Saturday, September 5, 2020

શ્રધ્ધાનું રાજકારણ– ભાનુ પ્રતાપ મહેતા

જ્યારે જ્ઞાન–વિજ્ઞાન અને તર્કનો ઉપયોગ કર્યા વિના વીશ્વાસનું રૂપાંતર શ્રધ્ધામાં થઇ જાય છે તે લાંબાગાળે વ્યક્તી, સમાજ અને દેશ માટે જોખમકારક બની જાય છે. ભાનુ પ્રતાપ મહેતા ( માજી વાઇસ ચાન્સેલર અશોકા યુની.અને કોલમનીસ્ટ ઇન્ડીયન એકપ્રેસ.)

 " ભારતને રાજકીય નેતાની જરૂર છે  કોઇ મસીહા કે  મહર્ષીની નહી."  

શ્રધ્ધાનું રાજકારણ અને જે રાજકારણ વાસ્તવીક અને જેમાં પ્રજાહીતનો રણકાર હોય તેની વચ્ચે આભજમીનનો તફાવત છે. શ્રધ્ધાના રાજકારણમાં માનવીના તમામ સાંસ્કૃતીક મુલ્યોનો હ્રાસ થાય છે.

પોલીટીકલ સાયંટીસ્ટ શ્રી નીલંજન સીરકરે ' કોન્ટેમપોરરી સાઉથ એશીયા' નામના માસીકમાં તાજેતરમાં પોતાનો એક અગત્યનો લેખ લખ્યો છે. લેખનું મથાળુ છે ' ધી પોલીટીકસ ઓફ વીશ્વાશ'.

સદર પેપરમાં આંકડાઓ ને તર્કબધ્ધ દલીલો સાથે જણાવ્યું છે કે આપણા દેશનું રાજકારણ એક શ્રધ્ધાનું રાજકારણ બની ગયું છે. દેશના મતદારોએ એક મજબુત અને પ્રભાવી નેતાને રાજ્ય કરવા માટે પસંદ કર્યો છે. તેનાથી લોકશાહીમાં સત્તાનું વીકેન્દ્રીકરણ ને બદલે એ જ નેતામાં સત્તાનું સંપુર્ણ કેન્દ્રીકરણ થઇ ગયું છે. દેશના લોકોને શ્રધ્ધા છે કે અમારો આ નેતા જે કરશે તે લોકો માટે સારૂ જ કરશે. સામાન્ય સંજોગોમાં  બહુમતી પક્ષના નેતાને  રાજકારણમાં પોતાની સરકારના કાર્યો માટે જવાબદાર ગણવામાં આવે છે. તેના નિર્ણયોમાં પ્રજાના કલ્યાણકારી હીતોનો વાસ્તવીક અમલ  હોય છે.

પ્રો. એન સીરકરે વધુમાં જણાવે છે કે "અહીયાં, પ્રજાની નેતામાં શ્રધ્ધા તેણે લીધેલા કલ્યાણકારી કાર્યો કરતાં  તે શ્રધ્ધા વૈચારીક રીતે અમારો નેતા દેશને હીંદુ રાષ્ટ્ર બનાવશે તેવી સંભવીત શક્તી ધરાવે છે તેમાં પરીવર્તીત પામી છે. નાના નાના સ્થાનીક ક્ષુલ્લક મતભેદો બાજુપર મુકીને  કે તેના પરથી ઉપર ઉઠીને  સદર નેતામાં હીંદુ રાષ્ટ્રનું અસ્તીત્વ સાકાર બનાવે તેવી અબાધીત શક્તી તેઓમાં રહેલી છે તેવી શ્રધ્ધા છે." આવી શ્રધ્ધાનું ચાલકબળ હીંદુ રાષ્ટ્ર્વાદ છે. અમારા નેતામાં  તે શ્રધ્ધાને મુર્તીમંત કરવાનો હેતુ, દ્રઢનીશ્ચય શક્તી ને તે માટે એકતા પ્રાપ્ત કરવાની શક્તી તેઓમાં રહેલી છે. આવી શ્રધ્ધા લોકોમાં જબરજસ્ત રીતે દ્રઢીભુત થાય માટે  કળા કરતા મોરમાં જેટલાં પીંછા છે તેટલા  આધુનીક સંદેશા વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે.

રાજકારણના આવા બદલાયેલા મોડેલમાંથી ત્રણ તારણો ઉભરી આવે છે.

(૧)  આ નેતાએ પોતે લીધેલા નીર્ણયો માટે, કોઇપણ ચુંટાયેલી કે અન્ય લોકશાહી સંસ્થાઓને બીલકુલ જવાબદાર ગણવામાં આવતી નથી. દેશનો ઘરેલું ઉત્પાદનનો આંક( જીડીપી) આશરે ૨૪ ટકા નકારાત્મક કે નેગેટીવ થઇ ગયો હોય, દેશનું આર્થીક તંત્ર નાદારીની સ્થીતીએ લગભગ પહોંચી ગયું હોય, ચીન સામે લશ્કરી ક્ષેત્રે મોટી પીછે હઠ કરવી પડી હોય,(  Suffer a military setback), નોટબંધી જેવી નીષફ્ળ ગયેલી સ્કીમ હોય, આ બધું હોવા છતાં દેશના લોકોની આ નેતામાં શ્રધ્ધા લેશ માત્ર ઘટતી થતી નથી. નેતામાં એક બેદરકાર માનસીકતા પેદા થાય છે કે ' Who cares mentality' કોઇ મારૂ કશું બગાડી શકવાનું નથી.  જ્યાંસુધી લોકોમાં મારા પ્રત્યે બીનશરતી( Unconditional) શ્રધ્ધા છે. ઇતીહાસકારો જેને ' આર્થીક અને લશ્કરી કટોકટી( Crisis) કાળ તરીકે ઓળખાવે છે તેવા સંક્રમણકાળમાં પણ લોકકલ્યાણ કે લોકહીતની વાત કરવી  તો તુચ્છ વાત છે. ' કીસ ગીનતી મેં (Performance and interest are all petty)

(૨)  સદર નેતામાં લોકોની આવી શ્રધ્ધા ટકાવી રાખવા રાજકારણને સતત વંશીય, જાતીય, ધાર્મીક અને રાષ્ટ્રવાદનું અફીણ પીવડાવવું પડે છે. એક સમસ્યા થી સતત બીજી સમસ્યા પર કે પ્રજાને તેના એક દુશ્મનથી સતત બીજો દુશ્મન બતાવીને રોકી રાખવી પડે. તે રીતે પોતાના નેતૃત્વની ચુંબકિયતાને ( લોકશ્રધ્ધાને) ટકાવી રાખવી પડે છે. તે માટે હાથવગા બધા સાધનોનો ઉપયોગ કરવામાં કોઇ છોછ નેતા કે તેના તંત્રને નથી..

(૩) લોકશ્રધ્ધા, તે ફક્ત રાજકીય સર્જન નથી. પણ સતત તમામ પ્રકારના સંદેશાવ્યવહારના સાધનોનો ઉપયોગ કરીને તેને પ્રજાના માનસીકપટ પરથી લેશમાત્ર ઓછી ન થઇ જાય તે માટે 24x7 તમામ પ્રકારના હસ્તગત સાધનોનો  દયાહીન રીતે ઉપયોગ કરીને ટકાવી રાખવી પડે છે.

નરેન્દ્ર મોદીની સફળતાનું રહસ્ય એ નથી કે તેના નેતૃત્વને કોઇ પડકાર નથી. પરંતુ આ શ્રધ્ધાનું રાજકારણ છે. તેમાં પ્રોપેગંડાએ બહુ ભાગ ભજવ્યો છે. નેતાની અનેક નબળાઇઓ અને તંત્રનો ભયંકર ભ્રષ્ટાચાર કોઇની નજરે દેખાતો નથી. વિરોથ પક્ષ વાહિયાત અને મુર્ખામીભરી વાતો કરીને બેસી જાય છે. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે વિભાજન વધુ ને વધુ મજબુત કરવામાં આવી રહ્યું છે. રાજકિય વિરોધ ક્રમશ; અદ્રશ્ય થતો જાય છે.

  ભારતને રાજકીય નેતાની જરૂર છે  કોઇ મસીહા કે  મહર્ષીની નહી.  

શ્રધ્ધાનું રાજકારણ  દેશ માટે માનસીક નિરાશાની નિશાની છે. વિશ્વાસ ત્યારે જ જરૂરી બને  કે જ્યારે તમે આર્થીક કે રાજકીય  વાતાવરણ નવેસરથી ઘડવાનો આત્મવીશ્વાસ ખોઇ બેઠા હોય! શ્રધ્ધાનું રાજકારણ ટકી રહ્યું છે કારણકે તેનાથી નીષ્ફળતાઓ છુપાવી શકાય છે. દેશના વિકાસ માટે હીદુંત્વનો મુદ્દો આગળ ધરવામાં આવતો નથી. બંધારણીય મુલ્યોનું સરેયામ બલિદાન કરવામાં આવી રહ્યું છે. આ બધા નેતાઓ વામણા અને ભ્રષ્ટ પરવાર થયા છે. દેશના અનેક ક્ષેત્રોમાં આપણી કામગીરી તળીયે જઇ બેઠી છે.

દેશમાં સરકારની નીતીઓ અને કામગીરીઓની ટીકા થઇ રહી છે. જ્યાં કામગીરી આધારીત જવાબદેહીતાનો અભાવ હોય અને માત્ર શ્રધ્ધા હોય ત્યારે એ બાબતની સ્વીકૃતી છે કે આપણે આ બધું માનવા ખાતર માનીએ છીએ. શ્રધ્ધાના રાજકારણનો ઉપયોગ આપણે માત્ર ઉપયોગ આપણા નેતાની પ્રતીભા ઉંચી આંકવા ઉપયોગ કરે છે. અંતમાં  ભાનુ પ્રતાપ મહેતા લખે છે કે  " દેશની નાવ સઢ વિનાના ઉંડા પાણીમાં ધસી રહી છે. આવું શ્રધ્ધાનું રાજકારણ માત્ર આભાસ કે દંભ જ છે."      ( સૌ. ઇન્ડીયન એકપ્રેસના તા.  ૧૬–૦૬–૨૦ તથા ૨૬–૦૮–૨૦ના બે લેખોનો ટુંકાણમાં ભાવાનુવાદ કરનાર પ્રો. અશ્વીન કારીઆ અને બીપીન શ્રોફ.

 

 

  

 



--