Wednesday, November 2, 2016

પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય? –જુલીયો રીબેરો.


પહેલાંના બાલ ઠાકરે અને આજના રાજઠાકરેની ડાંડાઇને કેવી રીતે નાથી શકાય?  –જુલીયો રીબેરો.

(નીવૃત્ત આઇ પી એસ ઓફીસર, ભુતપુર્વ પોલીસ કમીશ્નર, મુંબઇ, ગુજરાત અને પંજાબ.)

તાજેતરમાં પાકીસ્તાની કલાકારવાળી કરણ જોહરની ફીલ્મ ' એ દીલ હૈ મુશ્કીલ' સામે રાજ ઠાકરે એ આપેલી ધમકી સામે મહારાષ્ટ્ર રાજયના યુવાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનાવીસે જે રીતે દલાલ હોય તેમ મધ્યસ્થી રહીને ઉકેલ લાવ્યા; તેથી તેઓની આબરૂ વધી નથી. મને તો તેઓના વર્તનથી ખુબજ આઘાત લાગ્યો છે. મહારાષ્ટ્રમાં બીજેપી સાથે રાજઠાકરેના મહારાષ્ટ્ર નવનીર્માણ સેનાનું એક રાજકીય પક્ષ તરીકે જોડાણ છે. તેમ છતાં છાશવારે  રાજઠાકરે નાનામોટા મુદ્દા ઉભા કરીને ધમકીઓ આપ્યા જ કરે છે. બાલ ઠાકરેના સમયથી તેઓનો પક્ષ આવી ઉગ્ર પ્રાદેશીક અને રાષ્ટ્રવાદના નામે ધમકીઓ આપીને જ પોતાનું રાજકીય અસ્તીતવ ટકાવી રાખતો આવ્યો છે. શીવ સેનાની બીજી કોઇ રાજકારણમાં વૈચારીક મુડી નથી. મારા મત મુજબ રાજઠાકરેને તેના ફસાઇ ગયેલા બનાવટી ધમકીરૂપ 'રાજકીય હુક' માંથી બહાર કાઢવામાં આ મુખ્યમંત્રીએ કોઇશાણપણ બતાવ્યું નથી. આવા સમાધાનમાં તેઓની કોઇ રાજકીય પરીપક્વતાના દર્શન પણ થતાં નથી. મુંબઇની પોલીસે ખુબજ ગણતરીપુર્વકનો નીર્ણય કર્યો હતો. જેવો કે  રાજઠાકરેના અગત્યના વીકેન્દ્રીત પદાધીકારીઓની (મેઇન લેફ્ટેનન્ટસ) રાતોરાત ધરપકડ કરીને તેની પાંખોને મજબુત પકડમાં લઇને  રફે તફે કરી નાંખવાની હતી. જયાંસુધી કરણ જોહરની ફીલ્મ આ ઓકટોબર માસના અંત સુધીમાં રીલીઝ ન થઇ જાય ત્યાં સુધી શીવસેનાના તોફાની શાખા પ્રમુખોને ( સ્ટ્રોમ ટ્રપુર્સ) ધરપકડ કરીને બહારની કોઇ જેલમાં મોકલી દેવાના હતા. તેથી રાજઠાકરેની ફીલ્મની રીલીઝ થવાની પ્રક્રીયામાં 'રોડા નાંખવાની ધમકીને' લગભગ અટકાવી શકાઇ હોત.

 હું મુંબઇના ૧૯૮૪ના કોમી તોફાનો સમયે મુંબઇનો પોલીસ કમીશ્નર હતો. તેની મને યાદ તાજી થાય છે. મુંબઇ લશ્કરને હવાલે સોંપી દેવામાં આવ્યું હતું. તેમ છતાં મુંબઇમાં ખુનામરકી,લુંટ અને ટોળાએ નક્કી કરેલી મીલ્કતોની આગજની ચાલુ  હતી. તે સમયે વસંતદાદા પાટીલની સરકારે મુંબઇ શીવસેનાના એકાવન શાખાપ્રમુખોને તાત્કાલીક અટકાયતમાં લેવાનો દ્રઢ રાજકીય ઇચ્છાશક્તીથી નીર્ણય કર્યો. આ બધા બાલઠાકરેના બાહુબલીઓ( મસલ્સ પાવરમેન) હતા જે બધાના દાદાગીરી ભરેલા કૃત્યો પર બાલઠાકરેની અને હવે રાજઠાકરેની રાજકીય જીંદગી આધારીત છે.

આવા સંજોગોમાં એક સાંજે મેં પોલીસ કમીશ્નર તરીકે મારા અધીકૃત ક્ષેત્રના સબઇન્સપેક્ટરોને હુકમ કરીને બોલાવ્યા અને તેમને શીવસેનાના તોફાન કર્તાઓના લીસ્ટની યાદી આપી દીધી.  જે બધાની કાયદો અને શાંતી જાળવવા માટે આગોતરી ધરપકડ કરવી અનીવાર્ય હતી. " તમારામાંથી કોઇપણ સદર હુકમના પાલનમાં નીષ્ફળ, ગાફેલ કે ઢીલાશ કરશે તો તેનાં બુરા પરીણામો જે તે અધીકારીએ ભોગવવાં પડશે." એકાવન શાખાપ્રમુખોમાંથી એક સીવાય બધાજ પોલીસ લોકઅપમાં આવી ગયા હતા. બીજે દીવસે બાલઠાકરે વસંતદાદા પાટીલનો પગ પકડતો ને પોતાની વફાદાર ટોળકીને છોડાવવા માટે આજીજી કરતો આવી ગયો.

 અમે શું કામ કર્યું? અમે શીવસેના પ્રમુખ બાલઠાકરેને પકડયા જ નહી. તેની ચંડાળ ચોકડી જે મનોહર જોષી દ્રારા સંચાલીત હતી તેને પણ અડક્યા નહી. કારણકે તે બધા સુખી મધ્યમ વર્ગના ( White collar gentry) સમાજમાંથી આવતા હતા. જે બધાની મજુર વર્ગના ગુંડા તત્વો પાસેથી આવું ઉશ્કેરણીજનક કામ લેવાની 'કુશળતા' જ નહતી. આ બધામાંથી ખાસ કરીને બાલ ઠાકરે ની ધરપકડ કરી હોત તો પેલા શાખાપ્રમુખોએ પોતાની કુશળતાથી ટોળાઓ પાસેથી હીંસાત્મક ધાંધલ ધમાલ કરાવી શક્યા હોત! અમારી આવી વ્યુહ રચનાથી મુંબઇની શેરીઓમાં સવેળાએ શાંતી સ્થપાઇ ગઇ.

મુંબઇના વર્તમાન ચીફ ઓફીસર દત્તાત્રય પેદસાલગીકર સ્વાભાવીક રીતે અમારી સફળ થયેલ આ વ્યુહ રચના પર જ કામ કરવા માંગતા હતા. ત્યાં અધવચ્ચેથી જ જાહેરાત કરવામાં આવી કે ભાજપના મુખ્યમંત્રીએ ફીલ્મ ઉત્પાદક અને રાજઠાકરે વચ્ચે દલાલી કરીને શાંતી વેચાતી(Brokered Peace) મેળવી લીધી છે. રીબેરો કહે છે કે મને સમજણ પડતી નથી કેમ મુખ્યમંત્રી આવા કામમાં વચ્ચે પડયા! કારણકે કરણ જોહર અને તેના જેવા મુંબઇના ફીલ્મ પ્રોડયુર્સસ વર્ષોથી સારી રીતે જાણે છે કે મહારાષ્ટ્ર નવનીર્માણ સેના પ્રમુખ રાજઠાકરે જેવા સાથે પનારો કેવી રીતે પાડવો?

મુખ્યમંત્રી તો રાજયસત્તાનો સ્રોત છે. તેઓને તે સત્તા દ્રારા રાજય સંચાલન કરવાનો લોકપરવાનો મળેલ છે. તેઓએ તો ખરેખર જેમ સને ૧૯૮૪માં વસંતદાદા પાટીલે શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા મને સંપુર્ણ ટેકો આપી મારી પડખે ઉભા રહ્યા હતા તેવું કામ કરવાની જરૂરત હતી. રાજઠાકરે ફક્ત શેખીબાજ છે તે સાબીત કરવાનો અનોખો રાજકીય મોકો મુખ્યમંત્રી પાસે હતો. કયા કારણોસર આવી સરસ રાજકીય તક તેઓએ ગુમાવી તે સમજણ પડતી નથી. આવા તત્વો સામે કેવીરીતે શરણાગતી( Capitulated) કે હાર રાજયના સર્વોચ્ચ સત્તાધીશ સ્વીકારે? મને તો તેની પાછળ રાજકીય છળકપટ કે ગુપ્ત( Chicanery) વ્યવહારની બદબુ આવે છે. મુખ્યમંત્રીના આવા કૃત્યથી તેમની પાર્ટીની આબરૂ વધવાને બદલે ઘટી છે. અરે તેથી તો રાજયસત્તાની સર્વોપરીતા, કાર્યક્ષમતા અને કાયદેસરતા લોકોમાં બીલકુલ રહી જ નહી.

દેશના સામાન્ય માણસને એવી પ્રતીતી થવા માંડી છે કે આ રાજય સત્તાને ધમકી આપીને જેમ વાળવુ; કે દબાવવું હોય તેમ દબાવી શકાય તેમ છે. જેથી કાયદાના શાસનનો મરજી મુજબ ક્ષુલ્લક હેતુઓ માટે પણ ઉપયોગ થઇ શકે છે. રાજઠાકરે અધમકક્ષાની ગુનાહીત પ્રવૃત્તીઓમાં સતત સંડોવાયેલા છે; જેવીકે ચુંટણીના મતદાર બુથો સળગાવવા, અને તેઓની માંગણીઓ જે સરકારી ખાતાં ન સ્વીકારે તેના પર પથ્થર મારો કરાવવો વગેરે.

તાજેતરમાં ગોકુળષ્ટમીના દીવસે દેશની સર્વોચ્ચ અદાલતે 'ગોવીંદાઆલા' પીરામીડની ઉંચાઇ કેટલી રાખવી તેના માટેનો જાહેર હીતમાં ચુકાદો આપ્યો હતો. બંને ઠાકરભાઇઓએ, રાજઠાકરે ને ઉધ્ધવ ઠાકરે એ જાહેર કર્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના સદર ચુકાદાનું ઉલ્લંઘન કરશે. તેને બદલે તે બંને એ સુપ્રીમ કોર્ટમાં ફેરવીચારણા માટેની ' રીવીઝન અપીલ કરી શક્યા હોત!

દેશમાં આવો કાયદો હાથમાં લેવાની પ્રવૃત્તીઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું છડેચોક ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તીઓ વધતી જશે તો ભારતીય રાજય એ સત્તાધીશ રાજય તરીકે કામ કરતું જ બંધ થઇ જશે. વીશ્વ અને દેશના ઉધ્યોગપતીઓ જયાં કાયદાના શાસનનું મોટે પાયે સતત ધોવાણ થતું  હોય તે દેશમાં મુડીરોકાણ કોણ કરશે? વીશ્વફલકપર બીઝનેશ ગુરૂ બનવાનાનાં સ્વપ્નાં કયાંય હવામાં રાખ બની ફંગોળાઇ જશે! રાજઠાકરે જેવા રાજકીય પરીબળોને મહત્વ આપતાં મહારાષ્ટ્ર અને દેશના રાજકીય નેતાઓએ ગંભીર રીતે વીચાર કરવો જોઇએ.

        આ સમગ્ર પ્રકરણમાં બે મહત્વની વ્યક્તીઓ કે રાજકીય નેતાઓની સંડોવણી નકારી શકાય તેમ નથી. એક તો જુવાન મુખ્યમંત્રીની. જેનું રાજકીય ભવીષ્ય વધારે ઉજળું છે, તે પ્રમાણીક છે અને ગુણવત્તાપર નીર્ણય કરવાની કાબેલીયાત ધરાવે છે. પરંતુ આજ નેતાને  જો કોઇ બાહુબળના આધારે નમાવી શકે તો તે પ્રમાણે ઝુકી જવું એ તો મારા મત મુજબ રાજકીય આપઘાતને સામેથી આમંત્રણ આપવા બરાબર ગણાશે.

અને બીજી વ્યક્તી છે મારે દુખ; સાથે જણાવવું પડે છે કે તે  શ્રીમતી એન. સી. સૈઇનાની ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન છે. તેણી તો મારા મતમુજબ ગૌરવશાળી વારસાવાળા પોલીસ કુટુંબમાંથી આવે છે. એવું કહેવાય છે કે તેણીના દાદાએ તો સૌથી મહત્તમ સમય સુધી મુંબઇના પોલીસ કમીશ્નર તરીકે હોદ્દા પર હતા. જેઓએ મારા લગ્ન સમયે પ્રથમ 'ટોસ્ટ સેરમની' કરી પ્રોત્સાહીત કરી મારૂ અભીવાદન કર્યું હતું.

મજબુર અને ની:સહાય સૈઇનાને કહેવામાં આવ્યું કે સ્પોકપર્શન તરીકે જાહેર કર કે કાયદો અને વ્યવસ્થા જાળવવા કરણ જોહર, રાજઠાકરે અને મુખ્યમંત્રી ત્રણેય સાથે મળીને આ ડીલ કરવામાં આવ્યું હતું. જયારે હકીકત બીલકુલ ભીન્ન જ હતી. મને સંપુર્ણ ખાત્રી છે કે સૈઇના ને એકલાને પોતાની વીવેકબુધ્ધી પ્રમાણે નીર્ણય કરવા દીધો હોત તો તેણીએ ક્યારેય આવો મુર્ખામીભર્યો અભીગમ (a preposterous stand) ન લીધો હોત! ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ) ભાવાનુવાદ. બીપીન શ્રોફ.

 

--