Wednesday, June 3, 2020

૨૦મી સદીના સરમુખત્યારો –એડોલ્ફ હીટલર –( ૧૮૮૯–૧૯૪૫)

 ૨૦મી સદીના સરમુખત્યારો –એડોલ્ફ હીટલર –( ૧૮૮૯– ૧૯૪૫)

ફ્રેક દીકોત્તરે તેના પુસ્તક ૨૦મી સદીના સરમુખત્યારમાં બીજું પ્રકરણ જર્મનીના એડોલ્ફ હીટલર પર લખેલ છે. લેખકે હીટલર પર આશરે ૩૫ પાનાનો નીબંધ તૈયાર કરેલ છે. તેના માટે લગભગ ૧૦૦ જેટલા સંદર્ભ ગ્રંથોનો લેખકે ઉપયોગ કરેલ છે. હીટલરે સને ૧૯૨૩માં ૮મી નવેંબરે જર્મનીના મ્યુનીચ શહેરમાં લશ્કરી બળવો કર્યો હતો. જે નીષ્ફળ ગયો હતો. જે ઇતીહાસમાં " The Beer Hall Putsch"   'બીયર હોલ પુચ' એટલે ક્રાંતી અથવા વીદ્રોહ તરીકે ઓળખાય છે. જેવી રીતે જીસસ ક્રાઇસ જેરૂસલેમના  ચર્ચમાં અને મુસોલીનીએ માર્ચ ટુ રોમ  દ્રારા જે વીજય પ્રાપ્ત કર્યો હતો તેવી સફળતા મેળવવાનું હીટલરનું સ્વપ્નું હતું. જે દુસ્વપ્નમાં ફેરવાઇ ગયું. તેને  પ્રથમ પાંચ વર્ષની સજા થઇ પણ ત્યારબાદ ઘટાડીને ૧૩માસની કરવામાં આવી. જેલવાસ દરમ્યાન હીટલરે એક પુસ્તક લખ્યું. જેનું નામ Mein Kampf હતું.  આ જર્મન શબ્દ છે. તેનું અંગ્રેજી છે,  My Struggle, મારો સંઘર્ષ. આ પુસ્તક જે હીટલરની આત્મકથા છે . તેની મદદથી હીટલરના વીચારો અને તે આધારીત તેના કાર્યોને સમજવાની અનુકુળતા રહે છે.

હીટલરના પીતા સરકારી નોકરીમાં સર્વીસ કરતા હતા. તે પ્રોફેશન હીટલરને બીલકુલ પસંદ ન હતો. તેણે બે વાર એકેડેમી ઓફ ફાઇન આર્ટસ– વીયેનામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો પણ પ્રવેશ મલ્યો નહી. તે રૂઢીભંજક, અકરાંતીયો વાંચનારો, ઓપેરા સંગીત અને કલા સાહીત્યનો જીવ હતો. તેની જીવન પધ્ધતીને આપણે અંગ્રેજીમાં જેને ' Bohemian life style' કહેવાય તેવી જીંદગીનો માશુક હતો . હીટલરે પ્રથમ વીશ્વ યુધ્ધમાં જર્મની તરફથી ભાગ લીધો હતો, અને ઘવાયો પણ હતો.  

     તેણે વકૃત્વકળા પર પ્રભુત્વ મેળવી લીધું હતું. સારા વકતા તરીકે તે સહેલાઇથી ટોળા ભેગા કરી શકતો હતો. જેવી રીતે મુસોલીનીએ પોતાનું લાડકુ નામ ઇટાલીયન ભાષામાં 'ડયુસ' એટલે કે નેતા રાખ્યું હતું, તેવીજ રીતે હીટલરે જર્મન શબ્દ 'ફ્યુરર' (H= Fuhrer) એટલે નેતા શબ્દ શોધી કાઢયો હતો. હીટલરે જર્મન પ્રજાને માનસીક રીતે પોતાના નેતૃત્વની આભાથી એવું ચુંબકીય આકર્ષણ પેદા કર્યું હતું કે તે દેશનો નાગરીક દીવસમાં કેટલીય વાર બોલતો હતો કે "Heil, mein Führer!" (Hail, my leader!) ફુયરર' હિટલરનો વીજય હો!. જે કુટુંબના વડીલો હેલ હીટલર ન બોલતા હોય તે કુટુંબના બાળકો સ્થાનીક નાઝી ઓફીસમાં જઇને પોતાના વડીલોના વર્તન વીરૂધ્ધ ફરીયાદ કરતા. અને પછી પોતાના વડીલોને ' દેશદ્રોહી, હીટલર દ્રોહી ' સાબીત કરવાનો આનંદ આવતો હતો. તે બધા જેલમાં જાય તેમને ત્રાસ આપવામાં આવે તેને પેલા બાળકો પોતે દેશ પ્રેમનું કાર્ય કરી દેશની ફરજ બજાવી ગણતા હતા. તેવું બાળકોના કુમળા માનસને હુકમના આદેશને પાળનારૂ ( Conditional reflex Catch them young)બનાવી દેવામાં આવ્યું હતું. દરેક ઘર પર સ્વસ્તીકના પ્રતીકવાળો નાઝી પાર્ટીનો ધ્વજ લટકાવેલો હોવો જોઇએ તેવું હીટલરના અગત્યના સાથી જોસેફ ગોબેલ્સે નક્કી કરાવી દીધું. કારણકે તેનાથી દેશ પ્રેમી,તેથી હીટલર પ્રેમીની ઓળખ નક્કી થઇ જાય. (School Prayer.. ' Dear God, I beg u, Let me become a pious child.. Protect H everday.. That no accident be fall on H.   U sent him in our distress.. O God protect him)

પેપરમાં આવેલા સમાચાર નું સત્ય તપાસો તો પાંચ માસ ની સજા.. રાજ્ય સત્તાની સક્ષમતા માટે ખાનગીમાં પણ શંકા વ્યક્ત કરો તો  એક વર્ષની સજા.

મુસોલીનીએ પોતાની પાર્ટીને ફાસીસ્ટ પાર્ટી તરીકે પ્રચલીત કરી હતી. હીટલરે પોતાની પાર્ટીને નાઝી પાર્ટી( નેશનલસોસીયાલીસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી) તરીકે પ્રચલીત કરી હતી. બંને પાર્ટીઓના માનવતા વીરોધી કાર્યો કરવા અને કરાવવામાં લેશ માત્ર ફેર નહતો.

હીટલર પોતાની જાતને જર્મન રાષ્ટ્રનો એક માત્ર ઉધ્ધારક માનતો હતો. તેણે યેનકેન પ્રકારે નાઝી પાર્ટીનો કબજો મેળવી લીધો. તેણે પક્ષની અંદર અને પક્ષની બહારના રાજકીય વીરોધીઓ પર સંગઠીત રીતે હુમલા કરવા અને હીટલર સામેના કોઇપણ પ્રકારના વીરોધને ડામી દેવા એક ખાનગી સંગઠન ઉભું  કર્યું. જેનું ટુંકુ નામ એસ એ (S A) હતું. તે મ્યુનીચ શહેરની અંદર શેરીઓમાં ફરી ફરીને હીટલરના પક્ષની અંદરના વીરોધીઓ પર સંગઠીત હુમલા કરતું હતું. તેમજ બહારના રાજકીય વીરોધીઓની સભાઓ રફેતફે કરવાનું કામ પણ કરતું હતું.

હીટલરના ઘણા બધા પ્રશંસકોને લાગતું હતું કે તેના નેતૃત્વની ચુંબકીય વ્યક્તીત્વને વીકસાવવા માટે તેની મુછોની સ્ટાઇલ યોગ્ય નથી. સાથીઓ તરફથી એવું સુચન કરવામાં આવ્યું કે તે આખી મુછો રાખે અથવા ક્લીન શેવ દાઢી રાખે! હીટલરે કહ્યું કે મારી આ પ્રમાણેની બંને બાજુઓની અડધી કાપેલી મુછો રહેશે. અને તે પછી એક નમુનેદાર મારા નામની સ્ટાઇલ બની જશે!. (H unmoved by the suggestion to have a full moustache or clean shave—but H preferred his own style—sooner became style copied by many. I am setting a fashion.….p..35.).

હીટલરની ચોપડી ' મેઇન કામ્ફ' માં તેણે ભવીષ્યમાંપોતાના દેશને કઇ દીશામાં લઇ જવો તેની ચર્ચા કરી હતી. તેના અગત્યના મુદ્દા આ પ્રમાણે હતા. (૧) ભ્રષ્ટ સંસદીય લોકશાહી પ્રથાને નાબુદ કરવા માંગતો હતો. (૨) દેશની સ્થાનીક સ્તરથી માંડીને કેન્દ્ર સુધીની તમામ સત્તાઓ એક જ માણસ અને તે પણ એડોલ્ફ હીટલરના હાથમાં જ કેન્દ્રીત રહેવી જોઇએ.(૩) જર્મનીને પ્રથમ વીશ્વયુધ્ધમાં જે બુરી રીતે હાર સહન કરવી પડી અને તેની માન હાની અને રાષ્ટ્રીય ગૌરવને સતત હલકી પાડતી ' વેરસેલ સંધી' ને એક તરફી નાબુદ કરી દેવી.(૪)  વેરસેલ સંધી કરારના અગત્યના મેમ્બર ફ્રાન્સ પર લશ્કરી હુમલો કરવો. (૫) સોવીયેત રશીયા પર લશ્કરી આક્રમણ કરીને સામ્યવાદનો નાશ કરવો (૬) યુહુદીઓને જર્મનીના દુશ્મન નંબર એક ગણાવી તેમનું એક જાતી તરીકે નીકંદન કરી દેવું. (૭) જર્મનીને આજુબાજુના નાના પડોશી દેશો ભેળવીને મહાન રાજ્ય બનાવવું. આવા કાર્યો કરવા માટે દેવે તેના સંદેશાવાહક તરીકે એક માણસને પસંદ કર્યો છે અને તે માણસ હું જ છું. હીટલરના વીરોધીઓએ ' મેઇન કામ્ફ' પુસ્તકની ઠેકડી ઉડાવી જ્યારે  નાઝી પાર્ટીના સભ્યો અને ટેકેદારે મન તે બાયબલ જેટલું પવીત્ર હતું. સને ૧૯૩૩માં હીટલરનું આ પુસ્તક બેસ્ટ સેલર પુસ્તક બની ગયું.તેની ૧૯૩૭માં ચાલીસ લાખ કોપીઓ વેચાઇ ગઇ.

હીટલર કેટલાક કારણોસર જે પોતાના મનની વાત ન તો કહી શક્યો તે તેના સાથીદાર જોસેફ ગોબેલ્લસ દ્રારા બોલાવી. "  જે ઝડપથી ઉંટ સોયના કાંણામાંથી નીકળી શકે પણ આ ચુંટણી પ્રથામાંથી મહાન માણસ ચુંટાઇને બહાર આવી શકે નહી. માટે આ સંસદીય ચુંટણી પ્રથા જ નકામી છે. મહાન નેતાને ક્યારેય ટોળું પસંદ કરી શકે નહી. પરંતુ મહાન નેતા તો ટોળાનો મુક્તી દાતા હોય છે. આવા નેતાના ચારીત્રયમાં મુખ્ય લક્ષણોમાં દ્રઢ નીર્ણય શક્તી, કુનેહતા અને નસીબ તેની સાથે જોઇએ."

સને ૧૯૩૦ની વીશ્વવ્યાપી મહામંદીની અસર જર્મનીમાં સને ૧૯૩૨માં ખુબજ વ્યાપક સ્તર પર નાગરીકોએ અનુભવવા માંડી. સાઇઠ લાખ લોકો બેકાર થઇ ગયા. રાષ્ટ્ર વ્યાપી બેકારીએ દેશના યુવાનોમાં મોટા પાયે અજંપો પેદા કર્યો . હીટલરે આવી પરીસ્થીતીનો ઉપયોગ ભરપેટ પોતાની રાજકીય કારકીર્દી પેદા કરવા આંચકી લીધો. ઠેર ઠેર તેણે રેલીયો, સભાઓનું આયોજન કરીને પ્રજા મત પોતાની તરફેણમાં પેદા કરવા મોટા પાયે આયોજન કરવા માંડયું. દેશ વ્યાપી પત્રીકાઓ વહેંચી દીધી અને પોસ્ટર્સ  ઠેરઠેર લગાવી દીધા. રસ્તાઓની બાયલેન્સને સ્વસ્તીકના પ્રતીકોથી રંગી નાંખવામાં આવી. પોતાના નેતાના સદ્ગુણોની યાદી લોકોમાં આયોજનબધ્ધ રીતે પત્રીકાઓ દ્રારા મોકલવામાં આવી. ' હીટલરને કોઇ વ્યસનો નથી. તે માદક દ્રવ્યો તથા કેફી પદાર્થોથી દુર રહેનારો માણસ છે. તે સીગરેટ પીતો નથી. શાકાહારી છે. ( સરમુખત્યારશાહી અને એકહથ્થુ સત્તાના બંધાણીવાળા નેતાના લક્ષણો.) તેને અત્યાર સુધીમાં ૬૦૦૦ પુસ્તકો વાંચી લીધા છે.  આટલા બધા પુસ્તકો વાંચનાર આખરે એક જમાનાનો વીશ્વ વીખ્યાત સરમુખત્યાર નેતા બની શક્યો! સને ૧૯૩૨ના રાષ્ટ્રવ્યાપી ચુંટણીમાં તેના પક્ષને ફક્ત ૩૭ ટકા મત મળયા. પણ પાછલાબારણાની રાજકારણની કળા અજમાવીને તે જર્મનીનો ચાન્સેલર બની ગયો.

હીટલર ચાન્સેલર બન્યા પછી થોડાક જ સમયમાં જે સ્થળે દેશની સંસદ કામ કરતી હતી તે સ્થળને આગ લગાડવામાં આવી. તેને માટે સામ્યવાદીઓને નાઝીનેતાઓએ જવાબદાર ઠેરવ્યા. તેથી સામ્યવાદીઓને ક્રુર, નીર્દય અને બુરી રીતે શીક્ષા કરી. બીજા વીશ્વના યુધ્ધના અંત પછી એવો પુરાવો મળ્યો  જેણે સાબીત કર્યું કે હીટલરે જર્મન સરકારનો વહીવટ સંભાળે હજુ એક માસ પણ  થયો ન હતો તે પહેલાં પાર્લામેંટ હાઉસ Reichstag ને આયોજનપુર્વક સળગાવી દેવામાં હીટલરના સાથીદાર જોસેફ ગોબેલ્લસ અને હરમન ગોયરરીંગ નો જ પ્લાન હતો.( The evidence discovered after the Second World War showed that the fire that burned down the Reichstag only 28 days after the appointment of Hitler as head of the German government, was planned and executed by Herman Goering and Joseph Goebbels, his Nazi cronies.)

 ત્યારપછી તરતજ હીટલર રાષ્ટ્રપ્રમુખ પોલ વી હીન્દબર્ગને સમજાવવામાં સફળ થયો કે જર્મનીના નાગરીકો અને રાજ્યના સંરક્ષણ માટે બંધારણે બક્ષેલા તમામ નાગરીક અધીકારોનો અમલ અચોક્કસ સમય સુધી મુલતવી રાખવો.નાઝી પાર્ટીના હજારો બ્રાઉનશર્ટવાળા કાર્યકરોએ પોતાના રાજકીય વીરોધીઓને રાષ્ટ્રના વીરોધીઓ સાબીત કરીને તેમના પર લોહીયાળ રીતે તુટી પડયા. ટ્રેડ યુનીયનની તમામ પ્રવૃત્તીઓ પર બાન મુકી દેવામાં આવ્યો. નાઝીપક્ષ સીવાયના તમામ રાજકીય પક્ષોને વીખેરી નાંખવામાં આવ્યા. સને ૧૯૩૩માં ૧,૦૦,૦૦૦ (એક લાખ) લોકોને કોઇ જાતના પુરાવા, ક્રીમીનલ કેસની સાબીતી વીના વીધાઉટ ટ્રાયલ્સ જેલની કોટડીમાં પુરી દીધા. સેંકડો નીર્દોષોએ જેલમાંજ પોતાના જાન ગુમાવ્યા. હીટલરે પોતાના દેશવાસીઓને સંદેશો મોકલી દીધો છે કે દેશમાં રાજ્ય પ્રેરીત ભયના વાતવારણ હવે સામાન્ય ઘટના તરીકે સ્વીકારી લેવું. નાનામાં નાના ગામડામાંથી માંડીને મ્યુનીસીપાલીટી વી. તમામ સ્થાનીક સરકારની સંસ્થાઓમાં શેરીઓ, સ્કુલો, સક્વેર્સ, એવન્યુઝ, સ્ટેડીયમ, બ્રીજીસ તમામના જુના નામો બદલી નાંખીને તે બધા પર હીટલરના નામો લખાવી દીધા. નાઝી પાર્ટીના આંતરીક સંગઠન ગ્રુપ એસ એ માંગણી કરી કે અમે પક્ષના હીત માટે લશ્કર જેવું કામ કરીએ છીએ. લશ્કર દેશની બહારના દુશ્મનોનો સફાયો કરે છે તેમ અમે દેશની અંદર રહીને પાર્ટીના દુશ્મનોનો સફાયો કરીએ છીએ. અમારા બંનેના કામમાં તફાવત નથી. માટે અમારા એસ એ ગ્રુપને રેગ્યુલર લશ્કરનો એક ભાગ બનાવી દેવો જોઇએ. પણ લશ્કરની રૂઢીચુસ્ત પાંખના વડા હીટલરને સમજાવવામાં સફળ થયા કે તમારા પક્ષની એસ એ પાંખ લુંટારાઓની ટોળકી જેવા કામ કરે છે.(But conservative  generals viewed them as thugs) હીટલરને આ તબક્કે લાગ્યું કે લશ્કરના મતને નજરઅંદાજ કરવામાં ભયંકર જોખમ છે. તેથી પક્ષની આ પાંખના વડા વધારે મજબુત થઇ જાય તે પહેલાંજ તરતજ હીટલરે પોતાની પક્ષની એસ એ પાંખના વડાની ધરપકડ કરાવીને પછી ગોળી મારીને પતાવી દીધો. તેના એકહજાર કરતાં પણ વધારે ટેકેદારોને જેલમાં પુરી દીધા. લશ્કરી તમામ પાંખોના વડાઓએ હીટલરના આવા સરસ કૃત્ય (!)માટે ખાસ અભીનંદન પાઠવ્યા.પક્ષની અંદરના પક્ષ અને હીટલર વીરૂધ્ધ કામ કરનારાઓની સાફ સફાઇ કરવાનું કામ(Liquidate)વીશ્વાસપાત્ર સાથીદાર ગોબેલ્સને સોંપવામાં આવ્યું.

હીટલરના જન્મ દીવસને રાષ્ટ્રીય તહેવાર ગણીને રંગેચંગે ઉજવવાનું સાથીદાર ગોબેલ્સે નક્કી કર્યું.રાષ્ટ્ર અને સમાજના દરેક અંગો જેવા કે શીક્ષણ, આરોગ્ય, ન્યાયતંત્ર,વહીવટ વી, નામે સામાજીક ને સામુહીક જીવનના દરેક ક્ષેત્રો નાઝીપાર્ટીના રોજબરોજના સુપરવીઝન તળીયે લાવી દેવામાં આવ્યા. બધામાં તમને એક જ પ્રતીબીંબ દેખાય 'નાઝી દ્રષ્ટીબીંદુ.' કોઇપણ અખબાર અને તમામ પ્રેસ મીડીયા દેશમાં એક સરખો સંદેશો દેશના ખુણે ખુણે પહોંચવો જોઇએ. તેના ભાષણોમાંથી અગત્યના વાક્યો કે ફકરા લઇને પત્રીકાઓ બનાવીને લાખોની સંખ્યામાં દેશમાં વહેંચી. સીનેમામાં પ્રચાર કરવા ખાસ ડોક્યુમેન્ટરી ફીલ્મ બનાવી.પડતર કીંમતથી ઓછા ભાવે રેડીયો સેટ દેશભરમાં વહેંચ્યા.

સને ૧૯૩૭માં હીટલરે યુધ્ધની તૈયારીઓ કરવા માંડી હતી. સૌ પ્રથમ તેણે નાના સરખા પડોશી દેશ ઓસ્ટ્રીયા પર હુમલો કરીને પોતાના દેશનો એક પ્રાંત બનાવી દીધો. સોવીયેત રશીયા સાથે લશ્કરી સંધી કરીને પોલેંડનો પશ્ચીમભાગ પોતાની પાસે અને પુર્વભાગ રશીયાએ આંચકી લીધો. પહેલા યુધ્ધ પછીના સમયે બ્રીટન, ફ્રાંસ વી સાથે કરેલા તમામ સંધી કરારો એક તરફી હીટલરે રદબાતલ કરી દીધા. તેથી બ્રીટન અને ફ્રાંસે જર્મની સામે યુધ્ધ જાહેર કરી દીધું. બંને દેશોએ જર્મની સામે સમુદ્ર અને જમીન પર સખત આર્થીક નાકાબંધી દાખલ કરી દીધી. હીટલરે દેશમાં સખત જીવન જરૂરીયાતની વસ્તઓ પર રેશનીંગ દાખલ કરી દીધુ;.

હીટલર માટે યુધ્ધના પરીણામો કાયમ માટે ઇચ્છા મુજબના ન આવ્યા. સોવીયેટ રશીયા સાથે લશ્કરી કરાર હતો તેમ છતાં કોઇ અગ્મય કારણોસર ઇંગ્લેંડ પર શરૂ કરેલ યુધ્ધ બંધ કરીને રશીયા સામે યુધ્ધ શરૂ કર્યું. તેમાં હીટલરનો સખત પરાજય થયો. હીટલરના લશ્કરને રશીયન લશ્કર કરતાં રશીયાના સાઇબીરીયાના બર્ફીલા શીયાળાએ હંફાવી અને હરાવી દીધો. તેમ છતાં માનવજાતના ઇતીહાસનું સૌથી ક્રુર, ઘાતકી અને ન ભુલાય તેવું કામ હીટલરે પોતાના સાથીદાર  ઇકમેન દ્રારા ગેસ ચેમ્બરનું કરાવ્યું. લાખો નીર્દોષ યહુદીઓને તેમના બાલબચ્ચા ને કુટુંબ સહીત બધાને ગેસ ચેમ્બરમાં મારી નખાવ્યા.

હીટલરના ૫૬માં જન્મ દીવસ ૨૦મી એપ્રીલ ૧૯૪૫ના દીવસે બ્રીટન અને તેના સાથી મીત્ર રાજ્યોએ ખુબજ મોટાપાયા પર બર્લીન પર બોમ્બબાર્ડમેંટ કર્યું. હીટલર કે તેના ઇટાલી જેવા કોઇ સાથી તેને મદદ કરવાની સ્થીતીમાંજ નહતા. બરાબર દસ દીવસ પછી તા. ૩૦મી એપ્રીલના રોજ હીટલરે પોતેજ ગોળી મારીને આત્મહત્યા કરી દીધી. સાથે આત્મહત્યા કરનારમાં તેની મીત્ર ઇવા બારૂન હતી. જેની સાથે આગલે દીવસે હીટલરે લગ્ન કર્યા હતા. તે બંને મૃત શરીરોને બંકરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા અને પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા. ગોબેલ્સ અને હીટલરના તમામ સાથીદારોએ બ્રીટન અને મીત્ર રાજ્યોની લશ્કરી કોર્ટના ન્યાયથી બચવા પોતાના કુંટુંબો સાથે સામુહીક આપઘાત કરી દીધા. પેલો ગેસ ચેમ્બરનો સર્જક આઇકમેન પોતાનો જીબ બચાવવા દક્ષીણ અમેરીકાના કોઇ દેશના શહેરમાં છુપી રીતે દીવસો પસાર કરતો હતો તેને યહુદી દેશ ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોશેદે જીવતો પકડી લાવીને પોતાના દેશમાં મૃત્યુ દંડની સજા કરાવી.

સ્ટોપ પ્રેસ સમાચાર–(૧) દીવ્ય ભાસ્કરના તા. ૨૯મી મેના પહેલા પાનાના સમાચાર છે કે વડાપ્રધાન મોદીના પત્રો પુસ્તક રૂપે છપાશે. " પી એમ મોદીએ યુવા અવસ્થામાં ' જગત જનની' ને લખેલા પત્રો પુસ્તક રૂપે આવશે. પબ્લીશર હાર્પરકોલીન્સ  ઇન્ડીયાએ કહ્યું કે ભાવના સોમૈયા દ્રારા ગુજરાતીમાંથી અનુવાદીત ' લેટર્સ ટુ મધર'ને  અંગ્રેજીમાં ઇ– બુકમાં  તથા  પુસ્તક રૂપે આવતા મહીને પ્રકાશીત કરાશે.  આ પત્રો મોદીએ ૧૯૮૬માં લખેલી ડાયરીમાંથી લેવામાં આવ્યા છે.

(૨) વડાપ્રધાન મોદી ૨૦,૦૦૦ કરોડ ના ખર્ચે નવું સંસદભવન બનાવે છે. તેમાં બંકર્સની વ્યવસ્થા છે.

(૩)અમેરીકના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અંગત સંરક્ષકોની સલાહ માનીને વ્યાઇટ હાઉસની કચેરીના બંકરમાં કટોકટીમાં સંતાઇ ગયા હતા.એક કલાક સુધી બંકરમાં રહેલા.  વ્યાઇટહાઉસ સામે સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા વંશીય ટોળાને કારણે પ્રમુખ ટ્રમ્પ એટલા ગભરાઇ ગયા હતા કે પોતાનો જીવ બચાવવા પોતાની પત્ની અને ૧૮વર્ષના દીકરાની ચીંતા કર્યા વીના પહેલા બંકરમાં જતા રહ્યા હતા. ( સૌ ન્યુયોર્ક ટાઇમ્સ.)

 

 

 

 

 

 

 

 

 


--