Thursday, January 21, 2021

The God Market in India

 તમે અમને રાજકીય હીંદુ ધાર્મીકતાના ફક્ત પુરસકર્તા તરીકે જ ઓળખો!

એક સમાચાર–  વારાણસી (ગંગા),દિલ્હી (યમુના) સહિત ૮ શહેરથી કેવડીયા (નર્મદા)સુધી ટ્રેન શરૂ. ઇતિહાસમાં પહેલીવાર એક સાથે અલગ અલગ જગ્યાઓથી ૮ ટ્રેનને વડાપ્રધાને લીલી ઝંડી વીડીયો કોન્ફરન્સથી આપી.( સૌ. દી. ભાસ્કર ૧૮મી જાન્યુઆરી સોમવાર)

હવે, આ સમાચાર રેલ્વે સ્ટેશનોને નીસ્બત ધરાવે છે. તેમાં જે તે શહેરની નદીઓના નામો મુકવાની શી જરૂરત હતી? અને આવું પરાક્રમી કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન જ સમય ફાળવી શકે! પરંતુ રાજકીય ધાર્મીકતાનો આંચળ દરેક પ્રવૃતીને લગાવવો તે હીંદુ બહુમતી માનસને મજબુત બનાવવા ખાસ જરૂરી છે. અરે કહો કે તે અનીવાર્ય છે. વાંચકવર્ગને જે સંદેશો પહોંચાડવાનો છે કે , જુઓ આ સ્ટેશનો જે નદીઓના કિનારે વસેલા છે, તે આધારીત જે હીંદુ સંસ્કૃતી વિકસી છે તેને અમે રાજકીયસત્તા આધારીત મળેલા સાધનોથી  સંગઠીત કરીએ છીએ.

સાથે સાથે બીજો એક જબ્બરજસ્ત પ્રવાહ  શરૂ થઇ ગયો છે. તે છે વૈશ્વીકરણ. તેના કારણે પેદા થયેલા  ક્મ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઇલ અને કૃત્રીમ બુધ્ધીએ (Artificial Intelligence) આર્થીક વીકાસ સાથે વીશ્વના જુદા જુદા ધર્મોની પ્રજાને પણ વધુ ધાર્મીક બનાવી છે. જેમાં ફ્રાન્સના પેરીસના પરગણાની સ્કુલના શિક્ષકનું તેના જ મુસ્લીમ વીધ્યાર્થી દ્ર્રારા ખુન અને અમેરીકાના ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં તા. ૬– જાન્યુઆરીના અમેરીકાની રાજધાનીમાં ખ્રીસ્તી જમણેરીઓના હુમલાને પણ ગણાવી શકીએ.રાષ્ટ્રીય સીમાઓની પાર તે બધાને ધર્મના નામ પર સંગઠીત બનાવે છે. જે પોતાના ધર્મને નામે ઉશ્કેરાટ અને હીંસા ફેલાવી શકે તેવા યોધ્ધાઓ ( વોરિયર્સ) પેદા કરી શક્યા છે. તેણે રોજબરોજની ધાર્મીક વીધીવિધાનોને બદલે પોતાના દેશની રાજકીય, આર્થીક, સામાજીક, શૈક્ષણીક, ન્યાયતંત્ર, વહીવટ તંત્રોને પણ મુળભુત રીતે બદલી નાંખ્યાં છે. રાજ્ય– ધર્મ– આર્થીક સત્તાનું શક્તીશાળી ગઠબંધન ( State-Temple- Corporate Complex)પેદા કરી દીધું છે. પરદેશમાં સ્થાયી થયેલા આધુનીક (?) હીંદુઓએ પોતાના દેવ–દેવીઓ અને તેમની ધાર્મીક સંસ્કૃતીને પણ બીજા અન્ય ધાર્મીકોની માફક  જે તે રાષ્ટ્રોની ઉદારમતવાદી–વૈશ્વીકરણ વાળી નીતીઓને કારણે તે બધાનું સ્થળાંતર અને એકત્રીકરણ કરી શક્યા છે.

શહેરી હીંદુ મધ્યમવર્ગને માટે વર્તમાન રાજકીય વ્યવસ્થાએ નવા નવા ધાર્મીકસ્થળો વીકસાવી અને જુનાઓનો જીર્ણોધ્ધાર કરીને  જાત્રાના ધામો વીકસાવવા માંડીને તે આધારીત ધાર્મીક પ્રવાસો માટેના માળખાઓ ઉભા કરવા માંડયા છે. દેશનો મોટો પર્યટનનો ધંધો વીકસાવી દીધો છે.સને ૨૦૦૪માં બે કરોડ ત્રીસલાખ લોકોએ તીરૂપતી બાલાજી ને વૈષ્ણદેવીમાં એક કરોડ સીત્તેરલાખ લોકોએ મુલાકત લીધી હતી. સને ૨૦૦૦ની સાલમાં દેશમાં આશરે ૨૫લાખ રજીસ્ટર્ડ મંદીરો હતા. જ્યારે દેશમાં કુલ સ્કુલો ૧૫લાખ અને હોસ્પીટલ ફક્ત૭૫૦૦૦ હતી.( આ બધા આંકડાઓ જુના છે. તેમાં સને ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી માં ખુબજ વધારો થયો છે.)

સાથે સાથે નવા હીંદુ મધ્યમવર્ગની ધાર્મીક વીધીવીધાનોની જરૂરીયાત પુરી કરવા પ્રતીવર્ષે નીષ્ણાત ગ્રેજ્યુએટ યુવાન પુરોહીતોની ફોજ પેદા કરવા માંડી છે. તે માટે ખાસ નિષ્ણાત કોલેજો ને વીશ્વવીધ્યાલયો  જરૂરી વીષયોના પ્રોફેસરો સાથે તૈયાર કરવા માંડયા છે.હરીદ્ર્રારમાં ગાયત્રી પરીવારના સંચાલકો તરફથી ધ્યાન અને યોગનાવીષયો પર સંશોધન કરવા ડીમ યુની છે. તેની શાખાઓ નોઇડા અને મથુરામાં પણ છે. આ બધા વીશ્વશાંતી માટે યજ્ઞો કરવા –કરવવામાં નિપુણ છે.

વોઇસ ઓફ ઇંડીયા નામની પુસ્તક પ્રકાશન સંસ્થા દીલ્હીમાં આ માટે ઉભી કરવામાં આવેલી છે. રાજ્ય સંચાલીત મંદીરોના પુજારીઓને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરવેરા દ્રારા એકત્ર કરાયેલા નાણાંમાંથી નિયમિત માસીક પગાર ચુકવવામાં આવે છે. આ મંદીરોની પોતાની આવકમાંથી પુજારીઓના પગાર ચુકવાય તેવી સ્થિતી નથી. કેન્દ્ર સરકાર તરફથી હીમાચલ પ્રદેશની સરકારને યાત્રાધામ વિકસાવવા અને જાણીતા મંદિરના સંચાલન માટે વાર્ષીક આઠથી દસ કરોડ રૂપીયા વર્ષોથી આપવામાં આવે છે.

મીરા નંદા નામની લેખીકાએ એક પુસ્તક બહાર પાડયું છે. તેનું નામ છે " The God Market".( How Globalization is making India More Hindu.}

 આ લેખની તમામ વીગતો તે પુસ્તકમાંથી સાભાર લીધેલી છે.

(1)     બધાજ ધંધાઓમાં સારામાં સારો ધર્મનો ધંધો છે. શરૂઆતનું મુડી રોકાણ તેમાં નહીવત હોય છે. તેમાં ક્યારેય માલના પુરવઠો કે માલ સામાનની વિગતવાર યાદી રાખવાની( Inventory) બીલકુલ જરૂર હોતી નથી. ધર્મ, તેના ગ્રાહકો પાસેથી રોકડમાં, ભૌતીક વસ્તુઓ ( Tangible)જેવી કે સોનુ,ચાંદી, હીરા, મોતી વી લે છે અને સામે (intangible)  સ્વર્ગ, પુન્ય, મોક્ષ વી.મલવાના તપાસી ન શકાય તેવા આધ્યાત્મીક વચનો આપવામાં આવે છે. પાન નં ૧૦૮.

(2)      જુના અને નવા ગોડ–મેન ( સત્ય શાંઇ બાબા પણ શીરડીવાળા નહી), બાબા રામદેવ, આશારામ, બાબા રામરહીમ, શ્રી શ્રી રવીશંકર, મોરારીબાપુ,( ૧૦ કરોડ રૂપીયા અયોધ્યાના રામમંદીર માટે એકત્ર કરી શક્યા),રમેશ ભાઇ ઓઝા,અને બીજા ગ્ણયા ગણાય નહી તેટલા થઇ ગયા છે. તે બધાનો આધ્યાત્મીક સુપરમાર્કેટનો ધંધો કુદકે અને ભુસકે વધતો ધંધો છે. તે બધાજ રામચરીત માનસ, ભગ્વદ ગીતા અને વેદાન્ત ઉપર વ્યાખ્યાનો, વી  ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેંટના શિક્ષણને બાજુ પર મુકી દે તેવી મેનેજમેંટ સાથે કરી રહ્યા છે. પાનું ૧૦૭.

 

 

(3)     આપણા દેશની ૯૦ ટકા પ્રજા હીંદુ ધાર્મીક છે. અમે તે ધાર્મીકતાને હીંદુ વોટ બેંકમાં સરળતાથી રૂપાંતર કરી નાંખીશું. પ્રવીણ તોગડીયા. પાનું ૧૦૮.

(4)      તીરૂપતી બાલાજીનો વહીવટ સુપ્રીમ કોર્ટના હુકમથી સને ૧૯૯૬માં તીરૂમાલા તીરૂપતી દેવસ્થાન નામનું ટ્રસ્ટ બનાવી સોંપ્યો તે પહેલાં તેના ૧૨ સંચાલકોની લાડુ વેચવાની આવક ફક્ત વાર્ષીક સાડા ચાર કરોડ હતી. દાનમાં મલતી આવક કેટલી હતી તેની માહિતી ન હતી. પાનુ. ૧૧૨.

(5)     દેશમાં  દરેક પ્રકારના ગુરૂકુલ, રૂશીકુલ,કર્મકાંડી અને વેદાંતી પાઠશાલાઓનો રાફાડો ફાટયો છે. તેમાંથી ડીગ્રીધારી પુરોહીતો બહાર પડે છે..... વૈદીક વીજ્ઞાનને અનુકુલ આધુનીક વીજ્ઞાનનો ઉપયોગ તેમાં કરવામાં આવે છે. પણ  આધુનીક વીજ્ઞાનના પાયા તરીકે કોઇપણ થીયરીનું તાર્કીક મુલ્યાંકન ( Critical Thinking) કરાવવામાં આવતું નથી.... આ બધા ધંધાકીય રીતે શીક્ષીત થયેલા ભારતીય સંસ્કૃતીના સંરક્ષકો છે.... તે બધા આધુનીક પુરોહીતો છે જે અંગ્રેજી ( પરદેશમાં જવાની તક મલે માટે) બોલી શકે છે, વૈજ્ઞાનીક સુત્રો જેવાકે સર આઇઝેક ન્યુટન ના ગતીના નિયમોના તથા આઇનસ્ટાઇનના રીલેટીવીટીના સુત્રો અને કહેવતો પણ પોતાની વીધી કરતાં–

 કરવાતાં બોલી શકે છે....પાનું..૧૨૧.

(6)      બીજેપી સરકારની મદદથી અને દેશની સુપ્રીમ કોર્ટના આશીર્વાદથી યુનીવર્સીટી ગ્રાંટ કમીશને ફલજ્યોતીષ, વાસ્તુશાસ્ર, હસ્તજ્યોતીષ,વી ને કોલેજ શિક્ષણના અભ્યાસક્રમમાં સામેલ કરી દીધા છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન ( જેની સ્થાપના ૧૯૭૦માં થયેલી અને તેની આઠ શાખાઓ છે)અને મહર્ષી સાંદપની વેદ વીધ્યા પ્રતીષ્ઠાન ને આ બધા વિષયો શીખવાડનાર પ્રાધ્યાપકોને ગ્રાંન્ટેબલ પગાર મલે છે. ..૧૨૪.

(7)     સને  ૨૦૦૬માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પોરબંદર મુકામે એરોડ્રામની નજીક, ૮૫ એકર જમીન નજીવા ભાવે (  Very Generously granted 85 Acres land) કથાકાર રમેશભાઇ ઓઝા જે અંબાણી કુટુંબના અંગત ગુરૂ છે.તેઓને આ જમીન  સાંદીપની વીધ્યાનીકેતન દ્ર્રારા પુરોહીતો બનાવવા આપી હતી. ...૧૨૬.

(8)      ટેલી– યોગ ગુરૂ બાબા રામદેવ જે હવે અબજો રૂપીયાની આર્યુવૈદીક અને યોગને લગતી દવાઓ વેચે છે તેને મધ્યપ્રેદશ અને ઉત્તરાંચલની સરકારોએ બે વિશ્વવીધ્યાલયો બનાવવા મબલખ જમીનો દાનમાં આપી દીધી છે. ઝારખંડની સરકારે હમણાંજ રામદેવને ૧૦૦ એકર જમીન દાનમાં આપી દીધી છે.....૧૨૬.

(9)     વિશ્વહીંદુ પરીષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશ વ્યાપી ટુંકાગાળાના હિંદુ ધાર્મીક કર્મકાંડ શીખવાડવાના પુરોહીતો કે ગોર મહારાજો બનાવવાના અભ્યાસક્રમો કર્યા જ કરે છે. ( Short term priest training camps) તેમાં ગુરૂકુલો અને મઠાધિપતીઓનો પુરો સહકાર હોય છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ઘરગથ્થુ અને સ્થાનીક જરૂરરીયાતો ઉપયોગી ગોરમહારાજો,  જ્યોતીષશાસ્રીઓ,યોગ શીક્ષકો,વાસ્તુશાસ્રીઓ,અને પાનના ગલ્લેથી માંડીને હાલતા ચાલતા દરેક પ્રકારની આર્યુવૈદીક દવા વેચનારાઓ,ની ફોજ તૈયાર કરવામાં આવે છે. ....૧૨૭.

(10)આ બધા ગુરૂકુલો અને આશ્રમશાળાઓનું મુખ્ય ધ્યેય દેશમાં મવાળ હીંદુત્વવાદી (સોફ્ટ હીંદુત્વ) જીવનપધ્ધતી અને વીચારસરણીનાં ધરૂવાડીયા બનાવવાનું જ હોય છે. ચીનમાયાનંદ મીશન અને આર્ટ ઓફ લીવીંગ ' નવી બોટલમાં જુનો દારૂ પિરસવામાં આ બધામાં સર્વશ્રૈષ્ઠ સાબીત થયા છે.....૧૩૦.

મીરા નંદાનું આ પુસ્તક " ધી ગોડ માર્કેટ" ૨૪૦ પાનાનું પુસ્તક છે. જે ઉપર જણાવેલા ઇશ્વરી બજારોના  જુદા જુદા ગ્રાહકોને ઉપયોગી ચુંબકીય માલોની માહિતીથી ભરચક છે. તેના પ્રકાશકનું નામ " Random House Publishers India PVT Ltd."   અત્રે રજુ કરેલી માહીતી અમે અંગ્રજીનો ભાવાનુવાદ કરીને અત્રે રજુ કરી છે. માટે અમે તેમના આભારી છે.અમારો હેતુ આ રજુ કરવામાં શૈક્ષણીક અને બૌધ્ધીક છે.

 



--