Saturday, June 6, 2020

ગુજરાતમાં પક્ષપલ્ટોઅંદર અને કોરોના ૧૯ બહાર !!!!

ગુજરાતમાં પક્ષપલ્ટો અંદર અને કોરોના ૧૯ બહાર !!!!

૧૯મી જુનના રોજ ગુજરાતમાં રાજ્યસભાના ચાર સભ્યોને ચુંટવા માટેની ચુંટણી છે. કોરાના વાયરસના ફેલાવાની અસર ગુજરાતમાં કાબુ બહાર જઇ રહી છે એમ સ્પષ્ટ દેખાય છે. રાજ્ય સરકારને કોરાનાની અસરો જેટલી દેખાય છે તેના કરતાં સામાન્ય નાગરીકને તેની ગંભીરતા વધારે દેખાય છે.

આયોજનબધ્ધ રીતે ગુજરાતની રાજ્યસભાની ચુંટણીના ગણીતના આધારે પ્યાદાઓ ગોઠવવા જે સત્તાપક્ષ અને વીરોધપક્ષના મોરચા મંડાઇ રહ્યા છે તે ખુબજ દુ;ખદ છે.અતી નીરાશાજનક છે. આ બધા ચુંટાયેલા ધારાસભ્યો કોના પ્રતીનીધીઓ છે? પ્રજાના, પક્ષના, હાઇકમાન્ડના(!) કોઇ એક માત્ર નેતાના! કોના? બોલો? પક્ષપલ્ટો કરવા કે પક્ષમાંથી રાજીનામું આપવા માટેનું પ્રેરક બળ શું? પ્રધાન મંડળની નાની મોટી ખુરશી, અઢળક પૈસાની લાલચ! શું.? પ્રશ્નનો જવાબ કોની પાસે છે? બીજો સવાલ આપણને મતદારો તરીકે છે. મેં કે તમે મત, ઉમેદવારની લાયકાત, તેનો લોકપ્રતીનીધી તરીકે તેનો ભુતકાળ વી, નક્કી કરીને મત આપ્યો હતો ખરો?  ઉમેદવારની જ્ઞાતી, ધર્મ, સંપ્રદાય, પૈસા, કે પછી ચુંટણીની આગલી રાત્રે છુટથી મળતી પેલીપોટલી(!) અથવા અને બીજા કોઇ પ્રલોભનોને આધારે તો મત આપ્યો ન હતો ને? ઉમેદવારના પક્ષને જોઇને મત આપ્યો હતો? કે પછી બીજા તમામ પરીબળોને બાજુ પર મુકીને માત્ર ચુંબકીય આકર્ષણ ધરાવતા જે તે પક્ષના હવાઇ જહાજમાં આવતા–જતા નેતાને ધ્યાનમાં રાખીને મત આપ્યો હતો!  હવે આપણા પેલા ધારાસભ્ય, સંસદ સભ્ય, જીલ્લા પંચાયત કે નગરપાલીકાના સભ્યની વફાદારી કોની છે તે તમને કોઇની ભક્તી ભજ્યા સીવાય કે કંઠી બાંધ્યા વીના સમજી શકાય છે ખરી? મતદાર તરીકે ચુંટણીના મંડપમાં પાંચ વર્ષે એક વાર મત આપવા માટે  ભેગા થયા પછી તમારી પાસે મતદાર તરીકે તમારા ચુંટાયેલા પ્રતીનીધી પર કોઇપણ પ્રકારનું નીયંત્રણ રાખવાનું  કોઇ સક્રીય માળખું છે? અધીકાર છે ખરો? તો પછી તમારા મતથી જ ચુંટાયેલા પેલા જ્ઞાતી, ધર્મ, પક્ષ કે નેતાના પ્રતીનીધીની વફાદારી કોની હોય? મને એટલી બરાબર ખબર છે કે આવા પ્રતીનીધીઓની વફાદારી તેના મતદારોની તો બીલકુલ હોતી જ નથી. સંસદીય લોકશાહી પ્રતીનીધી પસંદગી કરવાની પ્રથા હવે એ તબક્કે આવીને ઉભી રહી છે કે જેમાંથી જે નેતા, પક્ષ અને તેનું સત્તા ટકાવી રાખનારૂ માળખું નાગરીકોને યેનકેન પ્રકારે જાતભાતના બાનમાં મુકીને પાંચ વર્ષમાં જે રમત રમાડે તે રમત રમ્યા સીવાય બીજો માર્ગ જ ક્યાં છે. પાંચ વર્ષ પછી પણ માલીકો બદલવાથી પક્ષશાહી, નેતાશાહીની ગુલામી ક્યાં બદલાય છે. ફરી પાંચ વર્ષે કોઇ મદારી, રંગલો, નવી જુમલેબાજીની ડુગડુગી કે વાંસળી વગાડે એટલે બસ મતદારો તરીકે આપણે આપણા બીસ્રા પોટલા લઇને નવા તારણહાર ના શરણે! છેલ્લાં પાંચહજાર વર્ષોથી ભારતીય પ્રજા પોતાના તારણહારો પેલા સંભવામી યુગે યુગેપ્રમાણે બદલતી રહીને ૨૧માં સદીમાં ક્યાં આવીને ઉભી છે તે કોને દેખાતું નથી !

--