માય ડીયર ગાંધી, તું કેમ મરતો નથી? આજે બીજી ઓકટોબર છે.
(1) તમે ૧૮૬૪માં જન્મયા અને સને ૧૯૪૮માં પેલા નથ્થુરામ ગોડસેની બંદુકની ત્રણ ગોળીઓથી વિંધાયા છતા હજુ તારા વિચારોરૂપી આત્મા હજુ અમારી માનવજાતને કેમ ઠરીઠામ ઝંપવા દેતો નથી?
(2) ઓ! ગાંધી, નથી તારૂ પ્રચાર કરનારૂ, આર એસ એસ જેવું કરોડોની સંખ્યા ધરાવતું (!)કોઇ સંગઠન કે નથી પછી દેશના દરેક જીલ્લામાં ચોમાસામાં બીલાડીના ટોપની જેમ ફુટી નીકળતું નેટવર્ક ધરાવતું પેલુ 'કમલમ' !
(3) અમને આઝાદી પછી એવું ભણાવાયું કે પેલા એકસમયના સત્તાધીશ ગોરા લોકોએ 'ભાગલા પાડો અને રાજ કરો' તેવી નીતીને કારણે નફરતની કોમી આગ ફેલાવીને ભારત અને પાકીસ્તાન બનાયા! જો કે, તમે તો સ્પષ્ટ કહી દિધુ હતું કે મારા દેશના ભાગલા પહેલાં( વિભાજન) પ્રથમ મારા શરીરના ભાગલા પાડી દેજો.
(4) ઓ ગાંધી! તને સ્વર્ગમાં બેઠા બેઠા કોઇ સંદેશો મલે છે ખરો કે તારા દેશની હમણાંની આઠ વર્ષની સત્તાએ દેશના સાતલાખ ગામડામાં હિદું– મુસ્લીમની અંદર બીજા તેટલી જ સંખ્યાના ભારત– પાકીસ્તાન ' દિલો–દિમાગની' અતુટ સરહદો બનાવીને બનાવી દિધા છે.(ભાગલા પડાવી દિધા છે.)
(5) ઓ! ગાંધી! પેલા ઉત્કાંતીવાદી વૈજ્ઞાનીક ચાર્લસ ડાર્વીને ૧૯મી સદીમાં તો ૨૦ વર્ષના જૈવીક સંશોધન પછી શોધી કાઢયું કે ' પૃથ્વી પરના તમામ માનવ(સહોદર હોવાથી) એક છે'. પણ તારા કયા સંશોધને શોધી કાઢયું કે 'અલ્હા ઇશ્વર તેરો નામ, સબ કો સનમતી દે ભગવાન!'
(6) ઓ! ગાંધી! તારા આ સંદેશાએ તો તને ખબર છે કોઇને' ખુદાઇ ખીતમતગાર બનાયા' તો હજારો લોકોને 'માટી માંથી માનવ' તેં બનાવ્યા છે.તારા અહીંસક સાધન શુધ્ધીવાળા કાર્યક્રમે કે એલાને દેશવાસી હજારો ભાઇ અને બહેનો નિર્ભયતાથી બ્રીટીશ જેલો હસતા હસતા ભરી દેતા હતા.
(7) ગાંધી! તારા દેશમાં હવે તો વર્તમાન સત્તાધીશો, પોતાના નીકટના સાથીઓથી માંડીને તમામ ને માનવમાંથી માટી બનાવવાનો 'એક સુત્રી એજન્ડા' વાજતેગાજતે અમલમાં મુકેલ છે.અમારા વર્તમાન સત્તાધીશોના જેલભરો કાર્યક્રમ 'નો બેલ ઓનલી જેલ'( No Bail Only Jail) માં દેશની જેલો અન્ડર ટ્રાયલથી વર્ષોથી ભરેલી રહે તેવું આયોજન કરેલ છે.
(8) ઓ! ગાંધી! તને ક્યાંથી માહિતી હોય કે જગતના એક સમયના નોબેલ વિજેતા અણુવૈજ્ઞાનીક આલબર્ટ આઇનસ્ટાઇને તારા માટે એવી ભવીષ્યવાણી ઉચ્ચારી હતી કે આવતી કાલની આવનારી એકસો વર્ષ પછીની પેઢીઓ માનશે જ નહી કે ' ગાંધી! તારા જેવો અમારા બધાના જેવી હાડ–માંસ– ચામડી ધરાવતો બે પગો માનવી આ પૃથ્વી પર જન્મયો હતો?
(9) ઓ! ગાંધી! તને કેવી રીતે ખબર હોય કે 'મારૂ જીવન એ જ મારો સંદેશ' જેવા એક જ વાક્યે વીશ્વની મહાસત્તાઓને દક્ષીણ આફ્રીકાના એક નેલસ્ન મંડેલા, અમેરીકના એક માર્ટીન લ્યુથર કીંગ, યુએસએના એક પ્રથમ આફ્રીકન અમેરીકન પ્રમુખ ઓબામા જેવા નેતાઓ પેદા કરીને વૈશ્વીક માનવક્રાંતીની તારી જ્યોત સદાયને માટે ફક્ત જલતી રાખી નથી પણ દૈદીપ્યમાન બનાવી દિધી છે.
(10) ઓ ગાંધી! તને ક્યાંથી ખબર હોય તારા અહીંસક, માનવીય એકતા અને ભાઇચારાના મુલ્યોવાળી જીવન પધ્ધતીને તર્પણ કર્યાવીના બ્રીટનની ગોરીપ્રજાની ઉંઘ હરામ થઇ ગઇ હતી. સને ૨૦૧૫માં લંડનમાં આવેલ વેસ્ટમીનીસ્ટર પેલેસની સામે(રાજાશાહીનું પ્રતીક), બ્રીટનની સંસદ પાસે(લોકશાહીનું પ્રતીક) ' પાર્લામેન્ટ સ્ટ્રીટ'માં ગાંધી! નવફીટ ઉચી કાંસાની તારી પ્રતીમા મુકી કરી છે. તારી પ્રતીમા બ્રીટનની આમ પ્રજાએ ૫,લાખ પાઉંડ એકત્ર કરીને બનાવી છે. મોટાભાગના નાણાં બ્રીટનની પ્રજાએ પોતાનું રૂણ અદા કરવા એક એક પાઉંડનો ફાળો એકત્ર કરીને એકત્ર કર્યો હતો. સદર કમીટીના પ્રમુખ એક ભારતીય લોર્ડ મેઘનાદ દેસાઇ( બ્રીટીશ લેબર પાર્ટીના સભ્ય) હતા.
(11) ઓ! ગાંધી! તારા તર્પણ માટે આ પ્રતીમાના સ્થળની પસંદગીની વાત આ પ્રમાણે છે. તારી પ્રતીમાની નજીકમાં દક્ષીણ આફ્રીકામાં ગોરી સરકાર સામે વર્ષો સુધી અહીંસક સંઘર્ષ કરનાર નેલસન મંડેલાની પ્રતીમા છે. અમેરીકામાં ગોરીપ્રજા સંચાલીત ગુલામ પ્રથાની નાબુદી કરનાર અને તે માટે શહીદ થનાર અમેરીકન પ્રમુખ અબ્રેહામ લીંકનની પ્રતીમા છે, તે બધાની સામે જીંદગીભર ઓ! ગાંધી! તારી નીતીઓ અને દેશની આઝાદીની ચળવળનો સખત વિરોધ કરનાર ભુતપુર્વ વડાપ્રધાન વીનસ્ટન ચર્ચીલની પ્રતીમા છે. તારી સદર પ્રતીમાની અનાવરણી તારા પૌત્ર (Grand Son) રાજમોહન ગાંધીએ કરેલી છે.
(12) ઓ! ગાંધી! તારો સંદેશો બ્રીટનનો આમ નાગરીક સમજી શક્યો. પણ ગાંધી! તને ખબર છે હાલમાં તો તારા દેશમાં તને ગોળીમારનારા ગોડસેના'માનસપુત્રો'ની ઇન્દ્ર્પ્રસ્થ પાટનગર ' હસ્તીનાપુર'માં સત્તા છે.
(13)ઓ! ગાંધી ! તને ક્યાંથી ખબર હોય કે ભારતમાં ' તારા આધ્યાત્મીક રાજકારણ' નો સખત ને જીંદગીભર વિરોધ કરનાર માનવવાદી ક્રાંતીકારી વીચારક એમ. એન. રોયે, તને શ્રધ્ધાંજલીમાં ' ભારતીય પ્રજાને સ્વતંત્રતા માટે નીદ્રાભંગ કરનાર " Great Awakener" તરીકે બીરદાવ્યા હતા.