વીશ્વના કેટલાક શ્રૈષ્ઠ દસ નિરઇશ્વરવાદીઓના વિચાર પ્રેરક વાક્યો–ભાગ–૧.
પ્રસ્તાવના–જ્યારે વિજ્ઞાન ઇશ્વરના અસ્તીત્વ અંગે સાબિતી માંગે છે ત્યારે ધર્મ કેમ ચુપ થઇ જાય છે? જ્યારે આસ્તીક એક પ્રમાણ વિના ઇશ્વરના અસ્તીત્વને સ્વીકારે છે,ત્યારે નાસ્તીકને એ કહેવાનો અધિકાર છે જ કે " ઇશ્વરનું અસ્તીત્વ " જ નથી.મંદિરની અંદર પથ્થરના ભગવાન પર પ્રસાદ ધરાવવામાં આવતો હોય, અને તે જ મંદિરની બહારના પગથીયા પર ગરીબ બાળકો ભુખના માર્યા પોતાનો દમ તોડતા હોય તો ત્યારે ભગવાનના અસ્તીત્વ હોવા અંગે શંકા કરવી તે કઇ રીતે ગુનો છે? હું ખુબજ વિશ્વાસ સાથે કહું છું કે " માનવી એ જ ઇશ્વરને બનાયો છે. ઇશ્વરએ માનવીને કદાપી બનાવ્યો નથી." આ હકીકતને સાબિત કરવા મારી પાસે હજારો પુરાવા છે. આ વિડિયોની શરુઆતમાં હું એકવાત સ્પષ્ટ કરી દેવા માંગું છું કે " હું આસ્તીક અથવા નાસ્તીક બે માંથી કોઇ એકના પક્ષની તરફેણ કરનારો નથી." આ ચર્ચાનો મારો મુખ્ય હેતુ ભારતીય સમાજમાંથી "અંધશ્રધ્ધા" દૂર કરવાનો છે.મારા ભારતવાસીઓને મારે ધર્માંધતાના સહારે એકબીજાના ગળા કપાવવા દેવા
નથી.મારા દેશવાસીઓને ઇન્સાનીયત– માનવતાના સદ્ગુણના આધારે એકબીજા સાથે ભાઇચારાથી કેવી રીતે જીવી શકાય તે શીખવાડવું છે. માટે સૌ પ્રથમ આપણે બધાએ પોતાની તર્કવિવેકબુધ્ધીનો( વૈજ્ઞાનીક અભિગમનો) ઉપયોગ કરીને સત્ય શું છે અને અસત્ય શું છે તે જાણી લેવું પડશે.જેથી કરીને આ મુદ્દે સ્વાર્થી હિતો ધરાવતા રાજકીય, સામાજિક પરિબળો દેશના નાગરીકોનો ઉપયોગ ન કરે!
મારો આ વિડીયોનો હેતુ, મારા દેશના નાગરીકો માટે અક બહેતર શાંતિપ્રીય સતત સમૃધ્ધ સમાજ બનાવવાનો છે.
(૧) કાર્લ માર્કસ–( ક્રાંતિકારી દાર્શનીક– સામ્યવાદના પિતા(1818-1883.) – તે વિશ્વકોટીના પ્રથમ વિચારક હતા જેમણે ગરીબો અને શોષિતો માટે અવાજ ઉઠાવી હતી. પોતાના દર્શનશાસ્રમાંથી તારણ કાઢયું હતું કે માનવીની ગરીબી ઇશ્વરદત્ત કે તેના મનુસ્મૃતિ પ્રમાણે તેના વર્ણવ્યવસ્થા આધારીત કર્મ–ગયા જન્મોનું પરિણામ નથી.પણ મુડીવાદી સમાજવ્યવસ્થાનું પરિણામ છે.તેમના સને ૧૮૪૮માં પ્રકાશિત પુસ્તક " સામ્યવાદી ઢંઢેરો( The Communist Manifesto) લખ્યું હતું કે " ધર્મ એક અફીણ છે. " અફીણના સેવનની માફક ધર્મ તેના અનુયાઇને જીવનની વાસ્તવિક મુશ્કેલીઓને તર્કવિવેકબુધ્ધીથી તેના જેવા અન્ય માનવીઓના સહકારથી ઉકેલવાને બદલે ઘેનમાં રાખે છે." ગરીબી, બેરોજગારી,સ્વાસ્થ્ય,ન્યાય–અન્યાયનો ઉકેલ કેવી રીતે આવી શકે? ધર્મ તે બધાને એવી ઉલઝનમાં જીંદગીભર ફસાવી દે છે કે તે વિષચક્રમાંથી બહાર જ નીકળી ન શકે! ધર્મનું અફીણ માનવીને એવી ચિત્તભ્રમની સ્થિતિમાં મુકી દે છે કે 'ધર્મપ્રેરીત ગુલામીને ભજે અને સ્વતંત્રતાથી દુર ભાગે." માર્કસના સામાજીક વર્ગીય સંઘર્ષના તારણ પ્રમાણે સાચી આઝાદી ઇશ્વરની પૂજા –પાઠમાં નહી પણ સ્વતંત્રતા, સમાનતા, તે આધારીત ન્યાય અને સમાજમાં ધરમુળથી પરિવર્તન લાવવામાં છે.વિશ્વભરના તમામ સમાજોને માર્કસે બતાવ્યું કે માનવીય મુક્તિ વર્તમાન વ્યવસ્થા સામે સંઘર્ષ કરવાથી જ પ્રાપ્ત થાય. ઇશ્વરને ભજવાથી તો બિલકુલ નહી. કાર્લ માર્કસની આ વિચારધારા આધારીત પરિવર્તન લાવવા લાખો લોકોને વિશ્વભરમાં સભાન–જાગરુક બનાવે છે.પોતાના હક્કને માટે સંઘર્ષ કરવા સતત પ્રેરણા આપે છે.
૨.શહીદ ભગતસીંગ–(1907-1931) આપણા દેશના આઝાદીના જંગમાં સૌથી સન્માનીય બહાદુર ક્રાંતીકારીમાં તેમનું નામ સર્વોચ્ચ સ્થાને છે. તેઓ ફક્ત આઝાદીના સંગ્રામમાં તે મોખરે હતા તેટલું જ નહી તે તર્કવિવેકબુધ્ધી અને સામાજીક સત્યો માટે ઝઝુમનાર એક મહાન નાસ્તિક હતા.ખુબજ નાની ઉંમરમાં તેઓએ બતાવેલા અપ્રિતમ સાહસને કારણે આજે પણ લાખો ભારત વાસીઓના પ્રેરણા મુર્તિ છે.પોતાના જેલવાસ દરમ્યાન તેઓએ એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ હતું– " હું નાસ્તિક શા માટે છું?" ( Why I am an Athiest?")ભગતસીંહે આ પુસ્તકમાં લખ્યું છે કે " ધર્મ માણસની આંખો જ બંધ કરી દે છે.જેથી સામાજિક અન્યાય અને શોષણ તેને દેખાય જ નહી." તેઓના મત પ્રમાણે સચ્ચી આઝાદી અને ન્યાય કેવળ માનવ સંઘર્ષના વિચારોની સ્વતંત્ર સાહસથી આવે છે. દુનીયાની કોઇ અલોકીક શક્તિ (ઇશ્વર) માનવીના મનમાં બહારથી થોપી દેતી નથી. ૨૩ વર્ષની યુવાન વયે ફાંસીના માંચડે ચઢતા પહેલાં શહીદે આઝમ ભગતસીંગે વિશ્વ સમક્ષ બતાવી દીધું કે અસલી આદર્શ અને સિધ્ધાંતો માટે સરફરોસીની બાજી લડવામાં છે. ભગતસીંગનો જીવન સંઘર્ષ આપણને સંદેશ આપે છે કે " નાસ્તિક બનવું તે પાપનું નહી પણ પુન્યનું કામ છે."(હિંદુધર્મના ખ્યાલ પ્રમાણે પણ) કારણકે નાસ્તિકતા આધારીત વિચારો માનવીને સ્વપ્રયત્નોથી સ્વતંત્રતા અને માનવવાદી મુલ્યો માટે સ્વબલિદાન માટે હિંમત અને પ્રેરણા આપે છે.
૩. રીચાર્ડ ડોકીન્સ–જન્મ–૧૯૪૧– તેઓ ઇંગ્લેંડના સુપ્ર્સિધ્ધ ફક્ત જીવ વૈજ્ઞાનીક નથી પણ તેઓએ વિશ્વભરમાં નાસ્તીકતાના ખ્યાલના ફેલાવામાં એક ક્રાંતિ સર્જી નાંખી છે. તેમનું વિશ્વ વિખ્યાત પુસ્તક " ઇશ્વર, એક ભ્રમ સિવાય કશું જ નથી" ( The God Delusion). ખ્રીસ્તી ધર્મના બાયબલના સત્યોને તે પોતાના વૈજ્ઞાનીક અભિગમ અને તર્કસંગત દલીલોથી પડકારવા માટે સુપ્રસીધ્ધ છે. તેમના પુસ્તકો જેવા કે " The God Delusion, Selfish Gene,God, the Blind watcher વિ. પુસ્તકોની લાખો કોપીઓ પ્રકાશિત થઇ છે. સદર પુસ્તકોના અભ્યાસ ને કારણે વિશ્વભરના લાખો લોકોને પોતાના ધર્મોની આસ્થામાંથી કાયમ માટે વિમુખ બનાવી દીધા. ધર્મ અને તેની સાથે જોડાયેલી અંધશ્રધ્ધાના ક્ષેત્રને પશ્ચીમી જગતમાં તો ડોકીન્સના વિચારોએ હાંસીયામાં ધકેલી દીધું! ડોકીન્સે લોકોને પ્રશ્ન પુછતા કરી દીધા કે " શા માટે તમારે ઇશ્વરની જરુર છે?" કે પછી ઇશ્વરનો ખ્યાલ જ માનવીના ભય,અસલામતીમાંથી પેદા થયેલ કલ્પનાથી વધારે કાંઇ નથી.ડોકિન્સનું તારણ છે કે તર્ક અને વિજ્ઞાનની મદદથી માનવીના જીવન અને બ્રહ્માંડના તમામ રહસ્યો સમજી શકાય છે.
૪. સ્ટિફન્સ હૉકીંગ–(1942-2018) ૨૧મી સદીના મહાન વૈજ્ઞાનીક– તેઓએ બ્રહ્માંડના રહસ્યો તો સમજાવ્યા હતા. પણ સાથે સાથે ઇશ્વર અનેઅલૌકક શક્તીઓની અપ્રસતુતા સમજાવી. તે એક ભૌતીકશાસ્રી અને કોસમોસલોજીસ્ટ (બ્રહ્માંડ વૈજ્ઞાનીક) હતા. તેઓ એ બ્રહ્માંડમાં બ્લેક હોલ, બીગબૈંગ અને સમયના ખ્યાલ વિ.શોધોને કારણે વૈશ્વીક સુપ્રસિધ્ધતા પ્રાપ્ત કરી. There is no God. God has not created the universe. There is no one who directs our faith & destiny.આ બધા વિચારો હૉકીંગના હતા.વધારામાં હૉકીંગનું તારણ હતું કે વિશ્વ અને બ્રહ્માંડના નિયમો તર્ક અને વિજ્ઞાનની મદદથી સમજી શકાય તેમ છે. સત્ય અભ્યાસ,સંશોધન અને તાર્કીક વિચારથી પ્રાપ્ત થાય છે..
૫.સીગમંડ ફ્રોઇડ–(1856-1939).વીસમી સદીના મહાન મનોવૈજ્ઞાનીક–આધુનીક મનોવિજ્ઞાનના પિતા–માનવીના મગજ અને મનોવૈજ્ઞાનીક રહસ્યોને જાણનાર–મનોવિજ્ઞાનના વિષયમાં સૌથી મોટુ પ્રદાન ફ્રોઇડનું માનવમનના અર્ધજાગૃત મન( Subconscious mind) કેવી રીતે કામ કરે છે તેની શોધ હતી. તેઓએ પણ સ્પષ્ટ લખ્યું છે કે ધર્મ એક માનસીક ભ્રમણાથી વધારે કાંઇ નથી.ધર્મને તાકાત માનવીની સહજ ઇચ્છા( Instinctual Desire)થી મળે છે. તાર્કીક વિચાર થી નહી.ધર્મ માનવીની પ્રાકૃત્તિક ઇચ્છાઓની નીપજ છે.ફ્રોઇડના મત પ્રમાણે ઇશ્વર અને તેની પુજા માનવ મનની કલ્પના સિવાય કાંઇ જ નથી.માનવીની સાચી સમસ્યાઓનો ઉકેલ હંમેશાં તર્ક,વિચાર અને સમજશક્તિ પર જ આધારીત છે.તેમનું તારણ હતું કે માનવ મનની જટીલતા અને માનવીની વિચાર કરવાની શક્તિ, આ બંને જ ઇશ્વરી શક્તી કરતાં પણ વધુ શક્તીશાળી પરિબળો છે.ધર્મ અંગે લેશમાત્ર વિચાર કરવાની જરુર જ નથી. તે જ આપણી સ્વતંત્રતા અને મુક્તીની નિશાની છે.(બાકીની માહિતી હવે પછીના લેખમાં)