પ્રકરણ 5
ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન
ભારતીય સંસ્કૃતિ વિજ્ઞાન અને કળાનો ભવ્ય, સમૃદ્ધ વારસો ધરાવતી હોવા છતાં નવમી અને દસમી સદી પછી તેનું ક્રમશઃ અધઃપતન થયું. ભાસ્કર વિજ્ઞાન-ટૅક્નૉલૉજીમાં છેલ્લો ટમટમતો તારો હતા તેવું કહી શકાય. ભાસ્કર પછી લગભગ 800 વર્ષ સુધી વિજ્ઞાન અને કળાના ક્ષેત્રમાં ભારતે લગભગ નહિવત્ પ્રદાન કર્યું હતું (અગાઉ ઉલ્લેખ કર્યા મુજબ બેત્રણ અપવાદને બાદ કરતા).
અહીં પ્રશ્ન એ છે કે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન શા માટે થયું? 19મી સદીના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ હિંદુ કેમિસ્ટ્રી'માં તેનાં કારણોની સમીક્ષા કરી છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં વિજ્ઞાન- ટૅક્નૉલૉજીના અધઃપતન માટે મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હતાં.
પ્રથમ કારણ ભારતીય સમાજમાં પ્રવર્તમાન જ્ઞાતિ વ્યવસ્થા હતી. તેમના જણાવ્યા મુજબ, વિજ્ઞાનના સંવર્ધન માટે ચિંતકો-વિચારકો અને તેમના વિચારોનો વાસ્તવમાં અમલ કરનારા (સામાન્ય) લોકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થવું જોઈએ. તે આવશ્યક પૂર્વશરત છે. પણ જ્ઞાતિ વ્યવસ્થાથી આ પ્રક્રિયા અટકી ગઈ હતી. પ્રફુલ્લચંદ્ર રે તેમના પુસ્તકમાં લખે છે કે, 'ભારતમાં જ્ઞાતિપ્રથાને કારણે કળા નીચલી જ્ઞાતિ પૂરતી મર્યાદિત થઈ ગઈ અને વ્યવસાય વારસાગત થઈ ગયા. તેના પગલે વિવિધ પ્રકારની કળા માટે કુશળતા, શ્રેષ્ઠતા અને કૌશલ્ય અમુક હદે સિદ્ધ થઈ શક્યાં, પણ તેની મોટી કિંમત ચૂકવવી પડી. ભારતીયોમાંથી બૌદ્ધિક વર્ગ ધીમે ધીમે કળા પ્રત્યે ઉદાસીન થઈ ગયો. વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના વિકાસ માટે પ્રજામાં કાર્ય અને કારણ વચ્ચેનો સંબંધ જાણવાની ઉત્સુકતા હોવી જોઈએ, કોઈ ઘટના શા માટે અને કેવી રીતે બની તેની જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોવી જોઈએ, પણ જ્ઞાતિપ્રથાના કારણે ભારતીયોમાં જિજ્ઞાસા અને ઉત્સુકતાની ભાવના ધીમે ધીમે નાશ પામી. તેનું સ્વાભાવિક પરિણામ એ આવ્યું કે એક સમયે વિજ્ઞાન- ટૅક્નૉલૉજીનું સ્વર્ગ ગણાતા ભારતમાંથી પ્રાયોગિક અને અનુમાનજન્ય વિજ્ઞાનની કળા લુપ્ત થઈ. ભારતની ભૂમિ બોઇલ, ન્યૂટન જેવા વિજ્ઞાનીઓને જન્મ આપવા માટે યોગ્ય ન રહી અને વિજ્ઞાનજગતમાંથી ભારતનો એકડો નીકળી ગયો.'
વિજ્ઞાન-ટૅક્નૉલૉજીના પતન માટે બીજું મુખ્ય કારણ 'શાસ્ત્રો' કે વિવિધ સંહિતાઓનું આગમન હતું. પવિત્ર ગણાતાં આ ગ્રંથોમાં વ્યક્તિએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રફુલ્લચંદ્ર રેએ લખ્યું છે, 'પ્રથમ મનુસ્મૃતિમાં અને પછી પુરાણોમાં પૂજારી, પુરોહિત, બ્રાહ્મણ વર્ગનાં ગુણગાન ગાવામાં આવ્યાં. મિથ્યા અને બનાવટી દાવાઓને સુયોજિત રીતે આગળ વધારવામાં આવ્યા. સુશ્રુતના જણાવ્યા મુજબ, શસ્ત્રક્રિયા (સર્જરી)ના વિદ્યાર્થી માટે મૃતદેહોનું અંગવિચ્છેદન અનિવાર્ય હતું. શસ્ત્રક્રિયામાં કુશળતા પ્રયોગ અને વિશ્લેષણમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી અને સમજણમાંથી મળે છે. પણ મનુને તેની સાથે કોઈ સંબંધ નહોતો. મનુના જણાવ્યા મુજબ, મૃતદેહનો સ્પર્શ પવિત્ર બ્રાહ્મણને દૂષિત કરવા માટે પૂરતો હતો. એટલે વાગભટના સમય પછી શસ્ત્રક્રિયાની વિદ્યાને પ્રોત્સાહન મળ્યું નહીં. ધીમે ધીમે શરીરશાસ્ત્ર (એનટોમી) અને શસ્ત્રક્રિયા હિંદુઓ માટે અપવિત્ર બની ગઈ.'
પ્રફુલ્લચંદ્ર રે ભારતમાંથી વિજ્ઞાનના પતન માટે વેદાંત ફિલસૂફીના પ્રભાવને ત્રીજું મહત્ત્વપૂર્ણ કારણ ગણાવે છે. તેજગતને-ભૌતિક વિશ્વને માયા કે ભ્રમ તરીકે જોવાનું શીખવે છે. તેમણે પુસ્તકમાં લખ્યું કે 'શંકર દ્વારા સંશોધિત અને વિસ્તૃત વેદાંત ફિલસૂફી ભૌતિક જગતને અવાસ્તવિક, માયા કે ભ્રમ ગણવાનું શીખવે છે. આ ફિલસૂફીએ ભૌતિક વિજ્ઞાનના અભ્યાસથી લોકોને વિમુખ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. શંકરે કણાદ અને તેમની પ્રણાલી પર પણ આકરા પ્રહારો કર્યા છે. વેદાંત સૂત્રો પર શંકરની ટીકામાંથી એક કે બે ઉદાહરણ આ બાબત વધારે સ્પષ્ટ કરશે.' આચાર્ય રેના જણાવ્યા મુજબ કોઈ પણ વૈજ્ઞાનિકની જિજ્ઞાસા ભૌતિક જગત, તેની પ્રક્રિયાઓ અને ઘટનાઓના કાર્ય-કારણ સંબંધ સાથે સંકળાયેલી હોય છે. જો કોઈ વ્યક્તિ (ભૌતિક) જગતને મિથ્યા તરીકે જુએ, તો તે વિજ્ઞાનની સમજણથી વંચિત રહી જશે. શંકરાચાર્ય (ઈ. સ. 8મી સદી) દ્વારા વેદાંત ફિલસૂફીના પ્રસાર અને પ્રભાવને કારણે લોકાયત જેવી ભૌતિકવાદી વિચારસરણીઓ લુપ્ત થઈ ગઈ હતી અને સરવાળે ભારતીય વિજ્ઞાનનું અધઃપતન થયું હતું.