હે ભગવાન ! તું ખરેખર કહી દે તું ક્યાં છું. આ તારા ગરબડ ગોટાળાથી દોસ્ત અમે તો થાકી ગયા છે !
આજના તા–૧૭મી જુલાઇના દીવ્ય ભાસ્કરના બે સમાચારોમાંથી સાલુ શું પસંદ કરવું તે જ સમજણ પડતી નથી.
(૧) સમાચાર–૧,મણીનગરમાં આવેલ સ્વામીનારાણ મંદીરના સ્વામીજી શ્રી પુરૂષોત્તમપ્રિયાદાસ મહારાજ ૭૮ વર્ષની ઉંમરે કોરાના સંક્રમણના ભોગ બનીને અકાળે મૃત્યુ પામ્યા. તેમને બચાવવા માટે ગુજરાત, ભારત ને વિશ્વના અનેક દેશોના તેમના લાખોની સંખ્યામાં ભક્તોઓ પ્રાર્થના કરી હતી. ભગવાનને ગમે તેવા જ કાર્યો આ સ્વામીજીએ જીંદગીભર કર્યા હતા. દા;ત. દેશ–વિદેશમાં થઇને આશરે ૨૫૨ મંદીરોની સ્થાપના કરી હતી. પોતાની સંસ્થા દ્રારા જેને માનવ સેવા કહેવાય તેવી સેવામાં આશરે ૧૦૦કરોડ રૂપીયાનું દાન કર્યું હતું. શાળાઓ, દવાખાના, સ્રી સશ્કતીકરણ ( ભલે આ સંપ્રદાયના સંતોએ (!) નામે સ્રીનું મોઢું જોવાની મનાઇ હોય) અને અસંખ્ય ગરીબ ગુરબા ને જરૂરમંત લોકોને વસ્તુઓ તથા નાણાંકીય મદદ કરી હતી. જીંદગીભર નીષ્કલંક ચારીત્રયવાન રહીને અનેકોના પ્રેરણામુર્તી બન્યા હતા. પેલા ઉપરવાલાએ આવા નીચેવાલા માણસની જીંદગીભરની આટલી બધી ધાર્મીક પ્રવૃત્તિઓની તથા માનવતાથી ભરેલા સેવા કાર્યની નોંધ તથા લાખો ભક્તોની પ્રાર્થના, અર્ચનાઓની પણ લેશમાત્ર નોંધ લીધા સીવાય પોતાની પાસે જ બોલાવી લીધા! કેમ! કોની પાસે અમારે બુધ્ધીગમ્ય કે તર્કવિવેકબુધ્ધીવાળી આ દુ;ખદ ઘટનાનો જવાબ શોધવો.
ભાઇ! જો ઉપર આવાજ બધા ગરબડ ગોટાળા ચાલતા હોય તો અમારા પેલા એક જમાનાના ' એંગ્રીયંગમેન' ફીલ્મસ્ટાર અભીતાભ બચ્ચન અને તેના કુટુંબીજનોને કોરાના પોઝેટીવ આવ્યો છે. તેના માટે હે ઉપરવાલા! તેં અમારા પેલા સ્વામીજીના લાખો ભક્તોની પ્રાર્થના ના સાંભળી તો અમારા આ ' કોન બેનગા કરોડપતીવાળા' માટે પાંચ પંદર હજાર માણસોની પ્રાર્થનાનો સંદેશો 'ભાઇ સાબ' તું ડીલીટ ના કરી નાંખજો.
(૨) સમાચાર –૨.પાન. ૧૩. દુબઇની હોસ્પીટલે ભારતના તેલંગાણાના યુવકને ૮૦ દિવસ સુધી કોરાના પોઝેટીવની સારવાર કરી, એક કરોડ અને બાવન લાખનું તેની દવાનું બીલ માફ કર્યું. તે હોસ્પીટલે પોતાના ખર્ચે ફ્લાઇટની ટીકીટ કઢાવી અને ૧૦,૦૦૦ રૂપીયા રોકડા આપીને તેને ઘેર મોકલી આપ્યો. આ સમાચાર સાથે દીવ્યભાસકરના પ્રતિનિધિએ એક પણ લીટી એવી લખી નથી કે તેના માટે કોઇએ પ્રાર્થના કરી હતી કે નહી. અથવા આ દર્દીએ પોતાની દુબઇમાં એક સામાન્ય મજુર તરીકે નોકરી કરવામાંથી બચેલા સમયમાં કેટલી માનવ સેવા કરી હતી કે નહી!
આપણે પેલા ઉપરવાલાને પુછી શકીએ ખરા કે ભાઇ! તારી પાપ–પુન્યની જમા–ઉધાર ખાતાવહીમાં નોંધો દેશી નામ પધ્ધતી પ્રમાણે કે પછી વિદેશી ડબલ–એન્ટ્ર્ર્રી બુક કીપીંગ પ્રમાણે નાંખવામાં આવે છે? અમારા બધાની પાપ–પુન્યની નોંધો કે એન્ટ્રીઝતો તમારો ખતવનારો બરાબર પાડે તો છે ને?
ખરેખર અને વાસ્તવીક હકીકત શું છે? આપણા માનવ શરીરના સંચાલનના નિયમો છે. તેના નિયમો તે પ્રમાણે ચાલે છે. તેમાં કોઇ પ્રાર્થના– અર્ચાના આધારે તેના સંચાલનમાં કોઇ ફેરફાર થતો નથી. ઇશ્વર, અલ્લાહ કે ગોડ જેવું કોઇ પરીબળ તે શરીરના સંચાલનમાં દખલગીરી કરવા ૧૦૦ ટકા શક્તીમાન નથી. તે આપણને કોરાના વાયરસના પરીણામોએ બતાવી દીધું. ખરેખર તો છેલ્લા ચાર પાંચ મહિનાઓથી ફક્ત દેશના નહી પણ વીશ્વના તમામ ધર્મોની દુકાનો જ બંધ થઇ ગઇ છે.અને પેલો ઉપરવાલો જો હશે તો બિનદાસ રીતે આપણી મુર્ખાઇ પર હસ્યા કરતો હશે . કેમ! કારણકે ૨૧મી સદીમાં હું અને તમે પહોચ્યાં પછી પણ પેલી તર્કવીવેકબુધ્ધીની બારી ખોલવામાં નિષ્ફળ ગયા છીએ.
--