ઇન્સાનીયત, દોસ્તી અને સંબંધોની પ્રતીબધ્ધતા– નીનાંદ વેનગૌરલેકર (Ninad Vengurlekar)
થોડાક દીવસ ઉપર જ ફીલ્મોમાં સ્ર્કીપ્ટ રાયટર તથા હાસ્ય કલાકાર નીરજ વોરાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તે છેલ્લા ઘણા સમયથી કોમામાં સરી પડયા હતા. તેથી તેમના અવસાનથી આમ તો ખાસ આઘાત ન લાગે. પરંતુ મને આંખે ઉડીને વળગે તેવી માહીતીએ હતી, ફીલ્મ પ્રોડયુસર ફીરોઝ નડીયાદવાલાએ સંપુર્ણ પથારીવશ નીરજભાઇની પોતાના ઘરે લઇ જઇને એક વરસ સુધી લાગણીસભર તરબોળ સારવાર અમાપ ખર્ચો કરીને કરી તે વાતે મને માનવી તરીકે હલબલાવી મુક્યો છે.
કેવીરીતે કરી તે ઇન્ડીયન એકસપ્રેસના સમાચારનોંધ ને આધારે જોઇએ.
એકાદ વરસ પહેલાં સને ૨૦૧૬ના ઓક્ટોબર માસમાં નીરજભાઇને બ્રેઇન હેમરેજનો હુમલો આવ્યો. તે બેશુધ્ધ અવસ્થામાં (કોમામાં) સરી પડયા હતા. તેઓને દીલ્હીની એઇમ્સ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. નીરજભાઇએ ફીરોઝ નડીયાદવાલાએ બનાવેલી ઘણી ફીલ્મોમાં જેવીકે ' હેરા ફેરી, આવારા પાગલ દીવાના, ફીર હેરા ફેરી' વી. ફીલ્મોની વાર્તા લખી હતી તેમજ દીગદર્શન પણ કર્યુ હતું. શ્રી નડીયાદવાલાનો નીરજભાઇ સાથેનો વ્યવહાર ભાઇ જેવો હતો. તે નીરજભાઇને તેવી અવસ્થામાં વીમાનમાં દીલ્હીથી લાવીને પોતાને ઘેર લઇ આવ્યા. પોતાના ઘરમાંના એક રૂમને નીરજભાઇ માટે આઇસીયુમાં ફેરવી નાંખ્યો. એક વરસ સુધી શ્રી નડીયાદવાલાએ નીરજભાઇના તમામ દવા, ડૉક્ટર્સ, નર્સીસ, ડાયેટીસીયન, રસોઇઆ જેવા તમામ ખર્ચાઓ પ્રેમથી કર્યા હતા.
એટલું જ નહી પણ,તે રૂમમાં નીરજભાઇના મમ્મી–પપ્પાના ફોટા લગાવી દીધા હતા.નીરજભાઇને પસંદ ક્લાસીકલ સંગીત અને હનુમાનચાલીસા પણ દરરોજ ક્રમશ કેસેટો દ્રારા ગાવામાં આવતા હતા. આ બધી સારાવાર અને સવલતો પછી પણ નીરજભાઇ બચી શક્યા નહી.
ભગ્નહ્રદયે શ્રી નડીયાદવાલા કહે છે કે (A heartbroken Nadiadwala said) -
" આશરે એક વરસ પહેલાં હું નીરજને દીલ્હીથી મારે ઘેર લઇ આવેલો. દીલ્હીના ડૉકટરોએ તે બ્રેઇન ડેડ છે અને ચાર પાંચ કલાકમાં ગુજરી જશે એવું જાહેર કરેલું હતું." મને કઇ શક્તીએ મેં જે કામ કર્યું તે કરાવ્યું તેની મને ખબર પડતી નથી. હું તેને ની:સહાય સ્થીતીમાં કેવી રીતે ગુજરી જતો જોઇ રહું? તેને મદદ કરનાર કોઇ ન હતું. તેને એક ભાઇ હતો પણ તેની આર્થીક સ્થીતી એવી સારી નહતીકે તેનો આવડો મોટો બોજ ઉપાડી શકે?
. હું નીરજને છેલ્લા આશરે બાર એક વર્ષથી ઓળખું છું. અમે ઘણી ફીલ્મોમાં સાથે કામ કર્યુ છે. અમારી મૈત્રીનું જોડાણ ઘણું ઘનીષ્ટ હતું. હું તેને દીલ્હીમાં ની;સહાય છોડીને કેવી રીતે એકલો મુંબઇ આવી શકું? હું ફક્ત મારી સાથે નીષ્ઠુર કે સહાનુભુતી વીનાનો ઇન્સાન હોઉ તો જ આવું કરી શકું!
આજે, ભાઇશ્રી ફીરોઝ નડીયાદવાલાએ નીરજના અંતીમ સંસ્કાર માટે શાંતાક્રુઝ સ્મશાને લઇ જતાં પહેલાં હીંદુવીધી પ્રમાણે મૃતદેહને જે વીધી હવન પુજા કરવાની હોય તે બધી જ તેણે પોતાના ઘરમાં કરાવી. હું ભગવાનનો આભાર માનુ છું કે મને નીરજની સેવા કરવાની તક આપી. ઇશ્વરની ઇચ્છા હશે કે નીરજ જીવે અને તેને જીવત્તદાન આપવામાં હું નીમીત્ત બનું. હું પ્રમાણીક રીતે માનું છું કે આપણે બધા ઇશ્વર નીર્મીત કામો કરવા માટે જ ઇશ્વરે પૃથ્વી પર મોકલ્યા છે. શું આવું આપણા બોલીવુડ જગતમાં બની શકે? જ્યાં નામ, આબરૂ, કીર્તી,અરસપરસના સંબંધો તમે બોક્ષ ઓફીસમાંથી કેટલા નાણાં પેદા કરી શકો છો તેના પર જ આધારીત છે.
પરંતુ ફીરોઝ નડીયાદવાલા એક જુદાજ પ્રકારનો ઇન્સાન છે. મેં તેની સાથે બે દાયકા પહેલાં કામ કરેલ છે. મને ખબર છે કે તેજ આવાં કામ કરી શકે. તે એક ખુબજ આકર્ષક વ્યક્તીત્વ ધરાવે છે. તેના શરીરનો બાંધો પેલા ગ્રીક દેવતાઓ જેવો છે.જેમાં એક લાગણીથી તરબોર સુર્વણ જેવું હ્રદય રહે છે. જે આજેય લેશ માત્ર બદલાયું નથી.એક સમયે મેં જે કામ કર્યું ન હતું તેના માટે મને ગુસ્સે થઇને કાઢી મુક્યો. પછી જ્યારે શ્રી નડીયાદાવાલાને ખબર પડી ત્યારે તેઓએ મારી માફી માંગી હતી. અમારા સંબંધો એકબીજા ભાઇ સગા ભાઇ હોય તેવા હતા.તેમાં તેઓનો રોલ મોટાભાઇ તરીકેનો હતો.
એક સમયે રાત્રે આશરે બારવાગ્યાના સમયે તે તેઓની મોંઘીદાટ કે અતી કીંમતી ગાડી પોર્સચે( Porsche)મને મળવા આવ્યા. કામ પતી ગયું. હું તેમની ગાડી સામે કામુક નજરે જોઇ રહ્યો હતો. તે સમજી ગયા અને મને કહ્યું ચલો હું તમને તમારા ઘરની નજીકના વીસ્તરમાં ગાડીમાં મુકી આવું. ત્યારબાદ મને વર્લી સીફેસથી લઇને જુહુ સુધી લઇ ગયા.શ્રી નડીયાદવાલા માટે તે ભલે નાની વાત હોય પરંતુ મારા માટે તો એ જીવનનો મહાન પ્રસંગ બની ગયો હતો. કારણકે તે મારા જીવનનો પ્રથમ કે છેલ્લો પ્રસંગ હતો કે જ્યારે હું આવી પોર્સેચ જેવી ગાડીમાં બેઠો હોઉ.
નીરજભાઇ અને ફીરોઝભાઇની આ સ્ટોરી ઇન્ડીયન એક્ષપ્રેસમાં વાંચીને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા.કારણકે ફીરોઝભાઇ પોતાના મીત્રની જીંદગી બચાવવા માટે જે કાંઇ પણ કરવું પડે તે બધું જ કરી શકે તેમ હતા. ફીરોઝભાઇની આસ્થા કે ધર્મ તેમાં બીલકુલ વચ્ચે આવે જ નહી. તમે વાંચક, તરીકે કલ્પના કરી શકો છો ખરા કે એક મુસ્લીમના ઘરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠનું પઠન થાય? હું તો તેવું વીચારી શકતો જ નથી. તે રીતે આજના દીવસોમાં કોઇ હીંદુના ઘરમાંથી દરરોજ કુરાનની આયાતો પઢાય તેની પણ હું કલ્પના કરી શકતો નથી. પણ આજે જે મારા દેશનું ધર્મો અને તેની આસ્થાઓને કારણે નાગરીકોનું જે ધ્રવીકરણ કે અલગતાવાદીકરણ થયું છે તે હકીકતને નીરજભાઇ અને શ્રી નડીયાદવાલાની દોસ્તી સ્વીકારવાની ના પાડે છે. તે બંનેની એકબીજા સાથેની ભલાઇ અને પ્રેમ મને એવું માનવાની પ્રેરણા આપે છે કે આ દેશમાં તેઓના જેવા લાખો નાગરીકો છે જે 'ઇન્સાનીયત' ને પોતાની નીજી ધાર્મીક માન્યતોથી પર માને છે. તેમના આ સંબંધોએ મને માનતો કર્યો છે કે આ દેશમાં ભલે ' ઓરંગઝેબ કે અલાઉદ્દીન ખીલજીની' વાતો મતના રાજકારણને કારણે થતી હોય પણ હજું અહીંયા માનવતા મરી પરવારી નથી.
પ્રભુ, નીરજભાઇના આત્માને શાંતી બક્ષે, ફીરોઝભાઇ નડીયાદવાલા તમારો હ્રદયપુર્વકનો આભાર અને પ્રભુને પ્રાર્થના કરૂ છું કે દેશમાં આવી ઇન્સાયતની જ્યોતને બુઝાવા ન દે. ( સૌ. ઇન્ડીયન એકસપ્રેસ. ભાવાનુવાદ બીપીન શ્રોફ.)