Saturday, June 20, 2020

આવકાર અને અભીનંદન–

આવકાર અને અભીનંદન–

ગુજરાત રેશનાલીસ્ટ ચળવળના શ્રી અશ્વીનભાઇ કારીઆ એક મોભી છે. તેમના મનમાં સતત વૈચારીક ઘમસાણ ચાલી રહ્યું હોય છે કે આપણી ચળવળને કેવી રીતે બળવત્તર બનાવવી. તેમજ સમાજમાં બને તેટલો પ્રચાર કેવી રીતે કરવો. આ મથામણમાંથી આપણને કંઇક નવું સતત તેમની પાસેથી મળતું રહે છે. થોડાક સમય પહેલાં આંધપ્રદેશ રેશનાલીસ્ટ એસોસીયનના વાર્ષીક પ્રસંગે તેમને મુખ્ય મહેમાન તરીકે રેશનાલીઝમ ઉપર અંગ્રેજીમાં પ્રવચન આપવા બોલાવ્યા હતા. ત્યાં તેમના વડીલ રેશનાલીસ્ટ સાથી લગભગ ૧૦૦ વર્ષ સને ૨૦૨૧માં પુરા કરનાર રવીપુડ્ડી વેંકટાદ્રી મલ્યા. તેમના અંગ્રેજીમાં પ્રકાશીત કેટલાક પુસ્તકો ત્યાંથી લેતા આવ્યા. તે બધા પુસ્તકોમાંથી એક નાની સરખી પુસ્તીકા અશ્વીનભાઇએ તૈયાર કરી. તેનું નામ છે "  વીવેકબુધ્ધીવાદ એટલે શું– ને શા માટે?"

આ ગુજરાતી પુસ્તીકામાં મુળલેખક રવીપુડ્ડી વેંકટાદ્રીના વીવેકબુધ્ધીવાદની સાથે સંકળાયેલા કેટલાક પાયાના મુદ્દાઓ વીષે જેવા કે સ્વાતંત્ર્ય, ધર્મનીરપેક્ષ નીતી, નાસ્તીકતા, ઇશ્વરનો ઇન્કાર, માનવીય ગૌરવ વીગેરે અંગે ચર્ચા કરી છે. ખુબજ સરળ રીતે આ બધા પાયાના મુદ્દાઓને એકબીજા સાથે આંતરીક કેવા સંબંધો છે  તેની ખુબજ સરળ ભાષામાં સ્પષ્ટતા અને ચર્ચા કરી છે. સદર ચર્ચામાં અશ્વીનભાઇની વીશીષ્ટતા એ છે કે તે બધું તેઓશ્રીએ સરળ ને ટુંકા ટુંકા વાક્યોમાં આ બધું સમજાયું છે. શરૂઆતમાં તેઓશ્રી વીવેકબુધ્ધીવાદ કોને કહેવાય તેની જુદી જુદી વ્યાખ્યાઓ મુકી છે. જે આપણને એક વાંચક તરીકે આપણને વીવેકબુધ્ધીવાદમાં કયા કયા મુદ્દાઓ આવી શકે છે તેની માહીતી આપે છે.

પુસ્તકમાં લેખકે વીવેકબુધ્ધીવાદ અંગે જે કેટલીક ગેરમાન્યતાઓ પ્રર્વતમાન છે તેનું ભ્રમનીરસન પણ કર્યું છે. દા;ત. અંધશ્રધ્ધાનો વીરોધ એટલે વીવેકબુધ્ધીવાદ, અથવા ધાર્મીક પંરંપરાઓ, પ્રણાલીઓનો વીરોધ એટલે વીવેકબુધ્ધીવાદ અથવા ચમત્કારોના પર્દાફાશ એટલે વીવેકબુધ્ધીવાદ. આ ઉપરાંત લેખકે માનવવાદ જેવી વીચારસરણીના ત્રણ અગત્યના મુલ્યો છે, સ્વાતંત્ર્ય, વીવેકબુધ્ધીવાદ ને ધર્મનીરપેક્ષ નીતી તે બધાના એક બીજા સાથેના સંબંધોની વાત સરળ રીતે સમજાવી છે. માનવી એક જૈવીક ઉત્ક્રાંતીમાંથી સર્જન પામેલું એક અન્ય સજીવોની માફક એક સજીવ એકમ છે. માનવીની પોતાની જીજીવીષા ટકાવી રાખવાની અદ્દમ્ય ઇચ્છામાંથી પેલા ત્રણ માનવમુલ્યો, અનુક્રમે સ્વાતંત્ર્ય, વીવેકબુધ્ધીવાદ અને ધર્મનીરપેક્ષ નીતી ( સેક્યુલર મોરાલીટી) કેવી રીતે વીકસ્યા છે તે પણ લેખકે સમજાવ્યું છે.

માનવીય વીવેકબુધ્ધીનો વારસો જૈવીક ઉત્ક્રાંતીનો છે, તે હકીકત લેખકે કુદરતી નીયમબધ્ધતાના સીધ્ધાંતની મદદથી સમજાવ્યો છે. ( The universe is law governed). કુદરતી પરીબળો પોતાની નીયમબધ્ધતાને આધીન છે. તેમની ગતી કે સંચાલનમાં કોઇ બાહ્ય પરીબળ જેવું કે ઇશ્વર કોઇ ફેરફાર કરી શકતું નથી. તેથી જ માનવી વરસાદ, સુર્યનું દરરોજનું ઉગવું આથમવું ,રૂતુચક્ર વીગેરે સમજીને પોતાનું જીવન ટકાવવામાં સફળ થયો છે. માનવીએ શોધી કાઢયું છે કે તેનું જીવન ટકાવી રાખવા માટે જે સત્ય શોધવું પડે છે તે તેની વીવેકબુધ્ધીના ઉપયોગનું પરીણામ છે. વીવેકબુધ્ધીની મદદથી પ્રાપ્ત થતું સત્ય હંમેશાં પરીવર્તનશીલ હોય છે. નવી માહીતી મળતાં તે સત્ય બદલાય છે. તેથી વીવેકબુધ્ધી આધારીત સત્ય સાપેક્ષ ( રીલેટીવ) હોય છે. તે સત્ય નીરપેક્ષ ( એબસોલ્ટ) હોતું નથી.

લેખકે એ વાત પણ સરસ ને બરાબર રીતે મુકી છે કે માનવવાદ વીચારસરણીનું કેન્દ્ર માનવી છે. માનવી માટે સારુ શું તે જ ખરૂ સુખ. માનવીના સુખનો ખ્યાલ ભૌતીક છે, સુખ આ જન્મઅને અહીયાં જ મેળવવાનું છે અને તેનો આનંદ પણ અહીંયાં જ માણવાનો છે. માનવીએ પોતાના સુખ માટે કુટુંબ, સમાજ, રાજ્ય જેવી અનેક સંસ્થોનું સર્જન કર્યું છે. આ બધી સંસ્થાઓ માનવ ક્લ્યાણ કે સુખ માટે છે. પણ માનવી તે બધી સંસ્થાઓની ઇચ્છા મુજબ કઠપુતલીની માફક નાચતું કોઇ રમકડું નથી. આ બધી સંસ્થાઓ માનવી સર્જીત હોવાથી તેના સુખનો ખ્યાલ બદલાતાં તેમાં ફેરફાર આવકાર્ય હોવો જોઇએ.

આ ઉપરાંત લેખકે કાર્ય–કારણનો સીધ્ધાંત તથા માનવીમાં કુદરતી સંભવીત વીવેકશક્તી છે જેના સતત ઉપયોગથી તે નૈતીક બને અને નૈતીક સમાજનું સર્જન કરી શકે તે વાત પણ સમજાવી છે. નૈતીક માનવ સમાજ પૃથ્વી પર વધુ સમૃધ્ધ ને સુખી માનવજીવન માટે છે. તેથી માનવીએ નૈતીક આચરણ ઇશ્વર કે કોઇ દેવને રીઝવવા માટે નહી પણ પોતાની જાતના આનંદ માટે જરૂરી છે.

આમ આપણા સાથી અશ્વીનભાઇ કારીઆએ ખુબજ ટુંકાણમાં સરળ ભાષામાં ઉપર મુજબની હકીકતો પોતાના પુસ્તકમાં સમજાવી છે. ખરેખર ગુજરાતની રેશનાલીસ્ટ ચળવળના સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા સાથીઓ અને શુભેચ્છકોને આ પુસ્તક " ગાગરમાં સાગર" બનીને ભોમીયાની માફક સહાયરૂપ થવાની પુરેપુરી ક્ષમતા ધરાવે છે. આવું વીવેકબુધ્ધીવાદ પર ગુજરાતી ભાષામાં પુસ્તક મળતાં અમારી ચળવળ વધુ બૌધ્ધીક રીતે પરીપક્વ થશે તે આશા રાખવી અસ્થાને નથી. પુસ્તકના લેખનથી માંડીને પ્રકાશનમાં સંકળાયેલા સૌ ને મારા અભીનંદન ને શુભેચ્છા છે.... બીપીન શ્રોફ. મહેમદાવાદ.  

--