ખ્રીસ્તી ધર્મના સ્થાપક જીસસ કુંવારી માતાના પેટે જન્મ લે,
તો એ નૈતીક અને પુજનીય(Moral) પણ––
તાજેતરમાં કેરાલા રાજ્યના એક શહેર નામે થીરૂવાઅનંતાપુરમની એક ખાનગી ખ્રીસ્તીશાળા ' સંત
થોમસ સેન્ટલ સ્કુલ' માં એક બનાવ બન્યો હતો. ૧૨મા ધોરણમાં ભણતા એક વીધ્યાર્થીએ પોતાની સ્કુલની ૧૧મા ધોરણમાં ભણતી એક વીધ્યાર્થીને જાહેરમાં આલીંગન(hugging) કરી લીધું. ચુંબન નહી.
આ બનાવે શીક્ષણ જગતમાં તથા ન્યાયના ક્ષેત્રે ઘણા બધા પ્રશ્નો પેદા કરી દીધા હતા. સ્કુલના સંચાલક મંડળે આ મુદ્દાને નૈતીકતાનો મુદ્દો ગણીને પેલા બંનેને તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા. વધુમાં પરીક્ષામાં બેસવા માટેની મનાઇ ફરમાવી દીધી.
નીર્ણય કરનારા જુદા જુદા સત્તા મંડળોઓ જેવાકે સ્કુલ સંચાલક મંડળ, કેરાલા સ્ટેટ કમીશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, કેરાલા હાઇકોર્ટે જાણે બહુ મોટો ગુનો બની ગયો હોય તેમ મુર્ખામી ભર્યા સવાલોની ઝડીઓ વર્ષાવા માંડી. શું આ વીધ્યાર્થીએ બહુ લાંબા સમય સુધી આલીંગન ચાલુ રાખ્યું હતું? વીગેરે.
ઇન્ડીયન એકપ્રેસ દૈનીકે પોતાના પહેલી જાન્યુઆરીના તંત્રી લેખમાં સ્કુલ સંચાલકો અને કોર્ટવાળા સામે આક્રોશમય વલણ અપનાવીને બનાવની ક્ષુલ્લકતા બતાવવા માટે અંગ્રેજીમાં એક અદભુત શબ્દ વાપર્યો છે. તે શબ્દ છે ""Kafkaesque" કેફ્કએસ્ક આ શબ્દનું સર્જન ઝેક સાહીત્યકાર ફ્રાન્ઝ કાફકા (૧૮૮૩–૧૯૨૪)ની નવલકથાઓના(The Trial અને The Metamorphosis) નીચોડ સ્વરૂપે અંગ્રેજી અને જર્મન સાહીત્યમાં વપરાય છે. જેની વાત ફરી કરીશું.
.કેફ્કએસ્ક શબ્દનો ગુજરાતીમાં અર્થ,વહીવટકર્તા અને નોકરશાહીનું મુર્ખામીભર્યુ, અમાનવીય અને મુઢ વર્તન કહેવાય. તેમાં અસરકર્તાને બીલકુલ વાંકગુના વીના ની:સહાય અને મજબુર સ્થતીમાં મુકી દેવામાં આવે છે. પેલા ૧૨મા ધોરણના વીધ્યાર્થીને સ્વપ્નામાંપણ ખબર નહી હોય કે પોતાના આવેગ અને લાગણીભર્યા વર્તનને આ વીક્ટોરીયન યુગના ધર્મ અને નૈતીકતાના ઠેકેદારો–રક્ષકો કેવું અર્થઘટન કરીને પોતાના પર કેવા સખત પગલાં ભરશે? આ ઠેકેદારોને કાયદામાં સગીરપણું કોને કહેવાય શું તેની ખબર નહી હોય?
શું આપણા સ્કુલના સંચાલકોને તેઓએ નક્કી કરેલી નૈતીકતાના સંરક્ષણ માટે નૈતીક પોલીસ(Moral Police) બનાવી દેવામાં આવ્યા છે? જેમાં તે કોઇના અંગત જીવનની બાબતમાં સાચું શું અને ખોટું શું તે નક્કી કરી શીક્ષા કરવાનો અબાધીત અધીકાર પણ આપી દેવામાં આવ્યો છે?કયા કારણોસર અને કયા નૈતીક્તાના માપદંડોથી વીધ્યાર્થીઓને સ્કુલમાં વૈજ્ઞાનીક ઢબે જાતીય વૃત્તી શું છે અને જનેન ઇન્દ્રીયોનો જૈવીક રોલ શું છે તે મુક્ત રીતે ભણાવવામાં આવતું નથી? આ બધા વીવેકપુર્ણ બૌધ્ધીક અભીગમની ગેરહાજરીમાં યુવાન છોકરા–છોકરીઓની ધર્મ અને નીતીના ચીલાચાલુ ઉપદેશોથી દબાવી દેવામાં આવતી જાતીયવૃતીની વીકૃતીના પરીણામો શાળાઓમાં બીજા કેવા આવી શકે?
ફ્રાન્ઝ કાફ્કા અને તેના શબ્દ Kafkaesque" કેફ્કએસ્ક અને વીક્ટોરીયા યુગની નૈતીક્તાનો ખ્યાલ, તે બે વીષયો પર ટુંક સમયમાં જ ચર્ચા ફરી કરીશું.
કેરાલા રાજ્યના સંસદ શ્રી શશી થરૂરની સમયસરની દરમ્યાનગીરીને કારણે બંને બાળકોને પોતાની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે એવું સમાધાન કરીને આ પ્રકરણનો અંત લાવવામાં આવ્યો છે.