Monday, January 14, 2019

આર્થીક પછાતપણા માટે ૧૦ ટકા અનામત– સને ૨૦૧૯ની ચુંટણી જીતવા માટેનો મોદીજીનો જુગાર–

આર્થીક પછાતપણા માટે ૧૦ ટકા અનામત– સને ૨૦૧૯ની ચુંટણી જીતવા માટેનો મોદીજીનો જુગાર–

દેશની લોકશાહીપ્રથાના બંને ગૃહો લોકસભા અને રાજય સભાએ આઠલાખથી (!) નીચે વાર્ષીક આવક ધરાવનાર આર્થીક પછાત નાગરીકો માટે સરકારી નોકરીઓ તથા શીક્ષણની અંદર ૧૦ટકા  અનામત માટેનું બીલ પસાર કરી દીધું છે.મોદી સરકારની આર્થીક રીતે લોકકલ્યાણકારી બીજી ઘણી યોજનાઓની માફક તેમાં કશું નવું કે ક્રાંતીકારી બીલકુલ નથી. સને ૧૯૯૨માં નરસીંહરાવની સરકારે આવા જ  બીલની કાર્બનકોપી જેવું પાસ કર્યું હતું. જેને સુપ્રીમકોર્ટની નવ ન્યાયાધીશની બેંચે ગેરબંધારણીય ઠરાવીને રદ બાતલ કરી દીધું હતું. શું મોદીજી અને તેમના કાયદા મંત્રી સદર હકીકતોથી વાકેફ નહી હોય?

 રાષ્ટ્રપતીએ તે બીલને કાયદો બનાવી અમલ કરવા માટેની જરૂરી મહોર પણ મારી દીધી છે.આ બધી પ્રક્રીયાઓ એટલી ઝડપથી પુરી કરવામાં આવી છે કે જાણે દેશ માટે તે મોદી સરકારના પાંચવર્ષના શાસનની સર્વોત્તમ સીધ્ધી હોય!

 સદર કાયદાના તાત્કાલીક અમલની શરૂઆત ગુજરાત રાજ્યની  રૂપાણી કમ મોદી કે મોદી કમ રૂપાણી સરકારે જાહેરાત પણ કરી દીધી છે.

 હવે આપણા જેવા વીચારવંત લોકો માટે પ્રશ્ન એ ઉભો થયો છે કે  બંધારણ મુજબ અનામત ફક્ત સામાજીક પછતપણા માટે જ હોઇ શકે તો પછી આર્થીક પછાતપણા માટેની અનામત પણ બંધારણીય કહેવાય? આ માટે દેશની સર્વૌચ્ચ અદાલતે  ઘણા ચુકાદા આપી દીધા છે. ભુતકાળમાં દેશની જુદી જુદી રાજ્ય સરકારોએ પોતાની વીધાનસભાઓમાં આર્થીક પછાતપણા માટે અનામત ક્વોટા બીલ પાસ કરેલાં હતાં. જેને સર્વૌચ્ચ અદાલતે ખારીજ કરી નાંખ્યાં છે.

શું દેશની સર્વૌચ્ચ અદાલત આર્થીક પછાતપણા આધારીત અનામતને બંધારણના મુળભુત માળખા સાથે સુસંગત ગણીને માન્ય ઠેરવશે?


--