Sunday, August 22, 2021

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

અફઘાનિસ્તાનમાં અમેરીકાની હાર પહેલી પણ નથી અને છેલ્લી પણ નહી હોય!

હા, એ હકીકત બની છે અને ભવિષયમાં ચોક્કસ બનશે કે તાલિબાન, અલકાયદા, અને આઇએસઆઇએસ (ISIS), જેવા ઉગ્ર, હિંસક અને અરાજકતાવાદી પણ ધર્માંધ, લોકશાહી અને માનવમુલ્યો વિરોધી પરિબળો જુદા જુદા દેશોમાં જ્યાં સક્રીય હશે ત્યાં તે બધાને અફઘાનીસ્તાનમાંની તાલેબાની જીતથી  જબ્બરજસ્ત નૈતીક બળ મલશે. આફ્રીકા, મધ્યપુર્વના આરબદેશો, એશીયા ખંડના દેશોમાં અમેરીકન શાહીવાદી શોષણની રીતરસમો વધારે અમાનવીય, હિંસાત્મક અને ઉગ્ર બનશે. અમેરીકામાં ગમે તે પક્ષની સરકાર હોય  રિપબ્લીકન કે ડેમોક્રેટસ અમેરીકન નાગરિકોના સતત વધતા જતા આર્થીક જીવન ધોરણને ટકાવીનાર રાખનાર   કોઇ પરિબળ હોય તો તે ફક્ત લશ્કરી શસ્રોની નિકાસ છે. જે કોઈ રાજકીય પક્ષ હોય તેણે પોતાનો રાજકીય વહીવટ અને પરદેશ નીતિ આ મુખ્ય વેપારી હિતને ધ્યાનમાં રાખીને કરવાની હોય છે. આ દેશ બે જ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. ખેતપેદાશમાં ઘંઉઅને મકાઇ અને બીજા આધુનીક શસ્રો. કન્ઝયુમર્સ મોલ જેવાકે મેસી, વોલમાર્ટ, સીઅર્સ, વિ.માં કોઇપણ ચીજવસ્તુના ઉત્પાદકનું નામ માટે તેનું ટેગ જોશો તો ચોક્ક્સ ૧૦૦ ટકા મેઈડીન યુએસએ નહી જ હોય!

 કાર્લ માર્કસે તે જમાનામાં મુડીવાદી અર્થવ્યવસ્થાનું પૃથ્થકરણ કરતાં તારણ કાઢેલું કે  જ્યારે મુડીવાદી દેશમાં આંતરીક રીતે ચોખ્ખો નફો પેદા કરવો શક્ય નહી બને ત્યારે જે તે દેશ પરદેશોમાં બજારો પેદા કરી નફો મેળવશે અને સ્થાનીક શોષણનો ચરખો ચાલુ રાખશે.

અમેરીકા અને યુરોપના દેશોની વીશ્વના તમામ ગરીબ દેશોમાં લોકશાહી રાજ્યવ્યવસ્થા અને આધુનીક ઔધ્યોગીક સમાજ સ્થાપવાના દંભ નીચે  કેટલી હાર ખાઇને પાછા આવ્યા છે તેનું લીસ્ટ જોઇએ.
ઇરાક, લીબીયા, વિયેટનામ, અફઘાનીસ્તાન, સોમાલીયા, લેબેનોન, ઇરાનથી માંડીને દક્ષીણઅમેરીકાના ચીલી દેશની સરકારોને આંતરિક બળવો કરીને ઉથલાવી છે,ખાનગી હિંસક શસ્રોનો ઉપયોગ કરીને  કોલમ્બીયા, ઇક્વાડોર, ગુઅટેમાલા, લાઓસ અને એલસ્લેવાડોર વિ. પાકિસ્તાન અને સાઉદી અરેબીઆની સરમુખ્ત્યાર રાજાશાહી અને લશ્કરી પાકિસ્તાની સરકારોને ટેકો આપ્યો છે. જે બંને એ અમેરીકાના ડોલર્સ, શસ્રો અને અન્ય આધુનીક સાધનોનો ઉપયોગ અમેરીકાની જ સામે તાલીબાન અને અન્ય આતંકી સંગઠનોને મજબુત કરવામાં બેફામ ઉપયોગ કરીને અફઘાનીસ્તાનમાંથી નામોશી ભરી હાર સાથે વાપસ જવા મજબુર કરેલ છે. આ બધા દેશમાં સંઘર્ષ કરવામાં જે તે દેશોના હજારો નિર્દોષ નાગરીકોનો ભોગ લેવાયો છે વધારામાં.

સને ૧૯૪૫ના બીજા વિશ્વયુધ્ધના અંત પછી પશ્ચીમના દેશોની અને અમેરીકાની આવી પરદેશ નીતિ આજદિન સુધીની હોવા  છતાં અને અબજો ડોલર્સની બરબાદી પછી પણ તે દેશની માથાદીઠ આવકમાં કોઇ ગિરાવટ આવી નથી. મંદી આવી નથી, પ્રજા બેકાર કે રોજગારી વિનાની થઇ નથી.

બીજી બાજુએ તાલેબાન, અલકાયદા અને આઇએસઆઇએસની પ્રવૃત્તીઓને બળવત્તર બનાવવામાં મોટી રાજકીય સત્તાઓ સામેનો વિરોધ તો જવાબદાર તો હતો જ; પરંતુ જુનીપુરાણી ધાર્મીક સંસ્કૃતીઓમાંથી પેદા થયેલ જીવન પધ્ધતીઓને સજીવન કરવાનો ફાળો કાંઇ કમ ન હતો. અફઘાનીસ્તાનમાં અફીણ અને નારકોટીક્સના ઉત્પાદનની આવકે તાલેબાનને આધુનીક શસ્રો ખરીદવા સવલતો પુરી પાડી. કોઇ એવું ન માને કે આ બધો વ્યવહાર અમેરીકાની ધ્યાન કે નજર બહાર થતો હતો. જો આ હકીકતની ખબર નથી તેવો કોઇ દાવો કરે તો તે દંભ જ નહી પણ શાહી દંભ ( Emperal self-deception )કહેવાહ. અમેરીકાની આવી દખલગીરીએ જે તે દેશોમાં અરાજકતા (lawlessness) પેદા કરી છે. શસ્રો, નાણાં અને હિંસાની બોલબાલા આ દેશના નાગરિક જીવનમાં સામાન્ય બની ગઇ.

અફઘાનીસ્તાનના તાલેબાની સત્તાકીય હસ્તાંતર થી દેશ ચલાવવાની જવાબદારી આધુનીક જગતમાં ઓછી પેદા થવાની નથી. ચીન,રશીયા અને પાકીસ્તાન જેવા દેશો અફઘાનીસ્તાનમાં પેદા થયેલા  શુન્યવકાશને ભરવા તલપાપડ છે. પણ અફઘાનીસ્તાન માટે તો માલિકો બદલવા જેવીજ  સ્થિતિ પેદા થવાની છે.સાથે સાથે કોઇ એવું લેશ માત્ર તારણ ન કાઢે કે તાલેબાની સત્તાધીશો પોતાના ભુતકાળના પડછાયાથી દુર થઇને દેશના નાગરિકોને સ્વતંત્રતા,સમાનતા અને બંધુત્વ આધારીત માનવીય ગૌરવનું સન્માન કરતો સમાજ બનાવશે જ્યાં સ્રીઓને પ્રાથમીક આઝાદી હશે.

આવતી કાલનું જગત વધારે અરાજકતા તરફ ( an anarchic world) ઢસડાતું લાગે છે.

 


--