Thursday, December 28, 2017

“ જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે.

" જ્યારે ક્રાંતીકારીઓ જીવનને પ્રેમ કરવા માંડે છે ત્યારે ક્રાંતી મરણ પામે છે. જો દરેક અન્યાય સામે તમે થરથર કંપી રહ્યા હો તો તમે મારા સાથીદાર છો." ચે ગુએરા.

 ચે ગુએરાની ક્રાંતી અપુર્ણ રહી હતી.અપુર્ણતામાં જે ખેંચાણ હોય છે તે સંપુર્ણતામાં નથી હોતું. સંપુર્ણતા એ સમાપ્તી છે. જ્યારે અપુર્ણતા એ યાત્રા છે. જ્યારે કોઇ મહાન ધ્યેયનું સ્વપ્ન સીધ્ધ કરવા હેતુ મળી જાય છે ત્યારે જીંદગીને દાવ પર લગાવવાની  કે અરે! હારી જવાની એક અદભુત મઝા હોય છે. મોત ત્યારે ખૌફ નથી હોતું એક અદભુત તક હોય છે.

 શું ક્રાંતી અવીરત હોઇ શકે? હા, ક્રાંતી અવીરત જ હોય છે.અને હોવી જોઇએ. ક્રાંતી થાકતી નથી. ક્રાંતીકારીઓ થાકે છે. થાકેલા ક્રાંતીકારીઓ જ્યારે સત્તા સ્થાને બેસવા માંડે છે ત્યારે એમની અંદર ક્રાંતીની જ્વાળા ઠંડી પડવા માંડે છે. સત્તા સ્થાને બેઠેલા એક સમયના ક્રાંતીકારીઓની ચામડી એટલી જાડી થઇ જાય છે કે તે અંતે પ્રજાની સંવેદના  કે અનુકંપા અનુભવવા બહેરી કે જડ થઇ જાય છે. પછી બાકી રહેલાઓએ તેમને સત્તા સ્થાનેથી હટાવવા ફરી ક્રાંતી શરૂ કરવી પડે છે.

એ ઇતીહાસ એ ગવાહી પુરે છે કે ક્રાંતીકારીઓ સફળ અને સારા શાસક ભાગ્યેજ બની શકતા હોય છે. ક્રાંતી કરવી અને શાસન કરવું એ બંને જુદીજ બાબતો હોય છે.

" યુધ્ધ લડવા તલવારો અને ભાલાઓ જોઇએ છીએ. પરંતુ દર્દીનું ઓપરેશન કરવાતો નાની અણીદાર કાતર કે સ્કાલપેલ જોઇએ છીએ. તલવારો જ્યારે સર્જરી કરવા મંડી પડે છે ત્યારે દર્દી લોહી લુહાણ થઇ જાય છે. મોટે ભાગે તે મરી જાય છે."

" જ્યારે સરમુખત્યારી એ સત્ય હોય છે ત્યારે તેની ઉથલાવી નાંખવા ક્રાંતી કરવી એ પ્રજાનો અધીકાર બની જાય છે." વીકટર હ્યુગો.

" સ્વતંત્રતા ઇચ્છતા દરેક માણસ માટે ચે ગુએરા પ્રેરણા મુર્તી હતો. નેલસન મંડેલા." ( સૌ. દીવ્ય ભાસ્કર ૨૭મી ડીસેમ્બર બુધવારની પુર્તીમાંથી ટુંકાવીને.)

ક્રાંતીની નવી વીભાવના– ૧૯અને ૨૦મી સદીના ક્રાંતીકારીઓનો ખ્યાલ સત્તાધીશ રાજ્યને લશ્કરી શસ્રો અને હીંસક બળવાથી ઉથલાવી નાંખવાનો હતો. હવે આધુનીક રાજ્ય એટલું બધુ લશ્કર અને શસ્રોથી સંપન્ન હોય છે કે તેને શસ્ર બળવાથી ઉથલાવી શકાય નહી. બીજું આવા બળવાની નીષ્ફળતાએ હોય છે કે સત્તાના દાવપેંચમાં ક્રાંતી દરમ્યાન પ્રજાને જે ગુલાબી સ્વપ્ના બતાવ્યા હોય છે તે પ્રાપ્ત કરવાની વાત તો બાજુ રહી પણ હીંસક કે અન્યપ્રકારના બળવાથી મેળવેલી સત્તાને ટકાવી ક્રાંતીકારી રાજ્ય વધુ ને વધુ જુલ્મી અને હીંસક બનતું જાય છે. સત્તા પરીવર્તનથી વ્યક્તી પરીવર્તનનો ખ્યાલ જ અપ્રસતુત બની ગયો છે. વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત સમજ કેળવીને અહીંસક અને શાંતીમયમાર્ગે, તથા બૌધ્ધીક અને વીવેકપુર્ણ વર્તન સીવાય વ્યક્તી પરીવર્તનના કોઇપણ પ્રયત્નો નીષ્ફળ જવાને જ સર્જાયેલા છે. ભલે તે પ્રાપ્ત કરવાના હેતુઓ સારા હોય ! કારણકે કોઇપણ પ્રકારનો સમુહ(ટોળુ), ભલે તે રાજકીય, સામાજીક કે આર્થીક હોય તેનું કામ વીચારવાનું નથી. પણ બીજા એ વીચારેલું છે તેને હુકમ ગણીને અમલમાં મુકવાનું છે. આવી રીતે આવેલો ફેરફાર કે બદલાવને  ક્રાંતી કહેવાય જ નહી. આવો ફેરફાર પણ અલ્પજીવીજ હોય છે. કારણકે તેમાં સમજપુર્વકની લોકભાગીદારી હોતી નથી. આવા ફેરફારો લાવનારાઓનું તેમાં સ્થાપીત હીત બની જતાં તેમના હીતો ક્રાંતી કે ફેરફાર માટે જાહેર કરેલા આદર્શોથી બીલકુલ વીરૂધ્ધ્ના થઇ જાય છે. અને રાજ્યના દમનના હથીયારો આવી રીતે પ્રાપ્ત કરલી સત્તાઓ ટકાવી રાખે છે. માટે જ જ્ઞાન આધારીત માનવ પરીવર્તન સીવાયની ક્રાંતીની વાતો જ સમય જતાં અમાનવીય બની જાય છે.  (બીપીન શ્રોફ.)


--
Sent with Mailtrack