Monday, November 28, 2016

રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?


રેશનાલીસ્ટની દ્રષ્ટીએ ધર્મ એટલે શું?

(૧)આ વીશ્વમાં પ્રવર્તમાન કોઇપણ ધાર્મીક ખ્યાલો, વીચારો,વગેરે કોઇ દૈવી, ઇશ્વરી કે આધીભૌતીક પરીબળો દ્રારા માનવીએ ક્યારેય મેળવેલા હોતા નથી. આ બધા ખ્યાલો તે માનવીના મનનું જ સર્જન હોય છે. તે બધાનું સર્જન માનવીની લાગણીઓ,અપેક્ષાઓ કે ખેવનાઓનું પરીણામ જ છે. અવાસ્તવીક કે કાલ્પનીક ધાર્મીક ખ્યાલો અમર્યાદીત, સીમાહીન અને ક્યારેય સંતોષી ન શકાય તેવી લાગણીઓનું સર્જન હોય છે. તે તેની સંતોષાયા વીનાની છુપી કે ઘરબાયેલી અતૃપ્ત ઇચ્છાઓનું પરીણામ હોય છે. લાગણીઓ અને તેને બેફામરીતે વીહાર કરાનારા પરીબળો દ્રારા  આ બધા ધાર્મીક ખ્યાલો, વીચારોને અમર્યાદીત સત્તા મળે છે. આવા કાર્યકારણની શ્રંખલાઓ ધાર્મીક તત્વોનું ( રીલીજીઅસ સબસ્ટન્સ)નું સર્જન કરે છે.

       ખરેખર માનવી, વીજ્ઞાન અને તત્વજ્ઞાનના સહયોગથી તેની લાગણીઓને નીયમન કરનાર પરીબળોની મદદથી સંતોષ મેળવી શકે છે. જયારે વીજ્ઞાન અને તત્વજ્ઞાન માનવીને તેઓના જ્ઞાનથી મદદરૂપ થઇ શકતા નથી, ત્યારે માનવીના મનપર  ઘરબાઇ ગયેલી કે અતૃપ્ત લાગણીઓ કે વાસનાઓ તેના મનનો કબજો લઇને ગુલામ બનાવે છે. તેમાંથી માનવ મન વીકૃત અને અંધશ્રધ્ધાળુ અનુભવો, વીચારો અને સાબીત ન થઇ શકે તેવા તરંગોનું સર્જન કરે છે. જ્યાંસુધી માનવી, આ વીશ્વ અને માનવ શરીરના સંચાલનના પરીબળોને કુદરતી નીયમો ( લોઝ ઓફ નેચર, નોટ સુપર નેચરલ)ને આધારે  સમજવાની ક્ષમતા નહી ધરાવતો હોય ત્યાંસુધી તે પોતાની અંગત અને દુન્યવી સમસ્યો ઉકેલવા દૈવી પરીબળોમાં શ્રધ્ધા ધરાવશે. તેને કારણે તેનું મન અવાસ્તવીક કે કાલ્પનીક જગતમાં રચ્યુપચ્યું રહેશે. તેની આ અવાસ્તવીક કાલ્પનીક વૃત્તીઓને સંગ્રહવાનું કોઇ સ્થળ હોય તો તે ધર્મ છે.

(૨) ધાર્મીક દુનીયા, વાસ્તવીક દુનીયાની સરખામણીમાં જાદુઇ સત્તાઓ કે શક્તીઓથી ભરપુર હોવાનો દાવો કરે છે. તેનામાં શ્રધ્ધા ધરાવનારને ચમત્કારીક પરીણામોના લાભ આપી શકે છે. જે ઇચ્છાઓ વાસ્તવીક વીશ્વમાં અધુરી,અપુર્ણ કે સંતોષયા વીનાની રહે તેને  કાલ્પનીક રીતે સંતોષી શકાય તેવો દાવો ધર્મ અને તેને ટેકેદારો કરતા આવ્યા છે અને હજુ પણ કર્યા કરે છે. મોક્ષ, કાયમી જન્મ–મરણના ચક્રમાંથી મુક્તી, શાશ્વત શાંતી, વગેરે પ્રાપ્ત કરવાના દાવા બધાજ ધર્મો કરે છે. ધર્મના સ્થાપકોનો ધર્મની સ્થાપના પાછળનો મુળ હેતુ જે વાસ્તવીક જીવનમાં શક્ય નથી તે પ્રાપ્ત કરવાનો દાવો કરી તેની પાછળ પોતાના અનુયાઇને સતત દોડતા રાખવા સીવાય બીજો કશો જ હોતો નથી.

(૩) જે માનવીય સદગુણો અને ઇચ્છાઓ માનવી પોતે મેળવી શકે તેમ નથી તે ઇશ્વરના ખ્યાલમાં માનવી પોતે મુકીને તેને સર્વશક્તીમાન બનાવે છે. તેમાં દયા. લાગણી, અન્યો પ્રત્યે અનુકંપા, પીતા કે માતાતુલ્ય વડીલપણું અને અન્ય નેતૃત્વના લક્ષણો દરેક ધર્મના ઇશ્વરમાં આમેજ હોય છે. દૈવી,ચમત્કારીક કે સર્વગુણસંપન્નનો ઇશ્વરનો ખ્યાલ માનવીની માનસીક વીકૃતીનું પરીણામ જ છે. કુદરતી નીયમોના સંચાલનની માહીતીના અજ્ઞાન ને કારણે તે સતત ભ્રમમય જીવન જીવતો હોય છે. અને બીજાઓને તેવું જીવન જીવવવા મજબુર કરે છે. તે બધા દીવાસ્વપ્નોમાં રાચે છે. બધાજ ઇશ્વરી ચીત્રો અને ચરીત્રો માનવીના ચીત્રો કે ચરીત્રોથી બીલકુલ જુદા હોતા નથી.

(૪) જે લોકો પોતાની જાતને અસમર્થ અને અશક્તીશાળી ગણે છે તે બધા સહેલાઇથી ધાર્મીકતાનો ભોગ બને છે. અને બીજાને પણ બનાવે છે. જે લોકો પોતાની પાયાની ભૌતીક સુવીધાઓ પણ ત્યજીને પોતાના સાથી માનવોને સુખી કરવા પ્રેમ ને કરૂણાજનક વ્યવહાર કરે છે તે  બધા ધાર્મીકો  લોકો છે. રેશનલ તત્વજ્ઞાન ધર્મને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગે છે.

(૫) વૈજ્ઞાનીક માનવવાદનો મુસદ્દો છે કે, વીજ્ઞાન અને તત્વજ્ઞાનની મદદથી માનવીની બધી સમસ્યો ઉકેલી તેને સુખી બનાવવો છે. માનવીય ગૌરવ સીવાયની કોઇપણ વાત ધર્મ કરતો હોય તો તે બકવાસ (હમબર્ગ) છે. ખરેખરતો ધર્મની બોગસ કે બકવાસભરી વાતોથી માનવીનું અધ:પતન થયું છે. માનવજાતને એવા તત્વજ્ઞાનની તાતી જરૂરીયાત છે જેનાથી તેનું સામાજીક અને રાજકીય જીવન વધારે સક્રીય રીતે સુખી અને સમૃધ્ધ બને. માનવજાતને ધર્મે બતાવેલ મોક્ષ કે મુક્તીની બીલકુલ જરૂરત જ નથી. માનવીની આ ખુબજ ટુંકી જીંદગીને સુખી અને સમૃધ્ધ બનાવવી છે. તેને નથી જોઇતો મોક્ષ કે અમરત્વ. માનવજાતને વધારે ચીંતા મૃત્યુ પહેલાંના જીવનને વધારે પાયાની ભૌતીક જરૂરીયાતોમાંથી મુક્ત કરવું છે. તેને ધર્મના ઉપદેશવાળા મૃત્યુ પછીના જીવનમાં કોઇ રસ નથી.        અમને માનવીઓના પાયાના પ્રશ્નો રોટી,કપડાં મકાન. દવા, શીક્ષણ, રોજગારી વગેરે સહેલાઇથી મળે તેવી રાજકીય, આર્થીક અને સામાજીક વ્યવસ્થામાં રસ છે. અમને ગરીબાઇ અને તેની ક્રુરતામાંથી આઝાદી જોઇએ છીએ. અમને અમારા સ્વજનને શ્રાધ્ધ દ્રારા મોકલેલ અનાજ પાણી તેને મળ્યું કે નહી તે જાણવામાં બીલકુલ રસ નથી. ટુંકમાં અમારે આ વીશ્વની બધી જ વ્યવસ્થાઓને માનવ કેન્દ્રીત ન્યાયી અને પ્રતીબધ્ધ બનાવવી છે. 

--