Saturday, February 19, 2022

મને અંધારા બોલાવે– મનીષી જાની

 મને અંધારા બોલાવે– મનીષી જાની.

આપણી પાસે ગુજરાતી  સાહિત્યમાં એક વિચારપ્રેરક પુસ્તક પરિપક્વ વિચારક પાસેથી મલ્યું છે.ખરેખર આ પુસ્તક તેમના જીવન વિકાસની એક તવારીખ સમાન છે. પુસ્તકના મથાળામાં કવિની વૈચારીક પ્રતિબધ્ધ્તાને કારણે પુસ્તકના પ્રેમમાં પડી જવાય તેવું છે. 'મને અંધારા બોલાવે' એ શબ્દ પ્રયોગ આપણને કવિ તરફથી એક વિચાર સંદેશાનો તણખો (એક સ્પાર્ક) મોકલે છે.

' મને અંધારા બોલાવે છે' તેનો અર્થ ખુબજ નિસ્બત ધરાવતો વ્યાપક છે. જ્યાં જ્યાં માનવ સમસ્યાઓ છે, ખાસ કરીને શોષણ, અન્યાય ને ભેદભાવને પોષક વર્તન અને વિચારો છે ત્યાં મનીષીનો સંઘર્ષ સ્વાભાવીક હોવાનો. બીજું તે ઘણા વર્ષોથી નવા ઉગતા લેખકો, કવિઓ નિબંધકારો ને વાર્તાકારો માટે એક ગુજરાત લેખક મંડળ કરીને સંસ્થાના પ્રમુખ છે. સદર સંસ્થા નવોદિત લેખકોને એક માનસીક આત્મવિશ્વાસ પેદા કરવાનું સતત સિંચન કર્યા કરે છે. તેઓનું તારણ છે કે સર્જક જન્મતા નથી પણ બને છે. સર્જકતા એ કોઇ ઘરાનાની પેદાશ નથી. કોઇ જાતિ કે સામાજીક સ્તર વિશેષની જન્મગત પેદાશ નથી. વ્યક્તિ ને સમાજની સમસ્યાઓના બૌધ્ધીક પૃથ્થકરણના મથામણમાંથી મનીષીની પ્રતિબધ્ધતા અંધારાઓને ઉલેચવા ઉજાગરા કરે છે.  તેવો સંદશો નવોદિત લેખકોને મનીષીનો છે.

નીરવ પટેલ અને સરુપ ધ્રુવ ના કેટલાક નિરિક્ષણો સાથે પુસ્તકની કવિતાઓનો સીધો આસ્વાદ લઇએ. પણ શરૂઆત તો મનીષી થી જ કરીએ.

"  આવા માહોલમાં અમારે અભિવ્યક્તિ કરવાની હતી.

 અમારે અમારી જાતે  દિશાવિહીન વાતાવરણમાં દિશા નક્કી કરવાની હતી..

...હું લડત લડનારો માણસ છું,કોઇ લડાવે એટલે લડનારો નહી. હું લડનારો માણસ છું..

 કોઇ કાંકરીચાળો કરે ને સામે પથ્થર ફેંકું એવો લડનારો હું નથી.

 કોઇ નફરતથી બૉમ્બ ફેંકે ને એના ઘરમાં બૉમ્બ મૂકું એવો લડનારો હું નથી.

 હું વિચારથી વિચાર ટકરાવી આઝાદી પેદા કરનારો માણસ છું.

હું લડનારો છું, હું માણસ છું." મનીષી પાનું ૨૦.

મનીષી જાનીની કવિતા એટલે  સામ્ર્પતની કાળી મીંઢ દીવાલોને ભાંગવા બુલંદ બનેલો એક મુક્કીઉછાળ અવાજ....   

દુધ– દહીંમાં તે કેવી મઝા?  મઝા જ મઝા,

 દુધ –દહીમાં છબછબીયાંની કેવી મઝા....

કવિતાની અભિવ્યક્તિ પર કવિનો ભરોસો જુઓ;

" હું કવિતાની પીઠ પર ઉભો ઉભો કવિતાની કરોડરજ્જુની તાકાતને અનુભવતો હતો;

 હું નીચે ઉતર્યો, કવિતાની આંગળI પકડતાં કહેવા માંડયુ ;

કવિતા તારી કરોડરજ્જુ મજબુત છે. કવિતા તને સલામ... ( ૨ માર્ચ વિશ્વકવિતા દિવસ)

 મનીષી રેશનાલીસ્ટ પણ ખરા ; એમની રચનાઓમાં અખાનો મિજાજ શોધવો ન પડે; જેમ કે

" મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે વનવાસમાં વિરાજતા હતા

  ત્યારે  વાંદરાઓ માટે  પ્રોઢશિક્ષણના વર્ગો ચલાવતા હતા.

( કદાચ કથાકાર મોરારીદાસને તે માહિતી નહી હોય! બી. શ્રોફ)

વર્તમાનનો એક બીજો પણ તાતો પ્રશ્ન છે ઇતિહાસ– ઇતિહાસની તોડમરોડ. મનીષી શું કહે છે એના વિશે–

" વર્તમાનને ભુતકાળ બનાવી દેવાનો કેટલાક લોકોનો ધંધો  છે.

 અમોને  ઇતિહાસની ખીચડી બનાવવામાં અને ખવડાવવામાં રસ છે.

 અમોને અમારી બનાવેલ ખીચડીને

 રાષ્ટ્રીય વાનગી બનાવવામાં ને ખવડાવવામાં રસ છે.

 ને ખીચડીમાં રાષ્ટ્ર ઇતિહાસની ખીચડી ને ખીચડીમાં ઇતિહાસ.

" જેમ અડધી આલમને બંધનની બંગડીઓમાં પુરી રખાઇ છે

 એમ જ દેશની લોકશાહીને  બંગડી આકારની પાર્લામેન્ટમાં પુરી દેવાઇ છે.

 મારી પાસે મત છે  લોકશાહી નથી."

 ભુખ્યાં તરસ્યાં લોકોની ખાલી થાળીઓની ઉઠાંતરી કરી

 ભક્તો થાળીઓના મંજીરા બનાવી લોકશાહીના ભજનો ભસી રહ્યા છે.

"ગાયને અમે ખાતા નથી

 હા, પણ ગૌચર જમીન અમે  ભચડક ભચડક ચાવી જઇએ છીએ "

 " શું અંધકારનાં પણ ગીત ગવાશે? હા! અંધકારમાં અંધારાનાં યે ગીત ગવાશે." – સરુપ ધ્રુવ. 

કલાને સામાજીક નિસ્બત હોવી જોઇએ એ વાત ઘુંટાતી ચાલી અને સાથે સાથે  સમાજ પરિવર્તન માટે કંઇક કરવું જોઇએ એ વાત પણ દ્ર્ઢ બનતી ગઇ.

 હું ગુના વગરનો ગુનેગાર છું,

મેં લોક સરઘસની આગેવાની કરતું ,

ભડભડતી મશાલનું ચિત્ર દોર્યું

 હું ગુના વગરનો ગુનેગાર છું,,,,,

મધરાતે મધરાતે અંધારે,

આંખ કશું ભાળી શકતી ન હતી ,

ત્યારે  કોયલના ટહુકામાં મેં ક્રાંતિનું ગીત જોયું,

 હું ગુના વગરનો ગુનેગાર છું...

 ઘરમાં ચારેય બાજુ, પુસ્તકો છાપાં ને  પત્રિકાઓના  ઢગલા

ને મા સરસ્વતીદેવીના મૂર્તિ કે ફોટા એકે ય નહી,

 હું ગુના વગરનો ગુનેગાર છું.

પોલીસ પૂછે છે :

 ઘરમાં તેત્રીસ કરોડ દેવ દેવીઓ માંથી એકે ય ના ફોટા કેમ નથી?

કોટ ટાઇવાળા આંબેડકર ને દાઢીવાળા દાદા માર્કસના ફોટા કેમ છે?

હું ગુના વગરનો ગુનેગાર છું.

 હું અંતહીન મુક્ત માનવસાંકળમાં હાથમાં હાથ પરોવી ઉભો છું.

 હું ગુના વગરનો ગુનેગાર છું. ( ૨૮મી ઓગસ્ટ ૨૦૧૮, વડાપ્રધાનને ખતમ કરવા માટેના કાવતરાખોર ગણાવી દેશભરમાં માનવ અધિકાર માટે ઝઝુમતા  કેટલાક કર્મશીલો– કવિ,પત્રકાર વકીલની ધરપકડ કરાઇ..)

  છે ! મારી પાસે છત્રી છે... વરસાદ નથી..

 મારી પાસે બીજ છે  ખેતર નથી,

 મારી પાસે સુરજ છે આકાશ નથી..

 મારી પાસે મત છે લોકશાહી નથી.

 ડ્રાઉ ડ્રાઉ.  વિજ્ઞાનની પ્રયોગશાળામાં..

 ટેબલની ફરતે ઉભા રહી વિધ્યાર્થીઓ.

ટેબલ પર ખોલીને મુકેલા  દેડકાનું હ્રદય અને મગજ સમજી રહ્યા હતા.

 ત્યાં તો કુવામાંના દેડકાઓએ..

 ટેબલને, વિધ્યાર્થોઓને ઘેરી વળી ડ્રાઉ ડ્રાઉ મચાવી મુક્યું,

 ધાર્મીક લાગણી ડ્રાઉ ડ્રાઉ, જીવ હીંસા ડ્રાઉ ડ્રાઉ,

અને પ્રયોગશાળાનું ટેબલ કાયમ માટે  ઉંધુ પાડી દીધું..

 દીવો.. ઘોર અંધારા .. નથી એની પાસે  તણખો, નથી તેલ,

 કે નથી દિલેરી આગ, ને નથી દિલેરી દાઝ..

હાથમાં દિવેટનાં દોરડાં પકડી દોડયા કરે

 ચારે કોર, ચારે કોર, ડાકલાં ડાકલાં  પડકાર્યા કરે છે:

  મેં દિવો કર્યો, મેં દિવો કર્યો..

 વધુ  સંપર્ક માટે – પુસ્તકનું નામ– મને અંધારા બોલાવે– લેખક–પ્રકાશક. મનીષી જાની, કુલ પાનાં ૧૫૦. સરનામુ– ૨૪/ ૨૪૯, પરિશ્રમ એપાર્ટમેંટ, વીમાનગર પાછળ, સેટેલાઇટ, અમદાવાદ ૩૮૦૦૧૫. મો. 94270 10011. manishijani@hotmail.com      

 


--