Thursday, October 19, 2017

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

આ માણસને તમારા અને દેશના જોખમે ઓળખવાની ભુલ કરતા!

 ' મંદીર વહીં બનાયેગે' બાબરી મસ્જીદ ધ્વંસ, સને ૨૦૦૨ના તેમના મુખ્યમંત્રી પદ હેઠળ થયેલા તોફાનો, કેટલા MOU ગુજરાતમાં તેમની જુમલેબાજીમાં થયા અને તેનાં પરીણામ કેવા આવ્યા કે હજુ ૧૬મી ઓક્ટોબરના ૨૦૧૭ના રોજ પણ જાત જાતના શીલાન્યાસ અને MOU ગુજરાતમાં વારંવાર આવીને કરવા પડે છે. ત્યારબાદ સને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં આપેલા વચનો, પછી નોટબંધી અને જીએસટીની રાત્રે બાર વાગે દેશની સંસદમાં ઉજવણી, તેમના સાડાત્રણ વર્ષના શાસનમાં એકસો કરતાં વધારે  બૌધ્ધીકોએ કરેલ એવોર્ડ વાપસી. નોબેલ વીજેતા અમર્તસેનનું તક્ષશીલા યુનીર્વસીટીમાંથી વી. સી તરીકે રાજીનામું, નીતી આયોગમાંથી રંગરાજનની સ્વનીવૃતી, પ્રધાન મંત્રીને દેશના હાર્વર્ડના અર્થશાસ્રીઓ કરતાં પોતાના 'હાર્ડવર્ક' માં વીશ્વાસ, આ ઉપરાંત પેલા અખ્લાખ, જુનેજ. જેએનયુના નબીજ જંગનું ઐતીહાસીક કે રહસ્યમય ગુમથવું, મોહન ભાગવતની લવજેહાદ અને 'કાઉ લીંચીંગ' મોદીનું પેલુ સુત્ર ' મીનીમમ ગર્વનમેંટ અને મેક્ષીમમ ગર્વન્નસ' બદલે મેક્સીમ ગવર્મેંટ અને મીનીમમ ગર્વન્નસ, કેન્દ્ર સરકાર દીવસ ને રાત મહત્તમ સત્તા એકત્ર કરીને પક્ષ અને પક્ષ બહારના વીરોધીઓને ડામવાજ ઉપયોગ કરવો. અરૂણ શૌરીના મતે દેશની સરકાર ફક્ત અઢી માણસથી ચાલે છે, એક મોદી પોતે, બીજા અમીત શાહ અને અડધા નાણાંમંત્રી અરૂણ જેટલી.આ ઉપરાંત  બીજી ઘણી વાતો અહી રજુ કરી શકાય પણ તેમના નવા દાવને ઓળખવાની મારે વાત કરવી છે.

હવે આ સાહેબને કાયમ માટે લોકસભા અને રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ સાથે થાય તેવું તંત્ર ચુંટણી પંચનો પોતાની સત્તાનો ઉપયોગ કરીને કરવું છે. દેશના બંધારણે ભારતને એક દેશ તરીકે યુનીયન ઓફ સ્ટેટસ એટલે સમવાયી તંત્ર છે તે પ્રમાણે કાયદેસરનું અસ્તીત્વ બક્ષેલુ છે. તેને ક્રમશ નાબુદ કરવું છે. રાજ્યો પોતાની મેળે પોતાની ચુંટાયેલી સરકાર દ્રારા જે સને ૧૯૫૦થી રાજ્યશાસન ચલાવતા આવ્યા છે તેને નાણાંકીય સાથે તમામ વહીવટી અને નીતી વીષયક નીર્ણયોની સત્તા જે બંધારણે આપી છે તેને નાબુદ કરીને કેન્દ્ર હસ્તક લઇ લેવી છે. દેશની પ્રજાની વીવીધતા તો જુઓ. એક બાજુ ઉત્તરપુર્વના રાજ્યો ની સાંસ્કૃતીક અને જીવનમાં દક્ષીણ અને ઉત્તર ભારતના રાજ્યો કરતા કેટલો મોટો તફાવત. કાશ્મીરનાપ્રશ્નો, મધ્યભારતના રાજ્યોની આગવી વીશીષ્ટતા. આ બધાને કાયદાથી કે બુંદુકની અણીએ કેવીરીતે એકરૂપ બનાવાય.! આ માણસે તે માટે રમતા મુકેલા મુદ્દાઓને સમજીએ.

કેન્દ્રની લોકસભા અને બાકીના બધા રાજ્યોની વીધાનસભાની ચુંટણીઓ એકી સાથે જ થવી જોઇએ. કેમ? કારણકે અલગ અલગ ચુંટણી થતાં ચુંટણી કરવાનો ખર્ચ, તથા રાજકીય પક્ષોને ખુબજ મુસીબત પડે છે. " મારો મંત્ર છે, સમગ્ર દેશ માટે એક ટેક્ષપ્રથા, એકજ ચુંટણી, એક ધર્મ,એક ભાષા,, એક નેતા,અને એક જ સાંસ્કૃતીક મુલ્યોવાળી પ્રજા. સદીઓથી વીકસેલી બહુધર્મ, બહુ રીતરીવાજો અને અનેક ખાનીપીણીના વ્યવહારો અને સેંકડોભાષાઓ અને બોલીઓથી સંપન્ન દેશ ક્યારેય મજબુત રાષ્ટ્ર બની શકે નહી. છેલ્લા કેટલાય વર્ષોથી જે સમવાયી રાજ્ય વ્યવસ્થાને કારણે જે વીકેન્દ્રીત મજબુત રાજ્યો, તેમજ જીલ્લાપંચાયત અને સહકારી સંગઠનો વીકસ્યા છે,અને તેના રાજ્ય, જીલ્લા કે પંચાયત અને સહકારી ક્ષેત્રે નેતો પેદા થયા છે તે કેન્દ્રની એકહથ્થુ નેતાગીરીના સત્તાકીય પ્રભાવ ક્ષેત્રમાં મોટાપાયે અડચણરૂપ બને છે. 'કેન્દ્રીય નેતાગીરી મજબુત હોવી જોઇએ. નહીકે રાજ્યના સુબાઓની સત્તા. દેશના ગામડાઓથી માંડીને દરેક રાજ્યોના વીકાસ માટે  શું જરૂરી છે તે કેન્દ્ર્ની નેતાગીરીએ જ નક્કી કરવું જોઇએ. આધુનીક મીડીયા અને ઇન્ટરનેટ જેવા સાધનોની મદદથી એવી માયાજાળ પેદા કરવાની તેઓની નેમ છે કે દેશના બધાજ ગામડા નું ભાવી સીધું દીલ્હીથી જ નક્કી થાય! " મેં ડીમોનીટાઇઝેશન કે નોટબંધી કરી તેમાં ક્યાં મેં કોઇ રાજ્યોને પુછયું હતું કે  તેમની મીટીંગ બોલાવી હતી. મને મારી સત્તાના નીર્ણયમાં કોઇની મંજુરી લેવી પડે, ચર્ચા કરીને સંયુક્ત નેતૃત્વ વીકસાવવું તે મારા સ્વભાવમાં જ નથી. મારો બૌધ્ધીક અને નેતૃત્વનો વીકાસ તે રીતે થયોજ નથી." બીજા ઘણા બધા વચનો અને સુત્રો પ્રજાને મેં સને ૨૦૧૪થી આપતો આવ્યો છું તેમ આ સુત્ર પણ ભુલી જાવ. " મીનીમમ ગર્વમેંન્ટ અને મેક્સીમમ ગર્વનન્સ". મારા સાચાસ્વરૂપને ઓળખવું હોય તો " મેક્સીમમ ગર્વમેંન્ટ અને મીનીમમ ગર્વનન્સ ના સંદર્ભેમાં જ મારા દરેક પગલાં અને નીતીઓને મુલવશો તો જ તમે મને ઓળખી શકશો. મારી નીતીઓ અને પગલાના અમલ માટે મને સીબીઆઇ, ઇન્ક્મટેક્ષ તંત્ર, અને મારા ઇશારે ચાલતું કેન્દ્ર્નું વહીવટીઅને ગૃહખાતાનું માળખું પુરતું છે. ડીમોનીટાઇઝેશન વખતે મેં જરૂરત પડી તેમ આશરે ૩૦ થી ૪૦ વાર નીયમો બદલ્યા હતા. જીએસટી અંગે કોઇ બાંધછોડ નહી પણ હમણાં જ આવી રહેલી ગુજરાતની ચુંટણી ના સંદર્ભ જે કોઇ છુટછાટો આપવી પડે તેમાં મને કશું અજુગતુ લાગતું નથી. કારણકે સત્તા મેળવવા અને મળેલી સત્તા લોકોના હીતમાં(!) ટકાવી તો રાખવી પડેને.


--