પાખંડી બાબાઓ અને પવીત્ર ગુફાઓમાં શું તફાવત છે? મુખ્યમંત્રીઓની અને આપણી દ્રષ્ટીમાં શું તફાવત છે?
શું આપણે સંવેદનહીન થઇ ગયા છે.? નીર્દોષ, સાધારણ, ભલાભોળા, ઇમાનદાર નાગરીકોને મારી નાંખવામાં આવે છે. આપણે કઇં જ કહેતા નથી.
હરીયાણામાં રસ્તાઓ પર હત્યારાઓ લોહી વહાવે છે. આપણે ચુપ રહીએ છીએ.
ઉત્તરપ્રદેશમાં નાનાં બાળકો શ્વાસ લઇ શકતા નથી.રૂંધાઇ રૂંધાઇને મરવા માટે મજબુર કરવામાં આવે છે. આપણે ઠીકથી રોઇ પણ શકતા નથી.
મુંબઇમાં ભ્રષ્ટ કુપ્રશાસન લાંચ લઇને નદી– નાળાં–સરકારી ભુખંડો–સાર્વજનીક મેદાનો અને નાળીઓ પર દબાણ થવા દે છે. અને બીજી બાજુએ સમુદ્રના એકદમ કીનારે વસેલા વીરાટ મહાનગરમાં ઉછળતા મોજામાંથી નીર્લજ્જ, નીર્દયી અને નીકૃષ્ટ શાસકો તેમજ તેમના મળતીઆઓને કોઇ ભય નથી. કારણકે નદીઓનું શોષણ કરવાથી ઉઠેલા મહા જલપ્રલયથી તેમની સત્તાની ઉંચી અટારીઓના ઉપરના તળ ક્યારેય નહીં ડુબે. મજબુર નીર્ધન જ ડુબે છે. મુંબઇમાં ડુબવાથી બચી જશો તો તો કોઇ જુની ઇમારતમાં રહેવાનો મૃત્યુદંડ તમને મળશે. નહીં મળેતો એવો સંકેત સમજવો કે રહેવાસી અસહાય છે.– આથી મરવા માટે છોડી દેવાયા છે.
કોઇ પાંદડું સુધ્ધાં હાલતું નથી.એક આંસુ સુધ્ધાં નથી પડતું. કોઇ દોષ પણ નથી માનતા. આથી કોઇને ક્યારેય કઠોર દંડ પણ થતો નથી.આવું આપણે શાંત રહીએ છીએ એટલે થાય છે. આપણે ભારતીય, બધું જ સહન કરતા રહીએ છીએ. આપણને આંચકો લાગે છે પણ તે ક્ષણીક હોય છે.......
(૧) આપણને હુમલા– હીંસા–હત્યાઓ જોવાની આદત પડી ગઇ છે.
(૨) દરેક દુર્ઘટનામાં આપણને ઇશ્વરનો પ્રકોપ લાગે છે.
(૩)આપણને સ્વાભાવીક જ લાગે છે કે સરકારી હોસ્પીટલોમાં ઇલાજ અને ઓક્સીજનના અભાવે બાળકો મરી જશે.
(૪) આપણને મુક્તપણે ખબર છે કે પ્રત્યેક સોમાંથી નવ્વાણું બાબા– સાધુ–સંત–સ્વામી વાસ્તવમાં ઢોંગી છે, પાખંડી છે, ભ્રષ્ટ છે,અથવા જાતીય ગુનાઓમાં સંડોવાયેલા છે. ગુનાઇત– અસામાજીકગુંડા–બદમાશોને શીષ્યો બનાવી બેઠા છે.ના–ના પ્રકારના કૌતુકપર અંધવીશ્વાસ પેદા કરે છે. છેતરપીંડી કરીને અંધકાર ફેલાવે છે.મનઘડંત, અસત્ય – આધારીત પ્રચાર કરીને લાખો ભોળા–ભલા નાગરીકોને અંધભક્ત બનાવવામાં કુટીલતાપુર્વક સફળ થઇ રહ્યા છે....સઘળું સત્ય જાણવાં છતાં ક્યાંક ને ક્યાંક તેમનાથી પ્રભાવીત રહીએ છીએ.કટુ સત્ય તો એ છે કે આપણે, આપણા સ્વજનો કે પ્રીયજનો,પરીચીતો, આપણને ઓળખનારાઓ,માનનારાઓ સૌ કોઇ એક સંન્યાસી–મૌલવી, પાદરી, સાથે જોડાયેલા છે.તેમને માનીએ છીએ. તેમના પ્રત્યે શુધ્ધ આસ્થા ધરાવીએ છીએ. તેમાં ખોટું શું છે? તે તો મારી વ્યક્તીગત 'પ્રાઇવસી' છે. .....
આસ્થાની સામે લાખો અંધભક્ત જે હરીયાણા અને બીજા ચાર રાજ્યોમાં આગ લગાવી રહ્યા હતા તેઓ હવે અંધભક્ત કહેવાયા.આસ્થાતો તો તે બધાની પણ આપણા જેવીજ પવીત્ર હતી.પરંતુ કેટલાય મહાન,નીસ્વાર્થ અને તેજસ્વી વ્યક્તીત્વ પ્રત્યે આપણી આસ્થા હોય– જે દીવસે તે તાર્કીક ન રહે, સાર્થક ના લાગે, અને વ્યવહારીક સત્યથી દુર જવા લાગે– તે દીવસે જ તે અંધભક્તી થઇ જશે અને આપણને પતન તરફ દોરી જશે.અને અન્યને પણ નકારણ નુકશાન કરશે........
જે નેતૃત્વ પાસે દ્રષ્ટી ન હોય તે સમગ્ર તંત્રને, આખા રાજ્યને ,દેશને, તેના વાતવરણને દ્રષ્ટીહીન બનાવી દે છે. તેમની પાસે આંખ હશે તો દ્રષ્ટી નથી. વળી તે પોતાની આંખનો ઉપયોગ જેટલું તેમને જોવું હોય તેટલું જોવા માટે જ ઉપયોગ કરશે. અમે સમજીએ છીએ કે તેમની પાસે અને કોઇપણ માણસ પાસે ' દીવ્ય દ્રષ્ટી તો ક્યારે ય નહોય પણ નેતાઓ પાસે દીર્ઘ દ્રષ્ટી તો જોઇએને! તે તો એક વીઝન છે જે બધાની પાસે ન હોય, બધા ન જોઇ શકે પણ નેતાઓ પાસે તો તેવી દ્રષ્ટી તો જોઇએ ને!
જો હરીયણામાં નરસંહાર ક્યારેય નહીં થાત જો મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પાસે આવી દ્રષ્ટી હોત....જો યોગી આદીત્યનાથ પાસે આ દ્રષ્ટી હોત તો યુપીમાં ક્યારેય આટલાં બધાં બાળકો, નવજાત શીશુ ગુંગળાઇને નમર્યા હોત! આવી જ રીતે દેવેન્દ્ર ફડણનીસ પાસે આ દ્ર્ષ્ટી હોત તો મુંબઇમાં મીઠા પાણીની નદીઓ પર જામેલો ભારે કાદવ કાઢીને ક્યારનો ય ફેંકી દેવામાં આવ્યો હોત! મુંબઇમાં જે ગેરકાયદેસર સેંકડો બાંધકામોની વારંવાર ચર્ચા થાય છે તે બધાને સખત રીતે તોડી પાડવામાં આવ્યા હોત!.... એકજ દિવસમાં ન કારણ ત્રીસ જેટલા મુંબઇના નાગરીકોના અપમૃત્યુ દુરંદેશી દ્રષ્ટીના અભાવે થયાં.
અંતે નાગરીક માટે એટલી દ્ર્ષ્ટી જરૂરની છે, તે દ્ર્ષ્ટીથી જોવાનું છે કે જ્યારે આપણા દેશના અલગ અલગ ભાગમાં સરકારોની ગુનાહીત બેદરકારી, કે લાપરવાહીથી નાગરીકો માર્ગો–હોસ્પીટલ અને ઇમારતોમાં મરી રહ્યા હોય તો તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધે સીધા જવાબદાર હોય તો પણ એક શબ્દ બોલતા ન
દેખાય અને આવી જ રીતે વીપક્ષની જવાબદારી ઉઠાવનારા કોંગ્રેસના કર્ણધાર રાહુલ ગાંધી આ મોતની મુલાકાતોને બદલે વીદેશ પર્યટન પર જતા દેખાય!
તમે જોઇ શકો છો કે કેટલી સહજ પરંતુ કેટલી મહત્વપુર્ણ છે આ
' દીર્ઘ દ્રષ્ટી'. આપણા નેતાઓમાં,આપણી સરકારોમાં, ખાસ કરીને આપણા મુખ્યમંત્રીઓમાં આવી દ્રષ્ટી હોય તે અસંભવ છે. પરંતુ તે લાવવી પડશે. કેમકે દેશવાસીઓ પાસે એક ત્રીજી આંખ છે જેનાથી સંપુર્ણ સત્તા ભસ્મ થઇ શકે છે.( સંપુર્ણ લેખને ટુંકાવીને)
લે–કલ્પેશ યાગ્નીક– દૈનીક ભાસ્કર ગ્રુપ એડીટર છે. સૌ. દી.ભાસ્કર શનીવાર, બીજી સપ્ટેમ્બર૨૦૧૭.