Monday, February 27, 2023

માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

 

                     માનવવાદ એક એવી તત્વજ્ઞાનની તરાહ છે– ભાગ–૨.

અમારા પ્રથમ લેખમાં એ સાબિત કરવાની કોશીષ કરવામાં આવી હતી કે  'માનવવાદ'ની વીચારસરણી વૈજ્ઞાનીક છે.પુરાવા આધારીત છે. જેના પુરાવા સાબિત થઇ શકે તેમ છે. તપાસી શકાય છે. ઇન્દ્ર્યજન્ય છે.માટે તે ભૌતિકવાદી(Materialism)છે.પણ આધ્યાત્મવાદી નથી. તેથી તે ઇશ્વરપ્રેરીત બિલકુલ નથી.તે કોઇ પરલોકવાદી વીધ્યા બિલકુલ નથી.

(1)    માનવવાદ એક ભૌતીકવાદી તત્વજ્ઞાન હોવાથી તેમાં આત્મા અને શરીર જેવા દ્વંદને અસ્વીકાર્ય ગણવામાં આવે છે. શરીરમાં કોઇ આત્મા જેવા અશરીરી એકમના અસ્તીત્વ તે નકારે છે.આત્માના અસ્તિત્વને વૈજ્ઞાનીક પુરાવાનો કોઇ આધાર કે સાબિતી નથી. માનવ મગજ એ માનવ શરીરનો એક બીજા શરીરના અંગો જેવા કે હ્રદય, ફેફસાં,મુત્રપીંડ, આંખ. પાચનતંત્ર જેવો અનિવાર્ય ભાગ છે. માનવ મગજ શરીરના અસ્તિત્વ સાથે સંકળાયેલુ છે. શરીર મૃત્યુ પામતાં તમામ અન્ય અંગોની માફક તે પણ કામ કરતું બંધ થઇ જાય છે. માનવ મન(Human Mind) તે માનવ મગજની પેદાશ છે. જે અગાઉ જણાવ્યા પ્રમાણે શરીરના અન્યભાગોની માફક તે પણ શરીરનો એક ભાગ છે.આમ માનવવાદી વિચારસરણીમાં શરીર અને આત્માના દ્વંદનો સંપુર્ણ અસ્વિકાર કરવામાં આવે છે. માનવવાદી વિચારસરણીએ જૈવીક ઉત્ક્રાંતીની વાસ્તવિકતા પર આધારીત હોવાથી તેની સાંકળમાં કોઇ જગ્યાએ કે સ્થાનમાં આત્માની ઘુસણખોરી કે પ્રવેશની સાબિતી નથી.

(2)    માનવ શરીર અન્ય પ્રાણીઓના શરીરની માફક ફલીનીકરણ પામેલ એક કોષમાંથી(A single fertilized cell) વિકાસ પામે છે. એક કોષમાંથી અનેક કોષો નવા સતત બનતા જાય છે. પણ આત્મા જેવો કોઇ કોષ અસ્તિત્વ ધરાવતો નથી. જે કાયમી જે તે નિશ્ચિત સ્વરૂપમાં, વધ્યાઘટયા સિવાય શરીરમાં જીવતો રહેતો હોય!. માનવ મગજમાં જે અસંખ્ય કોષો અસ્તિત્વ ધરાવે છે તેની યાદશક્તિ ( Memory) બનેલી છે.માનવ મગજ માનવ શરીર સાથે જ નાશ પામે છે.પછી  તેમાં કોઇ સભાનતા કે ચેતના બાકી રહેતી નથી.(The mind dies with the body & no consciousness can be left behind.)

(3)    આત્માના સ્વતંત્ર અસ્તીત્વનો ખ્યાલ કેમ હજુ આટલી બધી વૈજ્ઞાનીક સાબિતીઓ પછી પણ ચાલુ રહે છે? માનવવાદી અભિગમ મુજબ આપણે એ સ્વીકારવા તૈયાર નથી કે માનવ વ્યક્તીત્વ માનવ મૃત્યુ સાથે જ ભુંસાઇ જાય છે!. આમ તો આત્માનું અસ્તિત્વ શરીરમાં હોય કે નહી તે માનવવાદી માટે બિલકુલ મહત્વનો મુદ્દો નથી.

(4)    પણ તકલીફ એ છે ' ચોર( એટલે આત્મા) સિપાઇ( એટલે બિચારું શરીર) ને દંડે છે'. આત્માના ઉધ્ધાર માટે, તેના કલ્યાણ માટે બ્રહ્મચર્ય પાળો, ઉપવાસ કરો, શરીર પર માનવ બુધ્ધીથી વિચારવામાં એટલા દમન શરીર પર કરો. તે બધા ત્યાગ, દમન અને ઉપવાસ કરનારાને પુજનીય ગણીને વાજતેગાજતે તેમનું સ્વાગત કરો! આખરે એવો દંભી સમાજ, ધર્મ અને વ્યવસ્થાઓ ઉભી કરો જે આત્મા–પરમાત્માની માયાજાળમાં લોકોને કાયમી ડુબાડી રાખે. ખરેખર દરેક માનવીને સમતોલ જીંદગી જીવવી છે. તેને આત્માની મુક્તિ– મોક્ષ માટે શરીરને જીવનભર ડગલે ને પગલે શીક્ષા આપવાની જરૂર બિલકુલ નથી.

(5)    ઇશ્વર અને ધર્મમાં માનવી કેમ વિશ્વાસ રાખે છે? જીવનની અચોક્કસતાઓને કારણે માનવીને ઇશ્વર નામના તરણાનો હાથ પકડવાથી બચી જવાશે તેવો ભ્રામક ખ્યાલ વિકસેલો છે. માનવકેન્દ્રી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા જો માનવીને જન્મથી માંડીને કબર સુધીની તમામ ભૌતીક સલામતી પુરી પાડે તો પછી આપોઆપ બિલાડીના ટોપની માફક ઠેર ઠેર નીકળી પડેલી ઇશ્વર અને ધર્મની દુકાનોને તાળાં વાગી જશે.પશ્ચીમના દેશોમાં બિનઉપયોગી થઇ ગયેલા ખ્રીસ્તી ધર્મસ્થાનો, ચર્ચો, દેવળો વિ. ને ખરીદનારી પ્રજા હિંદુઓ ને મુસ્લીમો છે!. વધુ ભાગ–૩માં ' માનવવાદી વિચારસરણી કેવી રીતે ભૌતીકવાદી છે તે સમજાવશે!.

 


--