Thursday, March 25, 2021

ચાલો સમજીએ રેશનાલીઝમને

ચાલો સમજીએ રેશનાલીઝમ–પ્રો. અશ્વિનભાઇ કારીઆ.

પુસ્તક પરિચય– ગુજરાતની રેશનાલીસ્ટ ચળવળને બળવત્તર બનાવવા માટે  '  ચાલો સમજીએ રેશનાલીઝમ' પુસ્તકની આ બીજી આવૃત્તી આપણને ઘણી મદદરૂપ થાય તેમ છે.ગુજરાતમાં આ ચળવળની સરળ ઓળખ માટે હજુ સર્વમાન્ય શબ્દ વિકસ્યો નથી અથવા સ્વીકૃત બન્યો નથી. રેશનાલીઝમને ગુજરાતીમાં તર્કવિવેકશક્તી, વિવેકબુધ્ધીવાદ, બુધ્ધિનીષ્ઠા જેવા શબ્દો દ્રારા ઓળખાવવાના ઘનિષ્ટ પ્રયત્નો થયા છે. પણ લોકભોગ્ય ભાષા કે તેના ચલણમાં રેશનાલીઝમ શબ્દ જ ગુજરાતીમાં ટકી રહ્યો છે. રેશનાલીઝમના પ્રચારકો તેમજ વિરોધીએ માટે  માધ્યમ તો રેશનાલીઝમ જ બની ગયો છે.

અંગ્રેજી ભાષામાં 'રેશનાલીઝમ' એક શબ્દ તરીકે ફક્ત સ્વીકૃત બન્યો નથી પણ આજથી  ૧૧૫ વર્ષ પહેલાં લંડન રેશનાલીસ્ટ એસોસીયેશને રેશનાલીઝમની વ્યાખ્યા વિશ્વ સમક્ષ રજુ કરી હતી. તે આજે પણ સર્વમાન્ય છે. તેનો ભાવાનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે. " રેશનાલીઝમ એક માનસીક અભિગમ છે. જેમાં વિવેકશક્તિ તથા તર્કશક્તિ (રીઝન)ની સર્વોપરિતાનો બિનશરતી સ્વીકાર કરવામાં આવે છે. જેનો હેતુ ફિલસુફી તથા નીતિશાસ્રની એવી તરાહ સ્થાપવાનો છે કે  અધિકારી માનતા  કોઇપણ વ્યક્તી કે ગ્રંથ ( ઓથોરીટી) એકપક્ષીય માન્યતાઓથી સદંતર મુક્ત હોય. જે તરાહને  તર્ક તથા વાસ્તવિક અનુભવ– પ્રયોગ ચકાસી સત્ય– અસત્ય  સિધ્ધ કરી શકાય."

 રેશનાલીઝમની ઉપરની વ્યાખ્યાને સમજવી ખુબજ મહત્વની એટલા  માટે છે કે  તેની સ્પષ્ટ સમજણથી  આપણા પોતાનું રેશનલ વર્તન અને વ્યવહાર વિકસી શકે તેમ છે.  તે એક વિચાર કરવાની પ્રક્રીયા છે. એટલું જ નહી પણ તે વિવેકશક્તિની મદદથી સાચુ શું અને ખોટું શું અથવા કોઇપણ પ્રસંગ, બીના, કુદરતી ઘટના વી સમજવાનો કે સત્ય શોધવાનો માર્ગ છે.  દરેક પ્રસંગ કે ઘટના પાછળ કારણ હોય છે. કારણ સિવાય કશું બને જ નહી. કારણની સર્વોપરિતામાં વિશ્વાસ તે રેશનલાઝીમની કરોડરજજુ છે.  સત્ય શોધવા માટે રેશનાલીઝમ ક્યારેય ખાસ કરીને કોઇ પણ ધર્મગ્રંથો, તેના સર્જનહારમાં તેમજ  તેમાં નિરૂપણ કરેલા સત્યોને જ્ઞાન, નિરિક્ષણ ને તર્કની એરણ પર તપાસ્યા સિવાય સત્ય તરીકે સ્વીકારવામાં આવતા નથી. માનવીની અન્ય સજીવો સહિતની  રેશનલ વૃત્તી ( સત્ય શોધવાની કાબેલીયાત) જૈવીક છે. અને તે જીજીવિષા ટકાવવાની ઝંખના ( Urge to Exist)માંથી વિકસેલી છે. વધારામાં સદર રેશનલવૃત્તીને વિકસાવવામાં કુદરતી નિયમબધ્ધતાએ મુળભુત ભાગ ભજવેલ છે. કુદરતી બનાવો ઇશ્વરી, અલૌકીક, કે કોઇ દૈવી પરિબળની ઇચ્છાઓના પરિણામ ક્યારેય નહતા. આજે પણ નથી અને ભવીષ્યમાં પણ બનવાના નથી. માનવીનો તમામ વ્યક્તીગત વિકાસ તે આવી માનવીની 'રેશનલવૃત્તી' નું જ પરિણામ છે.

રેશનાલીસ્ટ વ્યક્તી વિશ્વના તમામ વ્યક્તીઓને ફક્ત માનવી જ ગણે છે. માનવી એટલે ફક્ત કાળામાથાનો માનવી. તેની જાતી, લીંગ, ધર્મ, જ્ઞાતી કે રાષ્ટ્ર જેવા કોઇપણ સામુહીક તફાવતોની વફાદારીમાં પોતાની જાતને ઓગાળી નાંખતો નથી.  આવા સમુહોના કોઇપણ બંધનોએ બનાવેલી બેડીઓથી તે હંમેશાં મુક્ત છે. સ્વતંત્ર છે. રેશનલ માનવીના તારણો હંમેશાં મુક્ત અને ખુલ્લા હોય છે. નવી માહિતી પોતાના તારણો સામે મલતાં તે સરળતાથી વિના વિઘ્ને કે વિરોધ વિના પોતાનું વલણ બદલીને તે પ્રમાણે કાર્ય કરતો થઇ જઇ જાય છે. નવા સત્યો તેને સહનશીલ કે સહિષ્ણુ અને પરિવર્તનશીલ બનાવે છે.

નૈતીક્તા અંગે રેશનલ અભિગમ– કોઇપણ રેશનાલીસ્ટ ધર્મ આધારિક નૈતીક વ્યવહારોમાં વિશ્વાસ ધરાવતો નથી. કારણકે તમામ ધર્મોના નૈતીક વ્યવહારોનું સર્જન મૃત્યુ પછીના જીવનને નિયમન કરવા માટે અસ્તીત્વમાં આવેલ છે. નર્ક, સ્વર્ગ, પાપ પુન્ય, કયામતનો દિવસ કે મુક્તિનો દિવસ ( ડે ઓફ સાલવેશન), વી. આધારીત રેશનાલીસ્ટનો નૈતીક વ્યવહાર કદાપી હોઇ શકે નહી. ઉચનીંચ, અસ્પૃશ્યતા, વર્ણવ્યવસ્થાને ઇશ્વરી સર્જન રેશનાલીસ્ટ ક્યારેય ગણતો નથી. માનવ માત્ર જન્મ થી જ સમાન છે. માટે એક છે. જે કોઇ ધર્મો, સામાજીક, આર્થીક  કે રાજકીય વ્યવહારો માનવ  માનવ વચ્ચે તફાવત કે અસમાનતા આધારીત વર્તનો કરે છે તે તમામ વર્તનો ઇરેશનલ અથવા  રેશનાલીસ્ટસ વર્તનો હોઇ શકે નહી.

 માનવી રેશનલ છે માટે તેનો વ્યવહાર નૈતીક જ હોવો જોઇએ. માનવીએ તેની નૈતીક્તા ( એક બીજા માનવીઓ સાથેનો નૈતીક વ્યવહાર) પોતાની જીજીવીષા ટકાવી રાખવાની ઝંખનામાંથી બહુજ જટિલ કુદરતી સંજોગો સામે સેંકડો સદીઓના સંઘર્ષો પછી વિકસાવી છે. માનવીએ તેની નૈતીકતાને હવે બંધારણીય મુલ્યોમાં કાયદાની મદદથી વિકસાવીને  આરક્ષીત કરી દિધી છે. વિશ્વમાં હજુ  એવા ઘણા બધા દેશો છે જ્યાંના નાગરીકોના અને રાજ્ય સત્તાના વ્યવહારો ધાર્મીક ગ્રંથો અને ઉપદેશો આધારીત નૈતીક વ્યવહારો અમલમાં છે. તે બધા દેશોના નાગરીકો વિષે જેટલું ઓછું કહીએ તે  જ યોગ્ય છે. આપણા દેશની વર્તમાન રાજકીય સત્તા તે તરફ ઝડપથી સરકતી જાય છે તેવા તાજેતરનાં વૈશ્વીક તારણો છે.

સદર પુસ્તકમાં લેખક શ્રી કારીઆ સાહેબે પોતાની સરળ ગુજરાતી ભાષામાં ' રેશનાલીઝમ અને અનુભવવાદ ( Empiricism), રેશનાલીઝમ અને ઇશ્વરનું અસ્તીત્વ, શું રેશનાલીઝમ માત્ર અંધશ્રધ્ધા સામેની લડત છે? રેશનાલીઝમ અને પુર્વગ્રહો, રેશનાલીઝમ અને લાગણીઓ તેમજ વૃત્તીઓ, રેશનાલીઝમ અને માનવવાદ, વિષયો પર ટુંકમાં સમજાવ્યું છે. શ્રી  કારીઆ સાહેબની સરળ ગુજરાતી કલમ દ્ર્રારા ગુજરાતીમાં પાયાના રેશનાલીઝમ, માનવવાદ,  વી. વીષયો પર આવી સરસ નાની પુસ્તીકાઓનું( સદર પુસ્તીકાના ૪૨ પાનાં છે.) ક્રમશ પ્રકાશન થતું રહે અને વાંચક મીત્રો તેમને આર્થીક સહયોગ પણ આપતા રહીએ તે જ અપેક્ષા.––બીપીન શ્રોફ.

પુસ્તકના પ્રકાશક અને પ્રાપ્તી સ્થાન – ગિરીશભાઇ સુંઢીયા, મહામંત્રી,  બનાસકાંઠા જીલ્લા અંધશ્રધ્ધા નિર્મૂલન સમિતિ, પાલનપુર (૩૮૫૦૦૧) મો. 94266 63821. સહયોગ ધનરાશી –૫૦/.


--