જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે!
જે સંગઠનની બુનિયાદ નફરત અને ઝેર ફેલાવા પર ટકી રહી છે તે સંગઠનનો અંત લાવવા કોઇ દુશ્મનની જરુર પડતી નથી.આર એસ એસ, એક તેવા ઝેરી સાપ (કોબ્રા)ને મોટા કરે, એવા સંગઠન તરીકે સને ૧૯૨૫માં સર્જન કરવામાં આવ્યું હતું પછી વિકસાવવામાં આવ્યું છે. માટે તે એક સર્વપ્રકારે જડ, રુઢીચુસ્ત, બંધિયાર, અપરિવર્તનશીલ,અમાનવીય વર્ણવ્યવસ્થાનું નફ્ફ્ટ ટેકેદાર, સ્રી સમાનતાનું મુળભુત વિરોધી બની રહ્યું છે. તે એક ફક્ત બ્રાહ્મણવાદી, દેશ અને દુનિયાના તમામ ધર્મો અને સંપ્રદાયો પ્રત્યે નફરત, ધિક્કાર અને જરુર પડે હિંસા ફેલાવનારું અસહિષ્ણુ સંગઠન છે.
તેના અંત માટે તેનાજ એક કહેવાતા ગૌરવશાળી સર્વોત્તમ પ્રચારકના નેતૃત્વ નીચે તેના કાર્યકરોને રાજકીય સત્તાની ભાગબટાઇ કરવા સ્થાનિક કક્ષાએથી માંડીને દિલ્હી દરબાર સુધી વાજતેગાજતે ગોઠવી દેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ વર્ષોથી રાજકીય સત્તાના ફળો ચાખવામાં બાકી રહી ગયેલા હોવાથી સત્તા મળતાં જ પ્રથમ મદહોશ બનતાં તે બધાને છાકટા બનાવી દીધા છે. મહાભારતના નાયક અને વિષ્ટીકાર શ્રી કૃષ્ણના વારસાદારો યાદવોને સત્તા મળતાં તેમને સૌ પ્રથમ સુરાએ મદહોશ બનાવ્યા હતા. મહાભારતના યુધ્ધના અંત પછી કોઇ દુશ્મન બાકી ન રહ્યો હોવાથી 'આંતરિક યાદવાસ્થળી' ની રચના કરીને કોઇ બહારના " ઘુસપેઠીયા" ની મદદ સિવાય પોતાનો સર્વનાશ લાવી દીધો. આર એસ એસ એન્ડ કંપનીએ સત્તાની સુરંગમાં પોતાનું સર્વસ્વ ઘુસાડી દીધુ છે. હવે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો તો પોતે જ ચણી લીધો છે, બંધ કરી દીધો છે. જે દિવસે સત્તાની સુરંગ ફુટી ગઇ તે દિવસે ' ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી".
એલોપેથી દવા બનાવતી વખતે જ તેના પર "એક્ષપાયરી ડેટ" લખી નાંખવામાં આવે છે. પણ ઝેર ના જથ્થા પર કોઇ "એક્ષપાયરી ડેટ" લખવાની જરુર પડતી નથી. ઝેરના જથ્થાને વાપરનારા અને ફેલાવનારા જ તેનો શિકાર બની જાય છે. ભારતીય ઉપનિષદોમાં એક બોધ કથા છે. કે જે અગ્નિ ઘાસને સળગાવી ને નાશ કરે છે. તે જ અગ્નિનો ઘાસ જ ઠંડુ પડી જતાં નાશ થઇ જાય છે.
સને ૧૯૧૭ની રશિયામાં થયેલી સામ્યવાદી ક્રાંતિની મદદથી લગભગ ૫૦ ટકા યુરોપની વસ્તીને ઉમેરવામાં આવેતો રશિયા (યુએસએસઆર)અને રિપબ્લીક ચાઇનાને સાથે ગણીએ તો વિશ્વની અડધા ઉપરની વસ્તી સામ્યવાદી સત્તાની એડી નીચે આવી ગઇ હતી. શું થયું એ સત્તાનું અને વિચારસરણીનું? સંપુર્ણ વિધટન! તે જ ક્રાંતિકારી વિચારકોના વાહકોની સત્તાના સાઠમારીએ જ તેમનો અંત લાવી દીધો. વર્તમાન પુટીનનું રશિયા અને ઝેનપીંગનું ચીન ને કોણ કહેશે કે " પેલા કાર્લ માર્કસ દાદાના સુપ્રસિધ્ધ સિધ્ધાંત " વિશ્વભરના કામદારો એક થાવ તમારે ફક્ત બેડીઓ તોડવા સિવાય કશું ગુમાવવાનું નથી." ને વરેલું છે. ચે ગુવેરાને આજે પણ એક મહાન ક્રાંતિકારી તરીકે એટલે માટે સ્વીકારવામાં આવે છે કે તેણે ક્યુબાના કાસ્ટ્રો સાથે સત્તા લઇને રાજ્ય શાસન કરવામાંથી પોતાની જાતને દુર રાખી.
તારણ– સત્તા અને ખાસ કરીને નિરંકુશ સત્તા એવી છે કે તેને પ્રાપ્ત કર્યા પછી તે તમને મદહોશ બનાવે છે. સત્તાની મદહોશી તેને વાપરનારને, ઉપયોગ કરનારને, તેના સંરક્ષણ માટે બાકીના બધા તેને દુશ્મનો દેખાય છે. બસ તે ભય સર્વનાશની સીડી તરફ દોડતો લઇ જાય છે! આર એસ એસના સર્વોત્તમ પ્રચારકથી માંડીને તેના સરસંચાલકની મોદી સરકારની ઝેડ કમાન્ડોની સુવિધાઓ અને સાહેબીઓ કોને ન ગમે!