Monday, January 3, 2022

આજે સાવિત્રીબાઇ ફુલેનો જન્મ દિવસ છે.


આજે સાવિત્રીબાઇ ફુલેનો જન્મ દિવસ છે. તેઓની જન્મ તારિખ ૩જી જાન્યુઆરી ૧૮૩૧... મારા સાથી ઉર્વીશ કોઠારીને વાત કરી કે દોસ્ત સાવિત્રીબાઇ ફુલેનો આવતી કાલે  ત્રીજી જાન્યુઆરી જન્મ દિવસ છે. તે મહાન ક્રાંતીકારી બેનની યાદમાં તેં એક લેખ લખ્યો હતો તે મને યાદ છે. શક્ય હોય તો મને બ્લોગ પરથી મોકલી આપ. જે આપ સૌ સમક્ષ  સહેજ પણ ટીકા ટીપ્પ્ણ વિના લેખના મુળ સ્વરૂપે મુકતાં ખુબજ રોમાંચ અનુભવુ છે. અને તે ક્રાંતીકારી બેન ને  મારા નમન સાથે  ભાઇ ઉર્વીશની સંમતી સાથે અત્રે રજુ  કરુ છું. બીપીન શ્રોફ.  

સાવિત્રીબાઇ ફુલેઃ સાક્ષાત્ સ્ત્રીશક્તિ

Share

 

 

સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના 'સમાજ' - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો  હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું

 

આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત 'દલિત ચળવળના મહાનુભાવો' તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા.

 

ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્રી ફુલે/ Jyotiba Phule- Savitri Phule નાં નામ પ્રવેશ્યાં જ ન હોય. ફુલે દંપતિને મુખ્ય ધારાથી દૂર રાખવા માટે ઘણાં લેબલ હાથવગાં છેઃ મહારાષ્ટ્રનાં સમાજસુધારકો ('એટલે આપણને ગુજરાતીઓને ક્યાંથી ખબર હોય?'), દલિત સમાજસુધારકો ('એટલે આપણે ઉજળિયાતોએ ક્યાંથી નામ સાંભળ્યું હોય?')...'દલિત નેતાઓ આ લોકોના નામે બહુ ચરી ખાય છે. એટલે આપણને એમના પ્રત્યે ભાવને બદલે અભાવ જાગે'- આવી દલીલ કરનારા પણ મળી આવે છે

 

 

Savitri- Jyotiba Phule

હકીકત એ છે કે એક વાર ફુલે દંપતિની કામગીરી વિશે જાણ્યા પછી ખુલ્લા મનનો કોઇ પણ માણસ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતો થઇ જાય. અન્યાય સામે નહીં ઝુકવાનો મક્કમ નિર્ધાર, કોઇ પણ ભોગે પોતાના કામને વળગી રહેવાનું ઝનૂન અને બીજા બધા કરતાં ડરે એવા સમાજસુધારાના કાર્યક્રમો અમલી બનાવવાનું દૃષ્ટિયુક્ત સાહસ- આ બધી ફુલે દંપતિની ખાસિયતો. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે 'જોતિબા' તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે ડો.આંબેડકરના પ્રેરણાસ્રોત અને 'મહાત્મા  (ગાંધી) પહેલાંના મહાત્મા' તરીકે ઓળખાય છે. સમાજસુધારા માટેનો તેમનો સંઘર્ષ અને (બ્રાહ્મણો સામે નહીં પણ) બ્રાહ્મણીયા માનસિકતા સામેનો તેમનો જંગ કોઇ પણ સમયે, કોઇ પણ ક્ષેત્રમાં સામાજિક અન્યાય સામે લડનારાને પ્રેરણા અને હિંમત પૂરી પાડે એવો છે. પરંતુ એ સમયના ઘણા જાણીતા સમાજસુધારકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હતા. બીજાને મોટા ઉપદેશ આપનારા પોતે તેનો અમલ કરવાનો આવે ત્યારે ઘણા વાર ફસકી પડતા હતા. તેમની સરખામણીમાં- અને સરખામણી સિવાય પણ - જોતિબા અને સાવિત્રીબાઇનાં ચરિત્રો વેંત ઊંચાં ઉપસી આવે છે

 

જોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (..૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. જોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જોતિબા  ૧૩ વર્ષના અને સાવિત્રી ૮ વર્ષનાં (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી (જે હજુ પણ અસામાન્ય બાબત ગણાય છે.) જોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે જાતે ભણાવ્યાં.  એ ભણતર ડિગ્રી  માટે નહીં, પણ અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. ત્યાર પછી જોતિબાએ ભારે વિરોધ વચ્ચે શરૂ કરેલી શુદ્ર કન્યાઓની નિશાળમાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઇએ ઉપાડી

 

મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. નિશાળે જતાં સાવિત્રીબાઇને ઉજળિયાતોનાં મહેણાંટોણાથી માંડીને કાદવકીચડ અને પથ્થરનો સામનો કરવો પડતો. પરંતુ સાવિત્રીબાઇ મક્કમ હતાં. (આ મક્કમતાને 'સત્યાગ્રહ' જેવું નામ આપવાનું તેમને સૂઝ્યું નહીં એટલું જ.) તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતીઃ એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની

 

પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,'હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.' એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં, લોકોએ જોતિરાવના પિતા પર દબાણ કર્યું. તેમણે જોતિરાવને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. જોતિરાવે શાળા પસંદ કરી અને ઘર છોડ્યું. એ વખતે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પણ જરાસરખા ખચકાટ વિના સમાજસુધારણાના રસ્તે પતિનાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં

 

 

Savitri-Jyoriba Phule Memorial in Pune

સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો, એટલે વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવાને જોતિબા આપઘાતના રસ્તેથી પાછી વાળીને પોતાના ઘરે (પત્ની તરીકે નહીં, પણ પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે) લઇ આવ્યા.  એટલું જ નહીં, તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. ત્યારે સાવિત્રીબાઇ જોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો

 

સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે. (સરખામણી વિના ન જ સમજાય, તો વિરોધાભાસ ઉપસાવવા માટે કસ્તુરબા સાથે તેમની સરખામણી કરી શકાય.)  

 

બે કાવ્યસંગ્રહો 'કાવ્યફૂલે' અને 'બાવનકશી સુબોધરત્નાકર' ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ઊભું છે

 

ફ્લડલાઇટની ઝાકઝમાળમાં ધ્રુવનો તારો પણ ન દેખાય તો શું થાય?

Posted by urvish kothari at 1:59 PM 

 

--