જોસેફ સ્ટાલીન ( ૧૮૭૮– ૧૯૫૩)
ફ્રેંક દીકોત્તરના પુસ્તક ' હાઉ ટુ બી એ ડીક્ટેટર' માં જોસેફ સ્ટાલીનનું ત્રીજુ પ્રકરણ છે. ડીક્ટેટર મુસોલીની અને હીટલરની સરખામણીમાં સ્ટાલીનનું વ્યક્તીત્વ શરૂઆતને તબક્કે બીલકુલ અનોખું હતું. આપણે પણ સ્ટાલીનના વ્યક્તીત્વને રશીયાની સને ૧૯૧૭ના ઓક્ટોબર ક્રાંતી પછીના શીલ્પી તરીકે મુલ્યાંકન કરીશું. ઇટાલીના મુસોલીની અને જર્મનીના હીટલરની એકહથ્થુ રાજકીયસત્તા પ્રાપ્તી માટેની રીતરસમો અને રશીયાની ઓકોટબર ક્રાંતી એ ઉભા કરેલા રાજકીય, સામાજીક ને આર્થીક પડકારો તદ્દન ભીન્ન હતા. રશીયન ક્રાંતી એ કાર્લ માર્કસના સામ્યવાદી વીચારોને આધારે લેનીન અને તેના સાથીદારોએ પોતાના બોલ્શેવીક પક્ષની મદદથી વીશ્વમાં પ્રથમવાર રશીયન ઝારની સત્તાને હરાવીને મુળભુત રીતે સમગ્ર સમાજનું પરીવર્તન કરવા મથવાનું હતું.
સામ્યવાદના પાયાના સીધ્ધાંતોનો વાસ્તવીક રોજબરોજના જીવનમાં અમલ કરાવીને નવું રશીયન રાજ્ય અને તેની મદદથી નવા રશીયન સમાજની રચના કરવાની હતી. કાર્લ માર્કસના સામ્યવાદી ચીંતન પ્રમાણે વીશ્વમાં સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ કોઇ દેશમાં થશે તો, જે દેશમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ હશે ત્યાં થશે. કારણકે માર્કસના તારણ પ્રમાણે ક્રાંતીના વાહકો ઔધ્યોગીક મજુરો સીવાય બીજુ કોઇ ન હોઇ શકે. મુડીવાદી વ્યવસ્થાની નફા અને સરપ્લસની અસમાન વહેંચણીનું પરીણામ પેલા મજુરોને તે વ્યવસ્થા સામે ક્રાંતી કરવા મજબુર કરશે. માર્કસનો વીશ્વાસ હતો કે તેથી યુરોપમાં સૌથી વધારે ઔધ્યોગીકરણ કોઇ દેશમાં થયું હોય તો તે જર્મનીમાં થયું હોવાથી સામ્યવાદી ક્રાંતી સૌ પ્રથમ જર્મનીમાં થશે. પણ વીશ્વની સૌ પ્રથમ સામ્યવાદી ક્રાંતી રશીયા જેવા ઔધ્યોગીક રીતે ઘણા પછાત દેશમાં થઇ.
રશીયામાં ક્રાંતી કરનાર લેનીનના જુથે સામ્યવાદના સીધ્ધાંતો પ્રમાણે સમાજની નવરચના કરવાની હતી. સીધ્ધાંતોને અમલમાં મુકવા માટે તેની સામે પાંચ મોટા બીહામણા પડકારો હતા. (૧) તમામ ખાનગી મીલકતની નાબુદી,(૨) ખેતીક્ષેત્રનું રાજ્ય સંચાલીત સામુહીકરણ (Collectivization of Agriculture) (૩) દેશના ઝડપી ઔધ્યોગીક વીકાસ માટે પંચવર્ષીય યોજનાઓ માટે મુડીનું આંતરીક અર્થતંત્રમાંથી સર્જન (૪) દેશમાં આંતરીક ગૃહ યુધ્ધની નાબુદી ( સીવીલ વોર) (૫) વૈશ્વીક સામ્રાજ્યવાદ–સંસ્થાનવાદ-ને(Imperialism) નાબુદ કર્યા સીવાય રશીયન સામ્યવાદ ટકી શકે ખરો?
આ બધા આંતરીક તેમજ બાહ્ય પરીબળો રશીયન ક્રાંતીને નીષ્ફળ બનાવવા મેદાને પડેલા હતા. બીજુ, જુની સ્થાપીત વ્યવસ્થા પાસેથી સત્તા આંચકી લેવી એક વાત છે અને નવા આદર્શો પ્રમાણે પેલા ક્રાંતીના મશાલચીઓની(!) મદદથી નવા રાજ્યની રચના કરવી તે વાત સરળ નથી હોતી. તે માટેનું બૌધ્ધીક માળખું પ્રજામાં રાતોરાત તૈયાર કરી શકાતું નથી. રશીયન અર્થતંત્ર તે સમયે કૃષીપ્રધાન હતું. ઔધ્યોગીક સમાજમાં જે સમાજવાદી અર્થરચના માટેની પુર્વ સામાજીક સ્થીતીનું અસ્તીત્વ હોવું જોઇએ તે ગેરહાજર હતું. જેમાં કામદારોની ભાગીદારીથી કમ માલીકીથી ઔધ્યોગીક એકમો ચાલવા જોઇએ તે રશીયામાં હતા જ નહી. માટે લેનીને સમાજવાદી અર્થતંત્રને(Socialist Economy) બદલે રાજ્ય મુડીવાદ આધારીત અર્થતંત્ર પસંદ કર્યું. ( State Capitalism).
રશિયન ક્રાંતીમાં ઘણા બધા નેતાઓ હતા, સમક્ક્ષ સાથીઓ હતા. તેમાં ત્રણ, લેનીન, સ્ટાલીન અને ટ્રોટસ્કી મુખ્ય હતા. જ્યાંસુધી લેનીન જીવ્યો ત્યાંસુધી તે ક્રાંતીનો સર્વેસર્વા રહ્યો હતો. તે સૈધ્ધાંતીક માર્કસવાદી હતો. સાથે સાથે તે ખુબજ વાસ્તવાદીપણ ( Empiricist cum Objectivist) હતો. રશીયન ક્રાંતીને તેની શરૂઆતની પ્રસુતાના વેદના કાળમાંથી બચાવનાર કોઇ હોય તો તે ઇલીચ (લેનીનનું મીત્રો સાથેનું લાડકુ નામ) હતો.
સને ૧૯૧૭ની ઓકટોબર ક્રાંતીથી ૧૯૨૩ સુધીનો એટલે લેનીનના મૃત્યુ સુધીનો સમય( ૨૪–૦૧–૧૯૨૪).
આ છ વર્ષના સમય ગાળા દરમ્યાન ત્રણ ઘણાજ અગત્યના બનાવો બન્યા હતા. જેને ઉકેલવા લેનીને લીધેલા નીર્ણયોથી નવી નવી રશીયન ક્રાંતી જીવી ગઇ.
(૧) જર્મન લશ્કરે રશીયાના કેટલાક ભાગ પર પહેલા વીશ્વયુધ્ધમાં કબજો કરી લીધો હતો. રશીયન સૈનીકો યુધ્ધમાંથી પોતાના ગામ તરફ હજારોની સખ્યામાં બંદુકો મુકીને નાસી આવતા હતા. ટ્રોટસ્કીને બોલ્શેવીક પાર્ટીના બહુમતી સભ્યોનો ટેકો મલી ગયો કે આવા સંજોગોમાં પણ સૈનીકોએ યુધ્ધ ચાલુ રાખવું જોઇએ.તેની સામે લેનીને રેડીયો પર જાહેરાત કરી દીધી કે જર્મન જનરલે જે સંધી( Brest-Litovsk Treaty)માટેનો મુસદ્દો તૈયાર કર્યો છે જેમાં રશીયાનો જર્મનીએ જીતેલો ભાગ તેને આપી દેવાનો છે. તેના પર સહી કરશે. લેનીને ટ્રોટસ્કીના બહુમતી સભ્યોને પુછયું કે તમે કઇ બહુમતીના પ્રતીનીધીઓ છો? તમને ખબર છે ખરી કે સેનીકો કોણ છે? દેશના ખેડુતો ! તો બહુમતીમાં તમે છો કે ખેડુતો? તે યુધ્ધ નથી ઇચ્છતા તે તમે જોઇ શકો છો ખરા?
(૨) વોર કોમ્યુનીઝમનો સમય– ક્રાંતી પછીના સમયમાં બોલશેવીકોએ( સામ્યવાદી પક્ષ) ત્રણ વચન પાળવાના હતા. આ વચનો પ્રથમ વીશ્વ યુધ્ધ સમયે લેનીનના પક્ષે રશીયન લોકોને આપેલા હતા. શાંતી, બ્રેડ અને સામંતો (કુલકસ) પાસેથી જમીન.( Peace, Bread & Land to Tillers) શાંતી માટે જર્મની સાથે સંધી કરી. શહેરી પ્રજા માટે રેશન પુરુ પાડવાનું હતું. તે માટે ગામડામાંથી ફરજીયાત અનાજ જપ્ત કરવા લશ્કરનો ઉપયોગ લેનીનની પાર્ટીએ કરવા માંડયો. જમીનની માલીકી સામંતો પાસેથી લઇને ખેડુતોને આપવાની હતી. તેને બદલે રાજ્યની માલીકીની બનાવી દીધી.(Collectivization of Agriculture).
કાતરની કટોકટી-( Scissors Crisis)-( ૧૯૧૮–૧૯૨૧) કાતરની બે પાંખ હોય છે. રશીયન અર્થતંત્રમાં કાતરની એક પાંખ એટલે અનાજના ભાવો અને બીજી પાંખ એટલે ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો. બંને પાંખ સમાન કે સરખી રહેવાની બદલે બંને પાંખો વચ્ચેનું અંતર વધતું ગયું.. તેને વોર કોમ્યુનીઝમના સમયમાં કાતરની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ખેતપેદાશોના ભાવો ઔધ્યોગીક ચીજ વસ્તુઓના ભાવો કરતાં અનેક ગણા વધી ગયા. શહેરોમાં રોટી પ્રાપ્ત કરવા હીંસક તોફાનો થવા માંડયા. લેનીને સામ્યવાદના ખાનગી મુડી અને તમામ સંપત્તી નાબુદ કરવાના સીધ્ધાંતનો અમલ તાત્કાલીક મોકુફ રાખવો પડયો. જેનો ટ્રોટસ્કી અને બુખારીન જેવા નેતાઓએ સખત વીરોધ કર્યો. પણ લેનીનની ક્રાંતી બચાવવા માટેની દુરંદેશી નીતીને ધ્યાનમાં રાખીને સ્ટાલીન, માઇકલ બોરોદીન વી. નેતાઓએ લેનીનને ટેકો આપ્યો. લેનીનની નીતીથી હમણાં સામ્યવાદી સીધ્ધાંતોના અમલ માટે બે પગલાં પીછેહઠ કરો . જેથી ભવીષ્યમાં ત્રણ પગલાં આગળ વધી શકાય.( Let us go two steps backward for going three steps forward in future.) લેનીનની આ નીતીને નવી આર્થીક નીતી ( New Economic Policy NEP) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખાનગી મુડી, બચત અને ખેતઉત્પાદનની માલીકી અંગત ખેડુતોની હંગામી ધોરણે કરાર કરીને ચાલુ રાખવામાં આવી. તે રીતે દેશની અંદર ક્રાંતીએ પેદા કરેલા આંતરીક વીરોધી પરીબળોને નીયંત્રણ રાખવામાં આવ્યા.
સને ૧૯૨૪ના જાન્યુઆરી માસમાં લેનીનનું મુત્યુ થયું. લેનીને પોતાની હયાતીમાં સ્ટાલીનને પાર્ટીનો જનરલ સેક્રેટરી બનાવી દીધો હતો. સ્ટાલીનને ક્રમશ; જનરલ સેક્રેટરી તરીકેથી માંડીને ફક્ત પક્ષના વડાની સાથે સાથે તે રાજ્યનો વડો પણ બની ગયો. રાજકીય સત્તાની સાઠમારી હવે સ્ટાલીન અને ટ્રોટસ્કી વચ્ચે પેદા થઇ ગઇ.
આંતરીક ગૃહયુધ્ધની સ્થીતી સમગ્ર બોલ્શેવીક પક્ષની સરકારને અસ્થીર કરી ન નાંખે માટે ખેડુતોના પ્રતીનીધીઓ સાથે સ્ટાલીને રાજ્યની માલીકીની જમીન ૨૦ થી ૪૦ વર્ષના લીઝડીડ કરીને ટ્રાન્સફર કરી. જે પગલું મુડીવાદ તરફી છે તેમ કરીને ટ્રોટસ્કીએ વીરોધ કર્યો. સ્ટાલીને વાસ્તવીક બનીને પક્ષને જણાવ્યું કે જેમ આપણે બંધારણમાં ફેરફાર કરીએ છીએ તેમ અનુકુળતાએ લીઝડીડમાં પણ ફેરફાર કરી શકીશું. પક્ષના ૧૨ સભ્યો સાથે ટ્રોટસ્કીને પક્ષમાંથી બહાર કાઢી મુંકવામાં આવ્યા અને એક વરસ પછી ટ્રોટસ્કીને કાયમ માટે દેશ નીકાલ કરી દેવામાં આવ્યો. ક્રાંતી માટે એક કહેવત છે કે ' સૌ પ્રથમ ક્રાંતી પોતાના બાળકોને ભરખી જાય છે' તે સાચી પડી.
ઔધ્યોગીક એકમોમાં કામ કરતા મજુરો, તેમજ શહેરી રશીયન વસ્તી માટે અનાજ, દુધ, ઇંડા તેમજ મટનની જરૂરીયાત ઉભી થઇ.તથા પંચવર્ષીય યોજનાના મોટા ઉધ્યોગો માટેની મશીનરી પરદેશથી વેચાતી લાવવા સામે વીનીમયમાં અનાજ અને ઉપર જણાવેલ ખેતપેદાશો આપવી પડી. સ્ટાલીને બંદુકની અણીએ ગામડામાં લશ્કર મોકલી ને અનાજ વી. લોકો પાસેથી રાજ્ય સરકારે પડાવી લીધું. લુંટી લીધું. ગ્રામ્યજીવનમાં મોટાપાયે દુકાળ, આંતરીક અશાંતી અને સામસામી વીરોધી હીતો વચ્ચે યુધ્ધની સ્થીતી પેદા થઇ ગઇ. લોકોના ઘરોમાં સર્ચ કરી, અનાજ વી લઇ લેવામાં આવ્યું. સ્ટાલીનની સુચનાથી રાજ્યની નીતીનો વીરોધ કરનારા બધા પોતાના ઘરોમાંથી કાયમ માટે અદ્શય થવા માંડ્યા. આ ઉપરાંત દેશનો બૌધ્ધીક વર્ગ જેવોકે મેનેજર, આયોજન કરનારપ્લાનર્સ, એન્જીનયર્સ અને બહારના દેશના નાગરીકો જે આંતરીક અંધાધુધી કે અશાંતી પેદા કરનારા લાગ્યા તે બધા ઉપર સ્ટાલીનની સરકાર તુટી પડી.
લેનીને પોતાના સમયથીજ રશીયાને વીશ્વનું એક પક્ષીય શાસનવાળું રાજ્ય બનાવી દીધું હતું. પોતાના પક્ષની બહારના તમામ રાજકીય અને બીનરાજકીય તમામ સંગઠનોને આયોજનબધ્ધ રીતે નેસ્તનાબુદ કરી દીધા હતા. બધાજ રાજકીય પક્ષો, ટ્રેડયુનીયન્સ, મીડીયા, ચર્ચો, તમામ સંસ્થાઓને પોતાની એડીનીચે લાવી દીધા હતા.મુક્ત ચુંટણીઓ પર ૧૯૧૭થી જ પ્રતીબંધ મુકી દેવામાં આવ્યો હતો. કાયદાના શાસનને નામશેષ કરી નાંખવામાં આવ્યું. ન્યાય ક્રાંતીકારીની ટુકડી કે તેના નેતા નક્કી કરે તે. ક્રાંતી વીરોધીઓ માટે સાઇબીરીયાના યાતનાદાયક કેમ્પસની ( Concentration Camps or Gulag system) છાવણીઓ મોટા પાયે તૈયાર કરવામાં આવી હતી. જેમાં વીશ્વ વીખ્યાત નવલકથા ' ડૉ ઝીવાગોના નોબેલ પ્રાઇઝ વીજેતા લેખક બોરીસ પાસ્તરનાક અને ' ગુલાગ આર્કીપેલેગો'ના લેખક સોલઝેનીત્સનને પણ આત્માના અવાજ પ્રમાણે જીવવા માટે ઘણા વર્ષો સુધી ધકેલી દેવામાં આવ્યા હતા.
વીશ્વભરના કામદારોને દીવાસ્વપ્ન દેખાડીને સ્ટાલીને પોતાના દેશમાં રાજ્યની ઇચ્છા મુજબ કામદારોને અઠવાડીયાના સાતે ય દીવસ રાજ્યનો ઇન્સપેક્ટર નક્કી કરે તેટલા સમય કામ કરવા મજબુર કર્યા. તો જ મુડીવાદ સામે મજબુત સોવીયેત રશીયા ઉભું થઇ શકે ને! કુલ્કસ ( મોટા જમીનદારો) સીવાયના જમીનવીહોણા ખેતમજુરો તથા નાના ખેડુતોને ટોળાં એકત્ર કરીને રાજ્ય ફાર્મસમાં મજુરીએ વળગાડી દીધા. અને ૩,૨૦૦૦૦ કુલ્કસ કુટુંબોની જમીન લઇ લઇને સામાજીક રીતે પોતાના સ્થાનીક સ્થળો પરથી ખદેડી થઇને મોટાભાગનાને યાતના છાવણીમાં, કોલસાની ખાણોમાં થતા દેશના દુરદુરના વીસ્તારોમાં મજુરી કરવા ક્યારેય પાછા ન આવે તેવા સ્થળો પર મોકલી દેવામાં આવ્યા. તે બધાની ભુતકાળની કોઇ નીશાનીઓ મુળસ્થળે બાકી રાખી જ નહી.( S viewed collectivization as a unique opportunity to liquidate the entire kulak Class as some 3,20000 household were broken up, members sent to concentration camps, forced to work in mines or transported to the distance region of the soviet union….)
સને ૧૯૩૨માં રશીયાના ગામડાઓમાં ભુખમરાથી આશરે ૬૦ લાખ લોકો મરી ગયા હતા. કારણ કે દેશને ઉધ્યોગો સ્થાપવા માટે જરૂરી યંત્ર સામગ્રી પરદેશથી લાવવા વીદેશી હુડીયામણના અવેજમાં બંદુકની અણીએ ગામડામાંથી એકત્ર કરેલ અનાજ, ઇંડા, મટન અને દુધ લાખો ટન આપવું પડયું હતું. લોકોને જમીન પરના ઘાસ અને ઝાડની છાલ ખાઇને જીવવા મજબુર કર્યા. ( In 1932 famine—60 lakhs people died of hunger in rural side or country side…why? Because as huge stock of grain as well as millk, eggs & meat were sold on international market to finance the five year plan… reduced to eat grass & tree bark..).
કામદારોની સરમુખત્યારવાળું સોવીયેત રશીયા હવે એકજ વ્યક્તીની સરમુખત્યારશાહીમાં ફેરવાઇ ગયું. હવે મુસોલીની, હીટલર ને સ્ટાલીનમાં કોઇ તફાવત રહ્યો નહી. સને ૧૯૩૬ના ઓગસ્ટમાં એક સમયના ક્રાંતીની ટોચની કક્ષાના સાથીદાર અને સમકક્ષ ઝીનોવીયુ,અને બુખારીનને બહાનું કાઢીને છેતરપીંડીથી મારી નંખાવ્યા. ૧૫ લાખ સામાન્ય રશીયન નાગરીકોને ક્રાંતી સામેના દુશ્મનો ગણાવીને મારી નાંખવામાં આવ્યા. સને ૧૯૩૭–૩૮માં રાજ્યહીત વીરોધીઓને મારી નાંખવાની સંખ્યા પ્રતીદીન ૧૦૦૦ની થઇ ગઇ હતી. લોકોને મારી નાંખવા માટેની ઓળખો બહાર પાડવામાં આવી. વર્ગીય દુશ્મન, પક્ષીય દુશ્મન, આંતરીક અંધાધુધી ફેલાવાની દહેશત ઉભી કરનારા,અને જેના પડોશીઓ તથા સગાવહાલા જેમને દેશદ્રોહી, વીદેશી એજંટ તરીકે ઓળખાવે તે બધાને રાજ્યે પોતાની રીતે ન્યાય આપીને કાયમ માટે શાંત કરી દીધા. (At the campaign's height in 1937-38 the execution rate was 1000 per day… People accused of being class enemies, saboteurs, oppositionists & some denounced by their own neighbours.. or relatives..)
સ્ટાલીનની વ્યક્તી પુજા તેના રાજ્યના ત્રાસના વધવાની સાથે વધતી ગઇ. તેણે અન્ય ઉપર ત્રાસ ફેલાવનાર કુશળ એજંટોની મદદથી ઉપરથી નીચે સુધી સમાજના તમામ અંગોને પોતાના હસ્તક લઇ લીધા. જે સ્ટાલીનની ખુશામત કરે તેની આસપાસ તે બધા જ રહી શકે!
મોસ્કોના વીશ્વ વીખ્યાત લાલચોક ' રેડસ્કેવર' માંથી કાર્લ માર્કસની પ્રતીમા કાઢી નાંખવામાં આવી. તેના સ્થાને લેનીન અને સ્ટાલીનની પુર્ણ સાઇઝની પ્રતીમાઓ મુકવામાં આવી. ૨૧મી ડીસેમ્બરે ૧૯૨૯ના રોજ સ્ટાલીનને પચાસ વર્ષ પુરા થયા. તે જન્મ દીવસ સ્ટાલીને રંગેચંગે ઉજવ્યો. પહેલી મે અને ૧૭મી ઓક્ટોબર ક્રાંતી દીવસ એમ ફક્ત વર્ષમાં માત્ર બે દીવસ લોકો સમક્ષ આવવાનું સ્ટાલીને પોતાની સલામતીને લક્ષમાં લઇને આવવાનું નક્કી કર્યુ. સ્ટાલીને પોતાની આજબાજુ કામ કરતા પક્ષીય સાથીઓ તેમજ અન્ય ઉપર સતત શંકા અને અવીશ્વાસ રાખવાનું શરૂ કરી દીધું.( But S started distrusting people around him..p74..)
વાહ રે વાહ! આખી દુનીયાને ભય પમાડનાર સરમુખત્યારો પોતાના પડછાયાથી બીવા માંડયા!
જુની તમામ કલા સાહીત્યને નાશ કરવામાં આવ્યા. જે કલા અને સાહીત્ય બોલ્શેવીક ક્રાંતીના ગુણગાન ગાય તે જ સાચી કલા અને સાહીત્ય. કામદારોની ગેરહાજરી વીનાની પરીકથાઓ પર પ્રતીબંધ મુકવામાં આવ્યો. બાળકોને ટ્રેકટર અને કોલસાની ખાણોના ફોટાવાળી ચોપડીઓ બતાવીને મંત્રમુગ્ધ બનાવી દેવામાં આવ્યા. સ્ટાલીને પાંચ શહેરોના નામો પોતાના નામે જાહેર કરી દીધા.( Stalingrad, Stalinsk, Stalinabad, Stalino & Stalinagorsk.)રશીયાના એક પર્વતની ટોચનું નામ સ્ટાલીન ટોચ(Mountain peak named as S Peak..) રાખવામાં આવ્યું. . સ્ટાલીનની ૩૩ટનનું કાંસાની પ્રતીમા વોલ્ગા– દોન કેનલના પ્રવેશ દ્રાર પાસે મુકવામાં આવી.
સને ૧૯૩૯થી ૧૯૪૫ સુધીના બીજા વીશ્વ યુધ્ધનો ઇતીહાસ અગાઉ મુસોલીની અને હીટલરના લેખોમાં જણાવેલ હોવાથી અત્ર રજુ કરેલ નથી. રશીયા તરફી યુધ્ધમાં પોતાના સૈનીકો, પ્રજા અને વીશ્વના લોકશાહી પરીબળોનો સહકાર લેવા હીટલરે રશીયા પર આક્રમણ પછી સ્ટાલીને યુધ્ધને સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમના સંરક્ષણ માટેનું યુધ્ધ જાહેર કર્યું હતું. હીટલરના લશ્કરે લેનીનગ્રેડની ૨૮માસ સુધી કરેલી કીલ્લેબંધીને કારણે તે શહેરમાં લાખો લોકો ભુખમરાથી મરી ગયા હતા.
૦૧–૦૩–૧૯૫૩ નારોજ સ્ટાલીનનું બ્રેઇન હેમરેજથી અવસાન થયું. પરંતુ તેની અંતીમ વીધી તા. ૯મી માર્ચના રોજ કરવામાં આવી. તેના માનમાં ઘંટનાદ કરવામાં આવ્યો. તોપોની સલામી આપવામાં આવી. દેશનો તમામ વાહનવ્યવહાર થોડાક સમય માટે થંભાવી દેવામાં આવ્યો. લેનીનની બાજુમાં તેને દફનાવવામાં આવ્યો. તેના મૃત્યુના એક માસ પછી રશીયાના દૈનીક પેપરોએ તેના વીષે કોઇપણ માહીતી આપવાનું બંધ કરી દીધું. ......