Thursday, April 13, 2023

તસલીમા નસરીનના માનવવાદી મુલ્યો આધારીત યથાર્થ સંઘર્ષ– ભાગ–૪.

તસલીમા નસરીનના માનવવાદી મુલ્યો આધારીત યથાર્થ સંઘર્ષ– ભાગ–૪.

નવલકથાનું નામ " ફ્રેન્ચ લવર"

તસલીમાએ ૨૦૦૧માં પોતાની બીજી નવલકથા' ફ્રેન્ચ લવર' બંગલા ભાષામાં પ્રકાશીત કરી હતી.  શ્રીજત ગુહાએ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને પેગ્વીન બુક્સે પ્રકાશીત કરી. નવલકથાના મુખ્યપાત્ર નીલજંના આત્મીય પ્રેમ અને મુક્તિની ખોજ માટે ફ્રાન્સના પાટનગર પેરીસની એક  મોટેલના બંગાલી માલિક ' કિશનબાબુ' સાથે લગ્ન કરી પેરીસમાં આવે છે. પેરીસની લક્ઝરીને વ્યાજબી ઠેરવે તેવો પોશએરીયામાં વિલાસી એપાર્ટમેંટ આ કોલકત્તાના બંગાલીબાબુનો હતો. નીલ ને મન તો તે સોને મઢેલા પાંજરાથી વિશેષ ન હતો. તેમાં ન હતો સખાપણાનો ભાવ કે નહતી ઉષ્મા! તેનું લગ્નજીવન લાગણીવિહીન અને ગૃહજીવનથી વંચિત હતું. તેના બે લક્ષણો હતા, એક ગળાડુબ ગૃહીણીની ફરજો અને બીજું યાંત્રિક જાતીય સુખ. તે પ્રેમીકા પણ ન હતી અને અર્ધાંગિની પણ ન હતી. પણ તે કિશનબાબુ માટે 'સેક્સ ઓબજ્ક્ટ' ચોક્કસ હતી. તેણીની અસંતુષ્ટ ઇચ્છાઓએ સર્જન કરેલ ઉદાસીનતા ને વર્તમાન જીવનને પેદા કરેલ અણગમામાંથી મુક્તિ માટે 'કોઇ સેફ્ટી વાલ્વ' ની જરૂર હતી.

 આવા સંજોગોમાં બને છે તેમ એક નામે બેનોર દુપોન્ટ, યંગ, નીલી આંખોવાળો બ્લોન્ડ ફ્રેન્ચમેનના પ્રેમમાં નીલ પડી જાય છે. બેનોરની મૈત્રીમાં નીલ મુક્તી અને પ્રેમાળ હુંફની મઝા માણે છે.બેનોર નીલને પેલી કાયમી અપરિચીત રહેલી પેરીસની શેરીઓ,કેફે, આર્ટ ગેલેરી અને મ્યૂઝીયમોનો ઘનિષ્ઠ પરિચય કરાવે છે. નીલને તો જાણે તેણીએ નવેસરથી કોઇ નવાગ્રહ પર નવું જીવન શરૂ કર્યું. ઉદ્દામ જાતિયમુક્તિ કોને કહેવાય તેને અહેસાસ બેનોરના જીવંત સાનિધ્યે નીલને આપ્યો. નીલ ખુબજ ટુંક સમયમાં પારખી ગઇ કે બિનોરનું વ્યક્તિત્વતો આત્મરતિવૃતિ(Narcissistic Attitude)વાળું છે. બિનોર પણ જાણે ફક્ત પુરૂષ જ છે. બિનોરનીવૃતિ બંગલા દેશી પુરૂષપ્રધાન સમાજ અને તેનાથી બનેલ સમાજથી જુદી નહતી. સ્રી એટલે લગ્ન કરવાનું સાધન, મિલકત અને એક તરફી તલાક. લિંગભેદ, રંગભેદ, વર્ણભેદ વિ. ને જાણે કોઇ રાષ્ટ્રીય સીમાઓ હોતી જ નથી.

તસલીમા આક્રોશ સાથે લખી નાંખે છે, " શું તમે જન્મ સાથે મળેલ ચામડીનો રંગ,વર્ણ કે જાતી જેવા ભૌતીક લક્ષણોથી મુક્ત માનસિકતાથી જીવી શકો જ નહી? માનવીને તેના બૌધ્ધીક સદ્રગુણોને આધારે તેની સાથે વ્યક્તિગત અને સામાજીક સંબંધોથી શું જીવી ન શકાય? બીજું ધાર્મિક સત્તાઓએ અને અંધશ્રધ્ધાને કારણે વિકસેલા પુર્વગ્રહો મુક્ત રેશનાલીટીના આધાર પર નાગરિક વ્યક્તિગત અને સામજીક જીવન શું જીવી ન શકે? આ વિશ્વમાં કોઇ એક જાતિ હોય તો તે 'માનવજાતી' છે.( There can be only one race in the world, the race of "Humanist" who can think rationally and act emotionally.") તસલીમા લખે છે કે મારૂ મિશન તો આ માનવ સર્જીત ગુલામીની જંજીરોને કાયમી ધોરણે તોડવાનું છે. બિનોરના સાચાસ્વરૂપની ઓળખ થતાં તેની સાથેથી મુક્ત થઇને, તેનાથી રહેલા ગર્ભનો પણ નીલે ગર્ભપાત કરાવી દિધો.

       સદર નવલકથાનું પુરૂષ પાત્ર કિશનબાબુ જે પેરીસમાં રહે છે, જે પેરીસ અને ફ્રાંસે માનવજાતને ફ્રાંસની ક્રાંતિ દ્રારા 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મુલ્યો સમગ્ર માનવજાતને આપ્યા છે. તે પેરીસના સારી મોટેલના માલિક,સારા બીઝનેસમેન, ઉધ્યોગપતી વિ, હોઇ શકે છે પણ સારા પતિ નહી.(Kishanbabu is in any case a better businessman than a husband.) પ્રેમ, જાતીય સુખ અને વર્તમાન જીવન માણવાનો આનંદ એ ત્રણ તો માનવવાદી મુલ્યો છે. કિશનબાબુ એ ત્રણેય મુલ્યો નીલને આપવામાં નિષ્ફળ ગયા. એમ. એન. રોયે લખ્યું છે કે આ ત્રણ મુલ્યો માનવીની જીજીવિષા ટકાવી રાખવાની ઝંખનામાંથી વિકસેલા છે. કિશનબાબુ દરરોજ સાંજે જોબ પરથી ઘરે આવતા હતા, ફ્રેન્ચ વાઇન પીતા હતા, સારુ ભોજન જમતા હતા, સુતા પહેલાં જાતીય સુખ ભોગવતા હતા ને પછી પથારીમાં પડીને નસકોરાં બોલાવતા સુઇ જતા હતા. વધુમાં હવે તેમને નીલથી વારસદાર જોઇતો હતો.

પરંતુ નીલના પાત્રમાં તસલીમા છે. તે આધુનિક દ્ર્ષ્ટિબીંદુ ધરાવતી સ્રી હતી. તે પોતાની જીંદગીની આહુતિ આપવા કિશનબાબુને પરણીને પેરીસ આવી નહતી. તેણી,પુરૂષ –સ્રી બંનેના સ્વતંત્ર વ્યક્તિત્વને ઉજાગર કરવામાં લગ્નને એક સંસ્થા તરીકે સ્વીકારે છે. પણ કોઇના ભોગે લેશમાત્ર નહી. નીલને મા તરીકે બાળકના સર્જનમાં રોમાંચ છે. પણ તે બાળકો પેદા કરવાની પુરૂષ સમાજે વિકસાવેલી ફેકટરી નથી જ. વધુમાં તે સ્પષ્ટ છે કે નીલ, ઘરની અંદર અને ઘરની બહાર કેવી રીતે અને પતિ સિવાય કોની સાથે કેવા સંબંધો કેળવવા તેની લક્ષ્મણરેખા નક્કી કરવાનો અધિકાર પોતાની વિવેકશક્તી પાસે રાખી મુક્યો છે. પતિ પાસે હરગીજ ગીરવે મુકેલ નથી.

તસલીમાનું ' ફ્રેન્ચ લવર' નવલકથામાં 'નીલ'નું પાત્ર સ્રી સશક્તિકરણનું મોડેલ છે. હસ્તમેળાપ પછી શરૂઆત થાય છે ' લગ્નગ્રંથી' થી જોડાવું. અંગ્રેજીમાં તે માટે શબ્દ છે "WEDLOCK".તસલીમાનું મિશન છે LOCKશબ્દને WEDLOCKમાંથી કાઢી નાંખવો!. તો જ લગ્ન જીવનને તમામ ગ્રંથીઓએ રચેલા જાળાબાવામાંથી મુક્ત બનાવી શકાય!

વધુ માટે ભાગ– ૫ .


--