Monday, September 4, 2017

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

પશ્ચીમી જગતના સેક્યુલર હ્યુમેનીસ્ટોની દીર્ઘદ્રષ્ટી– રીચાર્ડ ડોકીન્સ

 

રીચાર્ડ ડોકીન્સ– પુર્વીયદેશોના નીરઇશ્વરવાદીઓની ધાર્મીક સીતમમાંથી મુક્તી (Secular Rescue ).

રીચાર્ડ ડોક્નીસ કેવીરીતે પુર્વના એશીયાઇ તેમજ આરબ દેશોના નીરઇશ્વરવાદીઓને(સેક્યુલારીસ્ટને) પોતાના દેશના ધાર્મીક સીતમ, જુલ્મ,કે સતામણીથી મુક્તી અપાવે છે તે જોઇએ.

 આપણને સૌ ને યાદ હશે કે  સને ૨૦૧૫માં 'મુક્ત મોના' નામના સેક્યુલર બ્લોગરના સંચાલક અવીજીત રોયને તેની પત્ની સાથે ખુની હુમલો  બંગલા દેશની રાજધાની ઢાકામાં કરવામાં આવ્યો હતો. જેમાં અવીજીત માર્યા ગયા હતા અને તેની પત્ની રફીદા અહેમદ ગંભીર રીતે ઘવાઇ હતી. તેણીના એક હાથનો અંગુઠો કપાઇ ગયો હતો. અવીજીત રોય પોતાના બંગાળી બ્લોગ " Mukta Mona" નામે એક લોકશાહી સેક્યુલર માહીતી આપતો ચલાવતા હતા.ત્યારબાદ બંગલા દેશમાં આવીજ પ્રવૃતી કરતા  બીજા પાંચેક ધર્મનીરપેક્ષવાદીઓને બંગલા દેશના ધર્માંધ મુસ્લીમ કટ્ટરવાદીઓએ મારી નાંખ્યા હતા.કારણકે મુસ્લીમ ઉગ્રપંથીઓને આ બધા સેક્યુલર બ્લોગરની બીક હતી. તે બધા સેક્યુલારીસ્ટો, તત્વજ્ઞાન, ધાર્મીક આસ્થાઓનું વાસ્તવીક અનુભવને આધારે મુલ્યાંકન, વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક તારણો અને વૈજ્ઞાનીક અભીગમ સમાજમાં ફેલાવો જોઇએ તેવા લેખો પોતાના બ્લોગ પર લખતા હતા.જેનો બંગલા દેશના નાગરીકો સતત તરફથી સારો પ્રતીભાવ મળતો હતો. તેમને આ સેક્યુલારીસ્ટો ઇસ્લામ ધર્મ વીરોધી અને ધર્મના દુશ્મન તરીકે ઓળખતા હતા.કુલ પાંચ સેક્યુલર ઇન્ટરનેટ બ્લોગર્સને મારી નાંખ્યા પછી સાબીત થઇ ગયું કે બંગલા દેશમાં સ્વનીમણુક કરી બેઠેલા( સેલ્ફ એપોંઇન્ટેડ) ઇસ્લામ ધર્માના ઠેકેદારોની પકડમાં આવી ગયું છે. લોકશાહી ઢબે માનવવાદી વૈજ્ઞાનીક વીચારો ફેલાવવા દેશમાં અશક્ય બની ગયું છે.ધાર્મીક કટ્ટરવાદીઓએ શોધી શોધીને આવા વીચારો ફેલાવનારાઓની કત્લેઆમ કરવા માંડી છે. આવા ધર્મના નામે જબ્બરજસ્તીથી થતા અત્યાચારોને વીશ્વ બારીકાઇથી જોઇ રહ્યું હતું. ત્યારે ડૉ રીચાર્ડ ડોકીન્સ જેવા આવી સ્થીતીમાં શું થઇ શકે તેના વીચારમાં લાગી પડયા હતા.સેક્યુલર વીચારો ફેલાવનારાને જો તેમના દેશમાં જીવવું અશક્ય બની ગયું હોય તો બીજો વીકલ્પ શું હોઇ શકે?

 રીચાર્ડ ડોકીન્સે અમેરીકામાં વોશીંગટન સ્થીત ' સેન્ટર ઓફ ઇન્કાવાયરી' સંસ્થા જે વીશ્વભરમાં ધર્મનીરપેક્ષ માનવવાદ, વીવેકબુધ્ધીવાદ અને વૈજ્ઞાનીક અભીગમનો પ્રચાર કરે છે તેની મદદથી એક 'સેક્યુલર રેસક્યુ' નામનો વીભાગ પોતાની સંસ્થામાં જ ઉભો કર્યો. તેનો મુખ્ય ઉદ્દેશ પુર્વના દેશોમાં કામ કરતા સેક્યુલારીસ્ટો જેની પર જાનનું જોખમ છે તેને રાજકીય આશ્રય( Political Asylum) પશ્ચીમના દેશોમાં અપાવવો. અત્યાર સુધીમાં આ સંસ્થા 'સેક્યુલર રેસક્યુ' તરફથી બંગલા દેશ સહીત બીજા પણ અન્ય દેશોમાંથી કુલ ૩૦ જેટલા સેક્યુલારીસ્ટોને ધાર્મીક અંતીમવાદીઓની પકડમાંથી બચાવીને પશ્ચીમના જુદા જુદા દેશોમાં રાજકીય આશ્રય અપાવ્યો છે.

 ઇરાકના પાટનગર બગદાદ શહેરની એક ૨૦વર્ષની યુવાન સ્રી નામે લુબાના યાસીન હતી. તે બગદાદની કેમીકલ એન્જીનરીંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેણી પોતાના દેશ અને શહેરના રૂઢીચુસ્ત ઇસ્લામીક ધાર્મીક વાતાવરણની સુચના અને રીત રીવાજો મુજબ જીવન જીવવા માંગતી નહી. તે નાસ્તીક હતી. તેના પર લેખીત અને મૌખીક મોતની ધમકીઓનો વરસાદ વરસી રહ્યો હતો. ડોકીન્સની સંસ્થાની મદદથી હાલ તે કેલીફોર્નીયા– અમેરીકામાં રહે છે. આવા રાજકીય આશ્રયદાતાઓને મદદ કરવા તેઓની સંસ્થાને મફત વકીલ(a pro bono lawyer) પણ મળ્યા છે.

આવીજ રીતે બંગલા દેશમાંથી અર્પીતા રોય ચૌધરી (not her real name) જે તેણીનું સાચુ નામ નથી તેને જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેણી બંગલા દેશમાં નારીવાદી મુક્તી અંગે પ્રવૃતીઓ પોતાના ઇન્ટરનેટ સેક્યુલર બ્લોગ દ્રારા કરતી હતી. તેણીને તેના શહેરના ઇસ્લામી જેહાદી તત્વોએ ખુબજ હેરાન કરી. અને છેલ્લે તે તત્વોએ તેણીને મોતની ધમકી આપી હતી.

શમ્મી હક(Shammi Haque, 22,) બંગલાદેશી ધર્મનીરપેક્ષતા અને વ્યક્તી સ્વાતંત્રય જેવા મુલ્યોની જોરદાય હીમાયતી છે. ઇસ્લામીક ખુનીઓની (found herself the target of Islamist assassins) તેણી નજરે પડી ગઇ. તેણીએ પોતાની જીંદગી જોખમમાં છે  તેવું ડોકીન્સની સંસ્થા સેક્યુલર રેસક્યુને તાત્કાલીક જણાવ્યું. તેણીને યુધ્ધના ધોરણે જર્મનીમાં રાજકીય આશ્રય અપાવ્યો.( CFI gave her emergency assistance to relocate and eventually be granted asylum in Germany.)

શમ્મી હકે પોતાની આપવીતીમાં જણાવ્યું કે' હું જે દીવસથી મારા શહેરના સ્થાનીક ધર્માંધ તત્વોના હીટ લીસ્ટમાં આવી ગઇ ; ત્યારબાદ હું સખત ગભરાઇ ગઇ હતી. દરરોજ રાત્રે સુતા સમયે વીચાર કરતી હતી કે આજનો દીવસ મારી જીંદગીનો છેલ્લો દીવસ હશે. હું આવતીકાલના દીવસનો ઉગતો સુર્ય ચોક્કસ જોવાની નથી.'

મને ડોકીન્સની સંસ્થા 'સેન્ટર ઓફ ઇન્કાવયરી'ની માહીતી મળી. આવા સંજોગોમાં પણ તે સંસ્થાનો જીવંત સંપર્ક સધાયો તે મારા માટે બહુજ મોટી વાત બની ગઇ. તે સંસ્થાએ મને તાકીદની મદદ પુરી પાડી. અને તેથી હું જર્મનીમાં રાજકીય આશ્રય મેળવીને મારી જાન બચાવી શકી. હું ડોકીન્સની સંસ્થા અને જર્મન સરકારની ખુબજ રૂણી છું કારણકે તે બંને એ મને આટલો ઝડપથી રાજકીય આશ્રય પુરો પાડયો છે.

બંગલા દેશના જાણીતા લેખક અહેમદ રશીદ ચોધરી પર ત્યાંના  જેહાદી ઇસ્લામી તત્વોએ મરણતોલ હુમલો કર્યો. તે બાલ બાલ બચી ગયા. તેઓએ ડોકીન્સની આ સંસ્થાને પોતાના કુટુંબ સાથે  કોઇ દેશમાં રાજકીય આશ્રય અપાવો તેવી વીનંતી કરી. રશીદ ચૌધરીને જરરી સાધન સંપત્તી પુરી પાડીને તેમને નોર્વેમાં રાજકીય આશ્રય અપાવ્યો છે. તેમને ગયાવર્ષના હીંમતવાન લેખક તરીકેનો વૈશ્વીક પી ઇ એન એવોર્ડ મળ્યો છે.                                                                                                                                                                                  

મુક્ત મોનાના બ્લોગર અવીજીત રોયના સાથીદાર રહીયાન અબીર જેણે રોય સાથે એક પુસ્તક લખેલું હતું તેને કેનેડાની ' ફ્રી ઇન્ક્વાયરી' સંસ્થાની મદદથી  કેનેડામાં રાજકીય આશ્રય તેના કુટુંબ સાથે અપાવ્યો હતો. જ્યારે તે ઢાકામાં મોટરસાયકલ ચલાવતા હતા તો સતત પાછળ બેઠેલી પત્નીને સુચના આપ્યાજ કરતા હતા કે ' ધ્યાન રાખજે!  મારો કોઇ પીછો તો કરતું નથીને!'

રહીયાન  આબીરે લંડનમાં જણાવ્યું હતું કે ' બંગલા દેશના નાગરીકોને સાંસ્કૃતીક રીતે પાછા જંગલીયાતવાળી સમાજ વ્યવસ્થામાં લઇ જવાના જબ્બરજસ્ત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમે સેક્યુલર બ્લોગર્સ વીવેકબધ્ધી અને ધર્મનીરપેક્ષતાના વીચારોવાળા લખાણો લખીને તે બધાને પડકારવાની કોશીશ કરી રહ્યા છે. કોઇને પણ અમારા વીચારોને પડકારવા હોય તો  સામે વ્યાજબી દલીલોથી લખાણ લખીને પડકારે. પણ  મહેરબાની કરીને અમારી સામે મોતના ફતવા શા માટે બહાર પાડો છો? શા માટે ભાડુતી ખુનીઓ કે હત્યારાઓને બરછી અને બંદુકો લઇને અમને મારી નાંખવા મોકલો છો!'

ભારતમાં મહારાષ્ટ્રમાં નરેન્દ્ર દાભોલકર, ગોવીદ પાનસરે અને કર્ણાટકના પ્રો કલબુર્ગી જેવા રેશનાલીસ્ટીની હત્યા પછી આજદીન સુધી તે બધાના ખુનીઓને પકડવામાં આવતા નથી. પોલીસ   તરફથી કોઇ કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. શું ભારતના રેશનાલીસ્ટો, સેક્યુલારીસ્ટો અને નાસ્તીકો માટે પશ્ચીમના દેશોમાં રાજકીય આશ્રય લેવાના દીવસો હવે દુર નથી એવું તમને લાગતું નથી?

 


--