Tuesday, May 19, 2020

મજુર સુધારા નામે અમર્યાદીતશોષણની મંજુરી.

મજુર સુધારા નામે અમર્યાદીત શોષણની મંજુરી.

બીજેપી સંચાલીત ત્રણ રાજ્ય સરકારો, યુપી,મધ્યપ્રદેશ અને ગુજરાત સરકારોએ મજુર સુધારાના નામે ખાસ વટહુકમ બહાર પાડયા છે. આ સુધારા બહાર પાડવાનો તેમનો હેતુ સ્પષ્ટ છે. આ ઉપરાંત સદર ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓ,( જ્યારે સમગ્ર દેશના નાગરીકો કોરોના વાયરસ સામે મોદી સરકારના લોકડાઉનના પગલાને સહકાર આપીને જીવ સટોસટની લડાઇ લડતાં હોય) ત્યારે મજુર કાયદા નામે નાબુદ કરવાના વટહુકમ બહાર પાડતા હોય તો આપણે શું સમજવું? શું કેન્દ્રની મોદી સરકારની પ્રત્યક્ષ કે પરોક્ષ મંજુરી સીવાય સ્વબળે મજુર કાયદા નાબુદ કરવાની હીંમત આ ત્રણ રાજ્ય સરકારો ક્યારેય કરી શકે ખરી?

આઝાદી પછી કેટલીય કાયદાકીય લડતો લડ્ડયા પછી દેશના મજુરોએ જે હક્કો મેળવેલા હતા તે બધાજ આ ત્રણ રાજ્ય સરકારે નાબુદ કરી દીધા છે. જે કાયદાઓ નાબુદ કર્યા છે તે નીચે મુજબ છે.

(૧) ધી ઇન્ડસ્ટ્રીઅલ ડીસપ્યુટ એક્ટ (૨) ધી મીનીમમ વેજીયસ એકટ (૩) ટ્રેડયુનીયન એક્ટ (૪) ફેક્ટરી લાયસન્સ એક્ટ (૫) આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશનના( ભલે ભારત એક દેશ તરીકે તેના નીયમો પાળવા માટે બંધાયેલો હોય!) કોઇ નીયમો આ રાજ્યોમાં ઉધ્યોગ શરુ કરનારને લાગુ નહી પડે.(૬) કામના કલાકો આઠ નહી બાર અને વેતન કુલ ફક્ત આઠ કલાકની મજુરીમાં જે મળવા પાત્ર હોય તેટલું જ મળશે.(૭) અઠવાડીક કામના કલાકો ફક્ત ૭૨ કલાક. ( ૮) હાયર ને ફાયર. કામદારની કોઇપણ પ્રકારની નોકરીની સલામતી નહી.(૯) કાયમી મજુર અને કોન્ટ્રાક્ટ લેબર વચ્ચે કોઇ તફાવત નહી. (૧૦) સામાજીક સલામતીનો ખ્યાલ હવે બીલકુલ ભુલી જવાનો.

સ્થાનીક સરકારોનું મુડીવાદીઓ સાથેના ગઠબંધનની તાકાત–

(૧) કર્ણાટકની યદુરપ્પા સરકારે પોતાના રાજ્યની બીલ્ડર્સ લોબીના પ્રભુત્વ હેઠળ આવીને પોતાના રાજ્યના સ્થળાંતર મજુરોને લઇ જતી ' શ્રમીક સ્પેશીઅલ ટ્રેઇન ' કેન્સલ કરી. ફરી આ સરકાર પર દબાણ આવતાં ચાલુ કરી હતી.

(૨) મધ્યપ્રદેશની સરકારે  મજુરો માટે કામનું અઠવાડીયું ૭૨ કલાકનું બનાવી દીધુ. જે કારખાનામાં ૫૦થી ઓછા મજુરો કામ કરતા હોય, ત્યાંની સરકારે લેબર ઇન્સપેક્ટની વીઝીટ કાયમ માટે કેન્સલ કરી દીધી. પહેલાં  ઉધ્યોગ બે શીફ્ટમાં આઠ કલાક પ્રમાણે ચાલતા હતા. હવે એક જ શીફ્ટ ને તે ૧૨ કલાકની રહેશે. અને મજુરને પહેલાંના ૮ કલાકનો પગાર હવે ૧૨ કલાક કામ કર્યા પછી મળશે.એકવાર  લાયસન્સની નોંધણી કરાવ્યા પછી આવતા ૧૦ વર્ષ સુધી તે લાયસન્સને રીન્યુ કરાવાની જરૂર જ નથી.

(૩) ગુજરાત સરકારે મધ્યપ્રદેશના મજુર વીરોધી કાયદા સ્વીકાર્યા ઉપરાંત ટ્રેડ યુનીયન એક્ટઅને કાયમી મજુરને જે સલામતી અને ગ્રેજ્યુટીના હક્કો મળતા હતા તેને બદલે બધાજ મજુરોની નોકરીને કોન્ટ્રાક્ટ લેબર હેઠળ લાવી દીધા. મજુરોની ' સામુહીક સોદાગીરી' " Collective Bargaining" તાકાતને કઠુરાઘાત માર્યો છે. તેવા મજુર કાયદાઓમાં પાયાના ઘણા બધા ફેરફારો મજુર વીરોધી અને માલીકોની તરફેણમાં કર્યા છે.

(૪) ઉત્તરપ્રદેશની યોગી સરકાર–  યુપી સરકારે બધાજ મજુર કાયદામાં એવા સુધારા વટહુકમથી કર્યા છે જે દેશના બંધારણ મુજબ( Con-Current Lists) કેન્દ્ર સરકારની આગોતરી મંજુરી સીવાય કરી શકાય નહી. બંધુઆ મજુરને રક્ષણ આપતો કાયદો નાબુદ કરેલ છે. ઉધ્યોગોને આકર્ષવા માટે ૩૩૦૦૦ હજાર હેક્ટર જમીન સંપાદન કરેલ છે. અને ૭ દીવસમાં તેમાંથી નવા ઉધ્યોગને આપવા માટે બધા ટાઇટલ ચોખ્ખા કરીને તબદીલ કરશે તેવી જાહેરાત કરી છે. દેશના બંધારણના આમુખના મુલ્યો અને રાજ્યના માર્ગદર્શક સીધ્ધાંતોનો તેમાં ખુલ્લેઆમ ભંગ થાય છે તેવો સ્પષ્ટ મત બંધારણીય નીષ્ણાત પ્રો. ફૈઝાન મુસ્તફા સાહેબનો મત છે.

આ ત્રણેય રાજ્યોએ મજુર કાયદાઓને પોતાના રાજ્યોમાં એવી રીતે અમલ કરવા માંગે છે કે કેન્દ્રની મોદી સરકારે સને ૨૦૧૯માં ' ધી કોડ ઓફ વેજીસ ૨૦૧૯ એક્ટની' જે જોગવાઇઓ છે તેને પણ એક બાજુએ અભરાઇ પર ચઢાવી દીધી છે. કેન્દ્ર સરકારે ૪૪ કેન્દ્રીય મજુર કાયદાઓ ઉપરથી સંકલન કરીને જે નવા ચાર કાયદા બનાવ્યા છે તેને પણ આ બધા સરકારોએ નેવે ચઢાવી દીધા છે. પશ્ચીમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરલા વી રાજ્યોની સરકારો પણ એટલા માટે આગળ વધવા માંગે છે કે જો બીજેપી સંચાલીત યુપી, એમપી અને ગુજરાત મજુર સુધારા કાયદાના નામે કેન્દ્ર સરકાર વીરૂધ્ધ વટહુકમોથી રાજ્ય કરી શકતા હોય તો પછી અમે કેમ નહી?

હવે આ ત્રણે રાજ્યોએ જે મજુર સુધારા વટહુકમથી કર્યા છે તેના પ્રત્યાઘાતો પણ સમજવા જેવા છે.

(૧) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભારતીય જનતા પાર્ટીની જનેતા છે તેના દ્રારા સંચાલીત ' ભારતીય મજુર સંઘ' ( બી એમ એસ; જુનું હીંદ મજદુર સંઘ અથવા એચ એમ એસ) ના વડા સજી નારાયણે આ ત્રણે રાજ્યોના મજુરકાયદાના પરીણામો અંગે ઉગ્ર ટીકા કરતાં જણાવ્યું છે કે " તેની અસરો કોવીડ–૧૯ની પેન્ડેમીક અસરો કરતાં પણ ખુબજ ઘાતક પેદા થશે. તેનાથી ઉભા થનાર ' જંગલ રાજ' ને કોઇપણ હીસાબે ચાલવા દેવાય નહી.

(૨) તા. ૧૧મી મે ના તંત્રી લેખમાં ઇન્ડીયન એક્સપ્રેસ જણાવે છે કે જ્યારે દેશનું અર્થતંત્ર ખુબજ કટોકટીભરી સ્થીતીમાંથી પસાર થઇ રહ્યું હોય અને દેશના લાખો મજુર લોકોને વર્તમાન શહેરી તમામ પ્રકારની જીવન વ્યવસ્થા સામે અસલામતીની ભાવના પેદા થઇ ગઇ હોય ત્યારે આ રાજ્ય સરકારો કેવી રીતે મજુરોની જોબ સલામતી અને તંદુરસ્તી સાથે ખીલવાટ કરી શકે.( " coming at a time of acute economic distress and labour insecurity, in a crisis that has exposed the lack of safety nets and the limited access of workers to healthcare, they must keep the concerns of labour at the centre.

(૩) આપણા દેશમાં ૯૦ ટકા મજુરો અસંગઠીત ક્ષેત્રોમાંથી રોજી મેળવે છે. જ્યાં લગભગ કોઇ મજુર કાયદાઓ મજુરોના હીતમાં કામ કરતા જ નથી. આવા સંજોગોમાં આ ત્રણેય રાજ્ય સરકારોએ મજુર કાયદાઓમાં તેમના મુળભુત હીત વીરોધી જે વટહુકમો બહાર પાડયા છે તે મજુરોની વર્તમાન દયાનીય સ્થીતીમાં ' બળતામાં ઘી નાંખવાનું ' કામ કરે છે.

(૪) ૧૨મી મે ના રોજ ઇન્ડીયન એકસપ્રેસના કોલમનીસ્ટ પ્રતાપભાનુ મહેતા લખે છે કે વટહુકમ દ્રારા મજુર કાયદાઓ બદલવા તે તો વીકૃત વીડંબના છે.

(૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આવા મજુરોના જીવનપર કઠુરાઘાત મારતા મજુર કાયદાઓ વટહુકમથી બહાર પાડવાનું કામ મજુરહીત ક્રાંતીના વૈશ્વીક મસીહા કાર્લ માર્કસના ૨૦૨મા જન્મ દીવસ પાંચમી મે ના દીવસે કર્યુ હતું..................


--