Wednesday, March 2, 2022

મોદીજી, આંતરરાષ્ટ્રિય સલામતી સમિતિમાં, ...

 

    મોદીજી,

     આંતરરાષ્ટીય સલામતી સમિતિમાં, ભારતની મતદાનમાંથી ગેરહાજરી ગુનાહિત, અમાનવીય અને અક્ષમ્ય છે.

(1)             મોદીજી, દેશના વડા તરીકે તમે સ્વીકારો છો ખરા કે રશિયા જેવા એક અતી –આધુનીક શસ્રોથી સજજ રાષ્ટ્રે એક નાના સરખા સાર્વભૌમ પડોશી દેશ યુક્રેન પર ભયંકર લશ્કરી હુમલો, કે આક્રમણ, અને તે પણ તેની ભુમીમાં જઇને કર્યો છે?

(2)             મોદીજી, તમને માહિતી છે ખરી કે સમગ્ર વિશ્વના આશરે ૨૦૦ કરતાં વધારે સાર્વભોમ રાજ્યોમાંથી ફક્ત રશિયા સિવાય ત્રણ દેશો, એક ચીન,બીજું પાકિસ્તાન અને ત્રીજું ભારત, સદર નગ્ન આક્રમણખોર રશિયા સાથે છે?

(3)             મૌદીજી, શું એ હકીકત છે કે યુક્રેનના પ્રમુખે વી.ઝેલેન્સકી પોતાના રાષ્ટ્રની આવી સ્થિતિમાં તમને ફોન કરીને વિનંતી કરી હતી કે, મોદીજી, તમે યુનો સલામતી સમિતિના મતદાનમાં ગેરહાજર ન રહેશો.અને રશિયા વિરૂધ્ધ મતદાન કરજો?

(4)             મોદીજી, તમે તો મહાભારતની નૈતીકતાનું પુનરાવર્તન કર્યુ. કેવી રીતે? કૌરવોની મહાસભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે  ભિષ્મપિતામહ અને દ્રોણાચાર્ય જે નિર્ણય લીધો હતો , તેવી જ નૈતીકતાને તમે અનુસર્યા. આવી હિંદુત્વવાળી નૈતીકતા તમને મુબારક!  વૈશ્વીક જગત તેને સ્વીકારતું નથી.

(5)             મોદીજી, તમને સારી રીતે માહિતી છે  કે આપણા દેશના ૨૦,૦૦૦ દુધમલીયા યુવાનો અસંખ્ય જોખમ  ખેડીને ( તમારા ગુજરાત મોડેલ, આત્મનિર્ભર મોડેલ, વિશ્વગુરૂ મોડેલમાં અવિશ્વાસ રાખીને) યુક્રેનની મેડીકલ કોલેજોમાં ભણે છે અને તે બધાના જાન જોખમમાં છે. ભારતે યુનોની સલામતી સમિતિના મતદાનમાંથી ગેરહાજર રહીને  કયા રાષ્ટહિતનું રક્ષણ કર્યુ? કર્ણાટકનો એક વિધ્યાર્થી તો ત્યાં  હમણાં જ બોમ્બમારમાં મૃત્યુ પામ્યો છે.પુટિનને ફોન તો કરો આ મુદ્દે હિંમત હોય તો?

(6)             ચીને તો સલામતી સમિતિમાં ગેરહાજર રહેતાં પહેલાં પોતાના ઠરાવમાં શબ્દો વાપર્યો છે ' અમે તમામ દેશોની રાષ્ટ્રની સીમાઓને સ્વીકારીએ છીએ ' ( Territorial Integrity) ભલે રશિયાની સીમાઓના સંરક્ષણના પ્રશ્નો હોય તેમછતાં પડોશી દેશના પર આક્રમણ ન થાય.

(7)             મોદીજી, દેશમાં ગાયના રાજકારણને દોહવાથી ભલે સત્તાનો માર્ગ મોકળો થાય પણ આંતરરાષ્ટ્રીય જગતમાં Holier than cow  (Nuances)અનિષ્ટ લેખાય છે. આ લખાણ તૈયાર કરુ છું ત્યારે સમાચાર મલે છે કે ભારતના કેન્દ્ર સરકારના મંત્રીઓ પોલેન્ડ અને રોમાનીયા દેશોની સરહદો પર યુક્રેનમાંથી જીવ બચાવવા પહોંચી ગયેલા વિધ્યાર્થીઓને  ભારત લાવવા રવાના થયા છે.  

(8)             મોદીજી, આપણાથી યુનોની સલામતીમાં એટલું તો ચોક્કસ કહી શકાતું કે ભાઇ! અમે એક દેશ તરીકે દરેક દેશોની કાયદેસરની સરહદોને સ્વીકારીએ છીએ. તેમજ યુનોના ચાર્ટર અને તેની આંતરરાષ્ટ્રીય  કોર્ટ ઓફ જસ્ટીસની સર્વોપરીતાને પણ સ્વીકારીએ છીએ. બીજી એક હકીકત છે કે રશિયા, પોતાની સામેના ઠરાવમાં  વીટો તો વાપરવાનું જ હતું. તો આપણે શા માટે કોઇના વર બાપ બનવાની જરૂર હતી?

(9)             આજે વૈશ્વીક કક્ષાએ પુટિનના એક જ પગલાએ તેને એકલો અટુલો કરી દીધો છે.અને નૈતીક રીતે તેનું અધપતન થઇ ગયું છે. સામે પક્ષે યુક્રેનનો પ્રમુખ વી. ઝેલેનસ્કી એકલે હાથે વિશ્વ હીરો બની ગયો છે. સમગ્ર જગતના દેશો તેની પડખે ઉભા રહી ગયા છે. ત્યારે મોદીજી! તમારા યુનોના ઠરાવમાં ભારતની ગેરહાજરીનું શું મહત્વ છે?

(10)        રશિયન– યુક્રેન યુધ્ધને લીધે ખાસ કરીને પશ્ચીમી દેશો કેવી ઝડપથી પોતાના નિર્ણયો લઇ રહ્યા છે તેની અસરો કેટલી ગંભીર અને વ્યાપક બની રહી છે તે આપણા દેશ માટે સમજવાની તાતી જરૂર છે.

(11)         સ્વીત્ઝ્રલેંડે એક દેશ તરીકે નક્કી કર્યું છે કે પોતાના દેશની કોઇ બેંક રશિયન ખાતેદારોને  તેનાં નાણાં ઉપાડવા નહી દે. અત્યાર સુધી આ દેશનો ઇતિહાસ હતો કે તેની બેંકો પોતાના ખાતેદારોની કોઇ વિગતો કોઇને જાણવા દેતી નહતી. પહેલી વાર તેણે રશિયાના મુદ્દે પોતાની તટસ્થા પર પુર્ણવિરામ મુકી દીધું છે.

(12)        આજે સોમવારે અમેરીકાનું નાણાંકીય બજાર ખુલે તે પહેલાં એક તરફી અત્રેની સરકારે જાહેર કરી દીધું છે કે " રશિયાની સેન્ટ્રલ બેંક અમેરીકામાં મુકેલા ડોલર કરન્સીમાં મુકેલાં નાણાં ઉપાડી શકશે નહી. અમેરીકા સ્થિત રશિયન મિલકતો નું હસ્તાંતર કે ટ્રાન્સફર પર પ્રતિબંધ." US announces new sanctions against Russian Central Bank; ( સૌ. યુ એસ ટે ડે દૈનીક)

(13)        એક સમયના રશિયાના વડાપ્રધાન દોમિત્રિ મેદવેદેવ પુટિનને ચેતવણી આપતા ગંભીર રીતે જણાવ્યું છે કે પશ્ચીમી જગતનો રશિયાનો નાણાંકીય અને  આર્થીક નાકાબંધી  ક્યારે વાસ્તવીક યુધ્ધ્માં ફેરવાઇ જશે તેની તમને ખબર પણ નહી પડે.

(14)         જે રીતે ઝડપથી યુક્રેન– રશિયા યુધ્ધ  એક સરહદી યુધ્ધ માંથી ક્યારે પશ્ચીમી લોકશાહી વિરૂધ્ધ પુટિન સરમુખ્તયારશાહીમાં રૂપાંતર થઇ જશે તે કહેવું સરળ નથી પણ અસંભવ બિલકુલ નથી.હિટલરે પોતાના યુધ્ધના શરૂઆતના સને ૧૯૩૯ ના દિવસોમાં ઘડિયાળના કાંટે –કલાકો અને મિનિટો પ્રમાણે યુરોપના દેશોને પોતાની એડી નીચે લાવતો હતો. એક જ દિવસમાં લંડન પર હજારો બોમ્બ હવામાંથી  વરસાવતો હતો. ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિનસ્ટન ચર્ચિલે પોતાના પહેલા વાયુજોગ પ્રવચનમાં કહ્યું હતું  " Retreat Retreat & Retreat, unless you are sure of victory .  England wants nothing else from its citizen but  blood , toils and tears." જ્યાંસુધી આપણને યુધ્ધમાં વિજયી બનવાનો પુરેપુરો વિશ્વાસ ન હોય ત્યાંસુધી આયોજન પુર્વકની પીછે હઠ તેને યુધ્ધનો ભાગ સમજવો.અને ત્યાં સુધી મારા દેશની પ્રજા પાસે  ફક્ત શહીદોના શબો, વિધવઓના આંસુ અને સખત પરિશ્રમ સિવાય બીજા કશાની અપેક્ષા નથી.

(15)        યુક્રેનના પ્રમુખ વી. ઝેલેન્સકીએ યુરોપીયન યુનીયનના ૨૭ દેશો સમક્ષ જે  જીવંત વિડીયો પ્રસારણ કર્યુ તેના હાર્દને સમજીએ. "

Prove that you are with us,' Zelenskyy tells European leaders in emotional address

 તમારા કાર્યોથી સાબિત કરો કે તમે બધા મારા દેશ સાથે છો. '  પ્રકાશનો વિજય ફરી અંધારા પર ચોક્કસ થશે. " Light will win over darkness."  અમે અમારી જન્મભુમીના રક્ષણ કાજે અને સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. આજે પુટિનની સેનાએ અમારા તમામ શહેરોને ચારે બાજુથી ઘેરી લીધા છે. પણ અમારી આઝાદી અને સાર્વભૌમત્વને કોઇ છીનવી લઇ શકશે નહી. તમે બધા અમારી પ્રજાને પેલા નરસંહારકોના હવાલે રેઢા નહી મુકી દો ને?. ચાલો આપણે સાબીત કરીએ કે આપણે સૌ યુરોપીયન છે. જીંદગીનો વિજય મૌત સામે ચોક્કસ થશે . અંધારા જશે અને અજવાળાં આવશે જ.  હાલમાં તો મારા દેશના સર્વોત્તમ શક્તિશાળી યુવાનોએ, નાગરીકો વિ .એ છેલ્લા પાંચસો વર્ષોથી ફ્રાંસ ક્રાંતી અને રેનેશાં યુગે  યુરોપીયન પ્રજાને વારસમાં આપેલા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યોના સંરક્ષણ કાજે જાનફેસાની બાજી લગાવી દીધી છે. તમારે નક્કી કરવાનું છે કે તે વારસાને બચાવવો છે કેમ?  " સદર ટુંકા પ્રવચનના એક એક શબ્દે શબ્દને આ ૨૭ દેશોના વડાઓએ  ઉભા થઇને, તાળીઓ અને લાગણી વિભોર બનીને  સ્વાગત કર્યું હતું.  

 

 


--