Saturday, October 7, 2023

અંધવિશ્વાસની વ્યાખ્યા–અને તેના પરિણામો–

અંધવિશ્વાસની વ્યાખ્યા–અને તેના પરિણામો–

(1)            જે હકીકત ન હોય, જેનો પુરાવો ન હોય તો પણ તેના પર વિશ્વાસ રાખીએ તો તેને અંધશ્રધ્ધા કહેવાય! જેની જાણકારી નથી,માહિતી નથી, માટે તેને મારા પુરતું અજ્ઞાન કહેવાય.–મારી જાણકારીનો અભાવ–પરંતુ અંધવિશ્વાસ તેને કહેવાય કે જેની જાણકારી હોવા છતાં તેમાં વિશ્વાસ રાખવો! જુની વાતો, માન્યતાઓ વિ. જેનું અસ્તિત્વ જ નથી તેમાં શ્રધ્ધા રાખવાનું અને તે આધારિત નિર્ણય કરવાનું ચાલુ રાખવાનું તેનું નામ અંધશ્રધ્ધા. અંધવિશ્વાસ(Superstitions),દરેક ધર્મ સર્જકના ઉપદેશો, તેના પુસ્તકના લખાણોનું બિનશરતી(Unconditional surrender to)જ્ઞાન-વિજ્ઞાન,સદ્રવિવેક અને વાસ્તવિકતા આધારીત મુલ્યાંકન કર્યા સિવાય અબાધિત સ્વીકાર અને વર્તન. દરેક માનવ સમાજમાં આવી અંધશ્રધ્ધાઓ રાતોરાત કે એકાદ દિવસમાં પેદા થતી નથી. હકીકતમાં તે એક પ્રક્રિયા છે.. પેઢી દર પેઢી તે ચાલુ રહે છે. મા–બાપો પોતાના વારસદારોને પોતાની મિલકતની માફક વારસામાં રંગેચંગે હસ્તાંતર કરે છે.

(2)          અંધશ્રધ્ધા ફેલાવનારા મોટા ચેપી વાયરસો-

                દરેક સમાજમાં મા– બાપ અને કુટુંબના તમામ વડીલો પોતાના બાળકોમાં    અંધશ્રધ્ધા ફેલાવનારા મોટા ચેપી વાયરસો છે. પોલિયો, શીતળા, ટી.બી. કોરના–૧૯ જેવા અનેક ચેપી રોગોને અટકાવવાની રસી આપણે શોધી શક્યા છે. પણ પોતાના જ બાળકોમાં કુમળા મન પર જડબેસલાક અંધશ્રધ્ધાના બેકાબુ અસ્તિત્વ ધરાવતા વાયરસોના ટોળાની જંજીરો શરૂઆતમાં પાંચ વર્ષ સુધી લટકતી રહે છે; જેને અટકાવવાની રસી શોધી શક્યા નથી.

મનોવિજ્ઞાનના સંશોધનો મુજબ માનવ મગજમાં ડાબા જમણી બે ભાગો હોય છે. ડાબાભાગમાં તાર્કીક મુલ્યાંકન કરવાની શક્તી અને જમણા ભાગમાં લાગણીપ્રધાન, કલ્પનાઓ અને સંવેદીન શક્તિઓ વિકસેલી હોય છે. બાળકની પહેલાં પાંચવર્ષ સુધીની માનસિક સ્થિતિ એવી હોય છે કે તેના મગજમાં આ બધી ગ્રંથીઓ વિકસેલી હોતી નથી. તેનું વ્યક્તિત્વ ' Command & Obey ' વડીલોના હુકમોને સાંભળો અને બિનશરતી અમલ કરોની આસપાસ કુંઠિત થઇ જાય છે. બાળકને માનવ સહજ સાચું શું છે અને ખોટું શું છે તે નક્કી કરવાની તક પુરી પાડવાને કે વિકસાવવાને બદલે જાતભાતની માનસીક લોલીપપો રેડીમેડ ગળાવી દેવામાં આવે છે.પછી આવી રીતે બનેલા 'પોપટ'ના ગૌરવનો મહેમાનો સમક્ષ ટેસ્ટ લેવામાં આવે છે.

(3)           અંધશ્રધ્ધાને પડકારવાથી સમાજમાં ભુકંપનું સર્જન–

જ્યારે અંધશ્રધ્ધાને જ્ઞાન કે હકિકત આધારીત પડકારવામાં આવે છે ત્યારે જે તે સમાજમાં ભુકંપ પેદા થઇ જાય છે. તમામ સજીવ જીવોમાં અને ખાસ કરીને પ્રાણી જગતમાં માનવી માત્ર એવું એક પ્રાણી–સજીવ છે જે બીજાના અનુભવોમાંથી શીખે છે. દરેક પ્રાણીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સ્વયં પોતે સંઘર્ષ કરવો પડે છે. જ્યારે માનવી એક સજીવપ્રાણી તરીકે અન્ય પ્રાણીઓ કરતાં સૌથી વધારે શારિરીક રીતે નબળું હોવા છતાં તે અન્ય મનુષ્યોના સહકારથી, ભાષા ને સમુહમાં જીવવાનું શીખીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં અને વિકસાવવામાં સફળ થયો છે.કારણકે તે શારીરિક રીતે અન્ય પ્રાણોની સરખામણીમાં અશક્ત હોવા છતાં તે મનમાંથી જે સ્ફોટક વિચારો નિકળે છે તે એટલા શક્તીશાળી હોય છે કે તેના જૈવિક સંઘર્ષમાં અન્ય પ્રાણીઓ કરતાં અનેક ઘણો શક્તિશાળી તેને બનાવી દીધો છે.

(4)           શિક્ષિત હોવા સાથે અંધવિશ્વાસને કેમ વ્યસ્ત સંબંધ નથી?

 જેટલો માણસ ભણેલો એટલો વધારે અંધશ્રધ્ધાળુ? અભણ લોકો ભુત,પ્રેત, જાદુટોણા, ભુઆ વિ. પર વિશ્વાસ રાખે છે. જ્યારે બુટ સુટ અને મોટી મોટી ડીગ્રીધારી લોકો–તેમની અંદરનો અંધવિશ્વાસ પણ સુટબુટ વાળો જ હોય છે. આંગળીઓ પર ગુરૂ, શનિ, શુક્રની વીંટીઓ લગાવે છે, ગળામાં રૂદ્રરાક્ષની માળાઓ પહેરે છે.આધ્યાત્મિક નામવાળા ખાસ બાબાઓ અને ગુરૂઓ પર વિશ્વાસ રાખે છે.ઘણા બધા વકીલો, ડૉકટર્સ, એન્જીયનર્સ અને બુધ્ધીજીવી વિષય નિષ્ણાતોની ઓફીસના પ્રવેશદ્રાર પર ઘોડાની નાળ લગાવેલી હોય છે. તેમના અંધવિશ્વાસ પણ 'પોષ' વૈભવી હોય છે.

(5)            જ્યાંથી વિજ્ઞાનનું ક્ષેત્ર પુરૂ થાય છે ત્યાંથી આધ્યાત્મનું ક્ષેત્ર શરૂ થાય છે.

 ટલે જે વિજ્ઞાનના નિયમો છે તે આધ્યત્મના ક્ષેત્રના નિયમોને લાગુ પડતા નથી. આ આપણા દેશનો ઉંડામાં ઉંડો ખાડો છે જેમાંથી મોટાભાગના ભણ્યાગણ્યા લોકો જિંદગીંભર બહાર નીકળી શકતા નથી. વધારામાં, જે આ ઉંડી ખાણમાંથી બહાર નીકળવા માંગે છે તે બધાને તે ક્યારેય બહાર ન નીકળે તેવી તમામ યુક્તિપ્રયુક્તિઓ સમાજ સંગઠિત રીતે કરતો રહે છે. તેમાં ધાર્મિક હિતો અને રાજકીય હિતોની ઘનિષ્ઠ જુગલબંધી હોય છે. આધ્યાત્મની કોઇપણ પ્રવૃત્તી ફક્ત અને ફક્ત માનવીના કે મારા તમારા ભૌતીક શરીરમાં જ શક્ય છે. ખાવા પીવા તથા શ્વાસોશ્વાસ કે શ્વસન ક્રીયા બંધ કરીને આધ્યાત્મની કોઇ પ્રવૃત્તી કરવી કે વિકસાવવી અસંભવ છે.ગૌતમબુધ્ધ રાજા સિધ્ધાર્થમાંથી તથાગત બુધ્ધ એટલા માટે બની શક્યા કે તેઓએ શરીરના દમનથી ઇશ્વર કે મોક્ષ શક્ય છે તે શાણપણ(?)નો માર્ગ કાયમ માટે ત્યજી દીધો હતો. આધ્યાત્મિક પ્રવૃત્તિ શરીરના સંચાલનના નિયમોથી સ્વતંત્ર હોઇ શકે તે ખ્યાલ મોટામાં મોટું જુઠ્ઠાણાથી વિશેષ કશું જ નથી.તે એક સંગઠિત હમબર્ગ છે.

(6)          જ્ઞાનવિજ્ઞાન અને અજ્ઞાનનું ક્ષેત્ર–

                જેટલું માનવ જાતમાં જ્ઞાન– વિજ્ઞાનનું ક્ષેત્ર વિકસે છે તેટલા જ પ્રમાણમાં    અજ્ઞાનની ક્ષિતિજો એટલા માટે વધે છે કારણકે તે અજ્ઞાન નવું જ્ઞાન પ્રાપ્ત કરવાના પડકારો પેદા કરે છે.માનવી સમક્ષ હંમેશાં અજ્ઞાનના પહાડ તો રહેવાના જ છે. પણ બે હજાર વર્ષો પહેલાં, કે પંદરમીસદીના સમયે જે માનવ જાત સમક્ષ અજ્ઞાનના ક્ષેત્રો હતા તેના કરતાં આજે ઘણા અજ્ઞાનના ક્ષેત્રો (કુદરતી નિયમો સમજીને) ઓછા થયા છે. પણ તેને કારણે આપણી અંધશ્રધ્ધાઓ કે અંધવિશ્વાસમાં કેમ ઓટ આવતી નથી? કારણે કે આપણે શક, તપાસ અને ખુલ્લા મનથી આપણી સમસ્યાઓને સમજવાના પ્રયત્ન કરતા નથી. ધર્મ તથા આધ્યત્મના કોઇ સર્જક હોય તો તે કાળામાથાનો માનવી છે. માનવીનું તે બધાએ સર્જન કર્યું નથી. જ્યારે માનવીનું જૈવીક સર્જન થયું ત્યારે માનવી અને જાનવર વચ્ચે કોઇ તફાવત ન હતો. તેનું તન ઢાંકવા કપડાં પણ ન હતાં. તેની પાસે સંદેશા વ્યવહારની ભાષા પણ ન હતી.તેના હાથમાં તે સમયે તાકાત ન હતી. સીંહ જેવા પંજા કે હાથી જેવી શારીરિક તાકાત પણ નહતી. પણ તેની પાસે એક નાનું સરખું મગજ હતું. જેમાં સૌથી વધારે શક્તિશાળી ક્રાંતિકારો વિચારો પેદા કરવાની તાકાત હતી. જીવન ટકાવવા તે સમુહમાં જીવનારૂ પ્રાણી તરીકે વિકસ્યું. માનવીએ કુદરતી નિયમો સમજીને, કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને આજનું વિશ્વ બનાવ્યું છે.માનવીની વિચાર કરવાની ક્ષમતાનું તે પરિણામ છે. હવે જો આપણે માનવીની વિચાર કરવાની અદમ્ય ઇચ્છાને જ રૂધી નાંખવાનું કામ કરે તેવી વ્યવસ્થાનું નિર્માણ કરીશું તો પરિણામ  કેવું આવશે? ભુતકાળમાં ધર્મે જે માનવ જાતના વિકાસમાં ફાળો આપ્યો, યોગદાન કર્યું તે હકીકત હોવા છતાં અત્યારે તેની પ્રવૃત્તિમાં નિયમન કે અંકુશની જરૂર છે.

(7)           ભારતના બંધારણમાં આમેજ કરેલા નિયમો– સિધ્ધાંતો નવો સામાજીક ધર્મ પેદા કરવા પુરી સક્ષમતા ધરાવે છે.સંસ્કૃતિ માનવ અસ્તિત્વનો એક અનિવાર્ય હિસ્સો છે. પણ ધર્મ નથી. આપણા દેશમાં જે લોકો બંધારણીય મુલ્યોને બદલે ' મનુવાદી વર્ણવ્યવસ્થા' ના નામે જે ફેરફાર લાવવા માંગે છે તે માનવ વિકાસના ઘડીયાળના કાંટા પાછા ફેરવવા મેદાને પડેલા છે. તેનાથી ખુબજ સાવધાન રહેવાની જરૂર છે. 

 

 

 


--