Monday, October 16, 2023

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ એટલે શું?

નાસ્તિકવાદ અથવા નિરીશ્વર વાદ  એટલે  શું?


    તેનો સીધો સાદો અર્થ  ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર. આ સાદા વાક્યની પાછળ ખુબજ ગંભીર અને મૂળભુત અર્થ  રહેલો છે. ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર એટલે આ પૃથ્વી,બ્રહ્માંડ અને માનવ સહિત તમામ સજીવનો સર્જનકર્તા  ઈશ્વર નથી.તે સત્ય હકીકતને અબાધિત રીતે સ્વીકારવી! તેમાં કોઈપણ પ્રકારનો સંશય કે  શંકા ક્યારેય રાખવી નહીં. તેથી તમામ પદાર્થો  ભૌતિક છે. તેના સંચાલનના નિયમો છે. પણ તેના સંચાલનમાં કોઈ ઈશ્વર કે દેવ જેવા બાહ્ય પરિબળની સ્હેજપણ દખલગીરી ક્યારેય હતી નહીં અને આજે પણ નથી અને તેથી ભવિષ્યમાં પણ થવાની નથી.

  તેથી તમામ  કુદરતી પરિબળો ભૌતિક છે.તે બધાજ  નિયમબધ્ધ છે. તેના સંચાલનના નિયમો માનવીય પ્રયત્નોથી સમજી  શકાય છે. તે જ્ઞાન આધારિત છે .જે વ્યક્તિ કે માનવસમૂહ જેટલા પ્રમાણમાં કુદરતના નિયમો સમજી શકે છે  તેટલા પ્રમાણમાં પોતાના વતર્માન ભૌતિક  જીવન ટકાવવા અને તેને એકબીજાના સહકારથી વધુ સમૃધ્ધ બનાવવામાં સફળ થાય છે. સામે પક્ષે જે વ્યક્તિ અને માનવસમૂહ કુદરતી નિયમબધ્ધતા આધારિત પોતાના વતર્માન   જીવન  સંઘર્ષને ઉકેલવાને બદલે " ભગવાન ભરોસે" પોતાનું નાવ હંકારવા પ્રયત્ન કરે છે તેની નાવની  અને તેના નાવિકની શું' દશા થાય  છે તે કમસેકમ 21મીસદીમાં  હજુ  સમજાવવાની જરૂર છે?

આજથી આશરે 2500 વર્ષ પહેલાં  ગ્રીક ભૌતિકવાદી પણ તત્ત્વજ્ઞાની ચિંતક એપિક્યુરસે ઈશ્વરના ખ્યાલને નીચે મુજબ તર્કથી પડકાર્યો હતો.

" ઈશ્વર  જો સર્વસત્તાધીશ હોયતો પૃથ્વી પરના માનવ દુઃખો કેમ દૂર કરી શકતો નથી? માટે તે સર્વસત્તાધીશ નથી. જો તે માનવ દુઃખો દૂર કરવાને શક્તિમાન  હોય તેમ છતાં ન કરે તો  તેનો અર્થ એ થાય કે તે દયાળુ અને પરોપકારી પણ નથી. ગ્રીક ચિંતકનું તર્કબધ્ધ તારણ હતું કે માનવી તરીકે ક્યારેય આપણે ઈશ્વર જેવા અદ્રશ્ય પરિબળોની  મદદ પર ભરોસો  રાખવો ન જોઈએ .વધારામાં ઈસાઈ, ઇસ્લામ અને હિંદુ જેવા અનેક ધર્મો અને  સંપ્રદાયો વિ, ઇશ્વરોના,કે  સર્વસત્તાધીશોના સંચાલનો ઉપર ક્યાં હશે? વળી તે એક જ સ્થળે હશે કે જુદા જુદા? 

ચલો! આપણે આપણી વાતજ કરીએ. મારી નિરીશ્વરવાદી પ્રતિબધ્ધતા અંગે.

મારે, આ પૃથ્વી પર, મારી જીવન જીવવાની સમસ્યાઓ મારા પ્રયત્નો થી જ ઉકેલવાની હોય તો, મારો પહેલો પ્રશ્ન મારી  જાતને, મારા સ્વને,પુછુ છું કે ભાઈ ! 'હું' જો પેલા દૈવી સર્જનની કઠપુતલીનું' પરિણામ  ન હોઉં, ન મારો  જન્મ કોઈ મારા  ભૂતકાળના  કર્મોનું' પરિણામ હોય,ઉપરાંત મારુ  વર્તમાન જીવન હું મારા મોક્ષ કે સારો પુનર્જન્મ મળે તે માટે પણ જીવતો ન હોઉં તો મારા વર્તમાન જીવનનો હેતું  શું  હોઈ શકે?  અથવા  હું મારુ જીવન કેવી રીતે જીવું'? કારણ કે  વર્તમાન જીવન એ જ મારુ સર્વસ્વ છે.તેના  પહેલાં કોઈ  મારુ  જીવન હતું નહીં અને વર્તમાન જીવનના અંત પછીની કોઈ કપોળ કલ્પનામાં મને લેશમાત્ર  રસ નથી.

 

   મારે  સારું જીવન જીવવું છે. ખરાબ કે દુઃખી જીવન  જીવવું નથી. પણ નિરીશ્વરવાદી માટે કયું જીવન સારું અને કયું જીવન સારું  નહીં?  તે કેવી રીતે નક્કી  કરીશું ? તેના કોઈ  માપ  દંડો હશે ખરા? મારે ધોરણસરનું કે આદર્શ અને કુદરતી નિયમબધ્ધતા ને સમજીને જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું?      

દરેક સજીવ પોતાના ઇન્દ્રિયજન્ય અનુભવોને આધારે સદ્વિવેકબુદ્ધીનો ઉપયોગ કરીને પોતાને માટે સારું શું કે ખોટું શું તે નક્કી  કરે છે. આમ ઇન્દ્રિયોને આનંદ આપે,પણ તેના આધારિત નિર્ણયોથી સમગ્ર જીવન સુખી, સમૃધ્ધ અને દીર્ઘવાન બને તે  જ સારું  જીવન કહેવાય!  આવું સુખ જ તમામ સુખોની સરખામણીમાં સર્વોત્તમ સુખ કહેવાય.( Pleasure is the greatest good of all goods.) તે સિવાય જે ઇન્દ્રિયજન્ય સ્પર્શોથી  દુઃખ પ્રાપ્ત થાય તેને  સુખ ક્યારેય કહેવાય નહીં! બીજું સુખના અતિરેકમાં (Hedonism) એટલે કે ભોગવીલાસમાં ખરેખર સુખને બદલે ભારોભાર અત્યંત દુઃખના પહાડ જ ઉભેલા હોય છે. જો આપણે આપણી ઇન્દ્રિયજન્ય અનુભવો અને તેના આધારિત સદ્વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરીએ તો ખબર પડે ?  

ઉપરની ચર્ચાને આધારે એકવાત સત્ય છે કે સુખ ફક્ત ભૌતિક અને શારીરિક જ હોઈ શકે.(The most intense pleasure is the bodily pleasures.)

આપણને માનવી તરીકે ભૌતિક સુખ, તંદુરસ્ત ખોરાક,મદ્ય અને જાતીય સુખથી મળે છે.(We get those pleasure from food, wine & sexual pleasure.)પણ ત્રણેયના ઉપયોગનો અતિરેક સુખને બદલે  તમામ દુઃખો ના સર્જક હોય છે.કારણકે તે અતિરેકથી પ્રાપ્ત થયેલા સુખો અલ્પ જીવી  હોય છે.સદ્વિવેકબુદ્ધિ આધારિત કેળવાયેલી નૈતિક શિસ્ત તેના માટેની પૂર્વશરત છે. તે સમજાવવા  વધારે  ચર્ચાની  જરૂર નથી.

નિરીશ્વરવાદી તરીકે અને સાથે  સાથે ઉત્ક્રાંતિના શ્રેષ્ઠ સર્જન(પરિણામ) તરીકે આપણે આપણી જૈવિક વૃત્તિઓ (desire)ને સમજી લેવાની પણ જરૂર છે.

(અ) કેટલીક જૈવિક વૃત્તિઓ કુદરતી અને જીવન ટકાવી રાખવા અનિવાર્ય હોય છે.દા:ત રોટી કપડાં મકાન. જાતીય વૃત્તિઓ કુદરતીસહજ  છે,તેને કાયમ માટે નેસ્તનાબૂદ ન કરી શકીયે.

(બ) જાતીયવૃત્તિ કુદરતી સહજ છે.તેનું નિયમન શક્ય છે પણ તેની નેસ્તનાબૂદીના પ્રયત્નો સમસ્યાઓના ઉકેલ ને બદલે વધુ સમસ્યાઓનું સર્જન કરે છે.

(ક) કેટલીક વૃત્તિઓ બિનજરૂરી છે અને કુદરતી નથી. નાણાંની પાછળનો અતિરેક,તમામ પ્રકારની સત્તાઓ અને કહેવાતી સામાજિક પ્રતિષ્ઠાઓ પાછળની દોડ. સદર તમામ ક્ષેત્રોની  નિરીશ્વરવાદીઓના લિસ્ટમાંથી કાયમી બાદબાકી થયેલી હોય છે.

આમ સારૂ જીવન એટલે સાદું જીવન. જ્યાં સ્વશિસ્તને આધારે એકત્ર થયેલા નિરીશ્વરવાદીઓની મંડળી નીયમિત અર્થપૂર્ણ  માનવસમૃધ્ધ જીવનની અવિરત ખોજની ચર્ચામાં સતત રોકાયેલી હોય! તેજ તેમના  માટે શાશ્વત આનંદ છે  જે ભૌતિક ઓછો છે પરંતુ માનસિક અને  બૌદ્ધિક  વધારે હોય છે.        

  

 

   


              

 


  



--