેજ જરુરનો હોય છે. બાકીનો સમય તો જેની પાસે ઉત્પાદનના સાધનોની માલિકી હોય છે તેમના હિતો માટે વપરાય છે.જે સામાજીક અને તેના આધારીત શોષણયુક્ત અસમાનતાનું સર્જન કરનારી છે.કાર્લ માકર્સનું તારણ હતું કે, મુડીવાદના અંત સિવાય શ્રમજીવોના શોષણનો અંત ક્યારેય આવશે નહી. તેનો વિકલ્પ " સમાજવાદ" માકર્સે બતાવ્યો છે.જ્યાં ઉત્પાદનના સાધનોની માલીકી ખાનગીને બદલે સહિયારી હશે. તે વર્ગવિહીન સમાજ હશે. શોષણમુક્ત સમાજ હશે. તેમાં લોકોને પોતાની સક્ષમતા પ્રમાણે જીવન જીવવાની અમુલ્ય તકો મળી રહેશે.

માકર્સનું ચિંતન જેટલું ૧૯મીસદીમાં વાસ્તવિક હતું તે આજે ૨૧મી સદીમાં એટલું જ ઉપયોગી છે. ગરીબ–અમીરની ખાઇ આજે પણ છે એટલું ન નહી પણ તે અસમાનતાની ખાઇ વધતી જાય છે.આપણા દેશની કુલ વસ્તી ૧૪૦ કરોડમાંથી ૧૦૦ કરોડ ઉપરાંત લોકો માથાદિઠ માસિક પાંચ કીલો સરકારી અનાજની મફત વહેંચણી પર દર માસે જીવે છે. આશરે ૨૫કરોડ ઉપરાંત દેશમાં શિક્ષિત બેકારો છે. આ વર્ગસંઘર્ષનું પરિણામ નથી તો શું છે?આજના ઉપભોક્તાવાદી સમાજે વંચિતો માટે એક બનાવટી સુખ કે સુખના ભ્રમનો આભાસ પેદા કર્યો છે.વિજ્ઞાપન અને મિડીયા આવા સુખનાભ્રમ ફેલાવનારાના એજંટો છે. નવી ગાડી, નવો ફોન અને નવી ડીઝાઇનનાં કપડા ગ્રાહકને હથેળીમાં પેલું ક્ષણિક આભાસી સુખ બતાવે છે. જે સુખ સતત અનંત ને સીમાહીન છે. તે જ મુડીવાદની તેની ખુબી અને ચાલાકી બંને છે. જે શ્રમજીવીઓ પાસેથી છીનવી લીધેલી વધારાની આવક( Surplus Labour – un paid wages)છે. કાર્લ માકર્સના સત્યની શોધ આપણને ઢંઢોળી ને કહે છે કે તેનો વિચાર કર્યા કરવાથી કોઇનું દરદર ફીટતું નથી પણ તે વિચાર પ્રમાણે પરિવર્તન લાવવા મથવું પડે! માકર્સનું સત્ય આપણને સામાજીક શોષણનો વિકલ્પ સામાજીક્ સમાનતા અને સામાજક ન્યાય તેમાં નિહિત છે એ બતાવે છે.માકર્સનું સત્ય આપણને વિચારવા, વર્તમાન વ્યવસ્થા સામે પ્રશ્ર ઉઠાવવા અને બદલાવ લાવવા પ્રેરણા આપે છે.

-------------------------------------------------------xxxxx----------------------------------------------------------

 

 


--