મનુસ્મૃતી અને ભારતીય બંધારણ આમને સામને કેમ?
સને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા પછી દેશના હીદુત્વવાદી પરીબળો તરફથી સતત એવી માંગ થતી રહી છે કે હવે દેશના બંધારણને બદલે હીંદુરાજ્યને અનુકુળ 'મનુસમૃતી' આધારીત રાજ્યનું સંચાલન થવું જોઇએ. મનુસ્મૃતી ખરેખર શું છે, તે સમજાવવાનો અત્રે પ્રયત્ન કરવામાં આવેલ છે.
મનુસ્મૃતીની રચના આશરે ૨૫૦૦ વર્ષની આસપાસ થયેલી હતી. તેવો અંદાજ ગુગલસર્ચમાંથી મલ્યો છે. સ્મૃતીનો અર્થ થાય છે સાંભળીને, યાદ રાખીને એક પેઢી એ પોતાની પાછળ આવનારી બીજી પેઢીને તે માહિતી પસાર કરવી. મનુસ્મૃતીમાં વર્ણવ્યવસ્થા આધારીત હિંદુ સમાજના જુદા જુદા વર્ણોના લોકોએ તથા સ્રીઓ એ એકબીજા સાથેના તમામ કૌટુંબીક, સામાજીક, આર્થીક,રાજકીય, ધાર્મીક વી વ્યવહારો કેવી રીતે કરવા તેની માટેના નિયમો અથવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. તેના ઉલ્લઘંન માટેની સજાઓની જોગવાઇ પણ તેમાં કરવામાં આવી છે. આ તમામ નિયમોનો અભ્યાસ કરતાં એક સાદુ તારણ ઉપસી આવે છે કે મનુસ્મૃતી એક ગ્રંથ તરીકે ' બ્રાહ્મણવાદી' અસમાન સત્તાલક્ષી રચનાને ટકાવી રાખાનાર ગ્રંથ તરીકે રચવામાં આવેલ છે. આ લેખમાં આપણે મનુસ્મૃતી આધારીત કાયદાઓની ચર્ચા કરીશુ. હવે પછીના લેખમાં મનુસ્મૃતી આધારીત અસ્તીત્વમાં આવેલ બ્રાહ્મણવાદી હીદુસમાજ વ્યવસ્થાનીની ચર્ચા કરીશું.
મનુસ્મૃતીના રચનાકારે તેના કાયદાઓના અમલ માટે, તથા તે આધારીત અસ્ત્તીવમાં આવેલ રાજ્યવ્યવસ્થા વિ. ને ટકાવી રાખવા ધર્મ, ધાર્મીક નૈતીકતા અને ઇશ્વરની સત્તાનો ઉપયોગ કરેલ છે. બીજા શબ્દોમાં મુકીએ તો મનુસ્મૃતી એટલે ઇશ્વરી કે દૈવી શક્તીના પ્રમાણનો ઉપયોગ કરીને કાયદો, હીંદુધર્મ અને નૈતીકતાનું સર્જન કરીને વર્ણવ્યવસ્થા આધારીત જડબેસલાક રચવામાં આવેલ હિંદુ સમાજ. મનુસ્મૃતીમાં વર્ણવ્યવસ્થાને દૈવી સર્જન મનાવવા માટે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ણવ્યવસ્થાના ચાર વર્ણોનું ઇશ્વરે પોતે આ પ્રમાણે સર્જન કરેલ છે. બ્રાહ્મણ, દેવના મુખમાંથી, ક્ષત્રીય તેના બાહુમાંથી, વૈશ્ય તેની જાંઘમાંથી અને શુદ્ર તેના પગમાંથી જન્મેલા છે.
ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ક્ષત્રીયવર્ણમાં જન્મેલ હોવાથી તેની ક્ષત્રીય તરીકે ફરજ બજાવવા સમજાવતાં કહ્યું હતું આ ચારવર્ણની વ્યવસ્થાએ મારુ પોતાનું સર્જન છે.
મનુસ્મૃતીમાં રાજા કરતાં પણ બ્રાહ્મણને ઉચ્ચ સ્થાન આપવામાં આવેલ છે. બીજુ, સમાજ ઉપર એવી હકીકત ઉભી કરવામાં આવી કે બ્રાહ્મણનું સર્જન ભગવાનના મુખમાંથી થયેલું હોવાથી જે લોકો બ્રાહ્મણને દાન સ્વરૂપે જે આપે તે સીધે સીધું ભગવાનને મલે. અને તેથી તેના અવેજમાં સ્વયંભુ ભગવાનની કૃપા પેલા દાન આપનારની તરફેણમાં થઇ જાય! આ તાર્કીક સત્ય પ્રમાણે રાજાથી માંડીને ચારેય વર્ણની પ્રજા મનુવાદી કાયદાઓ પ્રમાણે પોતાનો વ્યવહાર કરવા માંડી હતી.
હવે આપણે મનુસ્મૃતી આધારીત કાયદાઓ તથા તેના અમલ માટે જે શીક્ષા અને દંડ પ્રથા હતી તેનો અભ્યાસ કરીએ. હીંદુધર્મના તમામ વર્ણોના વ્યવહારો પેલી મનુસ્મૃતીના સમર્થનમાં હતા.એટલું જ નહી પરંતુ મનુસ્મૃતી આધારીત લોકોએ વર્તન કરવાથી તે બધાને આ જન્મમાં તથા આવતા જન્મમાં પુન્ય અને પાપ કે શીક્ષા થશે. આમ મનુસ્મૃતી દ્રારા સમાજના નૈતીક, કાયદાકીય ને ધાર્મીક ત્રણેય વિભાગો પર સંપુર્ણ વર્ચસ્વ હતું. સમય જતાં વર્ણ અને જ્ઞાતી બંને એકબીજાના પર્યાય થઇ ગયા. જે હીદુધર્મમાં જન્મે તે મનુસ્મૃતી આધારીત ચાર વર્ણમાંથી ગમેતે એક વર્ણમાં જ જન્મે. વર્ણ કે જ્ઞાતી સિવાયનો જન્મેલો કોઇ હીંદુ ન હોઇ શકે! જ્ઞાતી અને હીંદુ ધર્મ બંને એકબીજાના અવીભાજ્ય અંગો છે.
(૧) મનુસ્મૃતી પ્રમાણે બ્રાહ્મણ દેવાધી દેવ છે. તે પૃથ્વીપરનો ભુદેવ છે. સબભુમી ગોપાલકી નહીં પણ પૃથ્વી પર જે કાંઇ મિલકત તરીકે છે તે વર્ણ તરીકે બ્રાહ્મણની છે. તે વધુમાં જણાવે છે કે બ્રાહ્મણ વેદવીધ્યામાં પારંગત હોય કે પછી બીલકુલ અભણ, પણ તે બ્રાહ્મણ તરીકે જન્મેલો છે માટે દેવનો અવતાર છે માટે પુજનીય છે. તે વધારામાં કાયદાથી અને રાજયની હકુમતથી પર છે. પૃથ્વીપર ઇશ્વરની અવેજીમાં બ્રાહ્મણ સર્જક,પાલક ને પુરોહિત કે ત્રીવેદી( ત્રણ વેદોને જાણકાર છે). તેથી અન્ય વર્ણોના લોકોએ બ્રાહ્મણ વીરૂધ્ધ સહેજ પણ બોલાય નહી.
(૨) બીજી વર્ણ ક્ષત્રીયની છે. મનુસ્મૃતી પ્રમાણે તેનું કાર્ય કે ફરજ પ્રજા અને રાજાનું સંરક્ષણ કરવું, દાન આપવું જાતીય પ્રલોભનોમાંથી દુર રહેવુ વિ છે.
(૩) ત્રીજી વર્ણ વૈશ્યની છે. મનુસ્મૃતી પ્રમાણે તેની ફરજ વેપાર ધંધો કરવો, વ્યાજે ધિરાણ કરવું, પશુપાલન તથા ખેતી પણ કરવી. પણ દિલથી દોલાપણું રાખી દાન દક્ષીણા કરવી. કારણકે રાજા પછી મિલકત વૈશ્ય સિવાય કોઇની પાસે રહે તેવી જોગવાઇ મનુસ્મૃતીમાં ન હતી.
(૪) ચોથી વર્ણ શુદ્રની છે. મનુસ્મૃતી તથા પૃથ્વીના સર્જકે શુદ્રના લલાટે ઉપરના ત્રણ વર્ણોની સેવા કરવી અને તે પણ તે બધાનું ગૌરવ જાળવીવું. ( પોતાના ગૌરવના ભોગે). શુદ્ર પાસે બુધ્ધી, શકતી, કુનેહ હોય તો પણ તે સંપત્તીનો માલીક બની શકે નહી. કારણકે તેનો જન્મ ઉપલા ત્રણ વર્ણોનું દાસત્વ કરવા થયેલો છે.
(૫) જે રાજાના રાજ્યમાં બ્રાહ્મણ દુ;ખી હોય તે રાજ્યમાં થોડા જ વખતમાં રોગચાળો સમયમાંજ ફાટી નીકળશે.
(૬) મનુસ્મૃતીના કાયદા પ્રમાણે કોઇપણ રાજા તેના રાજ્યમાં બ્રાહ્મણની મીલકત કોઇપણ સંજોગોમાં લઇ શકશે નહી. કારણકે તે બધા જ વર્ણોનો પણ દેવ છે. બ્રાહ્મણનું ગૌરવ તેના જન્મને કારણે છે. ભલે તેનામાં બીજા દુન્યવી સદ્ગુણો હોય કે નહી?
(૭) મનુસ્મૃતી પ્રમાણે શુદ્ર અને સ્રીઓ પવીત્ર ગ્રંથોનો અભ્યાસ કરી શકે નહી. આ બંને વર્ગો સ્વપ્રયત્નથી પણ વેદો અને ધર્મશાસ્રોનો અભ્યાસ કરી શકે નહી. તેમજ બ્રાહ્મણો શુદ્રો અને સ્રીઓને વેદ વી.નો અભ્યાસ એટલા માટે ન કરાવી શકે કારણકે મનુ ભગવાને તે બંને તમામ પ્રકારનું જ્ઞાન શીખવામાંથી બહીષ્કૃત કરેલા છે.
(૮) મનુસ્મુતી પ્રમાણે સજાઅને દંડનું માળખું– સૈનીક કે ક્ષત્રીય બ્રાહ્મણનું અપમાન કરે તો ૧૦૦/ રૂપીયા દંડ, વૈશ્ય કરેતો ૧૫૦/ અથવા ૨૦૦/ પણ જો શુદ્ર્ બ્રાહ્મણનું અપમાન કરે તો ચામડાની ચાબુકથી ફટકારવો.
મનુના કાયદા પ્રમાણે શુદ્ર જો કોઇપણ ઉપલા વર્ણોના માણસોન પર હુમલો કરે નુકશાન કરે તો હાથ થી હુમલો કર્યો હોય તો હાથ અને પગથીહુમલો કર્યો હોય તો પગ કાપી નાંખવો. થુંક્યો હોય તો તેની જીભ કાપી નાંખવી.શુદ્ર જો બ્રાહ્મણની સ્રી સાથે દેહગમન કરે તો દેહાંત દંડની સજા. પણ આજ કૃત્ય જો વૈશ્ય કરે તો ૫૦૦/ અને ક્ષત્રીય કરેતો ૧૦૦૦/ દંડ લઇને મુક્ત કરાવા. પરંતુ આ કૃત્ય બ્રાહ્મણ, બાકીના ત્રણ વર્ણોમાંની કોઇની પણ સ્રી સાથે કરે તો તેને તેની મીલકત અકબંધ, સુરક્ષીત રાખીને દેશનીકાલ કે રાજ્યબહાર કાઢી મુકવો.
મનુના કાયદાઓ શાશ્વત, સનાતન અને કાયમી છે. તેની રચના વર્ણ આધારીત સમાજવ્યવસ્થા ચલાવવા માટે છે. મનુસ્મૃતીમાં ઘણા કાયદાઓ માનવીય સમાનતા, સ્વતંત્રતા વિરૂધ્ધના છે. આ લેખમાં પસંદ કરીને કેટલાક જ મુકવામાં આવેલા છે.
બાબા સાહેબ આંબેડકરે ૨૫મી ડીસેમ્બર ૧૯૨૭ના રોજ પોતાના ગામ મહાડ જે કોંકણ જીલ્લાના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલુ હતું ત્યાં મનુસ્મૃતિના દહનનો કાર્યક્રમ હજારો માણસોની રૂબરૂમાં રાખ્યો હતો. ખાસ શમીયાણુ બાંધવામાં આવ્યુ હતું. મંચ પર યજ્ઞની વેદીની માફક ' Funeral Pyre' બનાવવામાં આવી હતી. મનુસ્મુતી દહનનો ઠરાવ ચળવળના સાથીદાર બ્રાહ્મણ ગંગાધર નીલકંઠ સહશ્રબુધ્ધે મુક્યો હતો. મનુસ્મૃતી પુસ્તકને સુખડના લાકડામાં યજ્ઞની વેદીની માફક દહન કરવામાં આવ્યું. હાજર રહેલા હજારો લોકોએ નીચે મુજબની પ્રતીજ્ઞા પણ લીધી હતી.
- (૧) હું જન્મ આધારીત ચારવર્ણવ્યવસ્થામાં માનતો નથી.
- (૨) હું જ્ઞાતી આધારીત ઉંચનીચના ભેદભાવમાં માનતો નથી.
- (૩) હું માનું છું કે હીંદુધર્મમાં અસ્પૃશ્યતા એક કલંક છે. ધૃણીત વસ્તુ છે. તેથી તેનો નાશ કરવા હું પ્રમાણીક રીતે સંપુર્ણ પ્રયત્ન કરીશ.
- (૪) હું હીંદુધર્મે જે જ્ઞાતી જ્ઞાતી વચ્ચે અને હીંદુ હીંદુ વચ્ચે જે 'ખાનીપીની' જે પ્રતીબંધો છે તેને હું ક્યારેય પાળીશ નહી.
- (૫) મારી દ્રઢ માન્યતા છે કે તમામ અછુતોને મંદીર પ્રવેશ, પાણીના પુરવઠાના સાધનોનો અન્યોની સાથે સમાનઉપયોગ કરવાનો, પોતાના બાળકોને નીશાળે મોકલવાનો તેમજ બીજી સગવડોનો ઉપયોગ કરવાનો દેશના અન્ય નાગરીકોની માફક સમાન અધીકાર હોવો જોઇએ.
- બાબા સાહેબે મનુસ્મૃતીના દહન ના કાર્યક્રમને ગાંધીજીના ' વીદેશી વસ્તુઓં'ની હોળીના કાર્યક્રમની સમકક્ષ ગણાવ્યો હતો.
o મંચ પર ફક્ત ગાંધીજી સીવાય બીજા કોઇનો ફોટો ન હતો. અત્રે સમગ્ર ઘટનાનું રીપોર્ટીંગ કરનારે પુસ્તકમાં છેલ્લે નોંધ કરી હતી કે તે સમયે બાબા સાહેબ ગાંધીજીને રાજકીય આઝાદીના લડવૈયાની સાથે સાથે હીદુ ધર્મે પેદા કરેલ વર્ણવ્યવસ્થાના સામાજીક અને આર્થીક શોષણ ,તથા અસમાનતાના પણ વીરોધી હશે તેવી માન્યતા હશે. તેથી તેમનો ફોટો મુક્યો હશે. જે ખોટી પડી. ( સૌ References:The Social Context of an Ideology, Ambedkar's Social and Political Thought, MS Gore, Sage Publications ) સાભાર.
--