Sunday, March 28, 2021

“ હું આસ્તીક રેશનાલીસ્ટ છું......લે. ગુણવંત શાહ.

" હું આસ્તીક રેશનાલીસ્ટ છું. મને ચમત્કાર અને વહેમમાં શ્રધ્ધા નથી." ગુણવંત શાહ. ( સૌ. સત્યાન્વેષણ માસિક– ૧૫મી માર્ચ અંક ટાઇટલ પેજ પાન નં–૨.)

અમારા એક સમયના સાથી ખીમજીભાઇ કચ્છીના દુ;ખદ અવસાન નિમીત્તે સ્મરણાંજલી આપતાં વડોદરાના જાણીતા લેખક ગુણવંત શાહે પોતાના સંદેશામાં ઉપર મુજબના શબ્દો પ્રથમ લખ્યા છે. સમગ્ર શોક સંદેશમાં તમામ નીજી વાતો ખીમજીભાઇ અને તેમની છે. જેના અંગે કશું કહેવાનં હોય જ નહી. આપણને  ધર્મનિરપેક્ષ રેશનાલીસ્ટ તરીકે ઉપરના પ્રથમ વાક્યમાં જ રસ છે.

 સામાન્ય રીતે ગુજરાતની રેશનાલીસ્ટ પ્રવૃત્તી સાથે જોડાયેલા સાથીઓનું મુખ્ય કામ અંધશ્રધ્ધા, વહેમો, અને બિનવૈજ્ઞાનીક અભીગમો સમાજમાંથી વ્યક્તીગત અને સામુહીક ધોરણે છે તેને જ્ઞાન અને જાગૃત્તા કેળવી દુર કરવાનું છે. સાથે સાથે એ પણ સમજ હોવી જોઇએ કે અંધશ્રધ્ધા, વહેમી અને અજ્ઞાનતાને ટકાવી રાખનાર કોઇ પરિબળો હોય તો તે પ્રજાનું આસ્તીક કે ઇશ્વરી આસ્થાનું વલણ. માનવીની ઇશ્વરી આસ્થા તેને પોતાના પ્રયત્નોમાં માટે જે માનસીક પ્રતીબધ્ધતા કેળવાવી જોઇએ તે પેદા કરતી નથી.જે પ્રજા કુદરતી પરિબળોને ભજે છે, પુજે છે તે ક્યારેય કુદરતી પરિબળોના નિયમોને સમજીને પોતાનો જીજીવિષા માટેનો જૈવીક સંઘર્ષ પર કાબુ મેળવી શકવાની છે ખરી?

આસ્તીકતા માનવીને પરોપજીવી બનાવે છે.સંઘર્ષજીવી કે આંદોલનજીવી બનાવી શકતી નથી. દેશ અને દુનીયાનો ઇતીહાસ પરોપજીવીઓએ બનાવ્યો નથી. પણ  વર્તમાન વ્યવસ્થાના અમાનવીય માળખા અને રીતરસમો સામે સંઘર્ષ કરનારાઓએ બનાવ્યો છે. આસ્તીકો હંમેશાં " જે સે થે વાદી" ઓ હોય છે. તે બધા હંમેશાં વર્તમાન ધર્મસત્તા, રાજ્યસત્તા , અર્થસત્તા અને સમાજસત્તાના છડીધરો જ હોય છે. તેમના નીજી હિતો અને પેલી બધી સત્તાઓના નીજી હિતો સાથે તેમના ઘનિષ્ઠ હિતો સંકળાયેલા હોય છે.

રેશનાલીસ્ટોનું પ્રેરકબળ ઇશ્વરના અસ્તીત્વની બાદબાકી થતાં માનવકેન્દ્રીત પ્રયત્નોમાં સંગઠીત થઇ જાય છે. રેશનાલીસ્ટોનું સત્ય ઇન્દ્રીયજન્ય અનુભવ, બાહ્યનિરિક્ષણ અને પુરાવાઆધારીત (Evidence based) હોય છે. રેશનાલીસ્ટ સત્યશોધક તરીકે  કોઇ ધાર્મીક ગ્રંથ, ગુરૂ, પાદરી, પોપ કે પૈયગમ્બરી હકુમતને સત્યના વાહક તરીકે સ્વીકારતો નથી. રેશનાલીસ્ટ ક્યારેય કોઇ સત્યને આખરી સત્ય કે બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારતો નથી. નવું જ્ઞાન, માહિતી કે વૈજ્ઞાનીક શોધોની મદદથી તેના સત્યના તારણો હંમેશાં બદલતો રહે છે. રેશનાલીસ્ટનો અભીગમ હંમેશાં જ્ઞાન–વિજ્ઞાન આધારીત હોવાથી તે પરિવર્તનશીલ હોય છે. તેનો અભીગમ ક્યારેય હઠાગ્રહી કે મતાંધ હોતો નથી. તેનું વ્યક્તીત્વ અન્ય માનવો પ્રત્યે સહનશીલ, સહીષ્ણુ અને સહજ ભરોસાપાત્ર હોય છે.


--