Monday, October 2, 2017

દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને! ––જુલીયો રીબેરો


દેશનું પોલીસ તંત્ર કોને વફાદાર? કાયદાના શાસનને કે પક્ષીય શાસનને!

– જુલીયો રીબેરો. ( સૌ. ઇન્ડીયન એકપ્રેસ ૧૮મી સપ્ટેમ્બર.)  લેખનો ભાવાનુવાદ.

આજે દેશમાં પોલીસ તંત્ર કાયદાના શાસનને સમર્થન આપવાને બદલે રાજકીય સત્તા જે રાજકીય પક્ષની હોય તેના હુકમના સમર્થનમાં કામ કરે છે. હું ગુરમીત સીંઘની ધરપકડ માટે (જેને હું બાબા કે રામ રહીમ કહેવા તૈયાર નથી) તેના પંચકુલા બનાવમાં હરીયાણા સરકારે ડીરેક્ટર જનરલ ઓફ પોલીસ( ડીજીપી)ને બદલી કરી નાંખવાની ધમકી આપી છે. આ તો ન્યાયતંત્રની હાસ્યાસ્પદ મશ્કરી કહેવાય કે જેના હાથમાં રાજ્ય સંચાલન કરવાની જવાબદારી લોકોએ સોંપી છે તે પોતે જ  મારીમચેડીને પોતાની જવાબદારીમાંથી છટકી જઇને પોતાના રાજ્યના જ પોલીસ તંત્ર પર ઢોળી દે છે. આજે દેશમાં પોલીસ પાસેથી કોઇ જાણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અપેક્ષા જ રાખતું નથી. તે માટે તો પોલીસને તાલીમ આપવમાં આવે છે. પણ જેવા જ અધીકારીઓ પોલીસ તંત્રમાં ગોઠવાઇ જાય છે કે તરતજ તે શીખી જાય છે કે તેમણે તો કાયદાના શાસન ને બદલે જે પક્ષ સત્તા પર છે તેના શાસકની ઇચ્છા મુજબ કામ કરવાનું છે.

એક એ પણ જમાનો હતો કે જ્યારે રાજકારણીઓ  સીનીયર પોલીસ અધીકારીઓને પોતાના હુકમ પ્રમાણે કામ કરવવા સાવચેતી રાખતા હતા. અધીકારીઓ આજની માફક તેમના ઇશારે નાચતા નહી. આજે તો સ્થીતી બીલકુલ બદલાઇ ગઇ છે. બધાજ રાજકીય પક્ષોના રાજકારણીઓ સરકારીબાબુઓ અને પોલીસને પોતાના રજવાડાના તાબેદાર ગણીને તેમની ઇચ્છાઓ, હુકમો પ્રમાણે ઝુકાવે છે. તે પ્રમાણે કામ કરાવે છે. એવી સ્થીતી તંત્રની પહેલાં ન હતી. જો સીનીયર અધીકારીઓ રાજકારણીઓના હુકમોનો અનાદર કરે તો પણ તેમને પોતાની બદલી થશે અને તે પણ કીન્નાખોરીથી થશે તેવો ભય તેમને ન હતો. હકીકતમા આવા સીનીયર અધીકારીઓના રાજકારણીઓના દબાણની સામે મક્ક્મ રહેવાના નીર્ણયને  રાજકારણીઓ બીરદાવવાતા હતા. જે રાજકારણીઓને પોતાની સુચના મુજબ કામ નહી કરનાર, કે બાંધછોડ નહી કરનાર અધીકારી પ્રત્યે નારાજ થતા હતા. પણ પોલીસ અધીકારીઓએ મજબુત કાયદાના અર્થઘટન પ્રમાણે લીધેલ પગલાને પડકારવાનું ડહાપણ કરતા નહી.

   મારા અંગત મત મુજબ, મને બીલકુલ શંકા નથી કે હરીયાણા સરકારે ડીજીપીને મૌખીક સુચના આપી હશે કે પોલીસ તંત્રે શાંતી માટે ગુરમીત સીંઘના ડેરાની આંતરીક મુખ્ય સલાહકાર સમીતીએ જે વીશ્વાસ આપ્યો છે તેનો ભંગ નહી થાય. હું હરીયાણાના મુખ્યમંત્રી મદનલાલ ખટ્ટરને ગુરમીત સીંઘ સાથેના ઘણા આત્મીય અને પ્રેમાળ સંબંધો રાખવામાં કશું અજુગતું જોતો નથી. કારણકે રાજકારણ આખરે તો સત્તા માટેની લડાઇ છે. અને ગુરમીતની એ તાકાત હતી કે તે ખટ્ટરની પાર્ટીને થોકડા બંધ મતો ચુંટણીમાં અપાવી શકે!  બીજા કોઇપણ રાજકીય પક્ષે કોગ્રેંસ સહીત ખટ્ટરે  જે સંબંધો ગુરમીત સાથે રાખ્યા હતા તેનાથી શું જુદા સંબંધો રાખ્યા હોત!? મારે આ દેશમાં આ બાબા અને ગોડમેનના ગુણો કે અપગુણોની ચર્ચા કરવી નથી.અથવા તે બધાનો તેમના અનુયાયીઓની વીચાર પ્રક્રીયા પર જે કમાન્ડ છે તેની પણ વાત કરવી નથી. આ બાબતમાં રાજકીય નેતાઓની નૈતીકતા અને તેને આધારે લેવાતા તેમના નીર્ણયો અંગે પણ ચર્ચા કરવી નથી. તે બધું તો આ ક્ષેત્રના ઘણા બધા જ્ઞાની અને સક્ષમ માણસોએ કરી દીધુ છે. મારેતો મારા વાંચકોને એ જણાવવું છે કે વર્તમાનમાં દરેક રાજ્યના મુખ્યમંત્રી પાસે પોલીસ અધીકારીઓની નીમણુકો અને બદલી કરવાની અબાધીત સત્તા છે. તેની સામે આશરે દસ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટે પોલીસ અધીકારીઓ કાયદા મુજબ રાજકારણીઓની દખલ સીવાય સ્વતંત્ર રીતે કામ કરી શકે, ગુનાઓની તપાસ ગુણવત્તા પર આધારીત કરી શકે અને ચીફ મીનીસ્ટરનો પાવર અબાધીત પણ ન રહે માટે સ્પષ્ટ હુકમ કરેલ છે. કમનસીબે આ કામ જ થતું નથી. આપણે નાગરીકો તરીકે સારી રીતે જાણીએ છે કે, આ દેશની બધીજ રાજ્ય સરકારોને પોતાની સત્તામાં જરીકે કાપ મુકાય અથવા તો પોતાની સત્તા પરની પકડ સહેજ પણ ઓછી થાય તે માન્ય નથી.

 હું તમને મારી વાતને સારી રીતે સમજાવવા માટે કેટલાક પ્રસંગોની વાત એટલા માટે કરવા માગું છું કે જો પોલીસ તંત્રને તેની બંધારણીય અને કાયદા મુજબની ફરજ બજાવવામાં રાજકારણીઓએ આડખીલી ન કરી હોત તો ઘણા બધા નીર્દોષ નાગરીકોની જાન હાની અટકાવી શકાઇ હોત!

     સને ૧૯૮૪માં ઇંદીરા ગાંધીના ખુનના સમયે દીલ્હીમાં જે શીખોનો નરસંહાર થયો તેમાં એક જગજાહેર હકીકત છે કે કોંગ્રેસની જીલ્લા કક્ષાની નેતાગીરીની પુરેપુરી ઉશ્કેરણી જવાબદાર હતી. આ હકીકતનો પર્દાફાશ સંજય સુરીની ચોપડીમાં '1984: The Anti-Sikh Violence and After 'માં કરેલ છે. તેમાં એમ પણ જણાવેલું છે કે જે પોલીસ અધીકારીઓએ કોગ્રેંસના હુકમોને તાબે ન થયા અને કાયદોને વ્યવસ્થા જાળવી તે બધાના પોલીસ વીસ્તારમાં શીખોના ખુનો થયા નથી. તેની સામે જે પોલીસ અધીકારીઓ રાજકારણીઓના ગેરકાયદેસર હુકમોને તાબે થયા અને જેના પોલીસવીસ્તારમાં શીખોની સમુહ કત્લો કરવામાં આવી હતી તે પોલીસ અધીકારીઓને પેલા રાજકીય નેતાઓએ તેમની સામેની ફોજદારી ફરીયાદો અને તેના પરીણામોમાંથી બચાવી લીધા. ખરેખરતો આ નેતાઓ સામે જ ક્રીમીનલ પ્રોસીક્યુશન થાય તેમ હતું.

સને ૨૦૦૨ના ગુજરાત રાજ્યમાં ગોધરાની દુ;ખદ ઘટના પછી નીર્દોષ મુસ્લીમોને અમદાવાદ અને અન્ય જીલ્લાઓમાં રેહેંસી નાંખવામાં આવ્યા હતા. તે રાજ્યના બે મંત્રીઓએ પોલીસ કમીશ્નરની ઓફીસ અને કંટ્રોલરૂમનો કબજો લઇ લીધો હતો. આ કામ કરવાનો તેમનો હેતુ સ્પષ્ટ  (with an obvious intent) હતો. હું ખુબ જ સ્પષ્ટ પણે આ હકીકત લખું છું  કારણ કે જે ત્રણ પોલીસ અધીકારીઓએ કાયદો અને શાંતી જળવાઇ રહે તે માટે કામ કર્યું અને રાજકારણીઓના તાબે ન થયા તેમની પંદર દીવસ પછી જ બદલીઓ કરી નાંખવામાં આવી હતી.(આપ સૌ ને યાદ હશે કે તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી આજના વડાપ્રધાન હતા.)મારા મત મુજબ તેમાંથી શું તારણ નીકળી શકે તે સૌને દેખાય તેમ છે.

      ઉપરના બે દાખલાપરથી કોઇપણ લાગણીસભર નાગરીકોને સમજ પડે જ કે કેવી રીતે રાજકારણીઓની પોલીસ સત્તા પર પકડ હોય તો પ્રજાની જાન અને મીલકતોનું શું થાય! ખરેખર મારા મત મુજબ સુપ્રીમ કોર્ટના પ્રકાશસીંગ વાળા કેસમાં રાજકારણીઓની સત્તા નાબુદ કરવા અને પોલીસ તંત્રને કાયદા મુજબ કામ કરવા ફરજ પડે તે પ્રમાણે આપેલ સુચનોના અમલ કરવાની જરૂર છે. આ કામ ક્યારેય,  કદાપી કોઇપણ રાજકીયપક્ષના રાજકારણીઓ કરવાના નથી. તે માટે નાગરીકોએ રાજકારણીઓ પર દબાણ લાવી શકાય તેવું વાતવરણ દેશમાં પેદા કરવું પડશે.

જે પંચકુલા અને હરીયાણાના બીજા વીસ્તારોમાં થયું તે દેશના કોઇપણ રાજ્ય અને તેના વીસ્તારોમાં  થઇ શકે! હવે આવી બધી હીંસાઓ સંગઠીત સ્વરૂપની થઇ ગઇ હોવાથી થોડાક સમયમાં તે મોટા પાયે નાગરીકો અને તેની મીલકતોની જાનફેસાની કરી શકશે તેમાં મને શંકા નથી. આપણે દેશના રાજકારણીઓ પાસેથી એવી અપેક્ષા ન રાખી શકીએ કે તે બધા ગુરમીત સીંગ જેવા ગોડમેનોની લાખો મતદારોને પોતાની ઇચ્છા મુજબ મતદાન કરાવવાની તાકાતને નજર અંદાજ કરે! વધુમાં તમે રાજકારણીઓને મત મેળવવાના રાજકારણમાં પ્રમાણીક, નૈતીક કે કાયદામુજબ કામ કરે તેવી અપેક્ષાઓ પણ તે બધાની પાસેથી છોડી દો.. આપણા માટે તો ઉપાય એટલો જ છે કે પોલીસ તંત્ર પોતાને ફાળે આવતી કાયદા મુજબની ફરજ બજાવવામાંથી ચલીત ન થાય કે પાછા ન પડે! પોલીસનું ટોચનું નેતૃત્વ જો રાજકારણીઓના સત્તાના કોચલામાંથી બહાર નીકળે તો જ આ શક્ય બને. પોલીસ ઓફીસર્સે પોતાના રાજકીય માલીકોના હુકમનો અનાદર કે ઉપેક્ષા કરવી પડે. અને કાયદા અને બંધારણીય મુલ્યો પ્રમાણે નીર્ણયો લેવા પડે. તેમને એવો વીશ્વાસ સંપાદન થવો જોઇએ કે તે જો બંધારણ અને કાયદા મુજબ પોતાની ફરજ બજાવશે તો તેની બદલી નહી થાય છે કે પછી સજા નહી થાય! આ માટે ગુજરાતના ૨૦૦૨ના તોફાનો પછી યુવાન આઇ પી એસ અધીકારી રાહુલ શર્માનો દાખલો મોજુદ છે. જેના પરથી એમ લાગે કે હવે દેશમાં કાયદાનું શાસન પ્રસ્થાપીત થયું છે.

 મેં મારા લેખની શરૂઆતમાં જણાવ્યું હતું કે જ્યાં રાજકારણીઓ અમારી વાતને મહત્વ આપે છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી વણસતી નથી.

 મને યાદ છે કે એક વારના મહારાષ્ટ્ર સરકારના કોગ્રેંસના મંત્રીએ મારી પાસે માંગણી મુકી કે બોમ્બે મ્યુનીસીપાલીટીની ચુંટણી આવે છે. કોંગ્રેસ પાર્ટીને ચુંટણીમાં મદદ કરવા બોમ્બેના જુદા જુદા વીસ્તારના જે ક્રીમીનલ ગેંગ લોર્ડસ છે, જે બધા જેલમાં છે, તેમને જેલમાંથી છુટા કરવાની જરૂર છે. 

 હું તે સમયે બોમ્બેનો પોલીસ કમીશ્નર હતો. મેં તે કામ ક્યારેય નહી બને તેવું ઘસીને કહી દીધું. પણ આ બધી ત્રીસ વરસ પહેલાંની વાત છે.

 પંજાબમાં દેશના ગૃહમંત્રી બુટાસીંગે શીખ ગુરૂદ્રારા પ્રબંધક સમીતીની ચુંટણીમાં પોતાના ઉમેદવાર જીતે માટે કેટલા શીખ મતદારોની અટકાયત કરવાની જરૂર છે. તેવી દરખાસ્ત મારી પાસે મોકલી હતી. મેં તેમને જણાવી દીધું કે તે કામ મારૂ નથી. બુટાસીંગ ઘણા નીરાશ થયા. પણ મેં તેમની ગેરકાયદેસર દરખાસ્તને ફગાવી દીધી હતી. પરંતુ આ બધા લખવાની સાથે મને ખબર છે કે પોલીસ અધીકારીઓની ખુબજ મુશ્કેલીઓ વધી ગઇ છે. હવે તે આવા રાજકારણીઓની દરખાસ્તોને ટ્રાન્સફર અથવા અન્ય શીક્ષા માટેની તૈયારી સીવાય અમલ કરી શકતા નથી.

 હું એક સમયે મુંબઇનો મુકાયેલો એક યુવાન ડીએસપી હતો. મારા કાર્યક્ષેત્રમાં મજુર નેતા જ્યોર્જ ફરન્નાડીસે એક જાહેર સભાનું આયોજન કરેલું હતું. અમારી ઇન્ટેલીજ્નસ શાખા એ માહીતી આપી કે આ મીટીંગમાં તોફાન કરીને ભાંગફોડ કરવાનું શીવસેનાના વડા બાલઠાકરે એ આયોજન કરેલ છે.અમે આ માહીતી રાજ્યના મુખ્યમંત્રીને પહોંચાડી.તેમનો જવાબ હતો કે શીવસેનાને તેના આયોજનમાં રોકશો નહી.મારા હાથમાં તે વીસ્તારનો બંદોબસ્ત હતો. મેં નક્કી કર્યુ કે  હું મારા કાર્યક્ષેત્રમાં તોફાન નહી થવા દઉં! વધારે સઘન અને ટાઇટ બંદોબસ્ત રાખ્યો અને તોફાન ન થવા દીધું. મેં તો મારા કાયદાના શાસન પાળવાની ફક્ત બંધારણીય ફરજ બજાવી છે ને! આજે કોઇ પોલીસ અધીકારી રાજ્યના મુખ્યમંત્રીના હુકમનું અનાદર કરવાની હીંમત કરી શકે ખરો? અને કરે તો પરીણામ શું આવે?

The writer, a retired IPS officer, was Mumbai police commissioner, DGP Gujarat and DGP Punjab, and is a former Indian ambassador to Romania

 

 

 

--