ભાગ –૨ " ઇશ્વરના હુકમનું ઉલ્લંઘન કરવાનું પાપ નથી તેમાં જ સાચી માનવમુક્તી રહેલી છે."
આમ માનવી, સતત ઇશ્વરી, ધાર્મીક પુસ્તકો, અને ઇશ્વરી દેવદુતો ને પયગંબરોના હુકમોનો અનાદર કરીને, સરીયામ ઉલ્લઘન કરીને પોતાની બૌધ્ધીક શક્તી વિકસાવીને જીવનમાં સંવાદિતા પ્રાપ્ત કરતો આવ્યો છે. માનવીએ પોતાના બાહ્ય કુદરતી નીરિક્ષણ, તર્કબધ્ધતા અને સમજશક્તીથી (Cognition) પૃથ્વી પર જે સ્વર્ગ બનાવ્યું છે તે પેલા ઇશ્વરી આજ્ઞાપાલનથી સ્થગીત સ્વર્ગ કરતાં અનેકગણુ ચઢીયાતુ છે.
પૃથ્વીપરના ઇશ્વરી એજંટોએ( આ પરોપજીવોની જમાત સૌથી વધારે ઇશ્વરપ્રીય ભારતમાં સક્રીય છે.) પોતાના સ્વાર્થી હેતુઓ માટે જે ' અગડમબગડમ' સત્યોની માયાજાળ પેદા કરી છે; સદીઓથી તેને માનવ મરજીવાઓએ શહીદી વહોરીને, તેમના સત્યો સામે બળવો કરીને જે મેળવ્યું છે તે લેશ માત્ર ઓછી સીધ્ધી નથી.
માનવસંસ્કૃતી માટે પસંદગી બહુજ સ્પષ્ટ છે. કાંતો તેણે પેલા બની બઠેલા ઇશ્વરી એજંટોના હુકમોનું પાલન કરીને સામુહીક સ્વનાશનો માર્ગ પસંદ કરવો અથવા તેમના બકવાસભર્યા અર્થહીન વાહીયાતોમાંથી કાયમી મુક્તી મેળવવા તે બધાના હુકમો, ઉપદેશો અને કાકુલદીઓ સામે સંગઠીત પ્રતીકાર કરવો!
કોઇ એમ ચોક્કસ કહી શકે કે ભાઇ ! તમારી આદર– અનાદર(Obedience–Disobedience)વાળી ચર્ચા હંમેશાં કે સર્વદા એકતરફી હોઇ ન શકે. કોઇ વિચાર કોઇના માટે આદર હોય,અને સામા માટે તે વિચારનો અનાદર કરવો પણ યોગ્ય લાગે! માનવજાતના કલ્યાણના ધ્યેયો રાજ્યસત્તાના નિયમો– દંડો સાથે એકરૂપ ન હોય તો બે દ્વંવ્દ વચ્ચે શું પસંદ કરશો? જે માણસ રાજ્યસત્તાનો ફક્ત હુકમ છે માટે માને છે, આદર કરે છે તે ગુલામ છે. અને જે રાજ્યસત્તાનો હુકમ દુન્યવી, વૈજ્ઞાનીક પ્રમાણો અને વાસ્તવીક સત્યો આધારીત વીરોધ કરે છે તે બળવાખોર બની જાય છે.
કોઇપણ વ્યક્તી માટે, સંસ્થા કે સત્તાના આશ્રીત બનીને પોતાની તર્કવીવેકબુધ્ધીથી વીરૂધ્ધ જઇને આજ્ઞાપાલન કે સમર્પણ કરવું તે અક્ષમ્ય( Unpardonable) વર્તન છે. પરંતુ મારી તર્કવીવેકબુધ્ધી આધારીત આજ્ઞાપાલન(Autonomous Obedience)કરવું તે સમર્પણ નથી. કારણકે તેમાં હું મારા નિર્ણયને અનુસરુ છું. બીજાના આદેશ, હુકમ કે નિર્ણય ને નહી.
ધર્મસત્તા, રાજ્યસત્તા, રાષ્ટ્રસત્તા, પક્ષીય સત્તા કે આપખુદ નેતાની સત્તાના અંતરઆત્મા અવાજ ની સામે( (મનકી બાત)માનવીના અંતરઆત્મા, સદ્રવીવેકબુધ્ધ્ની સત્તા વચ્ચે શું પસંદ કરવું ? શાથી? કેમ? ઉપર જણાવેલ સત્તાના પ્રકારોમાંથી કોઇપણ સત્તાના અંતરઆત્માના અવાજ સામે જ્યારે તમારો સદ્રવીવેક કે અંતરનો અવાજ શરણાગતી સ્વીકારે ત્યારે સમજાવાનું કે તમે પેલી સત્તાને ખુશ કરવા માંગો છે અથવા તમને તે સત્તાની બીક લાગે છે. દા;ત બાળકનું તેના પિતાની સત્તાને સ્વીકારવું.
સત્તાના અંતરઆત્મા( Authoritarian conscience) જેનું બીજું નામ દંડ કે હુકમ છે,તેની સામે માનવીય અંતરઆત્મા ( Humanistic conscience)નો ખ્યાલ છે.
માનવવાદી અંતરઆત્મા કે સદ્રવીવેકબુધ્ધી તે માનવમાત્રનો પોતાની જીજીવીષા ટકાવી રાખવા વીકસેલું ( (Urge to exist) એક માનવમુલ્ય છે. માનવ અંતરઆત્મા તે પુરાવા–જ્ઞાનઆધારીત માનવ સહજ જીજ્ઞાસાનું પરીણામ છે. તેમાં માનવીય હીતકારી અને અહીતકારી શું છે તે જાણવાની સમજશક્તી માનવીમાં એક જૈવીક દેન તરીકે વીકસેલી છે. પરંતુ પેલા સત્તાકીય પરીબળોના અંતરઆત્માના હુકમો સહેલાઇથી માનવીય અંતરઆત્માના વ્યક્તીત્વ પર એવા હાવી થઇ જાય છે અને માનવીને પ્રમાણમાં શક્તીહીન બનાવી જાય છે.
પેલી ઇરેશનલ સત્તા રેશનલ સત્તાને યેનકેન પ્રકારે દબાવી દે છે. દા:ત ગુલામ અને માલીક ઇરેશનલ સત્તા અને શીક્ષક અને વીધ્યાર્થી રેશનલ સત્તા. બંને સત્તામાં સત્તાને સ્વીકારવામાં આવે છે. પણ બંને સત્તોના ઉદ્રભવ અને અમલમાં સંપુર્ણ વીરોધાભાસ છે. શીક્ષક– વીધ્યાર્થી સંબંધો વૈશ્વીક અને માનવીય છે. જ્યારે ગુલામ– માલીકના સંબંધોમાં શોષણ અને હીતોના સંઘર્ષો આમેજ હોય છે.
કયા કારણોસર માનવી પેલી સત્તાને મોટાભાગે આદર કરવાનું વધારે પસંદ કરે છે ને વિરોધ કરવાનું ઓછું પસંદ કરે છે? જ્યારે હું રાજ્ય, ધર્મસંસ્થા કે પ્રજામતને સ્વીકારવાનું પસંદ કરૂ છું ત્યારે મને હું સતત સલામત છું તેવો અહેસાસ સતત પેદા થાય છે. મારી આભાસી શરણાગતી(Fear of Freedom) મને પેલી સત્તાની સર્વજ્ઞતા,(Omniscience) સર્વશક્તીમય (Omnipotence)ની અંદર ભળી જવામાં માનસીક સલામતી પુરી પાડે છે. મઝાનો વીરોધાભાસ એવું સ્વરૂપ લે છે કે, ખુબ મોટા ટોળાની શરણાગતી–ભક્તી, પેલી સત્તાને કે તે ધારણ કરનાર નેતાને સલામતી બક્ષે છે, તેથી તેને વધારે પોતાના વીરોધ સામે ક્રુર અને હીંસક બનાવે છે. પણ તેની શરણાગતીમાં અમે ભક્તોને,ઓશીકે( on Pillow)માથું મુકીને નીરાંતે પેલા અફીણીની માફક નીંદરમાં જીંદગીભર બસ સુતા જ રહેવામાં 'દીવ્ય આનંદ!' ની અનુભુતી થાય છે.
આવી માનસીકતામાંથી બહાર નીકળી શકાય? પેલા ભક્તોને પુછશો તે જવાબ મળશે ' ડાહ્યો થા મા! ડાહ્યી માનો દીકરો બનીને જે મલે છે તે ભોગવ્યા કર!'
સત્તાના હુકમ સામે પછી તે રાજ્ય. નેતા, ચર્ચ, કે કોઇ સામાજીક એકમ કેમ ના હોય તેની સામે " ના" કહેવાની હીંમત કેવી રીતે વીકસાવી શકાય? આ સંદર્ભમાં વીકસીત વ્યક્તી( Mature Mind) એટલે શું? બૌધ્ધીક રીતે પરીપક્વ વ્યક્તી આપણે તેને કહીશું જે પોતાની સદ્રવીવેકશક્તીથી પોતાને માટે જ્ઞાનઆધારીત સાચું શું છે ખોટું શું છે તે નકકી કરી શકે અને તેના આધારીત કરેલ નીર્ણય મુજબ પેલી સત્તાને " ના" કહેવાની હીંમત તેના પરિણામો ભોગવવાની સાથે હોય!
આ હીંમત હીબ્રુ દંતકથા પ્રમાણે ઇવમાં હતી અને ગ્રીક સંસ્કૃતીમાં પ્રોમેથીયસમાં હતી. પરીણામ ભોગવવાની તૈયારી સાથે! સત્તા સામેની સ્વતંત્રતા કે મુક્તી મને તે સત્તાનો અનાદર કરવાની તે સત્તાને પડકારવાનું મને માનસીક ઇંધન પુરુ પાડે છે. મારી સ્વતંત્રતા અને પેલી સત્તાનો અનાદર બંને એકબીજાના અનીવાર્ય અવિભાજ્ય અંગો છે.
માનવ ઇતીહાસ ગવાહી પુરે છે કે સદીઓથી દરેક સમાજમાં નાની સરખી લઘુમતી, ટોળકી વિ. બહુમતી પ્રજા ઉપર રાજ્ય કરતી આવી છે. પછી તે લઘુમતીની સત્તા ઈશ્વરઆધીન હોય, રાજ્ય સત્તા હોય, લશ્કરી સત્તા હોય કે પછી મુડીપતી અને જાગીરદારોની હોય! સત્તાધીશો લઘુમતીમાં અને રાજ્ય કરવાનું બહુમતી પ્રજા પર! બહુમતીઓનો ઉપયોગ લઘુમતીઓના સુખ માટે. લઘુમતી સત્તાધીશો કેવી રીતે, પેલી બહુમતીને ઇશ્વર, સ્વર્ગ–નર્ક, જન્નત– જહન્નમ કે પછી રાજ્યદંડની બીક સીવાય, આજ્ઞાપાલક,આજ્ઞાંકીત કે ગુલામ બનાવી શકે?
લઘુમતી સત્તાધીશોને બહુમતી પ્રજાની " બીનશરતી શરણાગતી " 'સત્તાના અનાદર' સામેની માનસીકતા કરતાં વધારે અનુકુળ આવે છે. ઔધ્યોગીક સમાજે આજના માનવીને સત્તા સામે પોતાના સ્વઅસ્તીત્વ ટકાવી રાખવા અને વીકાસ માટે સંઘર્ષ કરવાની સંભાવનાઓને જ મૃતપાય કરી દીધી છે. સત્તા સામે અનાદર કરવાની જરૂર છે તે સાહજીકતા જ આધુનીક માનવીએ ગુમાવી દીધી છે. જે સમાજના નાગરીકોમાં સત્તા સામે " ના" કહેવાની હીંમત, સત્તાના નીર્ણયોનું ટીકાત્મક તર્કબધ્ધ મુલ્યાંકન કરી પડકારવાની હીંમત મરી પરવારે ત્યારે સમજવાનું કે તે સંસ્કૃતી હવે મૃતપાય થવાની દીશામાં ઝડપથી દોટ મુકી રહી છે.