Tuesday, January 22, 2019

ફાસીવાદ એટલેશું?

ફાસીવાદ એટલેશું?

જ્યાં લોકો ગરીબી અને અજ્ઞાનતામાં ડુબેલા હોય, આત્મવીશ્વાસના અભાવથી પીડાતા હોય અને પોતાના ઉધ્ધાર માટે ઇશ્વર અથવા તો કોઇ તારણહાર નેતા સામે મોં વકાસીને બેસી રહેતા હોય ત્યાં ફાસીવાદનો ઉદય અને વીકાસ થઇ શકે તેમ છે.                                                                                                                                                                                                                                                                                                                                          આધ્યાત્મીક– પારલૌકીક ફીલોસોફી અને અભીગમ આપણા દેશમાં પ્રચુર માત્રામાં હોવાથી ભારત તેના ઉદ્ભવ અને વીકાસ માટે ઘણી ફળદ્રુપ ભુમી કહેવાય. તેથી ભારત ફાસીવાદનો સરળતાથી ભોગ બની શકે તેમ છે......એમ એન રોય.

(1)    નીતીમત્તા, ન્યાય, અને સ્વાતંત્ર્ય જેવા ઐહીક ધોરણોને ફગાવી દઇ અથવા તેની સરીયામ અવગણના કરીને  ફાસીવાદ પોતાને દૈવી(ધાર્મીક) સમર્થન કે પીઠબળ છે તેવો દાવો કરે છે.

(2)     ફાસીવાદનો પાયો ધાર્મીક શ્રધ્ધા પર બનેલો છે. " માણસ કુદરતી રીતે જ ધાર્મીક પ્રાણી છે. તે ધર્મમાં એટલેકે  ઇશ્વરમાં ગાઢ શ્રધ્ધા ધરાવતું પ્રાણી છે. ફાસીવાદી તત્વજ્ઞાન પ્રમાણે વીચાર કરવો એનો અર્થ જ ઇશ્વરનું ચીંતન કરવું એવો થાય છે.માણસ જેટલું વધારે વીચારે તેટલો તે ઇશ્વરની હાજરી વધુ અનુભવે. ઇશ્વર સાથે તે એટલી એકરૂપતા અનુભવે. માણસ તો ઇશ્વરની આગળ તુચ્છ છે. ઇશ્વર સર્વવ્યાપી છે, સર્વશક્તીમાન છે."

(3)    ઉપર મુજબનું ફાસીવાદી તત્વજ્ઞાન મનુષ્યોને એક પ્રકારની ધાર્મીક ઘેલછા હેઠળ આત્મવીલોપન કરવાની અને પોતાનું સર્વસ્વ ફગાવી દેવાની શીખ આપે છે.  જે ખુદ અભદ્ર (વલગર) ભૌતીકવાદની જ અભીવ્યક્તી છે...... બર્બરતા અને હીંસાના કૃત્યોને વ્યાજબી ઠેરવી શકાય તે માટે સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી રહેલા એવા દૈવી ઉદેશ્યને ( વીશ્વગુરૂ) પરીપુર્ણ કરવા સારું આ બધું કરવામાં આવેલ છે તેમ ઠસાવવામાં આવે છે. અને આવાં કૃત્યો કરવાની જેમાંથી પ્રેરણા મળે છે તે વીચાર– પ્રક્રીયાને ભારે આડંબરીક ભાષામાં ' ઇશ્વરના ચીંતન' તરીકે ઘડાવવામાં આવે છે. આવાં કૃત્યો પાછળ ઇશ્વરી પ્રેરણા કામ કરી રહેલ હોય એમ પોતાની કેડરને ભરમાવવામાં આવે છે.

(4)    હીંદુ રહસ્યવાદ કે ગુઢવાદ એટલે શું? " પ્રયોગો કરીને તારવેલા અને નીદર્શન દ્રારા રજુ કરવામાં આવેલા વૈજ્ઞાનીક સત્યો અને રેશનાલીઝમ (તર્કવીવેક શક્તી) રીતે પ્રસ્થાપીથ થયેલા  દાર્શનીક ખ્યાલોને ફગાવી દઇને , અથવા તેમનો અસ્વીકાર કરીને જે પુરાણપંથી માન્યતાઓ અથવા ચીલાચાલુ રૂઢીઓ છે તેમનો આશરો લેવો, તેમાં જ રચ્યાપચ્યા રહેવું, એને આપણે હીંદુ રહસ્યવાદ કે ગુઢવાદ કહી શકીએ. ઉપર મુજબનું તારણ ઇસ્લામ, ખ્રીસ્તી અને બીજા અન્ય ધર્મોને સહેજ પણ ઓછું લાગુ પડતું નથી.

(5)   પહેલાં એક સુત્ર હતું કે " રાજા કદાપી ખોટું કરી શકે નહી" કારણકે રાજાની સત્તાને દૈવી સમર્થન હતું. ફાસીવાદના તત્વચીંતકો એ રાજ્ય માટે નવું સુત્ર આપ્યું છે. ક્ષીણથતા મુડીવાદના સર્વપ્રકારના ટેકો લઇને સત્તા પ્રાપ્ત કરનાર " રાજ્ય કદાપી ખોટું કરી શકે નહી."

(6)   આમ ઉંડી આધ્યાત્મીક પ્રેરણા ફાસીવાદી ચળવળને ચાલના પુરી પાડે છે. ફાસીવાદનો સીધ્ધાંત શું છે તે સમજવું હોય તો તે તેના કાર્યો અને વ્યવહારોમાંથી સમજી શકાય. તેને કોઇ વીચારો કે સીધ્ધાંતોમાં બંધાવું પોષાય તેમ જ નથી.એવું કોઇ વળગણ તેને હોતું નથી. ફાસીવાદની આધ્યાત્મવાદી લાક્ષણીકતા તેની મનસ્વીતામાં હોય છે. ધાર્મીક રૂઢી, રીવાજોના બચાવમાં તે કેવી રીતે ભારતના બંધારણસર્જીત કાયદા કાનુનનો અને ન્યાયી ચુકાદાઓનો તે પણ પોતાની વીરૂધ્ધના ચુકાદાઓનો સ્વીકાર કરે?

(7)   આમ ફાસીવાદ ધર્મપરાયણ છે. તેથી તે જ્ઞાન–વીજ્ઞાન, રેશનાલીઝમ, માનવવાદ અને ધર્મનીરપેક્ષ નૈતીક મુલ્યો વગેરેને ધર્મવીરૂધ્ધ અને અકુદરતી જાહેર કરી અને તેનો જબ્બરજસ્ત વીરોધ કરે છે. ફાસીવાદનું તત્વજ્ઞાન અને વ્યવહાર દેખાડો કરવા ભૌતીકવાદનો વીરોધ કરે છે. અને પોતાના તરફથી જબ્બરજસ્ત ભોગવાદી પ્રર્દશનો કર્યા જ કરે છે.

(8)   ફાસીવાદ ધર્મનો રક્ષક છે ! કારણકે શ્રધ્ધા અજ્ઞાનને ટેકો આપે છે. અને અજ્ઞાનના કારણે  તો સામાન્ય લોકોનું પરંપરાવાદી સાધનો અને માન્યતાઓનો ઉપયોગ કરીને પોતાના દેશના નાગરીકોનું સરળતાથી શોષણ કરે છે.

(9)   ધર્મ એ તો સામાન્ય પ્રજાને સત્તાધીશો અને મુડીવાદીઓ સાથે બાંધી રાખનાર બેડીઓની ગરજ સારે છે. તે સત્તાધીશ ટોળકી પેલી બહુમતી પ્રજા ક્યારેય તેમની સામે વીદ્રોહ ન કરે તેવી વૃત્તીઓને ધર્મ અને તેના પરોપજીવીઓની મદદથી રૂંધી નાંખે છે.  

(10)                    આમ જ્યારે ધર્મ સમાજ ઉપર સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરે છે, અન્ય કોઇ ધ્યેયના સાધન તરીકે નહી, પણ સ્વયંમેવ ધ્યેય બનવા પ્રયાસ કરે છે ત્યારે હંમેશાં જે તે સમાજના બુરા હાલ થાય છે. સંસદીય લોકશાહીના નીકંદન માટે અને ધર્મના ટેકાવાળી ફાસીવાદી સરમુખ્તયારશાહીને સ્થાપવા માટે પ્રજાને યેનકેન પ્રકારે સામુહીક ઘેનમાં કે હીપનોટીક અસર નીચે રાખવામાં સતત યુક્તી–પ્રયુક્તો કરવી પડે છે.

(11)                    અંતમાં આવા સરમુખ્તયાર માટે રાજ્ય જ સર્વસ્વ છે. રાજ્યની આપખુદ, અમર્યાદીત સત્તાના સોગઠા સીવાય અસ્તીત્વ ધરાવવાનો વૈયક્તીક નાગરીકોને કોઇ હક્ક છે જ નહી. સત્તાધીશને મનફાવે ત્યારે રાજ્યની સત્તાનો ઉપયોગ કરીને ( દા;ત નોટબંધી) નાગરીકોની જીદંગીનો જુગાર ખેલી શકે છે. આપખુદ ફાસીવાદી શાસકનું મીથ્યાભીમાન અને તેના તરંગો સર્વશક્તીમાન રાજ્યની લોહીથી ખરડાયેલી વેદી પર બલીદાન આપવા સામાન્ય લોકોને  ફરજ પાડી શકે છે. તે બધુ પાછું રાજ્ય પ્રત્યેની વફાદારી અથવા દેશપ્રેમની એક શ્રૈષ્ઠ ફરજના ભાગરૂપે. ભલે પછી વાસ્તવમાં રાષ્ટ્રય હીત સાથે એ બધાને  કશો નહાવાનીચોવાનો સંબંધ જ ન હોય!

(12)                    આપણી કબર પરના શીલાલેખમાં ભલે એમ કોતરવામાં આવે કે આપણે રાજ્યકર્તા તરીકે ઘણા કઠોર, નીર્દય હતા. પણ સાથે સાથે એમ લખાશે કે આપણે બધા ઘણા સારા રાષ્ટ્રભક્ત જર્મનો હતા......એડોલ્ફ હીટલર.

(13)                    પોતાના જ કાયદા–કાનુનનો ભંગ કરવાની હીંમત રાજ્યકર્તામાં હોવી જોઇએ.–––ગોબેલ્સ (હીટલરના કુકૃત્યોનો સાથીદાર.)

 

( સૌ. Essence of Royism પુસ્તકનું ભાષાંતર 'રોય વીચાર દોહન" ગુજરાતીમાં કરેલું છે. તેમાંનું  એક આ એક પ્રકરણ છે. જેનું નામ " ફાસીવાદ: ફીલોસોફી, માન્યતાઓ અને વ્યવહાર." સને ૧૯૩૮માં એમ. એન.રોયે લેખક તરીકે પ્રકાશીત કરેલું. તેનું ભાષાંતર આપણા સાથી પ્રોફેસર મીત્રો જયંતી પટેલ અને દીનેશ શુક્લે કરેલું છે. ગુજરાતી પુસ્તકનુંપ્રકાશન ' ગુજરાત યુની. ગ્રંથનીર્માણ બોર્ડે કરેલ છે.'

 


--