પ્રાચીન ભારતમાં વિજ્ઞાન– દંતકથા અને સત્યકથા,
પ્રકરણ –૬
ખોટા દાવા, સત્ય હકીકત
આપણા દેશની વિજ્ઞાનની પરંપરાના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણ જવાબદાર હતું?
છેલ્લા થોડા સમયથી એવા દાવા થઈ રહ્યા છે કે ભારતીય વિજ્ઞાનના અધઃપતન માટે મુસ્લિમ આક્રમણો જવાબદાર હતાં. એવું કહેવાય છે કે મુસ્લિમ શાસકોએ વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હતો, જેના પરિણામે ભારતમાંથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પરંપરાનો અંત આવ્યો. આપણે જાણીએ છીએ કે મહાન વિજ્ઞાની, આચાર્ય પ્રફુલ્લચંદ્ર રેએ તેમના પુસ્તકમાં ભારતમાં વિજ્ઞાનના પતન માટે સંપૂર્ણપણે અલગ કારણ ગણાવ્યાં છે. પણ એક પ્રશ્ન ચકાસવો જોઈએ કે ખરેખર મુસ્લિમ શાસનથી ભારતમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું અધઃપતન થયું હતું?
આ માટે આપણે બંને સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધ પર નજર દોડાવીએ. મુસ્લિમ વિદ્વાન અલ-ખ્વારિઝમીએ શૂન્ય અને દશાંશ પદ્ધતિનો પરિચય ઇસ્લામિક જગતને કરાવ્યો અને આરબ ગ્રંથો દ્વારા યુરોપને 12મી સદીમાં તેની જાણ થઈ. નવમી સદીમાં સુશ્રુત અને ચરકની સંહિતાના તરજુમા અરબી ભાષામાં થયા. મહાન વિદ્વાન અલ બરુની દેશનિકાલના ગાળામાં સંસ્કૃત ભાષા શીખ્યા હતા અને ઈ.સ.1035માં બ્રહ્મગુપ્તના પુસ્તકનો અનુવાદ (સિંધ-હિંદ) કર્યો હતો. આ પુસ્તક ભારતીય વિજ્ઞાન, ફિલસૂફી અને અવકાશવિજ્ઞાન પર જ્ઞાન આપતો મહાગ્રંથ હતો. અલ-ખ્વારિઝમી અને અલ બરુનીના પ્રયાસોને પગલે બંને સંસ્કૃતિઓ વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થયું હતું તથા અરબ દેશના લોકો ભારતીય વિજ્ઞાનને આદરથી જોતા હતા. તેમણે તેમાંથી પ્રેરણા મેળવી હતી.આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખતાં લાગે છે કે મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન થયું ત્યારે તેમણે ભારતીય વિજ્ઞાનનાં પુસ્તકો અને સંસ્થાઓનો નાશ કર્યો હશે?
બીજો મુદ્દો સમય સાથે સંબંધિત છે. આપણે જોયું છે કે ભારતીય વિજ્ઞાનનું પતન નવમી-દસમી સદીની આસપાસ શરૂ થયું હતું અને બારમી સદી પછી આ ક્ષેત્રમાં લગભગ કોઈ પ્રગતિ થઈ નહોતી. હકીકતમાં તે સમયે મુસ્લિમ શાસકો પશ્ચિમેથી ભારતમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ભારતીય ઉપખંડના મોટા ભાગના વિસ્તારોમાં તેમનું શાસન સ્થાપિત પણ થયું નહોતું. ગઝનીના મહમૂદે 11મી સદીમાં પહેલો વિજય મેળવ્યો અને ગાંધાર (આધુનિક અફઘાનિસ્તાનમાં કંદહાર)માં હિંદુ શાસક જયપાલને હરાવ્યો હતો. ઈ. સ. 1173માં મુહમ્મદ ઘોરીએ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતમાંથી આક્રમણ શરૂ કર્યું હતું અને ઈ. સ. 1187 સુધીમાં ગઝનીના શાસકોને હરાવી દીધા હતા. ઈ. સ. 1192માં તેણે અજમેરના પૃથ્વીરાજને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર પશ્ચિમ ભારતના એક ભાગ સુધી કર્યો હતો. તેના વારસદારોએ ઈ. સ. 1206ની આસપાસ દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, પણ અહીં શાસન સ્થાપિત કર્યું નહોતું. ઘોરીનો એક ગુલામ કુત્બુદ્દીન ઐબક દિલ્હીનો પ્રથમ સુલ્તાન બન્યો હતો. તૈમૂર લંગે ઈ. સ. 1398માં દિલ્હી પર આક્રમણ કર્યું મોટા પાયે લૂંટ ચલાવી કત્લેઆમ કરી હતી. તેણે પણ દિલ્હીમાં પોતાનું શાસન સ્થાપિત કર્યું નહોતું. બાબર ઈ. સ. 1526માં ભારતમાં પ્રવેશ્યો હતો અને મુઘલ પાદશાહીની સ્થાપના કરી. મુઘલ સામ્રાજ્યના શાસકો ભારતનો ઘણો વિસ્તાર જીતવામાં સફળ રહ્યા હતા.
કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભારતમાં વિજ્ઞાનનું અધઃપતન શરૂ થયું હતું, ત્યારે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં મુસ્લિમ શાસકોનું શાસન નહોતું. 13 સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી અને 16મી સદીમાં મુઘલોએ પગદંડો જમાવ્યો હતો. ત્યાર પહેલાં ભારતીય વિજ્ઞાન પરંપરાનું પતન થઈ ચૂક્યું હતું.
આ રીતે ભારતીય વિજ્ઞાનના પતન માટેનાં કારણો સંપૂર્ણપણે આંતરિક હતાં તેવું માની શકાય. એટલે કાલ્પનિક ગુનેગારોને દોષિત ઠેરવવા ઉચિત નથી.