Thursday, June 11, 2020

Joseph Stalin.


જોસેફ સ્ટાલીન ( ૧૮૭૮– ૧૯૫૩)

 ફ્રેંક દીકોત્તરના પુસ્તક ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' માં જોસેફ સ્ટાલીનનું ત્રીજુ પ્રકરણ છે. ડીક્ટેટર મુસોલીની અને હીટલરની સરખામણીમાં સ્ટાલીનનું વ્યક્તીત્વ શરૂઆતને તબક્કે બીલકુલ અનોખું હતું. આપણે પણ સ્ટાલીનના વ્યક્તીત્વને રશીયાની સને ૧૯૧૭ના ઓક્ટોબર ક્રાંતી પછીના શીલ્પી તરીકે મુલ્યાંકન કરીશું. ઇટાલીના મુસોલીની અને જર્મનીના હીટલરની એકહથ્થુ રાજકીયસત્તા પ્રાપ્તી માટેની રીતરસમો અને રશીયાની ઓકોટબર ક્રાંતી એ ઉભા કરેલા રાજકીય, સામાજીક ને આર્થીક પડકારો તદ્દન ભીન્ન હતા. રશીયન ક્રાંતી એ કાર્લ માર્કસના સામ્યવાદી વીચારોને આધારે લેનીન અને તેના સાથીદારોએ પોતાની બોલ્શેવીક પક્ષની મદદથી વીશ્વમાં પ્રથમવાર રશીયન ઝારની સત્તાને હરાવીને મુળભુત રીતે સમગ્ર સમાજનું પરીવર્તન કરવા મથવાનું હતું.

 સામ્યવાદના પાયાના સીધ્ધાંતોનો વાસ્તવીક રોજબરોજના જીવનમાં અમલ કરાવીને નવું રશીયન રાજ્ય અને તેની મદદથી નવા રશીયન સમાજની રચના કરવાની હતી. કાર્લ માર્કસના સામ્યવાદી ચીંતન પ્રમાણે વીશ્વમાં સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ કોઇ દેશમાં થશે તો, જે દેશમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ હશે ત્યાં થશે. કારણકે માર્કસના તારણ પ્રમાણે ક્રાંતીના વાહકો ઔધ્યોગીક મજુરો સીવાય બીજુ કોઇ ન હોઇ શકે. મુડીવાદી વ્યવસ્થાની નફા અને સરપ્લસની અસમાન વહેંચણીનું પરીણામ પેલા મજુરોને તે વ્યવસ્થા સામે ક્રાંતી કરવા મજબુર કરશે. માર્કસનો વીશ્વાસ હતો કે તેથી યુરોપમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ કોઇ દેશમાં થયું હોય તો તે જર્મનીમાં થયું હોવાથી સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ જર્મનીમાં થશે. પણ વીશ્વની સૌ પ્રથમ સામ્યવાદી ક્રાંતી રશીયા જેવા ઔધ્યોગીક રીતે ઘણા પછાત દેશમાં થઇ.

રશીયામાં ક્રાંતી કરનાર લેનીનના જુથે સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે સમાજની નવરચના કરવાની હતી. સીધ્ધાંતોને અમલમાં મુકવા માટે તેની સામે પાંચ મોટા બીહામણા પડકારો હતા. (૧) તમામ ખાનગી મીલકતની નાબુદી,(૨) ખેતીક્ષેત્રનું રાજ્ય સંચાલીત સામુહીકરણ (Collectivization of Agriculture) (૩) દેશના ઝડપી ઔધ્યોગીક વીકાસ માટે પંચવર્ષીય યોજનાઓ માટે મુડીનું આંતરીક અર્થતંત્રમાંથી સર્જન (૪) દેશમાં આંતરીક ગૃહ યુધ્ધની નાબુદી ( સીવીલ વોર) (૫) વૈશ્વીક સંસ્થાનવાદને નાબુદ કર્યા સીવાય રશીયન સામ્યવાદ ટકી શકે ખરો?

આ બધા આંતરીક તેમજ બાહ્ય પરીબળો રશીયન ક્રાંતીને નીષ્ફળ બનાવવા મેદાને પડેલા હતા. બીજુ, જુની સ્થાપીત વ્યવસ્થા પાસેથી સત્તા આંચકી લેવી એક વાત છે અને નવા આદર્શો પ્રમાણે પેલા ક્રાંતીના મશાલચીઓની મદદથી નવા રાજ્યની રચના કરવી તે વાત સરળ નથી હોતી. તે માટેનું બૌધ્ધીક માળખું પ્રજામાં રાતોરાત તૈયાર કરી શકાતું નથી. રશીયન અર્થતંત્ર તે સમયે કૃષીપ્રધાન હતું. ઔધ્યોગીક સમાજમાં જે સમાજવાદી અર્થરચના માટેની પુર્વ સામાજીક સ્થીતીનું અસ્તીત્વ હોવું જોઇએ તે ગેરહાજર હતું. જેમાં કામદારોની ભાગીદારીથી કમ માલીકીથી ઔધ્યોગીક એકમો ચાલવા જોઇએ તે રશીયામાં હતા જ નહી. માટે લેનીને સમાજવાદી અર્થતંત્રને(Socialist Economy)  બદલે રાજ્ય મુડીવાદ આધારીત અર્થતંત્ર પસંદ કર્યું. ( State Capitalism).

રશિયન ક્રાંતીમાં ઘણા બધા નેતાઓ હતા, સમક્ક્ષ સાથીઓ હતા. તેમાં ત્રણ, લેનીન, સ્ટાલીન અને ટ્રોટસ્કી મુખ્ય હતા. જ્યાંસુધી લેનીન જીવ્યો ત્યાંસુધી તે ક્રાંતીનો સર્વેસર્વા રહ્યો હતો. તે સૈધ્ધાંતીક માર્કસવાદી હતો. સાથે સાથે તે ખુબજ વાસ્તવાદીપણ ( Empiricist cum Objectivist) હતો. રશીયન ક્રાંતીને તેની શરૂઆતની પ્રસુતાના વેદના કાળમાંથી બચાવનાર કોઇ હોય તો તે ઇલીચ (લેનીનનું મીત્રો સાથેનું લાડકુ નામ).

 સને ૧૯૧૭ની ઓકટોબર ક્રાંતીથી ૧૯૨૩ સુધીનો એટલે લેનીનના મૃત્યુ સુધીનો સમય( ૨૪–૦૧–૧૯૨૪).

આ છ વર્ષના સમય ગાળા દરમ્યાન ત્રણ ઘણાજ અગત્યના બનાવો બન્યા હતા. જેને ઉકેલવા લેનીને લીધેલા નીર્ણયોથી નવી નવી રશીયન ક્રાંતી જીવી ગઇ.

 (૧) જર્મન લશ્કરે રશીયાના કેટલાક ભાગ પર પહેલા વીશ્વયુધ્ધમાં કબજો કરી લીધો હતો. રશીયન સૈનીકો યુધ્ધમાંથી પોતાના ગામ તરફ હજારોની સખ્યામાં બંદુકો મુકીને નાસી આવતા હતા. ટ્રોટસ્કીને બોલ્શેવીક પાર્ટીના બહુમતી સભ્યોનો ટેકો મલી ગયો કે આવા સંજોગોમાં પણ સૈનીકોએ યુધ્ધ ચાલુ રાખવું જોઇએ.તેની સામે લેનીને રેડીયો પર જાહેરાત કરી દીધી કે જર્મન જનરલે જે સંધી( Brest-Litovsk Treaty)માટેનો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં રશીયાનો જર્મનીએ જીતેલો ભાગ તેને આપી દેવાનો છે. તેના પર સહી કરશે. લેનીને ટ્રોટસ્કીના બહુમતી સભ્યોને પુછયું કે તમે કઇ બહુમતીના પ્રતીનીધીઓ છો? તમને ખબર છે ખરી કે સેનીકો કોણ છે? દેશના ખેડુતો ! તો બહુમતીમાં તમે છો કે ખેડુતો?  તે યુધ્ધ નથી ઇચ્છતા તે તમે જોઇ શકો છો ખરા?

(૨) વોર કોમ્યુનીઝમનો સમય– ક્રાંતી પછીના સમયમાં બોલશેવીકોએ( સામ્યવાદી પક્ષ) ત્રણ વચન પાળવાના હતા. આ વચનો પ્રથમ વીશ્વ યુધ્ધ સમયે લેનીનના પક્ષે રશીયન લોકોને આપેલા હતા. શાંતી, બ્રેડ અને સામંતો (કુલકસ) પાસેથી જમીન.( Peace, Bread & Land to Tillers) શાંતી માટે જર્મની સાથે સંધી કરી. શહેરી પ્રજા માટે રેશન પુરુ પાડવાનું હતું. તે માટે ગામડામાંથી ફરજીયાત અનાજ જપ્ત કરવા લશ્કરનો ઉપયોગ લેનીનની પાર્ટીએ કરવા માંડયો. જમીનની માલીકી સામંતો પાસેથી લઇને ખેડુતોને આપવાની હતી. તેને બદલે રાજ્યની માલીકીની બનાવી દીધી.(Collectivization of Agriculture).

કાતરની કટોકટી-( Scissors Crisis)-( ૧૯૧૮–૧૯૨૧) કાતરની બે પાંખ હોય છે. રશીયન અર્થતંત્રમાં કાતરની એક પાંખ એટલે અનાજના ભાવો અને બીજી પાંખ એટલે ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો. બંને પાંખ સમાન કે સરખી રહેવાની બદલે બંને પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું.આ બે કાતરની પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું. તેને વોર કોમ્યુનીક્ઝમના સમયમાં કાતરની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ખેતપેદાશોના ભાવો ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો કરતાં અનેક ગણા વધી ગયા. શહેરોમાં રોટી પ્રાપ્ત કરવા હીંસક તોફાનો થવા માંડયા. લેનીને સામ્યવાદના ખાનગી મુડી અને તમામ સંપત્તી નાબુદ કરવાના સીધ્ધાંતનો અમલ તાત્કાલીક મોકુફ રાખવો પડયો. જેનો ટ્રોટસ્કી અને બુખારીન જેવા નેતાઓએ સખત વીરોધ કર્યો. પણ લેનીનની ક્રાંતી બચાવવા માટેની દુરંદેશી નીતીને ધ્યાનમાં રાખીને સ્ટાલીન, માઇકલ બોરોડીન વી. નેતાઓએ લેનીનને ટેકો આપ્યો. લેનીનની નીતીથી હમણાં સામ્યવાદી સીધ્ધાંતોના અમલ માટે બે પગલાં પીછેહઠ કરો . જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ વધી શકાય.( Let us go two steps backward for going three steps forward in future.) લેનીનની આ નીતીને નવી આર્થીક નીતી ( New Economic Policy NEP) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાનગી મુડી, બચત અને ખેતઉત્પાદનની માલીકી અંગત ખેડુતોની હંગામી ધોરણે કરાર કરીને ચાલુ રાખવામાં આવી.

 

--