Sunday, February 26, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

 

 

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે, કે જે વૈજ્ઞાનીક સત્ય પર આધારીત છે.ભાગ–૧.

     વૈજ્ઞાનીક સત્ય હંમેશાં સંબંધિત(Relative truth not absolute truth)હોય છે. તે સત્ય કાયમી, એકપક્ષી કે કોઇ અધિકૃત સત્તા, વ્યક્તિ કે ગ્રંથ વિ પર ક્યારે અવલંબિત હોતું નથી. નવી માહિતી અને સંશોધનોથી વૈજ્ઞાનીક સત્યમાં કાયમી વધારો ઘટાડો થયા જ કરે છે. જો તત્વજ્ઞાનની વિચારસરણીમાંથી વૈજ્ઞાનીક અભીગમની બાદબાકી કરી નાંખવામાં આવે તો તે તત્વજ્ઞાન ફક્ત ધર્મ બની જાય છે. માટે તે સત્ય પછી બંધિયાર, અસહિષ્ણુ અને અપરિવર્તનશીલ બની જાય છે. ધાર્મિક સત્ય હંમેશાં એકહથ્થુસત્તાનું પોષક વ્યક્તિકેન્દ્રી હોય છે. જ્યારે વૈજ્ઞાનીક સત્ય હંમેશાં જ્ઞાન આધારીત, વાસ્તવિક અને વ્યક્તિગત અભિપ્રાયથી મુક્ત હોય છે.વૈજ્ઞાનીક સત્યની કાયમી સંશોધન વૃત્તીથી માનવીએ કુદરતી પરિબળો સામેના સંઘર્ષમાં સતત વિજય મેળવીને અન્ય સજીવોની સરખામણીમાં પોતાની જીંદગી ભૌતીક રીતે સુખી અને સમૃધ્ધ બનાવી છે.

માનવી પૃથ્વી પરના તમામ સજીવોના સંઘર્ષોમાં છેલ્લો આવેલો કે ઉતક્રાંત થયેલો સજીવ છે. પરંતુ એક સજીવ તરીકે માનવીનું નાભી–નાડ જોડાણ એકકોષી જીવ અમીબાથી શરૂ થયેલું છે. જે માનવીના સહોદર ગોરીલા, ચીમ્પાનઝી, ઉરાંગઉટાંગથી માંડીને 'હોમોસેપીયન્સ' સુધીના બહુકોષી જીવો સુધીના તેના તમામ જૈવીક જોડાણોની સાંકળ અતુટ અને કડીબધ્ધ ભૌતીક પુરાવા આધારીત અકબંધ છે. માનવવાદી (વૈજ્ઞાનીક)વિચારસરણીનું પ્રથમ તારણ છે કે માનવી સજીવ ઉત્ક્રાંતીની  પરિણામ છે. બાયબલ, કુરાન કે ગીતા સર્જીત કોઇપણ ધર્મપુસ્તકો અને તેના સર્જકો આધારીત ઇશ્વરી સર્જનનું પરિણામ નથી. પોતાના પુરોગામી સજીવ જીવોના સંઘર્ષોમાંથી વારસાગત રીતે જે આનુવંશિક લક્ષણો પોતાની જીજીવિષા ટકાવી રાખવા પ્રાપ્ત થયેલા છે;(દા.ત આંખ. નાક, કાન, ચામડી, જીભ વિ.) તે બધાની મદદથી પોતાનું ભૌતીક અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મેળવી છે.

માનવવાદને સમજવા સૌ પ્રથમ ખુબજ ટુંકમાં માનવીના પૃથ્વીપરના આગમન પહેલાંનો ભૌતીક ઇતીહાસ સમજી લઇએ.

(1)     બીગબેંગ મહાવિસ્ફોટને કારણે સુર્યમાંથી અન્યગ્રહોની માફક છુટા પડેલા ગ્રહોમાં પૃથ્વીનો એક ગ્રહ તરીકે જન્મ આશરે પાંચ અબજ વર્ષ જુનો છે. પૃથ્વી પર મળેલ અશ્મીઓને આધારે એવા પુરાવા મલ્યા છે કે પ્રથમ એક કોષી સજીવની ઉત્પત્તી એક અબજ વર્ષની આસપાસ થયેલી હતી. બીજા અર્થમાં એમ તારણ કઢાય કે પૃથ્વીના જન્મ પછી એક કોષી સજીવને જન્મ પામતાં પૃથ્વી પર ચાર અબજ વર્ષ નીકળી ગયા હતા.

(2)     આજના પૃથ્વી પરના વાતાવરણ કરતાં તે સમયનું વાતવારણ બીલકુલ જુદુ જ હતું. તે સમયગાળામાં પૃથ્વી પરના વાતવરણમાં પ્રાણવાયુ(ઓકસીજન)જ ન હતો. પૃથ્વીપરનું વાતાવરણ અને સમુદ્રનું વાતાવરણ આજના પ્રમાણમાં ઘણું ગરમ હતું. તે વાતાવરણ હાઇડ્રોજન, મીથેલ અને અમોનીયાના વાયુઓનું બનેલું હતું. પૃથ્વી પર સુર્યના અલ્ટ્રાવાયેલેટ કીરણો સીધા પડતા હતા. આજે જે ઓઝોન(O3)નું પૃથ્વી પર વીસ માઇલનું જે પડ છે તે સમય ન હતું. તે સમયે પૃથ્વી પર વનસ્પતીનો જન્મ જ થઇ શકે તેવું વાતાવરણ જ શક્ય નહતું. વૈજ્ઞાનીકોના મતે તે વાતાવરણમાં એકકોષી જીવોના પુરોગામી જેવા જટિલ કાર્બન પરમાણુ અસ્તીત્વમાં આવ્યા હતા. હાઇડ્રોજન, મિથેલ ને એમોનીયાના વાયુઓ  જે બધા નિર્જીવ (Non- Organic elements))સંયોજનો હતા તેમાંથી જટિલ કાર્બન પરમાણુઓ બન્યા હતા. આજે તેવાજ નિર્જીવ વાયુઓ એકત્ર કરીને પ્રયોગશાળામાં જટિલ કાર્બનપરમાણુઓ બનાવવામાં વૈજ્ઞાનીકો સફળ થયા છે.

(3)    સદર જટિલ કાર્બન પરમાણુઓ એક કોષી જીવોના લક્ષણો ધરાવતા હોવાથી સ્વપ્રજોપ્તિ (Autocatalysis) ઉત્પ્રેરણ સહાયક્રીયા કરી શકતા હતા. જેમાંથી પ્રથમ સજીવ જીવ જન્મ પામ્યો હતો. પણ નિર્જીવમાંથી સજીવ બનવાની ક્રીયા પૃથ્વી અને સુર્ય વચ્ચે નડતરરૂપ કે મદદરૂપ(!) વિકાસ પામેલા ઓઝોનના વીસ માઇલ પડને કારણે અલ્ટ્રાવાયેલેટ કીરણો પૃથ્વી પર આવતા કાયમ માટે બંધ થઇ ગયા. પણ સદર વાતાવરણે નાના વનસ્પતીના છોડ અસ્તીત્વમાં આવ્યા જેણે પોતાની શ્વાસોચ્શ્વાસમાં પ્રાણવાયુ બહાર કાઢયો જેનાથી લાંબેગાળે ૨૦ માઇલનું લાંબુ પહોળું ઓઝોનનું પડ બન્યુ હતું. ક્રમશ તેમાંથી શ્વાસોચ્શ્વાસ આધારીત સજીવો ઉત્ક્રાંત થયા હતા.

(4)    ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–નિર્જીવમાંથી સજીવ કેવી રીતે પેદા થયો તે હકીકત સમજ્યા પછી ચાર્લસ ડાર્વીને સને ૧૮૫૯માં પોતાના પુસ્તક 'ઓરીજન ઓફ સ્પીસીસ એન્ડ પ્રીન્સપલ ઓફ નેચરલ સીલીકેશન' પુસ્તકમાં દરેક સજીવ જાતિ–પ્રજાતિમાં કેવા ફેરફારો થયા તે કુદરતી પસંદગીના સિધ્ધાંતને આધારે પુરેપુરા ભૌતીક પુરાવા સાથે સમજાવ્યુ છે.દરેક સજીવો પોતાના જીવ ટકાવવા કે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાં( Struggle for existence & survival of the fittest) રોકાયેલા છે તે સમજાવ્યુ છે. સદર સંઘર્ષમાં દરેક સજીવે કુદરતી ભૌતીક વાતવરણને અનુકુળ કેવી રીતે પોતાના શરીરમાં ફેરફાર કરવા પડે છે અથવા વાતાવરણને અનુકુળ થવું પડે છે તે સમજાવ્યું છે.

(5)    ડાર્વીનના સમકાલીન જીવશાસ્રી ગ્રેગા મેન્ડલે ડાર્વીનની ખુટતી કડી  દરેક સજીવ વારસાગત રીતે પોતાના મા–બાપોના આનુવંશીક લક્ષણો ને રંગસુત્રો દરપેઢી દીઠ કેવી રીતે ફેરફારો સાથે(Mutations &Adaptions) આગળ લઇ જાય છે તે સમજાવ્યું છે. ડાર્વીનનું તારણ હતું કે તમામ ઇન્દ્ર્યજન્ય અંગો જેવાકે આંખ, નાક, કાન વિ. ઉપરાંત તે બધાના સંદેશાઓનું પૃથ્થકરણ કરતી, સજીવના મગજમાં વિકસતી વિચાર શક્તિની ક્રીયા વિ. કુદરતી પસંદગીના સિધ્ધાંત તેમજ પેઢી દર પેઢી સજીવોમા થતા ફેરફારોનું જ પરિણામ છે. ભુખ અને પ્રજોપ્તિ માટેની જાતિય ઇચ્છા દરેક સજીવની જીજીવીષા ટકાવી રાખવાની પ્રબળ ઇચ્છાઓનું પરિણામ છે.

(6)    સને ૧૮૭૧માં ડાર્વીને બીજુ પુસ્તક બહાર પાડયું હતું. તેનું નામ છે 'ધી ડીસેન્ટ ઓફ મેન'. સદર પુસ્તકમાં ડાર્વીને માનવની ઉત્પત્તી અન્ય સજીવોની માફક જ પણ વધારે વિકસીત સજીવો કોષોમાંથી ઉત્પન્ન કેવી રીતે  થઇ તે વિગતે સમજાવ્યું છે. ડાર્વીને મનુષ્યના ગર્ભની પ્રાથમીક અવસ્થામાં કેટલી બધી સામ્યતા અન્ય પ્રાણીઓ જેવાકે કુતરૂ, સસલુ, વિ ના ગર્ભઓ સાથે છે તેના પુરાવા આપ્યા છે. જેનો ફોટો અત્રે નીચે આપેલ છે. આમ માનવી કેવી રીતે અન્ય સસ્તન પ્રાણીઓમાંનોજ એક પૂર્વગામી( A common Progenitor) સહોદર છે તે ડાર્વીને પુરાવા સાથે સાબિત કર્યું છે. ડાર્વીને માનવીનું સર્જન ઇશ્વરી નથી એવું આઘાતજનક બીજું તારણ કાઢયું છે. તમામ વનસ્પતીમાંનું હરીત દ્રવ્ય( Green Chlorophyll of plants)અને માનવીના શરીરનું લાલ લોહીના રૂધિરકોષો( Red hemoglobin of human blood) બંને રાસાયણિક પિતરાઇ(Chemical cousins) છે.બંનેના કાર્યો સજીવ તરીકે એક જ છે.

(7)    અંતમાં ડાર્વીને સાબિત કરી દીધું કે કાળા માથાનો માનવી, દરેક સજીવોની માફક જ કુદરતનો એક ભાગ જ છે.( The man is the part of Nature nothing more & nothing less.) પરંતુ ડાર્વીને એ પણ તારણ કાઢયું છે કે માનવી અન્ય નજીકના કે દુરના સજીવોની સરખામણીમાં ભાષા અને માનવ મગજના વિકાસમાં વધુ વિકસેલો હોવાથી તેણે  કુદરતી પરિબળોની અસરોનો જે અન્ય સજીવો આંધળા ભોગ બને છે તેમાંથી કેવી રીતે મુક્તિ મેળવી છે તે પણ સમજાયું છે. હવે માનવ ઉત્ક્રાંતિ જૈવીક નથી રહી. પણ સામાજીક, સાંસ્કૃતીક અને માનસીક છે. આ હકીકતે આપણે માનવ સ્વભાવ એક કુદરતનો ભાગ છે તેને આધારે માનવ પ્રશ્નો ઉકેલવાના સાધનો શોધવાના છે. વધુ આવતા અંકે ભાગ–૨માં.


--