માઓ ત્સે તુંગ– ( 1893-1976)
માઓ અને તેના દ્રારા પ્રેરીત ચાઇનીઝ ક્રાંતીની વાત કરીએ તે પહેલાં સોવીયેત રશીયાની પશ્ચીમી મુડીવાદી દેશો સંચાલીત ગુલામ દેશોમાં ક્રાંતી કરવા શું કરવું જોઇએ તેની વાત ટુંકમાં કરીએ. કારણકે રશીયાએ ચીનમાં સામ્યવાદી ક્રાંતી કરવા માટે તે નીતીને આધારે નાણાંકીય તેમજ અન્ય મદદો કરી હતી. આ લેખ તૈયાર કરવામાં ફ્રેન્ક દીકોત્તરના પુસ્તક ' How to be a Dictator ' ઉપરાંત એમ. એન રોય લીખીત ચાર પુસ્તકો(૧) M. N.Roy's Memoirs,(૨) Men I met,(૩) Russian Revolution (૪) Revolution & Counter Revolution In China ના સંદર્ભ ગ્રંથો તરીકે ઉપયોગ કર્યો છે.
સોવીયેત રશીયાની માફક ચીન પણ ખેતી પ્રધાન દેશ હતો. અહીંયા પણ માર્કસવાદી ચીંતન પ્રમાણે ઔધ્યોગીક ક્ષેત્ર અને તેના આધારીત કામદારોનું શોષણ– તેના આધારીત સંગઠન વી. પ્રશ્નો અપ્રસ્તુત હતા. રશીયન ક્રાંતીના નેતાઓને આંતરરાષ્ટ્ટ્રીય કક્ષાએ અને ખાસ કરીને પશ્ચીમના મુડીવાદી દેશોનાં સંસ્થાનો, કે ગુલામ દેશોમાં સામ્યવાદી ક્રાંતીનો ફેલાવો કેવી રીતે કરવો તે હતો. તે ખુબજ મુંઝવતો પ્રશ્ન હતો. કારણ કે સમગ્ર મુડીવાદી જગતમાં એકલું સોવીયેત રશીયા સામ્યવાદી હોય અને તેની આજુબાજુની સમગ્ર દુનીયા સતત સામ્યવાદી વીરોધી પરીબળોથી સજ્જ થતી હોય તો તે દેશ પોતાનું અસ્તીત્વ ક્યાં સુધી ટકાવી શકશે? પશ્ચીમી મુડીવાદી દેશોમાં કાર્લ માર્કસના તર્કબધ્ધ ક્રાંતીકારી સીધ્ધાંતો પ્રમાણે સમાજવાદી પરીવર્તન એટલા માટે નથી થતું કે તે દેશોએ પોતાની વધારાની મુડી ગુલામ દેશોમાં રોકી હતી. ત્યાં પોતાના દેશના ઉધ્યોગો માટે કાચો માલ ખુબજ સસ્તા ભાવે મલતો હતો. તેમજ ગુલામ દેશોમાં મજુરી ખુબજ સસ્તી હતી. આવી રીતે પેદા થયેલો નફો પોતાના દેશમાં લઇ જઇને, થોડો નફો પોતાના દેશના મજુરોમાં વહેંચીને તેમને અન્ય દેશોના મજુરો કરતાં વધુ સંપન્ન અને સુખી બનાવી દીઘા હતા. પશ્ચીમી મુડીવાદે પોતાના દેશના મજુરોને માર્કસના તારણ પ્રમાણે બેહાલ, ભુખ્યા, કંગાલ, વંચીત, અને સમાજવાદી ક્રાંતીના વાહક બનાવવાને બદલે " Proletarian Aristocrat" ઉમરાવ મજુરો કે સંપત્તીવાન મજુરો બનાવી દીધા છે. આવા દેશોના ઉમરાવ મજુરોના આર્થીક હીતો તેમના મુડીવાદીઓના આર્થીક હીતોથી કેવી રીતે જુદા હોઇ શકે? પશ્ચીમી મુડીવાદી દેશમાં માર્કસવાદી ક્રાંતીની સફળતા માટેની પુર્વશરત છે કે તે બધા દેશોને પોતાના સંસ્થાનામાંથી હાંકી કાઢવા માટેની મજબુત માર્કસવાદના સીધ્ધાંતો આધારીત ચળવળો આ બધા ગુલામ દેશોમાં પેદા કરવી. જેથી તેમના મુડીરોકાણમાંથી નફો પોતાના દેશમાં લઇ જવાનો ચરખો બંધ થઇ જાય. તે માટેનું બૌધ્ધીક અને નીપુણ, ધંધાદારી ( પ્રોફેશનલ–વેલટ્રેઇન) ક્રાંતીકારી નેતૃત્વ આ બધા ગુલામ દેશોમાં ઉભું કરવું.
સને ૧૯૨૨માં લેનીન સાથે થઇ રહેલી ચર્ચામાં એક પ્રશ્ન આવ્યો કે ભારતમાં ગાંધીજીની ચળવળથી દેશના લોકોમાં જે મોટી સંખ્યામાં આઝાદી માટે જાગૃતતા આવી છે ( Mass Awakening). તે હકીકત છે. શું તેનાથી દેશમાં માર્કસવાદી ક્રાંતી આવવી શક્ય છે? હા તો કેવી રીતે? ના, તો કેમ? તે લાવવા શું કરવું? લેનીનનું તારણ હતું કે સંસ્થાનવાદી દેશોમાં પશ્ચીમના મુડીવાદી દેશો જેવા કે ઇંગ્લેંડ, ફાન્સ વી. દેશો સામે ગુલામ દેશોમાં જે આઝાદી માટેનો સંઘર્ષ છે તે સંઘર્ષ ભલે રાષ્ટ્રવાદી હોય; પશ્ચીમના ઉદારવાદી મુલ્યોમાંથી પ્રેરણા લઇને ભલે આગળ વધતો હોય; અને ભલે તે બધા દેશો પશ્ચીમી મુડીવાદના શોષણમાંથી મુક્ત થવા માંગતા હોય; પણ આ બધા સંસ્થાનોમાં સામ્યવાદી પાર્ટી કે તેની ક્રાંતીકારી ચળવળની બીલકુલ જરૂરત નથી. આ બધા સંસ્થાનો પરદેશી હકુમતમાંથી મુક્ત થતાં જ ત્યાં માર્કસવાદના સીધ્ધાંતો પ્રમાણે શ્રમજીવીઓની ક્રાંતી થશે અને સરકાર બનશે. માટે જે સંસ્થાનોમાં રાષ્ટ્રવાદી આઝાદીની ચળવળ ચાલી રહી છે તેના નેતાઓ તથા તેમના પક્ષે સોવીયેત રશીયાએ મદદ કરવી જોઇએ. રશીયામાં પેદા થયેલી બોલ્શેવીક પાર્ટી જેવી સ્વતંત્ર પાર્ટીઓની સંસ્થાનોમાં સ્થાપના ક૨વાની જરૂર નથી. આ મુદ્દાની ચર્ચા Congress of the Communist Second International માં લેનીનના થેસીસ ' On the National & Colonial Question' તેના પર થઇ. યુરોપના બધા લોકશાહી દેશો જેવાકે ઇંગ્લેંડ, ફ્રાન્સ, હોલેંડ (ડચપ્રજા)ના સમાજવાદી પક્ષોએ ઠરાવો કર્યા કે સંસ્થાનોમાં ક્રમશ અને શાંતીભર્યા માર્ગે સ્વશાસન મલે તેવી હમદર્દી( સીમ્પેથી) દાખવી અને ઠરાવો પણ કર્યા.
તેની સામે રશીયા બહાર અને રશીયાની મદદ સીવાય અમેરીકાના પડોશી દેશ મેક્સીકોમાં પ્રથમ સામ્યવાદી પક્ષ અને શાસનની રચના કરનાર ભારતીય ક્રાંતીકારી એમ. એન. રોયને લેનીને ખાસ આમંત્રણ આપીને Congress of the Communist Second International માં ભાગ લેવા રશીયા બોલાવ્યા હતા. લેનીને પોતાના સંસ્થાનવાદમાં ક્રાંતી કઇ રીતે કરવી તે માટે તૈયાર કરેલા થેસીસ પર રોયને વીનંતી કરી કે તમારા વીચારો જણાવો.
રોયને તો ભારતની રાષ્ટ્રીય ચળવળનો અનુભવ હતો કે તેના નેતાઓ ઉદારમતવાદી અને સુધારાવાદી હતા. તેમની ચળવળ રાજકીય હતી. તેમને દેશમાં મીલકત આધારીત સામાજીક સબંધોનું જે કોઇ માળખું છે તેને ખલેલ પહોંચ્ડાયા સીવાય આઝાદી જોઇતી હતી. તે બધાને દેશમાંથી બસો કરતાં વધારે વર્ષોથી શોષણનો ચરખો ગોરા લોકો ચલાવતા હતા તે જતા રહે પછી તે શોષણનો ચરખો દેશી કાળા–ઘંઉવર્ણવાળા ચલાવે તેને નાબુદ કરવાનો મુખ્ય પ્રશ્ન દેશની આઝાદીની ચળવળનો ન હતો. તો રોયનો લેનીનને પ્રશ્ન હતો કે સંસ્થાનોની ચળવળના નેતાઓને મદદ કરવાથી કેવી રીતે રશીયન મોડેલ પ્રમાણેની ક્રાંતી આવે? દરેક સંસ્થાન દેશોની આઝાદીની ચળવળ ચલાવતા પક્ષો સાથે પણ સ્વતંત્ર રીતે તમારે સામ્યવાદી પક્ષોની કેડર ઉભી કરવી પડે. પેલા સુધારાવાદીઓ સાથે તમારા ક્રાંતીકારીઓને પુરી સભાનતા સાથે સત્તાની સંતાકુકડી રમતી રહેવી પડે. જ્યારે સત્તાના હસ્તાંતરનો પ્રશ્ન આવે ત્યારે ગાંધીજી જેવા નેતૃત્વ પાસેથી જરૂર પડે આંતરીક લોહીયાળ, હીંસક ગૃહયુધ્ધ કરીને સોવીયેત મોડેલ પ્રમાણે સત્તા આંચકી લેવી પડે. તો જ સંસ્થાનોમાં ક્રાંતી થઇ શકે! તે માટે બે કામ આજની Congress of the Communist Second International કરે.
(૧) બધાજ સંસ્થાનોમાંથી યુવાનોને માર્કસવાદના સમાજ પરીવર્તનના સીધ્ધાંતો આધારીત ક્રાંતી કરવાની તાલીમ આપવા રશીયામાં બોલાવો.
(૨) સોવીયેત રશીયામાં આ પુર્વના દેશોમાંથી આવેલા યુવાનોને ક્રાંતીની તાલીમ આપવા ' Communist University For The Toilers of The East ' ની રચના યોગ્ય સ્થળે કરવામાં આવે.
રોયની બંને વાત આંતરરાષ્ટ્રીય સામ્યવાદી પરીષદે સ્વીકારી. તાસ્કંદની અંદર સૌ પ્રથમ આ યુનીવર્સીટીની રચના કરવામાં આવી. અને સંસ્થાનોમાંથી યુવાનોને ત્યાં તાલીમ માટે બોલાવવામાં આવ્યા. રોયને તે યુનીવર્સીટીના સંપુર્ણ કર્તા હતા બનાવવામાં આવ્યા. ચીનના ચાઉ એન લાઇ, ઉત્તર વીયેટનામના હો ચી મીન, તથા પાન ઇસ્લામીક દેશોના અનેક યુવાનોને તાલીમ આપવામાં આવી.
વધારામાં જોસેફ સ્ટાલીને એમ. એન. રોય ને માઇકલ બોરોદીન સાથે સને ૧૯૨૭માં માઓત્સે તુંગના નેજા હેઠળ જે કૃષીક્રાંતીની ચળવળ ચાલી રહી છે; તેને યોગ્ય દીશામાં લઇ જવા; મદદ કરવા; પેલા કોમ્યુનીસ્ટ ઇન્ટરનેશનલના ઠરાવને આધારે ચીન મોકલ્યા.
ચીનના તે સમયના નેતા સન–યત–સેન ( Sun-Yat-Sen) જે રાષ્ટ્રવાદી પાર્ટીનો (Kuomintang.)સંપુર્ણ કર્તાહર્તા હતો તેની સાથે ચાં–કાઇ–શેખે પોતાની વ્યક્તીગત ધોરણે સત્તા મજબુત થાય તે માટે પ્રયત્ન કરવા માંડ્યા. કોમીંતગ પક્ષનો મુખ્ય ધ્યેય ચીનની અંદર રાજકીય રીતે છીન્નભીન્ન થઇ ગયેલા પ્રદેશોને એક નેજા હેઠળ લાવીને મજબુત રાષ્ટ્ર જપાનનો મુકાબલો કરી શકે તેવું રાષ્ટ્ર બનાવવાનો હતો.–
સન –યત – સેનના સહકારથી ચાં–કાઇ–શેખ સને ૧૯૨૩માં રશીયા જાય છે. ત્યાં જવાના બે હેતુ હતા. એક રશીયાની બોલ્શેવીક પાર્ટીના માળખાને સમજવું, તેના નેતાઓની હમદર્દી ને સહકાર મેળવવો અને બીજુ રશીયાએ સત્તા કબજે કરવા તૈયાર કરેલા લશ્કરી તંત્રનો બારીકાઇથી અભ્યાસ કરવો. ત્યાં ચાર માસ રહીને ચીનમાં આવીને તે મીલીટરી એકેડમીનો ઉપરી( કમાન્ડન્ટ) બની ગયો. ત્યારબાદ ચીનના રાષ્ટ્રીય પક્ષમાં સામ્યવાદીઓને દાખલ કરવામાં આવ્યા. સને ૧૯૨૫માં સન–યત–સેનના મૃત્યુ પછી સામ્યવાદીઓ અને ચાં–કાઇ–શેખના રૂઢીચુસ્ત પરીબળો વચ્ચે ભયંકર મતભેદો પેદા થયા.તેમ છતાં શેખ રશીયન નેતાઓની સહાનુભુતી મેળવતો રહ્યો. મોસ્કોએ સને ૧૯૨૩થી ૧૯૨૭ સુધી શેખને તમામ પ્રકારની મદદ કરી. સ્ટાલીને મોસ્કોથી તાર કરી ને માઇકલ બોરોદીનને જણાવ્યું કે રોયના થેસીસ વીરૂધ્ધ સામ્યવાદીઓને ચાં–કાઇ–શેખને મદદ કરવાનું જણાવ્યું. ભલે તેથી ચીન દેશના રૂઢીચુસ્ત પરીબળો મજબુત થાય. રશીયાની તમામ મદદનો ઉપયોગ કરીને તેણે સને ૧૯૨૭માં પોતાના જ પક્ષના સામ્યવાદીઓ સામે ખુલ્લો લોહીયાળ લશકરી બળવો કરીને હજારોની સંખ્યાંમાં સામ્યવાદીઓને મારી નંખાવ્યા. માઓ અને ચાઉ એન લાઇ પોતાના જીવ બચાવવા નાસી ગયા. એમ. એન. રોય તથા માઇકલ બોરોદીનને પણ છુપી રીતે જીવ બચાવવા રશીયા ભાગી જવું પડયું.
ત્યારબાદ માઓએ પોતાના વીશ્વાસુ ૧૫૦૦ સાથીદારો સાથે ભુગર્ભમાં જતા રહીને ગેરીલા પધ્ધતીથી ચાં–કાંઇ–શેખના રાષ્ટ્રવાદીઓ સામે હુમલા કરવાનું શરૂ કરી દીધું. માઓએ ચીનમાં ગામડાઓના ગરીબ, જમીન વીહોણા ખેડુતોને સંગઠીત કરીને કૃષીક્રાંતી દ્રારા માલીક બનવાનાં સ્વપ્નાં દેખાડ્યા. ગામડાઓમાંના સુખી અનેસમૃધ્ધ ખેડુતો પર આ વંચીત ખેડુતોએ હુમલા કરવા માંડયા. સ્થાનીક ખ્રીસ્તી પાદરીઓને પરદેશી મુડીવાદના એજંટો ગણાવીને તેમના હાથ દોરડાથી બાંધી, તે દોરડાં ગળામાં વીંટાળીને આખા ગામમાં તે બધાનું સરઘસ કાઢીને ફેરવ્યા. ચર્ચોની તમામ મીલકતો લુંટી લેવામાં આવી. ગ્રામ્ય સમાજમાં માઓના માણસોએ આતંકનું વાતાવરણ પેદા કરી દીધું. માઓ આ સમાચાર જાણીને ખુશી ખુશી થઇ ગયો. આત્મવીશ્વાસથી તેણે એવી ભવીષ્યવાણી કરી કે જ્યારે લાખો–કરોડોની સંખ્યામાં આ ખેડુતો સંગઠીત થઇને એક આકાશી તુફાનની (થંડરસ્ટ્રોમ) માફક સમગ્ર દેશમાં છવાઇ જશે ત્યારે તેમને અટકાવનાર કોઇ વીઘ્નો વચ્ચે આવશે નહી. અને ખેડુતો પોતાની સાચી મુક્તી પ્રાપ્ત કરશે. સદર ક્રાંતીના વાહકો, પેલા શાહીવાદીઓ (the imperialists), જમીનદારોના સંરક્ષકો, ભ્રષ્ટાચારી અધીકારીઓ અને સ્થાપીત હીતોના સહકારથી સ્થાનીક જુલ્મ ગુજારનારાઓ, તે તમામને નેસ્તનાબુત કરી દેશે.
સને ૧૯૩૧માં માઓએ મોસ્કોની મદદથી ફરી એકવાર પોતાના કબજા હેઠળના વીસ્તારને સોવીયત પ્રજાસત્તાક તરીકે જાહેર કર્યો. જેમાં ખેડુતોની વસ્તી ત્રીસ લાખની હતી. પોતાની સરકારના નામનું નાણું, કરન્સી નોટ પણ છપાવી. અમેરીકન પત્રકાર એડગર સ્નોએ માઓના ભરપેટ વખાણ કર્યા. સ્નોએ ત્યાં સુધી કહી દીધુ કે માઓ ચીનનો ભાગ્યવીધાતા બનવાની ક્ષમતા ધરાવે છે.તેનામાં મહાન નેતા બનવાની પુરેપુરી સંભવીત શક્તી છે.
માઓએ તેની પાર્ટીને બાજુ પર મુકીને તમામ સત્તા પોતાને હસ્તક લઇ લીધી. સ્ટાલીનના સોવીયેત મોડેલની માફક તેણે દેશમાંથી જમીન સહીત તમામ પ્રકારની ખાનગી મીલકત નાબુદ કરી નાંખી. સામાન્ય માનવીની રોજબરોજની જીંદગીમાં રાષ્ટ્રીય સંરક્ષણ ખર્ચ વધારીને દખલગીરી શરૂ કરી દીધી. બે લાખ ઉપરાંત લોકોને વર્ગ–દુશ્મન (class enemies..) સ્થાનીક પ્રજાના શોષણકર્તા જાહેર કરી ને મારી નંખાવ્યા. શહેરી ચીન વીસ્તારમાં સ્થાપીત હીતોની તરફેણવાળા જાસુસો, તથા પ્રતીક્રાંતીવાદીઓના લેબલ લગાડીને તે બધા પર સખત સંગઠીત જુલ્મ ગુજાર્યો. પક્ષ સીવાયની તમામ મરજીયાત સંસ્થાઓને કાયમ માટે બંધ કરી દેવામાં આવી.
પોતાના વીચારોનો પડઘો પાડતા સુત્રો લોકોમાં રમતા મુક્યા. " ક્રાંતીએ કોઇ ડીનર પાર્ટી નથી. સત્તા બંદુકના નાળચાથી પ્રાપ્ત થાય છે.( Power comes from the barrel of a gun) શાહીવાદ તો ફક્ત કાગળનો વાઘ છે. અર્થતંત્રની તમામ પ્રવૃતીઓને રાષ્ટ્રની માલીકીની જાહેર કરી દીધી. તેથી પ્રજાનો જબ્બરજસ્ત આક્રોશ વધી ગયો. મુસોલીની, હીટલર અને સ્ટાલીનની માફક જ સમગ્ર પ્રજા અને પાર્ટીની ઉપરથી નીચે સુધીની તમામ સવારથી સાંજ સુધી માઓની ભક્તી કર્યાજ કરે તેવું દેશનું માળખું બનાવી દેવામાં આવ્યું. જેથી કરીને માઓના આર્થીક નીર્ણયોએ પેદા કરેલી બરબાદીમાંથી છુટવાનો રસ્તો મલે!.
માઓએ 'ગ્રેટ લીપ ફોર્વર્ડ' ( ૧૯૫૮–૧૯૬૩)નામનો એક પ્રોજેક્ટ ચીનમાં શરૂ કર્યો. જેમાં પાંચ વર્ષમાં દેશને કૃષીપ્રધાનમાંથી ઔધ્યોગીક રાષ્ટ્ર બનાવવાનું જાહેર કર્યું હતું. માઓની આ યોજના સંપુર્ણ નીષ્ફળ ગઇ. પણ દરેકે કહેવું પડે કે તે ૧૦૦ ટકા સફળ થઇ છે. આ પ્રોજેક્ટની વીફળતાની સાચી હકીકતો રજુ કરનારાઓને જેલમાં પુરી દીધા.માઓ દરેક સીધ્ધી કે સફળતાઓને પોતાની જીત તરીકે જાહેર કરે અને નીષ્ફળતાઓને દેશના વીકાસની આડેઆવતા પ્રત્યાઘાતીઓ નામે સરકારી પ્રોપેગન્ડા કરીને લોકોને સમજાવી દે. માઓએ પોતાના પક્ષના જ ૩૬ લાખ લોકોને તેના પ્રોજેક્ટ ' ગ્રેટ લીપ ફોર્વર્ડ' નો વીરોધ કરવા માટે હીંસક રીતે તે બધાને ફગાવી દેવામાં આવ્યા. માઓનો જાહેર કરેલો કોઇપણ કાર્યક્રમ કે કોઇ નીતીને તેના પરીણામની રાહ જોયા વીના દેશની પ્રજા તથા પક્ષ અંકે સ્વીકારી લે તેવી અસહ્ય ભુખ એક નેતા તરીકે તેનામાં પેદા થઇ ગઇ. માઓના ગ્રેટ લીપ ફોર્વર્ડ પ્રોજેક્ટને કારણે ચીનની લાખોની સંખ્યામાં પ્રજા ભુખમરામાં રીબાઇ રીબાઇને મરી ગઇ. ગામડાના ખેડુતોને રાજ્યની સરકારી ફાર્મ પરના વેઠીયા મજુર બનાવી દીધા. શહેરની દરેક વેપાર–ઉધ્યોગ રાજ્ય હસ્તક જ ચાલે તેવી વ્યવસ્થા ઉપરથી ઠોકી બેસાડવામાં આવી.
માઓની અણઘઢ તુક્કાબાજ નીતીઓના પરીણામોથી બચવા, લોકો તથા પોતાના પક્ષના કાર્યકરોના વીરોધને નજરઅંદાજ કરવા, અને પેલા પ્રતીક્રાંતીકારીઓ પર હુમલો કરવા નવું સુત્ર રમતું મુકવામાં આવ્યું. 'વર્ગવીગ્રહને ક્યારે ભુલશો નહી.' તે તો ક્રાંતીને સફળ બનાવવાની પુર્વશરત છે. માઓની વ્યક્તીપુજા કરવા ફરી પાછા ગીતો, નાટકો, ચલચીત્રો ગામડાની અભણપ્રજાનો વીશ્વાસ ચાલુ રાખવા બતાવવાના શરૂ કરી દીધા.પ્રાથમીક શાળાના બાળકોને એરગન આપીને ચાં–કાંઇ–શેખના ફોટા પર નીશાન તાકવાનું શીખવાડવામાં આવ્યું. જ્યારે હાઇસ્કુલ ને કોલેજના વીધ્યાર્થીઓને ' હેન્ડ ગ્રેનેડ' કેવી રીતે ફોડવો તેની તાલીમ આપવામાં આવી. સને ૧૯૬૪માં ચીને પહેલો પોતાનો અણુબોમ્બ ફોડ્યો.
એક તુક્કો ગ્રેટ લીપ ફોર્વર્ડ,(એક કદમ આગે બઢો), બીજો તુક્કો, વર્ગવીગ્રહને ક્યારેય ભુલશો નહી,હવે ત્રીજો તુક્કો આવ્યો પ્રજાની ક્રાંતીનો મોટો દુશ્મન હોય તો તે મુડીવાદી માનસીકતા છે, સંસ્કૃતી છે. તેને નાબુદ કર્યા સીવાય લોકક્રાંતી સફળ નહી થાય. માટે માઓએ સને ૧૯૬૬ની વસંતરૂતુમા સાંસ્કૃતીક ક્રાંતી(Cultural Revolution) લાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો. લોકોને કહેવામાં આવ્યું કે ' અમે દેશમાંથી મુડીવાદને નાબુદ કર્યો છે. દેશમાંથી ખાનગી મીલકત નામે જપ્ત કરી દીધી છે.પરંતુ મુડીવાદી માનસીકતા હજુ નાબુદ થઇ નથી. માટે આ " સાંસ્કૃતીક ક્રાંતી " પેલી મુડીવાદી માનસીકતા નાબુદ કરવા માટે છે. મારે તો તમામ જુના વીચારો,સંસ્કૃતીઓ, રૂઢીરીવાજો અને વર્ગીય શોષણને ટેકો આપતી જુની ટેવોને નાબુદ કરવી છે.
માઓના ટેકેદારોએ તરતજ જુની ચોપડીઓ, પીરદરગાઓ, મીનારાઓ, મંદીરોના ઘુમ્મટો, ચર્ચો, અરે! શેરીઓના જુના નામો, ઘરમાં સાચવી રાખેલા વડીલોના ફોટાઓ બધુજ ભસ્મીભુત કરી નાંખ્યું. માઓની ભક્તી ને પુજા સીવાય કશું ખપે નહી. સાંસ્કૃતીક ક્રાંતીના નામે મોટાપાયા પર ફેલાઇ ગયેલી આર્થીક બેહાલીને કારણે પ્રજા અને પક્ષના કાર્યકરો વચ્ચે તથા પક્ષના કાર્યકરો અને લશ્કર સાથે ઠેર ઠેર ગૃહયુધ્ધો શરૂ થઇ ગયા. લોકો અંદર અંદર એક બીજાને આવી ગાળો ભાંડવા માંડ્યા. તું તો દેશદ્રોહી છું. અમેરીકન મુડીવાદનો પીઠ્ઠુ છું.વીધર્મી બની ગયો છું. તે બધાનો ટેકેદાર બની ગયો છું. આ બધું માઓને પોતાની સત્તા ટકાવી રાખવા ખુબજ જરૂરી હતું.
માઓના મૃત્યુના બે વર્ષ પહેલાંની સમય સને ૧૯૭૨માં પોતાના કાર્યો અને વીચારોથી તદ્દ્ન ઉંધી ગુલાંટ! સને ૧૯૭૨માં માઓએ અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ નીક્ષનને ચીન આવવાનું આમંત્રણ આપ્યું. દેશના શહેરોની તમામ દીવાલો પરના મુડીવાદ વીરોધી લખાણો, સ્ટેટયુઓ વી, તાત્કાલીક નાબુદ કરવાની ઝુંબેશ ઉપાડી. નીક્ષન પછી યુરોપ, દક્ષીણ અમેરીકા, આફ્રીકા અને એશીયાના દેશોના વડાઓના ટોળે ટોળાં ચીનીની મુલાકાતે આવવા માંડયા. વીશ્વ મુડીવાદે ફરી સસ્તી મજુરી અને સસ્તો કાચો માલ મળે તેવું બજાર પોતાના જીવતદાન માટે માર્કસવાદી માઓ નહી પણ સરમુખત્યાર માઓમાં શોધી કાઢયું.
માઓ ૦૯–૦૯–૧૯૭૬ના રોજ ગુજરીગયા.
ફોટો–૧ માઓ. ફોટો–૨ માઇકલ બોરોદીન,ફોટો–૩ એમ. એન રોય.
.